Vitamin B12 ઊણપ : શાકાહારીઓમાં જોખમ વધારે હોય છે? લક્ષણો અને ઉપાય શું?

    • લેેખક, ડૉ. રુષ્વી ટેલર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દર ચોથી-પાંચમી વ્યક્તિની ફરિયાદ હોય છે કે દિવસમાં બે વખત પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નથી, થોડું કામ કરતાં જ થાકી જવાય છે અને માથું ભમવા લાગે છે.

એવી પણ ફરિયાદો મળે છે કે ક્યારેક કારણ વગર પણ સખત કંટાળો આવે છે, એક જગ્યાએ લાંબો સમય બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે, રાતે સૂવા પડીએ તો આખું શરીર દુખતું હોય છે, યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે.

આ લક્ષણો વિટામિન બી કૉમ્પ્લેક્સની ઊણપ બતાવે છે.

શરીરને વ્યવસ્થિત રીતે ચાલતું રાખવા માટે પ્રોટીન, કાર્બ, ફેટ, મિનરલ્સ અને વિટામિન્સ જેવાં પોષકતત્ત્વોની જરૂર પડે છે.

આમાંથી કોઈ પણ પ્રકારની ઊણપ શરીરનું મિકેનિઝમ અને મૅટાબૉલિઝમ બગાડી શકે છે. આજે આપણે વિટામિન બી વિશે વાત કરીશું.

કુલ આઠ પ્રકારનાં વિટામિન બી હોય છે. B1,B2,B3,B5,B6,B7,B9,B12 મળીને વિટામિન બી કૉમ્પલેક્સ તરીકે ઓળખાય છે.

વિટામિન બી કૉમ્પ્લેક્સ શા માટે જરૂરી છે?

  • વિટામિન બી આપણા શરીરના સૌથી નાના ઘટકની ગુણવત્તા ટકાવી રાખે છે.
  • વિટામિન બી રક્તકણોનો વિકાસ કરે છે.
  • વિટામિન બી આયર્નને શોષણવામાં મદદ કરે છે.
  • મગજના કોષોને તંદુરસ્ત રાખે છે.
  • બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે.
  • સ્નાયુઓને મજબૂત બનાવે છે.
  • હોર્મોન બૅલેન્સ રાખવામાં મદદ કરે છે.
  • શરીરને ઍનર્જી આપે છે.
  • પાચનક્રિયા વધારે છે.
  • ગર્ભવતી સ્ત્રીને હાઈ બ્લડપ્રેશરથી બચાવે છે.
  • ગર્ભસ્થ શિશુને થતી ખોડખાંપણ અટકે છે અને મગજનો વિકાસ કરે છે.
  • દૂધ પીવડાવતી માતાને ઍનર્જી પૂરી પાડે છે.
  • વયસ્ક લોકોને થતી ભૂલવાની બીમારીને રોકવામાં મદદ કરે છે, દૃષ્ટિ (eye vision) સુધારે છે અને શરીરને તાકાત પૂરી પાડે છે.

લક્ષણો શું હોય છે?

  • ખૂબ જ થાક લાગવો, અને અશક્તિ આવી જવી.
  • થોડા જ શ્રમ બાદ માથું દુખવા લાગવું અને ધબકારા વધી જવા.
  • હાથપગમાં ઝણઝણાટી થવી.
  • શરીરમાં કળતર
  • ચામડી શુષ્ક પડી જવી
  • અકારણ કંટાળો આવે
  • સ્ફૂર્તિ ન લાગે
  • યાદશક્તિ ઓછી થઈ જવી
  • હિમોગ્લોબીન ઓછું થવું.
  • મોંઢામાં વારંવાર ચાંદા પડવા.
  • હોઠની આસપાસ ચીરા પડવા.

વિટામિન બીની ઊણપને લીધે પગના સ્નાયુઓ ખેંચાય?

પગના સ્નાયુમાં ખેંચાણ અને દુખાવા માટે ઘણાં કારણો જવાબદાર છે, એમાંથી એક વિટામિન બીની ઊણપ છે.

ઊણપને કારણે લોહીના પરિભ્રમણ પર અસર થાય છે અને મગજમાંથી શરીરના બીજા ભાગોને સંદેશો પહોંચાડતાં ન્યુરોન્સના કાર્યમાં વિક્ષેપ પડે છે.

જેથી ઝણઝણાટી, ખાલી ચડવી, સૂતી વખતે સ્નાયુઓમાં સખત દુખાવો થવો વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે.

વિટામિન બી કૉમ્પલેક્સની ઊણપ કોને થઈ શકે?

  • વિટામિન બી વૉટર સોલ્યુબલ હોવાથી એ રોજેરોજ શરીરમાંથી નીકળી જાય છે, માટે એને રોજ ખોરાકમાં લેવો જરૂરી છે, નહીં તો એની ઊણપ સર્જાઈ શકે છે.
  • આપણે જે ખોરાક ખાઈએ છીએ, એમાં રહેલાં પોષકતત્ત્વોનું શોષણ પાચનક્રિયા દરમિયાન નાના આંતરડામાં થાય છે.
  • જો મોંઢામાં, પેટમાં કે આંતરડામાં ક્યાંક ચાંદુ પડ્યું હોય અથવા ઇન્ફૅક્શન હોય તો આ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને વિટામિનની ઊણપ સર્જાય છે.
  • જે લોકો વિગન ડાયટ (દૂધ અને દૂધની બનાવટો ના ખાતા હોય) અપનાવે છે એમને અને શુદ્ધ શાકાહારી લોકોને વિટામિન બીની ઊણપ હોઈ શકે.
  • જે લોકો વધુ પ્રમાણમાં ઍન્ટિ-ઍસિડિટીની ગોળીઓ લેતા હોય.
  • જેઓ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરતા હોય.
  • સગર્ભા સ્ત્રીઓને.
  • માંસાહારી કરતાં શાકાહારી વ્યક્તિને વિટામિન બીની ઊણપ વધારે હોય?
  • હા આ માન્યતા સાવ સાચી વાત છે. પ્રાણીજન્ય ખોરાક જેમ કે દૂધ, દહીં, ચીઝ, માંસ, માછલી અને ઈંડાં વિટામિન બીનાં મુખ્ય સ્રોત છે.
  • આથી શાકાહારી અને વિગન ડાયટને અનુસરતી વ્યક્તિઓને પ્રમાણમાં ઓછાં વિટામિન મળે છે.

શરીરને રોજ કેટલા પ્રમાણમાં વિટામિન બીની જરૂર પડે?

  • વિટામિન B1 (Thiamine): 5-10mg
  • વિટામિન B2 (Riboflavin): 10-20mg
  • વિટામિન B3 (Nicotinamide): 150-200mg
  • વિટામિન B5 (Pantothenic acid): 7-10mg
  • વિટામિન B6 (Pyridoxine): 2-8mg
  • વિટામિન B7 (Biotine): 100-200ug
  • વિટામિન B9 (Folic acid): 2-5mg
  • વિટામિન B12 (Cobalamin): 2-10ug

ઊણપનું નિદાન

લૅબોરેટરીમાં લોહીના નમૂનાની તપાસ દ્વારા દરેક વિટામિનનું પ્રમાણ જાણી શકાય છે.

વિટામિન બીની ઊણપની શરીર પર શું અસર થાય છે?

સમયસર સારવાર આપવામાં ન આવે તો વિટામિન બીની ઊણપને લીધે એનીમિયા (લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું) થઈ શકે, જેની ગંભીર અસરને લીધે લાંબા ગાળે દર્દીને હાર્ટઍટેક, સ્ટ્રોક અને બીજી હૃદય સંબંધિત તકલીફો થઈ શકે.

લાંબા સમયની ઊણપના કારણે વ્યક્તિને ડિમેન્શિઆ (ભૂલવાની બીમારી) અને ડિપ્રેશન જેવી માનસિક બીમારી થવાનો ભય રહે છે.

વધારે પડતી બેદરકારીથી ક્યારેક નિવારી ન શકાય એવી મગજની ગંભીર બીમારી થઈ શકે છે.

ઊણપનાં લક્ષણોની શરૂઆતમાં જ ડૉક્ટરની સલાહ પ્રમાણે બહારથી સપ્લિમૅન્ટ લેવામાં આવે તો આ તકલીફોથી બચી શકાય.

વિટામિન બીનાં મુખ્ય સ્રોત

મુખ્ય સ્રોત દૂધ, ચીઝ, દહીં, ઈંડાં, લાલ માંસ, ચિકન, માછલી અને ઘાટી લીલી શાકભાજી (પાલક, બ્રોકોલી) છે.

વધુ પડતી ઊણપને કારણે ઉપર મુજબનાં લક્ષણો દેખાતાં હોય તો ડૉક્ટરની સલાહ મુજબ ટૅબ્લેટ અને ઇન્જેક્શન સ્વરૂપે સપ્લિમૅન્ટ તરીકે લઈ શકાય.

કેટલાક લોકો વિટામિન બીની ટૅબ્લેટ લગભગ રોજ લેતા હોય છે, જે શરીર માટે ફાયદાકારક રહે છે. (આ અંગે ડૉક્ટરની સલાહ અચૂક લેવી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો