You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-પાકિસ્તાન મૅચ દરમિયાન તિરંગાને લઈને એવું શું થયું કે જય શાહ ટ્રોલ થવા લાગ્યા?
- દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાઈ હતી એશિયા કપની મૅચ
- છેલ્લી ઓવર સુધી રસપ્રદ બની રહેલી મૅચમાં હાર્દિક પંડ્યાએ અપાવી જીત
- મૅચ દરમિયાન બીસીસીઆઈ સચિવ જય શાહનો એક વીડિયો થયો વાઇરલ
- વાઇરલ વીડિયોને લઇને રાજકીય પાર્ટીઓએ ભાજપ પર કર્યા પ્રહાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં એશિયા કપ માટે રવિવારે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો છે.
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ આ મૅચને જીતવામાં સૌથી વધુ યોગદાન આપ્યું છે અને ચોતરફ એમની ચર્ચા થઈ રહી છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર મૅચને લગતો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં કોઈ ખેલાડી નથી પરંતુ બીસીસીઆઈના સચિવ અને એશિયા ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ છે.
મૅચ દરમિયાન ઘણી વખત કૅમેરો જય શાહ તરફ ગયો હતો અને તેમાંથી એક વીડિયોક્લિપ શૅર કરીને વિપક્ષી પાર્ટીઓ હવે ભાજપ પર પ્રહાર કરી રહી છે.
વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં તિરંગો રાખીને જય શાહ સાથે કંઇક વાત કરતી નજરે પડે છે. સામે જય શાહ માથું હલાવીને ના પાડતા જોવા મળે છે.
આ વીડિયોને શૅર કરીને વિપક્ષી પાર્ટીઓ દાવો કરી રહી છે કે જય શાહ તિરંગો પકડવામાં ખચકાઈ રહ્યા છે.
કૉંગ્રેસે આ વીડિયો સાથે લખ્યું છે, "તિરંગાથી અંતર જાળવવાની તેમની આદત પેઢીઓ જૂની છે, કઈ રીતે જશે?"
કૉંગ્રેસ હિંદુત્વવાદી સંગઠન આરએસએસ પર તિરંગાવિરોધી હોવાનો આરોપ લગાવતી રહી છે. માનવામાં આવે છે કે આરએસએસ જ ભાજપના નિર્ણયો લેવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસના સાંસદ જયરામ રમેશે આ વીડિયો શૅર કરીને કટાક્ષ કર્યો કે "મારા પાસે પાપા છે, તિરંગો તમારી પાસે રાખો."
જ્યારે રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)એ પણ આ વીડિયો શૅર કરીને સંઘ અને ભાજપ પર નિશાન તાક્યું છે.
આરએલડીએ લખ્યું છે કે સંઘની પરંપરાને ગૃહમંત્રી અમિત શાહના પુત્ર આગળ વધારી રહ્યા છે. તેમને તિરંગાના સન્માનની જગ્યાએ તેના તિરસ્કારમાં રુચિ છે.
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ વીડિયો શૅર કરીને લખ્યું છે કે આ રીતે તિરંગાનું અપમાન એ 133 કરોડ ભારતીયોનું અપમાન છે.
કેવુ રહ્યું બંને ટીમોનું પ્રદર્શન?
ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ પહેલી વખત ભારત-પાકિસ્તાનની ટીમો આમનેસામને આવી હતી.
ભારતે ટૉસ જીતીને પહેલા પાકિસ્તાનને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું અને તેમને 19.5 ઓવરમાં 147 રન પર અટકાવી દીધા.
પાકિસ્તાન તરફથી સૌથી વધુ 43 રન મોહમ્મદ રિઝવાને બનાવ્યા હતા.
ભારત તરફથી ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 26 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. હાર્દિક પંડ્યાએ 25 રન આપીને 3 વિકેટ અને અર્શદીપ સિંહે 33 રન આપીને બે વિકેટ લીધી હતી.
જ્યારે ભારતની જીત માટે હાર્દિક પંડ્યાનું ઑલરાઉન્ડર તરીકેનું પ્રદર્શન જવાબદાર રહ્યું હતું. માત્ર 25 રન આપીને 3 વિકેટ લેવા સિવાય તેમણે 17 બૉલમાં 33 રન ફટકાર્યા હતા.
આ કારણથી જ તેમને મૅન ઓફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
અંતિમ ઓવર અને હાર્દિક પંડ્યાનો જાદુ
અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 7 રનની જરૂર હતી અને છેલ્લી ઓવરના પ્રથમ બૉલે જ જાડેજા આઉટ થયા હતા.
સેટ થઈ ગયેલા બૅટર રવીન્દ્ર જાડેજા પ્રથમ બૉલે જ આઉટ થતાં મૅચ ફરી રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ હતી.
જે બાદ પાંચ બૉલમાં 7 રનની જરૂર હતી અને છેલ્લા ત્રણ બૉલે મૅચને રસપ્રદ તબક્કામાં લાવી દીધી.
એ બાદ મેદાનમાં ઊતરેલા દિનેશ કાર્તિકે એક રન લીધો અને સ્ટ્રાઇક પર હાર્દિક પંડ્યા હતા. જેમાં તેમણે ત્રીજા બૉલમાં કોઈ રન ન લીધો.
દિનેશ કાર્તિક રન લેવા દોડ્યા પણ હતા જોકે હાર્દિકે તેમને માત્ર આંખોના ઇશારાથી રન ન દોડવા કહ્યું અને તેઓ ક્રિસ પર ઊભા રહ્યા જેથી સ્ટ્રાઇક તેમની પાસે જ રહે.
જે બાદ ચોથા બૉલે હાર્દિક પંડ્યાએ સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો