પિરિયડ્સ : માસિક મહિલાઓને દરમિયાન ગર્ભ રહી શકે?

સામાન્ય રીતે લોકો મુક્તપણે પિરિયડ્સ વિશે વાત કરતાં પણ ખચકાતા હોય છે. એવામાં એની સાથે સેક્સનો મુદ્દો જોડાય ત્યારે એની ભાગ્યે જ ચર્ચા થતી હોય છે.

'પિરિયડ્સ દરમિયાન સેક્સ'નો મુદ્દો આવે ત્યારે ઘણી ગેરમાન્યતા પ્રવર્તતી હોય છે અને આ સાથે જ માહિતીનો અભાવ પણ જોવા મળતો હોય છે.

એક સંશોધન પ્રમાણે 30 ટકા સેક્સ્યુઅલી ઍક્ટિવ યુગલો પિરિયડ્સ દરમિયાન સેક્સ કરે છે. જોકે, અન્ય દલીલ એ પણ છે કે આવું કરવું શુદ્ધ કે સુરક્ષિત નથી.

તો આપણે પિરિયડ્સ દરમિયાન સેક્સને લગતી એ બાબતો વિશે જાણીશું, જેની જવલ્લે જ ચર્ચા થતી હોય છે.

જોખમી કે સુરક્ષિત?

સુરતનાં ગાયનેકૉલોજીસ્ટ ડૉ. શ્વેતા પટેલના જણાવ્યા પ્રમાણે, 'પિરિયડ્સ દરમિયાન સેક્સ'ના મુદ્દાને લઈને ઘણી ગેરમાન્યતાઓ અને વિવાદ છે. એક ગેરમાન્યતા છે કે, તે સમય દરમિયાન મહિલાઓને સતત દુખાવો થતો હોય છે, જેથી તે હિતાવહ નથી. પણ ખરેખર એ સત્ય નથી.

તેઓ કહે છે, "બ્લડ એ નેચરલ લુબ્રિકન્ટ તરીકે કામ કરી શકે છે અને ઑર્ગેઝમથી મહિલાઓને પિરિયડ્સના દુખાવામાં રાહત પણ મળી શકે છે. જોકે, અંતિમ નિર્ણય યુગલોએ પરસ્પર સહમતિથી જ લેવો હિતાવહ છે."

પિરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી પ્રેગ્નેન્સી રહે?

આ પ્રશ્નના જવાબમાં ડૉ. શ્વેતા પટેલ કહે છે કે, આ એક ગેરમાન્યતા છે. પિરિયડ્સ દરમિયાન સેક્સ કરવાથી પ્રેગ્નેન્સી રહેતી નથી. ગર્ભધારણ માટે ઑવ્યુલેશન એ સૌથી શ્રેષ્ઠ સમય છે.

ઑવ્યુલેશન એ પિરિયડ્સ સાઇકલનો બીજો તબક્કો છે. જે મૅન્સ્ટ્રુઅલના તબક્કા બાદ આવે છે. આ તબક્કામાં અંડાશયમાંથી સ્ત્રીબીજ છૂટું પડે છે.

આમ થાય તેના 12થી 24 કલાક દરમિયાન તે ફર્ટાઇલ હોવાથી જો તે સમયે સેક્સ કરવામાં આવે તો ગર્ભધારણની સૌથી વધુ શક્યતા રહે છે.

પિરિયડ્સમાં વિલંબ એટલે પ્રેગ્નેન્સી?

પિરિયડ્સમાં વિલંબ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે, જેમાં પ્રેગ્નેન્સીનો પણ સમાવેશ થાય છે.

ડૉ. શ્વેતા પટેલના કહેવા પ્રમાણે, પિરિયડ્સ લેટ થવા પાછળ માત્ર પ્રેગ્નેન્સી જ જવાબદાર નથી. પીસીઓડી, થાઇરોઇડ, મેદસ્વિતા જેવાં કારણોને લીધે પણ આમ થઈ શકે છે. જેથી પિરિયડ્સમાં મોડું થાય તો પ્રેગ્નેન્સી હોવાનું માની લેવું યોગ્ય નથી.

તેઓ આગળ કહે છે, "જે મહિલાઓનું માસિકચક્ર રૅગ્યુલર રહેતું હોય અને જો તેમાં વિલંબ થાય તો તારીખના બીજા કે ત્રીજા દિવસે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી શકાય છે અને જે મહિલાઓનું માસિકચક્ર રૅગ્યુલર ન રહેતું હોય તેઓ એકાદ સપ્તાહ બાદ ટેસ્ટ કરી શકે છે."

મહિલાઓનું માસિકચક્ર

મહિલાઓનું માસિકચક્ર ત્રણ તબક્કામાં વહેંચાયેલું છે. જે અંડાશયમાંથી નીકળતા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ પર આધાર રાખે છે.

મૅન્સ્ટ્રુઅલ ફેઝ - મહિલાઓને જ્યારે બ્લીડિંગ શરૂ થાય તે તબક્કાને મૅન્સ્ટ્રુઅલ ફેઝ કહેવામાં આવે છે. ડૉ. શ્વેતા પટેલ કહે છે, "ગર્ભાશયની અંદર એક પડ હોય છે. જેને ઍન્ડોમૅટ્રિયમ કહેવાય છે. મૅન્સ્ટ્રુઅલ ફેઝમાં ઍન્ડોમૅટ્રિયમ તૂટવાની સાથેસાથે સર્વાઇકલ મ્યૂકસ અને શરીરમાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે. આ ઍન્ડોમૅટ્રિયમ ઇસ્ટ્રોજન હૉર્મોનના કાબૂમાં હોય છે. દરેક સાઇકલ બાદ આ પડ નવેસરથી બનતું હોય છે."

ઑવ્યુલેશન ફેઝ - બ્લીડિંગ પૂર્ણ થયા બાદ 13થી 15 દિવસ વચ્ચે આ તબક્કો આવતો હોય છે. ડૉ. શ્વેતા પટેલ પ્રમાણે, "આ તબક્કામાં અંડાશયમાંથી સ્ત્રીબીજ છૂટું પડે છે અને 12થી 24 કલાક દરમિયાન તે ફર્ટાઇલ રહે છે. જેથી આ સમય ગર્ભધારણ માટે સૌથી યોગ્ય હોય છે."

લ્યુટિલ ફેઝ - ડૉ. શ્વેતા પટેલ અનુસાર," જો ઑવ્યુલેશન ફેઝ દરમિયાન મહિલાને ગર્ભધારણ ન થાય તો પ્રોજેસ્ટેરોન નામનું હૉર્મોન રિલીઝ થાય છે. આ હૉર્મોન મગજને સિગ્નલ મોકલે છે અને ત્યાર બાદ મગજ પિચ્યુટરી ગ્રંથિ અને હાઇપોથૅલેમસ ગ્રંથિને સંદેશ મોકલે છે અને ફરી વખત માસિકચક્ર શરૂ થાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો