આરોગ્ય : તરબૂચના સેવનથી વાયગ્રા જેવી 'શક્તિ' મળે છે?

ઉનાળાના દિવસોમાં તરબૂચનું સેવન શરીર માટે કેટલું શાતાદાયક છે એ તો જગજાહેર વાત છે. તરબૂચ ખાવાથી આપણા શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. જોકે, આ ફળના વધુ એક ફાયદા વિશે તમે કદાચ નહીં જાણતા હો.

તરબૂચના સેવનની શરીરમાં વાયગ્રા જેવી અસર થતી હોવાનો દાવો અમેરિકન સંશોધકોએ કર્યો છે.

તરબૂચમાં સિટુલિન નામનું એક તત્ત્વ હોય છે, જેનાથી તરબૂચને વાયગ્રા જેવો ગુણધર્મ પ્રાપ્ત થાય છે.

સર્વસામાન્ય ભાષામાં વાયગ્રાની ઓળખ કામસુખ આપતી વાદળી રંગની ગોળી તરીકેની છે. વાયગ્રામાં સિલ્ડેનાફિલ નામનુ એક ઔષધ હોય છે અને આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, પુરુષોમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શન એટલે કે સ્તંભન દોષના ઉપચાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

કામોત્તેજના થયા પછી આ ગોળી લેવાથી પુરુષોના લિંગમાં થોડા સમય માટે રક્તનો પ્રવાહ વધે છે. તેને લીધે લિંગના સ્તંભનમાં મદદ મળે છે.

સિલ્ડેનાફિલ ઔષધ વિવિધ નામે બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ સેક્સ લાઈફ સુધારતી વાયગ્રાના નામે તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.

જે રીતે વાયગ્રા શરીરમાં રક્તવાહિનીઓ અસર કરે છે તેવી જ રીતે તરબૂચમાંનું સિટ્રુલિન નામનું કુદરતી રસાયણ રક્તવાહિનીઓને અસર કરે છે.

સિટ્રુલિન શરીરમાંની રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે. તેથી શરીરમાં લોહીનો પ્રવાહ વધુ સારી રીતે વહે છે.

તરબૂચમાંના આ કુદરતી રસાયણ વિશેનું સંશોધન અમેરિકાસ્થિત ટૅક્સાસ ફ્રૂટ ઍન્ડ વેજિટેબલ ઈમ્પ્રુવમેન્ટ સેન્ટર નામની સંસ્થાએ કર્યું છે.

મુખ્ય સંશોધક ડૉ. ભીમુ પટેલે કહ્યું હતું કે "તરબૂચનું સેવન શરીર માટે લાભકારક છે એ આપણે બધા જાણીએ છીએ, પરંતુ જેમજેમ તરબૂચ વિશે વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે તેમતેમ તેના વધુ ને વધુ ફાયદાની માહિતી મળી રહી છે."

તેમણે ઉમેર્યું હતું કે "વાયગ્રાની માફક તરબૂચ શરીરના એક ખાસ અંગને અસર કરતું નથી. તરબૂચના સેવનથી સમગ્ર શરીરમાંની રક્તવાહિનીઓ રિલેક્સ થાય છે, તેને વિશ્રાંતિ મળે છે. વળી તરબૂચ ખાવાથી કોઈ આડઅસર પણ થતી નથી."

તરબૂચના સેવનના બીજા ફાયદા પણ છે.

શરીરમાં વધે છે પાણીનું પ્રમાણ

માનવ શરીરમાં પાણીનું સંતુલિત સ્તર જળવાઈ રહે એ બહુ જરૂરી છે, કારણ કે શરીરમાં પાણીનું પ્રમાણ થોડુંક ઓછું થાય તો પણ થાક, માથાનો દુખાવો, સ્નાયુમાં ખેંચાણ અને લોહીનું દબાણ વધી શકે છે.

તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. આપણા શરીરની પાણીની કુલ જરૂરિયાત પૈકીનું 20 ટકા પાણી આપણને આહારમાંથી મળે છે. તેથી આહારમાં તરબૂચનો સમાવેશ કરવો હિતાવહ છે.

મોટી વયના લોકો માટે તો તરબૂચનો આહાર અતિ ઉત્તમ છે, કારણ કે તેમને તરસ જેટલી લાગવી જોઈએ એટલી લાગતી નથી. પરિણામે તેમના શરીરની પાણીની જરૂરિયાત સંતોષાતી નથી.

તરબૂચનો આહાર કરવાથી શરીરની પાણીની જરૂરિયાત સંતોષી શકાય છે.

વજન ઘટાડવા માટે ઉપયોગી

તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોવાનો બીજો લાભ એ છે કે તેમાં કૅલરીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી તમે ભરપૂર પ્રમાણમાં તરબૂચ ખાઓ તો પણ તમારા શરીરમાં ચરબી વધતી નથી.

તરબૂચ ખાવાથી પેટ ભરાય છે, પરંતુ વજન વધવાનું જોખમ હોતું નથી. આમ આહારમાં તરબૂચનો સમાવેશ કરો કે તેનું સલાડ ખાઓ તો શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.

ત્વચાની ચમક અને આંખનું તેજ વધે

તરબૂચના લાલ રંગના ગરમાં પોષકતત્ત્વો મોટા પ્રમાણમાં હોય છે. એ પોષકતત્ત્વોને કૅરોટિનોઈડ્ઝ કહેવામાં આવે છે. તરબૂચમાં બીટા કેરોટિન પણ મોટા પ્રમાણમાં હોય છે અને તેમાંથી વિટામિન એ બનતું હોય છે. તેથી તરબૂચના સેવનથી ત્વચાની ચમક તથા આંખનું તેજ પણ વધે છે.

કૅન્સર, ડાયાબિટીસનું જોખમ ઘટે

તરબૂચમાંના કૅરોટિનોઈઝેડ પૈકીનું એક હોય છે લાઈકોપિન. આ લાઈકોપિન શરીરમાં ઝડપથી શોષાય જાય છે.

હાલ લાયકોપિન વિશે અભ્યાસ ચાલી રહ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે લાઈકોપિનને લીધે કૅન્સર અને ટાઈપ-ટુ ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

તરબૂચના સેવનની માઠી અસર પણ થાય?

તરબૂચ આરોગ્ય માટે ખરેખર લાભદાયક છે. મોટા ભાગના લોકો તેનો આહાર કરી શકે છે, પણ કેટલાક લોકોને તેની ઍલર્જી હોય તે શક્ય છે.

એવા લોકોનું પ્રમાણ અત્યંત ઓછું છે, પણ જે લોકોને પોલીનની ઍલર્જી હોય તેમને તરબૂચના આહારથી કદાચ તકલીફ થાય તે શક્ય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો