You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આરબ યુવાનો નપુંસક ન બની જાય એવી દવા કેમ લઈ રહ્યા છે?
- લેેખક, હોસમ ફઝુલ્લા દ્વારા
- પદ, બીબીસી અરબી
- 2012ના અભ્યાસ મુજબ, ઇજિપ્ત આરબ વિશ્વમાં માથાદીઠ કામોત્તેજક દવાઓનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ હતો. આ યાદીમાં સાઉદી અરેબિયા પહેલા નંબરે છે
- સાઉદી અખબાર 'અલ-રિયાધ'ના અંદાજ પ્રમાણે, સાઉદી પુરુષોએ કામોત્તેજના વધારતી ગોળીઓ પર વાર્ષિક 1.5 અબજ ડૉલર (આજના વિનિમયદરે 1.75 અબજ ડૉલર) ખર્ચ્યા હતા
- આરબ જર્નલ ઑફ યુરોલોજીના અભ્યાસ અનુસાર, અભ્યાસમાં ભાગ લેનારા 40% યુવા સાઉદી પુરુષોએ તેમના જીવનમાં કોઈક સમયે વાયગ્રા જેવી દવાનો ઉપયોગ કર્યો હોવાનું કબુલ્યું હતું
કૈરોની મધ્યમાં આવેલા ઐતિહાસિક બાબ અલ-શારિયાની બાજુમાં આવેલી ઓસડિયાની દુકાનમાં, હકીમ રાબેઆ અલ-હબાશી "કરિશ્માઈ ઓસડિયાં" બતાવી રહ્યા છે.
અલ-હબાશી ઇજિપ્તની રાજધાનીમાં કામોત્તેજક દવાઓ અને જડીબુટ્ટીઓ વેચીને નામના કમાયા છે. અલ-હબાશીના કહેવા પ્રમાણે, તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગ્રાહકોની સૌથી પ્રિય પસંદગીમાં બદલાવ જોયો છે.
તેઓ કહે છે, "મોટા ભાગના પુરુષો હવે પશ્ચિમી કંપનીઓ પાસેથી મેળવેલી વાદળી ગોળીઓની માગ કરી રહ્યા છે."
કેટલાક અભ્યાસો અનુસાર, યુવા આરબ પુરુષો સિલ્ડેનાફિલ (વેપારી પરિભાષામાં એને વાયગ્રા કહે છે), વર્ડેનાફિલ (લેવિટ્રા, સ્ટેક્સીન), અને ટેડાલાફિલ (સિઆલિસ) જેવી દવાઓનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે.
પુરાવા હોવા છતાં, આશ્ચર્યજનક રીતે બીબીસીએ ઇજિપ્ત અને બહેરીનની શેરીઓમાં જે યુવાનો સાથે વાત કરી હતી તેમાં મોટા ભાગનાએ કામોત્તેજનાની સમસ્યાઓ માટે દવાનો ઉપયોગ કરવાનો અથવા તો તેમને જાણતા હોવાનો ઇનકાર કર્યો હતો.
કેટલાક લોકોએ તો ત્વરીતપણે આ મુદ્દા વિશે વાત કરવાનો જ ઇન્કાર કરી દીધો, કારણ કે તેઓ તેને "સમાજની નૈતિકતાની વિરુદ્ધ" ગણે છે.
વાસ્તવમાં, 2012ના અભ્યાસ મુજબ, ઇજિપ્ત આરબ વિશ્વમાં માથાદીઠ કામોત્તેજક દવાઓનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ હતો. આ યાદીમાં સાઉદી અરેબિયા પહેલા નંબરે છે.
સાઉદી અખબાર 'અલ-રિયાધ'એ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, તે સમયના અંદાજ પ્રમાણે સાઉદી પુરુષોએ કામોત્તેજના વધારતી ગોળીઓ પર વાર્ષિક 1.5 અબજ ડૉલર (આજના વિનિમય દરે 1.75 અબજ ડૉલર) ખર્ચ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રશિયાની વસતિ તે વખતે સાઉદી અરેબિયા કરતાં પાંચ ગણી વધુ હતી છતાં, સાઉદી અરેબિયાનો કામોત્તેજક દવાઓનો વપરાશ રશિયા કરતાં લગભગ 10 ગણો વધારે હતો, એમ તેણે જણાવ્યું હતું.
તાજેતરમાં જ, આરબ જર્નલ ઑફ યુરોલૉજીના અભ્યાસનાં પરિણામો દર્શાવે છે કે અભ્યાસમાં ભાગ લેનારા 40% યુવા સાઉદી પુરુષોએ તેમના જીવનમાં કોઈક સમયે વાયગ્રા જેવી દવાનો ઉપયોગ કર્યો હોવાનું કબુલ્યું હતું.
આ રેસમાં ઇજિપ્ત આજે પણ ઘણું આગળ છે.
2021ના રાજ્યના આંકડા અનુસાર, ત્યાં કામોત્તેજક દવાઓનું વેચાણ વાર્ષિક આશરે 1,27 મિલિયન ડૉલર જેટલું છે, જે સમગ્ર ઇજિપ્તની દવાબજારના 2.8% જેટલું છે.
પુરુષો માથે પુરુષત્વ બતાવવાનું દબાણ
અલબત્ત, કેટલાકને કામાવેગમાં ઘોડા જેવો થનગનાટ જોઈએ છે.
વર્ષ 2014માં અલ-ફાનકોશ નામની કામોત્તેજક દવા ઇજિપ્તની કરિયાણાની દુકાનોમાં ચૉકલેટ બારના રૂપમાં જોવા મળતી હતી.
અલ- ફાનકોશ નામની આ કામોત્તેજક ચૉકલેટને એક ઇજિપ્શિયન પાઉન્ડ (આજના વિનિમયદરે લગભગ 4 રૂપિયા)માં વેચવામાં આવતી હતી.
આ કામોત્તેજક ચૉકલેટ બજારમાં આવી એના થોડા સમય બાદ વેચાણ પર પ્રતિબંધિત લાદી દેવાયો હતો.
સ્થાનિક મીડિયામાં અહેવાલો છપાયા બાદ સુરક્ષાદળો દ્વારા બાળકોને કામોત્તેજક ચૉકલેટ વેચવાના ગુના હેઠળ તેના નિર્માતાની ધરપકડ કરવામાં આવી હતી.
કામોત્તેજક દવાઓનો ઉપયોગ યુવાન પુરુષો કરતાં આઘેડોમાં વધુ પ્રચલિત હોવાની વાત જાણીતી છે.
જોકે, યમનમાં આરોગ્યમંત્રાલયના ડેટા દર્શાવે છે કે કામોત્તેજક દવાઓનું સેવન મોટા ભાગે 20થી 45 વર્ષની વયના પુરુષો કરે છે.
સ્થાનિક અહેવાલો સૂચવે છે કે 2015માં બળવાખોર હોથી ચળવળ અને સાઉદી સમર્થિત સરકાર વચ્ચે ગૃહયુદ્ધની શરૂઆત થઈ ત્યારથી યુવાનોની મનોરંજન પાર્ટીઓમાં ડ્રગ્સ તરીકે વાયગ્રા અને સિઆલિસનો ઉપયોગ સામાન્ય બની ગયો છે.
યુરોલૉજી અને રિપ્રોડક્ટિવ સર્જરીના ટ્યુનિશિયન પ્રોફેસર મહમદ સ્ફેક્સીએ બીબીસી સાથેની એક મુલાકાતમાં ભાર મૂક્યો હતો કે આવી દવાઓ "કામોત્તેજક નથી" અને તેને મોટા ભાગના કિસ્સાઓમાં "વૃદ્ધોની પીડાદાયક" પરિસ્થિતિઓની સારવાર માટે આપવામાં આવે છે.
આ દરમિયાન, મધ્યપૂર્વમાં લૈંગિક બાબતોના નિષ્ણાત સૂચવે છે કે યુવા આરબ પુરુષો પ્રવર્તમાન સંસ્કૃતિને કારણે કામોત્તેજક ગોળીઓ તરફ વળ્યા છે.
ઇજિપ્શિયન-બ્રિટિશ પત્રકાર અને 'સેક્સ ઍન્ડ ધ સિટાડેલ: ઇન્ટીમેટ લાઇફ ઇન અ ચેન્જિંગ આરબ વર્લ્ડ'ના લેખક શેરીન અલ ફેકી સમજાવે છે કે, "આ સ્થિતિ એક મોટી સમસ્યા તરફનો ઇશારો છે, જેનો યુવા આરબ પુરુષો સામનો કરી રહ્યા છે."
મધ્યપૂર્વમાં લૈંગિક સમાનતા પર 2017ના મહત્ત્વના યુએન-સમર્થિત સર્વેક્ષણનાં પરિણામોનો પ્રતિસાદ આપતાં શેરીન સમજાવે છે: "લગભગ તમામ પુરુષ સહભાગીઓ ભવિષ્ય વિશે અને તેઓ તેમના પરિવારને કેવી રીતે ખુશ રાખી શકશે તે વિશે ડરતા હતા. ઘણા પુરુષોએ મહિલાઓ જ્યારે "કેવી રીતે પુરુષો હવે પુરુષ નથી રહ્યા" એવી વાતો કરવા લાગી ત્યારે પોતાનું પુરુષત્વ પુરવાર કરવા ભારે દબાણ અનુભવ્યું હોવાની વાત કરી."
શેરીન કહે છે, "પુરુષ હોવાનો અર્થ શું છે તેના પર ભારે દબાણ આવ્યું છે અને સેક્સક્ષમતા પુરુષત્વની સંસ્કૃતિ સાથે વણાયેલી છે, કામોત્તેજના પર વધુ ભારણ આવ્યું છે."
શેરીન આ તણાવમાં પોર્નોગ્રાફી દ્વારા બનાવવામાં આવેલી ખોટી ધારણાઓ અને ખયાલી અપેક્ષાઓને પણ કારણભૂત ગણતાં કહે છે "મરદની વાત આવે ત્યારે યુવાનોના વિચારો 'સામાન્ય' શું છે તેનાથી હટી જાય છે."
ઐતિહાસિક ધારણાઓ
આરબ સમાજમાં જાતીય જરૂરિયાતો માટે દવાઓનો ઉપયોગ આધુનિક જીવનનો હિસ્સો બની ગયો છે, પરંતું ઍફ્રોડિસિઆક્સનું સેવન સમગ્ર આરબ ઇતિહાસમાં લોકપ્રિય સંસ્કૃતિનો ભાગ રહ્યું છે.
14મી સદીના પ્રસિદ્ધ ઇસ્લામિક વિદ્વાન અને લેખક ઇબ્ન કૈઈમ અલ-જવઝિયાએ તેમના પુસ્તક 'પ્રૉવિઝન ફૉર ધ હિયરઆફટર'માં જાતીય કામોત્તેજના વધારવાના હેતુથી જડીબુટ્ટીઓના સેવનની વિધિઓ અપનાવવાની વાત કરી છે.
શેરીન અલ ફેકી સૂચવે છે કે અરબી પરંપરા અને ઇસ્લામિક વારસામાં "મહિલાઓ ઐતિહાસિક રીતે પુરુષો કરતાં વધુ સમર્થ અને વધુ જાતીય ઉત્તેજના ધરાવતી જોવામાં આવે છે", જ્યારે પુરુષો "તેમના જાતીય ક્ષમતા નાશ ન પામે તે માટે" નુસખાઓની જરૂરિયાત અનુભવે છે.
આ વાત ઓટ્ટોમન સામ્રાજ્યના સમયગાળા દરમિયાન પ્રતિબિંબિત થતી જોવા મળે છે, જ્યારે લેખક અહમદ બિન સુલેમાને 1512થી 1520 સુધી શાસન કરનાર સુલતાન સેલીમ પહેલાની વિનંતી પર Return To Youth (શેખની જવાની પાછી આવી) પુસ્તક લખ્યું હતું.
આ પુસ્તક જાતીય રોગોની સારવાર તેમજ પુરુષ અને મહિલાઓની કામોત્તેજના વધારવા માટેની દવાઓ અને ઓસડિયાંનો જ્ઞાનકોશ હતો.
સેંકડો વર્ષો પછી આજે યુવાન આરબ પુરુષો એ ઉપાયો તરફ વળ્યા છે અને તેમના માટેનું બજાર ધમધમી રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો