લિંગ ફ્રેક્ચર શું હોય અને બચવા માટે શું કરવું જોઈએ?

    • લેેખક, રોહન નામજોશી
    • પદ, બીબીસી મરાઠી

પેનાઇલ ફ્રેક્ચર એટલે કે શિશ્નમાં અસ્થિભંગ પુરુષોને થતી સામાન્ય તકલીફ છે, પણ તેના વિશે બહુ ચર્ચા થતી નથી.

સેક્સ દરમિયાન લિંગ યોનિમાર્ગમાં જવાને બદલે સ્ત્રીના પગ અથવા પ્રાઇવેટ પાર્ટ સાથે અથડાય ત્યારે પેનાઇલ ફ્રેક્ચર થવાની સંભાવના હોય છે. સમયસર ઉપચાર કરવામાં ન આવે તો તેની લાંબા ગાળે શારીરિક તથા જાતીય ક્ષમતા પર અસર થાય તે શક્ય છે.

પેનાઇલ ફ્રેક્ચર પુરુષ જનનેન્દ્રિય પરનો મોટો આઘાત હોય છે. મોટા ભાગના કિસ્સામાં પેનાઇલ ફ્રેક્ચર સેક્સ દરમિયાન થતું હોય છે.

સેક્સ દરમિયાન સ્ત્રી પુરુષની ઉપર હોય અથવા અકુદરતી સેક્સ કરતી હોય તો પેનાઇલ ફ્રેક્ચરની સંભાવના વધી જાય છે. હસ્તમૈથુન કરતી વખતે અથવા કોઈ કઠોર વસ્તુ શિશ્ન પર પડે તો પણ પેનાઇલ ફ્રેક્ચર થઈ શકે છે.

સંપૂર્ણ ઉત્તેજિત શિશ્ન અથડાય ત્યારે તેના પર દબાણ આવે છે અને ટ્યુનિકા અલ્બુજેનિયા ફાટી જાય છે. પેનાઇલ ફ્રેક્ચર થાય ત્યારે તત્કાળ સારવાર ન લેવામાં આવે તો તે મોટી શારીરિક સમસ્યાનું કારણ બની શકે છે અને તેની સેક્સ લાઇફ પર લાંબા ગાળાની અસર થાય છે.

સામાન્ય રીતે સેક્સ કરતી વખતે જ પેનાઇલ ફ્રેક્ચર થાય છે. 57.2 ટકા પુરુષો સેક્સ દરમિયાન પેનાઇલ ફ્રેક્ચરનો ભોગ બન્યા હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું. ખાસ કરીને સ્ત્રી સેક્સ દરમિયાન અથવા અકુદરતી સમાગમ દરમિયાન પુરુષની ઉપર હોય ત્યારે આવું થતું હોય છે.

આવી ઈજા પુરુષોને જ થાય છે. મધ્યમ વયના, ખાસ કરીને 30થી 50 વર્ષની વયના પુરુષોમાં આ સમસ્યા જોવા મળે છે. વિષમલિંગી પુરુષોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. સમલિંગી પુરુષોમાં આ પ્રમાણ 1.8 ટકા જેટલું છે.

કોને કોના પ્રત્યે જાતીય આકર્ષણ થાય છે તે અહીં મુદ્દો નથી. એક સંશોધનના તારણ મુજબ, ઉનાળાના દિવસોમાં કે વીકએન્ડના દિવસોમાં આવી ઘટનાઓનું પ્રમાણ વધતું હોય છે.

પેનાઇલ ફ્રેક્ચર થાય ત્યારે જનનાંગ વિસ્તારમાં જોરદાર દુખાવો થાય છે. શિશ્નમાં ઉઝરડા પડ્યા હોય તે શક્ય છે. શિશ્નનો આકાર વળેલો દેખાય છે.

આ વિશે વિસ્તૃત માહિતી આપતાં સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રસન્ના ગદ્રેએ કહ્યું હતું કે "શિશ્નમાં હાડકાં હોતાં નથી તો પણ તેમાં ફ્રેક્ચર થઈ શકે? હા. તેમ થવું શક્ય છે. કોઈ પણ પ્રકારની ઈજા કે અકસ્માતને લીધે શિશ્ન ઢીલું પડી જાય તેને પેનાઇલ ફ્રેક્ચર કહેવાય."

"શિશ્ન ઉત્થાન પણ ફ્રેક્ચરનું એક કારણ હોય છે. તમે ઊંઘતા હો ત્યારે શિશ્ન અચાનક ટટ્ટાર થઈ જાય, તમે પડખું ફેરવો અને શિશ્ન ગાદલા સાથે ભીંસાય તો પણ પેનાઇલ ફ્રેક્ચર થઈ શકે. હસ્તમૈથુન કરતી વખતે શિશ્નને ક્યાંક ઘૂસાડવાનો પ્રયાસ કરો ત્યારે પણ પેનાઇલ ફ્રેક્ચરની શક્યતા વધી જાય છે."

"સેક્સ દરમિયાન સ્ત્રીનો યોનિમાર્ગ વારંવાર સંકોચાતો હોય છે. માર્ગ સંકોચાયેલો હોય એ દરમિયાન શિશ્નને તેમાં બળજબરીથી પ્રવેશ કરાવવામાં આવે તો ફ્રેક્ચર થઈ શકે છે. એનલ સેક્સ કરતી વખતે પણ આવું ફ્રેક્ચર થવાની શક્યતા હોય છે," એમ ડૉ. ગદ્રેએ ઉમેર્યું હતું.

નિદાન કેવી રીતે થાય છે?

પેનાઇલ ફ્રેક્ચરના નિદાન માટે સામાન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા પણ આ તકલીફનું નિવારણ કરી શકાય છે, પરંતુ એ માટે નિષ્ણાત ડૉક્ટરની જરૂર પડે છે. તેથી આ પદ્ધતિ યોગ્ય છે કે નહીં એ બાબતે કાયમ ચર્ચા થતી રહે છે.

ફ્રેક્ચર પછી સર્જરી ખૂબ જ સારો ઉપાય છે. સર્જરીનું યોગ્ય સ્થાન સિટી સ્કેન દ્વારા શોધવામાં આવે છે.

પેનાઇલ ફ્રેક્ચર પછી તરત જ શું પગલાં લેવાં જોઈએ તેની માહિતી આપતાં ડૉ. ગદ્રેએ કહ્યું હતું કે "કમનસીબે આવું કંઈ થાય તો સૌપ્રથમ તો હૉસ્પિટલે પહોંચી જવું જોઈએ, કારણ કે આ પણ એક પ્રકારની ઈજા જ છે."

"પ્રાથમિક સારવારના ભાગરૂપે, હિલચાલ જરાય ન કરવી જોઈએ. પેનાઇલ ફ્રેક્ચર થયાનું ધ્યાન આવે પછી યુરોલૉજિસ્ટ પાસે જતાં પહેલાં તે જગ્યા પર બરફ રાખવો જોઈએ. પેડિંગ એ પણ પ્રાથમિક સારવારનું એક મહત્ત્વનું પગલું છે. ઘરમાં સેનેટરી પેડ હોય તો તેનો અથવા નેપી વડે તેને આધાર આપવો જોઈએ."

ડૉ. ગદ્રેએ ઉમેર્યું હતું કે "માથું નીચે અને પગ ઉપર. આ સારવારને આરઆઈસીઈ (રિલેક્સેશન, આઈસિંગ, કુશન, એલિવેશન) કહેવામાં આવે છે. તત્કાલીક સર્જરી તેનો મુખ્ય ઉપાય છે."

સર્જરી પછી શું?

પેનાઇલ ફ્રેક્ચરને કારણે સેક્સ લાઈફ પર માઠી અસર થાય છે. જેમને આવી ઈજા થઈ હોય તેઓ તેની અસર લાંબા સમય સુધી અનુભવે છે. કેટલાક લોકોને ઑપરેશન પછી થોડા સમય માટે આવો અનુભવ થાય છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે.

પેનાઇલ ફ્રેક્ચર પછી ઘણા લોકો સેક્સ દરમિયાન ડિપ્રેશન કે દબાણ અનુભવે છે. ઈજાના ડરથી સેક્સ કરવાની રીતમાં પણ મોટો ફરક પડે છે. તેથી ઘણા લોકોએ સર્જરી બાદ કાઉન્સેલિંગ કરાવવું પડે છે.

નાના ગઠ્ઠા ઊપસી આવવા, શિશ્નના આકારમાં ફેરફાર, શિશ્નનું ઉત્થાન ન થવું, દુખાવો, સોજો અને પેશાબ કરવામાં મુશ્કેલી જેવી અનેક સમસ્યા સર્જાઈ શકે છે.

સર્જરી પછી શિશ્નનો આકાર બદલાવાની શક્યતા પણ હોય છે. શિશ્ન ટટ્ટાર થાય ત્યારે દુખાવો થાય છે અને ટટ્ટાર શિશ્નની લંબાઈ પહેલાં કરતાં ઓછી થઈ જાય છે. તેથી ડૉક્ટરે સર્જરી કરતાં પહેલાં દર્દી સાથે આ બધી જટિલતાની ચર્ચા કરવી જોઈએ.

સર્જરી પછી શું કરવું તે વિશે દર્દીને વિગતવાર માહિતી આપવી જોઈએ. દર્દીને જણાવવું જોઈએ કે સર્જરી પછી મુત્રનલિકા સૌથી મહત્ત્વની વસ્તુ છે. સર્જરી પછી ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી કેથેટર રાખવું હિતાવહ છે.

ઈજા થઈ હોય તે ભાગને સર્જરી પછી પણ સ્વચ્છ રાખવો જરૂરી છે. ઈજા થઈ હોય તેની આસપાસના વાળને દૂર કરવાનો પ્રયાસ કરવો ન જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો