You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જસપ્રીત બુમરાહ : ગુજરાતના ફાસ્ટ બૉલર જે કપિલ દેવ બાદ ટેસ્ટ ક્રિકેટમાં કૅપ્ટન બન્યા
- ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન બનનારા બીજા ફાસ્ટ બૉલર
- ભારતીય ટીમનાં સૌથી પહેલા ફાસ્ટ બૉલર કૅપ્ટન કપિલ દેવ હતા
- જસપ્રીત બુમરાહનો જન્મ અમદાવાદમાં પંજાબી પરિવારમાં થયો હતો
- 29 ટેસ્ટ મૅચમાં 21.73ની સરેરાશથી 123 વિકેટ ખેરવી છે
2013ના જાન્યુઆરીની આસપાસના ગાળાની વાત છે. અમદાવાદમાં જૂના મોટેરા સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ પર ગુજરાત અને મુંબઈ વચ્ચે બીસીસીઆઈની સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ મૅચ રમાતી હતી અને અચાનક જ આ મૅચ નિહાળવા ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના કોચ અને ન્યૂઝીલૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર જ્હોન રાઇટ આવી પહોંચ્યા.
ગુજરાતની ટીમ મુંબઈ સામે રમતી હોય ત્યારે જ્હોન રાઇટની હાજરી આશ્ચર્ય પમાડે તેવી હતી અને તેમાંય તેમની આમ અચાનક ઍન્ટ્રીથી સૌને નવાઈ લાગી.
એ વખતના ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી રાજેશ પટેલને આ અંગે પૂછ્યું તો તેમણે પણ કોઈ જાણકારી નથી તેવો જવાબ આપ્યો.
થોડી વાર બાદ ખુદ જ્હોન રાઇટ મૅચના સ્કોરર પાસે ગયા અને કેટલાક બૉલર અંગે માહિતી માગી. તેમને બૉલરના નામ ખબર ન હતી પરંતુ તેમના સવાલ કંઈક આવા હતા...
"પેલો વિચિત્ર ઍક્શનથી ફાસ્ટ બૉલિંગ કરે છે તેની ઍવરેજ કેટલી છે? પેલો ડાબા હાથનો બૉલર છે તેણે કેટલી મેડન ઓવર ફેંકી?"
થોડા જ દિવસ બાદ જ્હોન રાઇટની આ મુલાકાતનું રહસ્ય સામે આવી ગયું જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેની આઈપીએલ માટેની ટીમમાં ગુજરાતના બૉલર જસપ્રીત બુમરાહની પસંદગી કરી હતી.
અને, આમ જસપ્રીત બુમરાહ આઈપીએલ થકી સમગ્ર દેશને નજરે પડ્યા.
એક સમય હતો જ્યારે ગુજરાતના ખેલાડીઓ ન હતા
હજી થોડા આગળ વધીએ તો ગુજરાતની ટીમ 2013ની 31મી માર્ચે ઇન્દોર ખાતે મુશ્તાક અલી ટ્રોફીની ફાઇનલમાં રમ્યું અને પંજાબને હરાવીને ટાઇટલ જીત્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે બુમરાહને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરાયા હતા કારણ કે તેમણે શરૂઆતમાં જ ત્રણ વિકેટ ખેરવીને પંજાબને સસ્તામાં આઉટ કરવામાં ટીમની મદદ કરી હતી.
આ મૅચના ચાર દિવસ બાદ એટલે કે ચોથી એપ્રિલે બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ માટે આઈપીએલમાં રૉયલ ચૅલૅન્જર્સ બેંગલોર સામે રમી રહ્યા હતા.
આજે જસપ્રીત બુમરાહ ક્યાંય પહોંચી ગયા છે. રમતગમત ક્ષેત્રે અને ખાસ કરીને ક્રિકેટમાં ગુજરાતનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે.
વચ્ચે એક સમયગાળો એવો આવી ગયો હતો જ્યારે ગુજરાતમાંથી સમ ખાવા પૂરતા પણ એકેય ક્રિકેટર ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી શકતા ન હતા.
તેના બદલે હવે પસંદગી સમિતિની બેઠક મળે તો તેમની પહેલી નજર ગુજરાત પર પડે છે. તેમાંય ગુજરાતની રણજી ટીમની સાથેસાથે સૌરાષ્ટ્ર અને બરોડાની રણજી ટીમના ખેલાડીઓને ઉમેરી દઈએ તો ગુજરાતીઓની બહુમતી આવી જાય તેમ છે.
છેલ્લે પાર્થિવ પટેલ છેક 2002માં ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન પામ્યા હતા. ત્યાર બાદ ગુજરાતમાંથી ઘણા ખેલાડી આવ્યા અને વન-ડેમાં રમ્યા કે ભારતીય-એ ટીમમાંથી રમ્યા પરંતુ ટેસ્ટમાં રમ્યા ન હતા.
પરંતુ હવે બુમરાહને કાયમી સ્થાન મળ્યું છે. લૅફ્ટઆર્મ ઑલરાઉન્ડર અક્ષર પટેલ પણ નિયમિતપણે ભારત માટે રમી રહ્યા છે.
જોકે, વાત જસપ્રીત બુમરાહની છે. તો ભારતીય ટીમના કૅપ્ટન બનવા જઈ રહ્યા છે. ભારતની ટીમ ઇંગ્લૅન્ડમાં ગયા વર્ષની બાકી રહેલી પાંચમી ટેસ્ટ રમવા પહોંચી ત્યાર બાદ રોહિત શર્મા કોરોનાગ્રસ્ત થઈ ગયા.
શુક્રવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટમાં રોહિત રમશે કે નહીં તે અંગે ગુરુવારે સાંજ સુધી અનિશ્ચિતતા બની રહી હતી. ત્યારે તેમના સ્થાને કૅપ્ટન તરીકે બીસીસીઆઈએ આડકતરી રીતે જસપ્રીત બુમરાહના નામનો સંકેત આપી દીધો છે.
બુમરાહની હાજરી સફળતાની ગૅરન્ટી
બુમરાહે અગાઉ ક્યારેય કોઈ ટીમની આગેવાની સંભાળી નથી પરંતુ વર્તમાન ટીમમાં તેમના જેટલો અનુભવી અથવા તો વિદેશી ધરતી પર આટલી મૅચ રમેલો અન્ય કોઈ ખેલાડી નથી.
બીજું બુમરાહ ભારત કરતાં વિદેશમાં વધારે ટેસ્ટ રમ્યા છે. એ જોતાં તેમની પસંદગી સામે કોઈ શંકા હોઈ શકે નહીં.
થોડા સમય અગાઉ આવા સંજોગો પેદા થયા હોત તો કદાચ બુમરાહને કૅપ્ટન તરીકે કોઈએ ગણતરીમાં લીધા ન હોત કેમ કે જસપ્રીત બુમરાહની છાપ વન-ડે કે મર્યાદિત ઓવરના ક્રિકેટના ખેલાડી તરીકે પડી ગઈ હતી.
તેમાંય આઈપીએલ અને ટી-20માં અંતિમ ઓવર્સમાં તેમણે જે રીતે યૉર્કર ફેંક્યા અને એક પછી એક વિકેટો લીધી તે જોતાં એક સમયે એવી દહેશત પેદા થઈ હતી કે ગુજરાતના આ હોનહાર બૉલર માત્ર વન-ડેના ક્રિકેટર બનીને રહી જશે.
પરંતુ બે વર્ષ અગાઉ સાઉથ આફ્રિકાનો પ્રવાસ બુમરાહ માટે વરદાન પુરવાર થયા. ભારતને ઘરઆંગણે જ સફળ થાય છે તે છાપ ભૂંસવી હતી અને તે માટે કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલી પ્રતિબદ્ધ હતા.
આ માટે ભારતે તેનું બૉલિંગ અને ખાસ કરીને ઝડપી બૉલિંગ આક્રમણ મજબૂત કરવું જરૂરી હતું. શાસ્ત્રી આમેય અખતરા કરવા અને નવોદિતોને તક આપવા માટે જાણીતા છે.
તેથી જ તેમણે પોતાના માનીતા બુમરાહને ટીમમાં સ્થાન અપાવ્યું અને કેપટાઉનની ટેસ્ટમાં ચાર બૉલર સાથે રમેલી ટીમમાં બુમરાહ અનિવાર્ય બની ગયા.
આજે સ્થિતિ એ છે કે બુમરાહની હાજરી માત્ર ટીમ માટે સફળતાની ગૅરન્ટી બની જાય છે.
અત્યારે કોઈ ટીમનો કૅપ્ટન કે ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના ચૅરમૅન એકાદ ખેલાડીની કાબેલિયત વિશે વાત કરતા હોય કે તેને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડતા હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે પરંતુ આ ખાસ કરીને બુમરાહને ધ્યાનમાં રાખીને હરીફ ટીમ તેની રણનીતિ ઘડતી હોય છે.
'બુમરાહ અમારો હુકમનો એક્કો છે'
જસપ્રીત બુમરાહે જ્યારે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારથી સતત પ્રભાવશાળી દેખાવ કરી રહ્યા છે. જોકે તેની કારકિર્દીના પ્રારંભિક કાળમાં એવી કલ્પના થતી ન હતી કે તે થોડા જ સમયમાં ભારતનો સ્ટ્રાઇક બૉલર બની જશે.
આઈપીએલ ટી-20 થી શરૂ કરીને કોઈ પણ સિરીઝની વાત કરીએ તો કદાચ એક પણ સિરીઝ એવી નહીં હોય જેમાં કૉમેન્ટેટર કે ઍક્સપર્ટે આ બૉલરની પ્રતિભા વિશે જરાય શંકા વ્યક્ત કરી હોય. બીજી રીતે કહીએ તો કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે બુમરાહની પ્રશંસા કરી ન હોય.
એક વખત આઈપીએલ દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે અંતિમ ઓવર્સમાં જસપ્રીત બુમરાહથી ચડિયાતા કોઈ બૉલર નથી. તેમણે લગભગ દરેક મૅચમાં છેલ્લી ઓવર્સમાં પાસું પલટીને પોતાની ટીમ તરફ ફેરવી નાખ્યું હતું.
જસપ્રીત બુમરાહ હવે એક સ્થાપિત બૉલર બની ચૂક્યા છે. સૌરવ ગાંગુલી સાથેના કે અન્ય ભારતીય ક્રિકેટર સાથેના મતભેદને કારણે જ્હોન રાઇટને ભારતીય ટીમનું કોચિંગ ભલે ગુમાવવું પડ્યું હોય પરંતુ ભારતવાસીઓએ અને ખાસ કરીને ભારતીય ક્રિકેટપ્રેમીઓએ જ્હોન રાઇટનો આભાર માનવો જોઈએ કેમ કે આડકતરી રીતે બુમરાહ એ જ્હોનની રાઇટ ચોઇસ બની ગયા છે.
2019ના વર્લ્ડ કપ અગાઉ ભૂતપૂર્વ પસંદગીકાર એમએસકે પ્રસાદે એટલે જ કદાચ એમ કહ્યું હશે કે બુમરાહનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવાનો છે કેમ કે તેમની શક્તિ 2019 અને ત્યાર પછીના વર્લ્ડ કપ માટે બચાવી રાખવાની છે.
ભારતીય ટીમ અત્યારે સતત રમી રહી છે. તે સંજોગોમાં ક્રિકેટ બોર્ડે વિવિધ ખેલાડી માટે અલગ-અલગ રણનીતિ ઘડી છે. કેટલાક ખેલાડીઓને માત્ર ટેસ્ટમાં જ તક અપાય છે તો કોઈને વન-ડે કે ટી-20માં તક અપાય છે.
બુમરાહને પહેલી વખત ટેસ્ટ રમવાની તક તો હજી હમણાં જ મળી પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં તેમને પહેલી વાર ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યા ત્યારે ક્રિકેટમાં જેને માસ્ટર રણનીતિકાર માનવામાં આવે છે તે કોચ રવિ શાસ્ત્રીએ એટલું જ કહ્યું હતું કે બુમરાહ અમારો હુકમનો એક્કો છે અને તેમને યોગ્ય સમયે ટેસ્ટમાં સ્થાન આપવાનું અમે ઘણા સમય અગાઉ નક્કી કરી રાખ્યું હતું.
એટલે કે તેમને ટેસ્ટ ટીમમાં લેવાની યોજના તો અગાઉથી જ ઘડાઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ બૉર્ડની નીતિ
અમદાવાદમાં જ જન્મેલા અને ઉછરેલા આ મૂળ પંજાબી યુવાન આજે લોકપ્રિયતામાં પણ રોહિત કે કોહલીથી કમ નથી.
ભારતની આજની તમામ ફ્રૉર્મેટની ટીમ (ટેસ્ટ, ટી-20 કે વન-ડે)માં જો કોઈ અનિવાર્ય હોય તો તે જસપ્રીત બુમરાહ છે કેમ કે તેનું પ્રદર્શન જ એવું છે.
પિચ ઉપર પોતાના યૉર્કર કે સ્વિંગ બૉલથી બૅટ્સમૅનની દાંડી ઉડાડવી તો તેમને ગમે જ છે પરંતુ સાથે-સાથે તેમની બૉલિંગમાં એકગ્રતા પણ જળવાઈ રહે તેનું તેઓ ધ્યાન રાખે છે અને તેથી જ તે 29 ટેસ્ટમાં 21.73ની સરેરાશથી 123 વિકેટ ખેરવી ચૂક્યા છે તો વન-ડેમાં 70 મૅચમાં 113 વિકેટ અને ટી-20માં 57 મૅચમાં 67 વિકેટ.
મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેનના આંકડા આથી પ્રભાવશાળી હોઈ શકે કેમ કે તે આઈપીએલમાં 148 વિકેટ ઝડપી ચૂક્યા છે પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડની નીતિ તેમને ટેસ્ટ ક્રિકેટ માટે બચાવી રાખવાની છે અને તેથી તેમને અન્ય સિરીઝમાં આરામ આપવામાં આવે છે.
જોકે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ હરીફ બૅટ્સમૅનને ક્યારેય આરામ કરવા દેતા નથી.
તેઓ પોતાના લગભગ દરેક સ્પેલમાં ભારત માટે સફળતાની આશા લઈને આવે છે અને મોટા ભાગે તો તેમણે ટીમના કૅપ્ટનને નિરાશ કર્યા નથી.
હવે તે ખુદ જ્યારે એક કૅપ્ટન તરીકે રમવાના છે ત્યારે લાખો-કરોડો રમતપ્રેમીઓની એક આશાવાદી નજર તેની ઉપર મંડાયેલી રહેશે અને આશા રાખીએ કે બુમરાહ કોઈને નિરાશ કરશે નહીં.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો