World Diabetes Day : ડાયાબિટીસની બીમારી માટે સુગર કેટલી જવાબદાર?

    • લેેખક, ફર્નાન્ડો દૌર્તે
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

લૅન્સેટ ડાયાબિટીસ ઍન્ડ ઍન્ડોક્રાઇનોલૉજિ જર્નલ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારતમાં ટાઇપ-ટુ ડાયાબિટીસના દર્દીની સંખ્યાનો આંકડો 98 મિલિયન(9.8 કરોડ)ને સ્પર્શવાની આગાહી કરાઈ હતી.

વળી બીજી તરફ તાજેતરમાં 'ગ્લોબલ બર્ડન ડિસીઝ 2019' અહેવાલ અનુસાર મધ્ય-પૂર્વના દેશોમાં ખોરાક સંબંધિત બીમારીથી થતાં મોતનું પ્રમાણ વિશ્વમાં સૌથી નીચું હોવાનું બહાર આવ્યું છે. આ અહેવાલ મેડિકલ જર્નલ લૅન્સેટ દ્વારા પ્રકાશિત કરાયો છે.

અહેવાલ મુજબ 195 દેશોનાં લોકોનાં આરોગ્ય સંબંધિત ડેટાના વિશ્લેષણમાંથી એક નિષ્કર્ષ આવ્યો કે મધ્ય-પૂર્વના દેશોમાં ખોરાક સંબંધિત બીમારીથી થતા રોગનું પ્રમાણ સૌથી નીચું છે.

આમ વિશ્વના લોકોએ ઇઝરાયલના લોકોના 'ડાયટ'ની પદ્ધતિને અનુસરવી જોઈએ એવા લેખ લખાવા માંડ્યા હતા. અને ઇઝરાયલના લોકોનાં સુગર(ખાંડ)ના વપરાશ/ખાવાની પદ્ધતિને વખાણવાં લાગ્યાં હતાં.

પણ વાસ્તવિકતા ખરેખર એવી છે કે જો તમે આવું કરશો, તો તમે વિશ્વના અન્ય કોઈ પણ દેશનો નાગરિક સરેરાશ જેટલી ખાંડ ખોરાકમાં લે છે, તેનાથી વધુ ખાંડ લેવા લાગશો.

ઇઝરાયલમાં ખાંડનો વપરાશ

વર્ષ 2018માં ઇઝરાયલમાં માથાદીઠ 60 કિલો ખાંડ ખવાઈ હતી. જેનો અર્થ કે સરેરાશ પ્રતિદિવસ 165 ગ્રામ ખાંડ ખવાઈ હતી.

બીબીસી દ્વારા પ્રાપ્ત કરાયેલા 'ઇન્ટરનેશનલ સુગર ઑર્ગેનાઇઝેશન'ના આંકડાઓ અનુસાર ખાંડના વપરાશનું વિશ્વમાં આ સૌથી ઊંચું પ્રમાણ છે.

'ઇઝરાયલ નેશનલ કાઉન્સિલ ઑફ ડાયાબિટીસ'ના વડા અને ડાયાબિટીસની બીમારી મામલે વૈશ્વિક સ્તરના નિષ્ણાત પ્રોફેસર ઇટામર રાઝનું આ બાબતમાં કહેવું છે કે ઇઝરાયલમાં સરેરાશ વયસ્ક વ્યક્તિ દરરોજ 30 ટીસ્પૂન (નાની ચમચી) જેટલી ખાંડ આરોગે છે. જે વિશે તેઓ કહે છે, "આ અતિશય ગંભીર બાબત છે."

ખાંડના સેવનના રૅન્કિંગમાં મલેશિયા, બાર્બાડોસ, ફીજી અને બ્રાઝિલ ટોપ-ફાઇવમાં છે.

જ્યારે સૌથી ઓછાં વપરાશમાં ઉત્તર કોરિયા છે. જેનો વર્ષ 2018માં ખાંડનો માથાદીઠ વપરાશ 3.5 કિલોગ્રામ રહ્યો હતો.

તેની સરખામણીએ તેના પાડોશી દક્ષિણ કોરિયામાં ખાંડનું માથાદીઠ વપરાશનું પ્રમાણ 30.6 કિલોગ્રામ રહ્યું.

અમેરિકામાં ડાયટ સંબંધિત બીમારીઓની સમસ્યાની વ્યવસ્થિત નોંધ લેવાઈ છે. ત્યાં ખાંડના વપરાશનું માથાદીઠ પ્રમાણ 31.1 કિલોગ્રામ છે. જે રૅન્કિંગમાં ટોચનાં 20 દેશોમાં પણ સ્થાન નથી મેળવી શક્યું.

અલબત્ત, ભારત ખાંડના વપરાશમાં આગળ પડતો છે. વર્ષ 2018માં ભારતમાં ખાંડની પ્રોડક્ટનો વપરાશ 25.39 મેટ્રિક ટન નોંધાયો હતો. જે આખા યુરોપિયન યુનિયનના વપરાશ કરતા પણ વધુ છે.

વૈશ્વિક માથાદીઠ ખાંડના સેવનનું કુલ પ્રમાણ

જોકે એક વાત મહત્ત્વની છે કે ખાંડના વપરાશના ડેટામાં લોકો માત્ર ખાણીપીણીમાં જે ખાંડ લે છે તેના માપન વિશેની જ વાત નથી થતી.

પંરતુ હેલ્થ ઍક્સ્પર્ટ્સ અનુસાર ફ્રી સુગર જેને ખાણીપીણીની ચીજવસ્તુઓમાં મૅન્યુફૅક્ચરિંગ સમયે ઉમેરવામાં આવે છે અથવા એવો ખોરાક જેમાં કુદરતી રીતે જ શર્કરા (સુગર)નું પ્રમાણ વધુ હોય, જેમકે ફ્રૂટના જ્યૂસ વગેરે, તે તમામનો સરવાળો ખાંડના કુલ સેવનમાં ઉમેરીએ તો તે વર્ષ 2001ના 123.4 મિલિયન ટનથી વધીને વર્ષ 2018માં 172.4 મિલિયન ટનને સ્પર્શી જાય છે.

આ આંકડા ઇન્ટરનેશનલ સુગર ઑર્ગેનાઇઝેશન' (આઈએસઓ) મુજબના છે. આમ પગલે વૈશ્વિક માથાદીઠ ખાંડના સેવનનું પ્રમાણ પ્રતિ વર્ષ 22.6 કિલોગ્રામને સ્પર્શે છે.

આપણે વધુ ખાંડ કેમ ખાઈએ છીએ?

પણ સવાલ એ છે કે આપણે વધુ ખાંડ કેમ ખાઈએ છીએ?

તેનું એક કારણ એ છે કે પરંપરાગત રીતે ખાંડ સસ્તી રહી છે અને શરીરના ઊર્જાના સ્રોત તરીકે સરળતાથી ઉપલબ્ધ રહેતી આવેલી ખાદ્યચીજ છે.

યુએનના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (એફએઓ)નું કહેવું છે કે ભારતમાં ખાંડ બહોળા વપરાશની મહત્ત્વની ચીજ રહી છે. વળી ગરીબો માટે તે ઊર્જાનો સૌથી સસ્તો સ્રોત પણ રહી છે.

આથી તાજેતરના સમયમાં ભારતમાં ખાંડના વપરાશના પ્રમાણમાં ઝડપથી વધારો નોંધાયો છે. સાઠના દાયકાની શરૂઆત અને નેવુંના દાયકાના મધ્યગાળા વચ્ચે ખાંડના વપરાશનું પ્રમાણ પ્રતિવર્ષ 2.6 મિલિયન ટનથી વધીને સીધું 13 મિલિયન ટન પ્રતિવર્ષ થઈ ગયું હતું.

છેલ્લા પાંચ દાયકામાં તે આપણા ડાયટ(ખોરાક)નો સૌથી મહત્ત્વનો ભાગ બની ગઈ છે. વળી પ્રોસેસ થયેલા ફૂડના વપરાશનું પ્રમાણ પણ વૈશ્વિકસ્તરે વધ્યું છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરના આંકડા દર્શાવે છે કે વર્ષ 2002ની શરૂઆતથી વિશ્વમાં વેચાઈ રહેલા ફૂડમાં ઉપરોક્ત ફૂડનું પ્રમાણ 77 ટકા નોંધાયું છે.

'પ્રોસેસ્ડ' ફૂડમાં ખાંડ ખૂબ જ મહત્ત્વનું તત્ત્વ છે. ફૂડના સ્વાદ અથવા તે લાંબો સમય સુધી ખાવાલાયક રહી શકે તેના માટે તેમાં તેને ઉમેરવામાં આવે છે.

જોકે વિશ્વભરના મોટાભાગના નિષ્ણાતોનું કહેવું છે કે આપણું ખાંડના વપરાશનું ઊંચું પ્રમાણ વિશ્વમાં સર્જાયેલી મેદસ્વીતાની સમસ્યાનું મોટું કારણ છે.

ઓછો વપરાશ

વર્ષ 2015માં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ને અગાઉ ખાંડના સેવન માટે જે પ્રમાણની ભલામણ કરી હતી તેમાં ઘટાડો કર્યો હતો.

હવે તેની સલાહ છે કે વયસ્ક અને બાળકોએ તેના રોજિંદા 'ફ્રી' સુગર વપરાશમાંનું પ્રમાણ તેની કુલ ઊર્જા વપરાશના 10 ટકાથી ઓછું રાખવું જોઈએ.

વળી WHOનું કહેવું છે કે ખાંડના આ સેવનમાં હજુ વધારે 5 ટકા એટલે કે પ્રતિદિવસ 25 ગ્રામ જેટલો ઘટાડો આરોગ્ય માટે ફાયદાકારક પુરવાર થઈ શકે છે.

દરમિયાન બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનનાં સિનિયર ડાયટિશન વિક્ટોરિયા ટૅલર કહે છે, "એ વાત સ્પષ્ટ છે કે આરોગ્ય સંબંધિત નિષ્ણાતો ખાંડના વપરાશનું પ્રમાણ ઘટાડવાની સલાહ આપી રહ્યાં છે."

"જોકે, આંકડાઓ દર્શાવે છે કે તમામ વયજૂથ અને વિવિધ આવક ધરાવતા સમૂહોમાં ખાંડના વપરાશનું ઊંચું પ્રમાણ વાસ્તવિકતા છે."

ટૅક્સ લાદવાની નીતિ

આ પરિસ્થિતિને પગલે કેટલાક દેશોએ માત્ર તબીબી સલાહ સિવાય એક પગલું આગળ વધવાનું નક્કી કર્યું.

જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 20થી વધુ દેશોએ સુગર ધરાવતી ખાદ્યચીજો ખાસકરીને સૉફ્ટડ્રિંક પર વધારાનો ટૅક્સ લાદ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં જ સિંગાપોરે સુગરનું ઊંચું પ્રમાણ ધરાવતા પીણાંને પ્રોત્સાહિત કરતી જાહેરાતો પર પ્રતિબંધની જાહેરાત કરી. જેનો અમલ આગામી વર્ષથી શરૂ થઈ જશે.

સિંગાપોર આ પ્રકારનો પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ છે.

10 ઑક્ટોબરે કૉંગ્રેસ સમક્ષ સિંગાપોરના હેલ્થ મિનિસ્ટ્રીના સિનિયર મિનિસ્ટર એડવિન ટોંગે કહ્યું હતું,

"આપણી ઝડપથી વૃદ્ધ થઈ રહેલી વસતિ અને ગંભીર બીમારીઓનું પ્રમાણ આપણને નબળા અને ખર્ચાળ આરોગ્ય તંત્ર તરફ દોરી જશે. આથી આપણે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે."

સુગરવાળા પીણાં પર આ રીતે ધ્યાન આપવું માત્ર સંયોગ નથી. તેમાં સુગરનું ઊંચા પ્રમાણની સાથે સાથે તેની પોષણક્ષમતા પણ ઘણી ઓછી હોય છે.

જોકે આ પ્રકારના પીણાનો વૈશ્વિક સ્તરે ઊંચા પ્રમાણમાં વપરાશ નથી થતો.

હાવર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ દ્વારા એકત્ર કરાયેલા ડેટાબૅઝ અનુસાર 335 એમએલ ઑરેન્જ સોડા પીરસવાનો અર્થ છે 11 નાની ચમચી ખાંડ પીરસવી.

વળી કેટલાક અન્ય અભ્યાસો પણ દર્શાવે છે કે વજન વધવા અને સુગરવાળા પીણાં પીવા વચ્ચે સીધો સંબંધ છે. વળી તેમાં ટાઇપ-ટુ ડાયાબિટીસ, હાર્ટ સંબંધિત રોગ તથા અકાળે મૃત્યુ થવાનું જોખમ પણ વધી જાય છે.

સુગરને વિલન બનાવાઈ?

જોકે કેટલાકનું માનવું છે કે સમાચાર માધ્યમોમાં સુગર વિશે ખરાબ લખવામાં અતિરેક કરવામાં આવી રહ્યો છે.

ઇન્ટરનેશનલ સુગર ઑર્ગેનાઇઝેશન પ્રમુખ જોઝ ઑરાઇવે બીબીસીને કહ્યું કે લોકોની ખાણીપીણીની આદતોમાં સામેલ ખરાબ ચીજોમાં સુગરને પણ ગંભીર રીતે સામેલ કરી લેવાઈ છે.

તેમણે કહ્યું, "સુગરને ખોટી ચિતરવામાં આવી રહી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે તે ઊર્જાનો મૂળભૂત સ્રોત રહ્યો છે. માતાના ધાવણમાં પણ તેનું પ્રમાણ હોય છે."

"આથી મેદસ્વીતાની સમસ્યાને સંબોધવાની કોશિશમાં તેને જ માત્ર કારણભૂત ન ગણાવી જોઈએ. કેમ કે તેમાં અન્ય પરિબળો પણ ભૂમિકા નિભાવતા હોય છે. શારીરિક પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ ડાયટ પદ્ધતિ તેનું ઉદાહરણ છે."

તેઓ ઉમેરે છે,"વધુ પડતો વપરાશ કોઈ પણ માટે સારો નથી એ વાત સ્પષ્ટ છે."

ખોરાકની પદ્ધતિ

ઍક્શન સુગર એ સંશોધકો અને વૈજ્ઞાનિકોનું સંગઠન છે જે યૂકે સરકારને સુગર મામલે કડક પગલા લેવા માટે રજૂઆત કરતું આવ્યું છે. ઍક્શન સુગરના ન્યુટ્રિશનિસ્ટ હૉલી ગેબ્રિયલ કહે છે કે સમસ્યાનું એક કારણ સુગર પણ છે જ.

ગેબ્રિયલ કહે છે, "મેદસ્વીતાનું વધતું પ્રમાણ તેને પ્રોત્સાહિત કરતી પરિસ્થિતિ અને ખોરાકમાં વિક્ષેપને કારણે જોવા મળે છે."

"આથી ખોરાકની બનાવટની પ્રક્રિયા માટે ફરજિયાત નવી પદ્ધતિઓનો કડક અમલ અને ટૅક્સ લાદવા સહિતના પગલાઓની જરૂર છે."

આઈએસઓ નિષ્ણાત ઑરાઇવ ટૅક્સ લાદવાથી મળતા પરિણામોની લાંબા ગાળાની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવે છે.

સુગર ખરેખર પ્રોડક્ટને સ્વાદ આપવા માટે વપરાય છે અને તે ખોરાકની વપરાશની અવધિને પણ વધારી શકે છે.

ગેબ્રિયલ કહે છે, "અત્યાર સુધી આવા પ્રોસેસ્ડ ફૂડ પર વધારાનો ટૅક્સ માત્ર સરકાર માટે વધારાની આવક પુરવાર થયો છે. પણ ખરેખર ફૂડ ઇન્ડસ્ટ્રીએ આ બાબતની ચર્ચામાં ભાગ લેવાની જરૂર છે. અને તેમાં ખરેખર સુધાર કરવા પગલાં લેવાની પણ જરૂર છે."

ફૂડ ઍન્ડ ડ્રિંક કંપનીઓએ કેટલાક દેશોમાં આ કામ કરી બતાવ્યું છે.

ગત ડિસેમ્બરે જર્મનીમાં કેટલીક ફૂડ કંપનીઓએ સરકાર સાથે એક ડીલ કરી હતી. જેમાં તેઓ વર્ષ 2025 સુધી પ્રોસેસ્ડ ફૂડમાં સુગર અને સૉલ્ટ (સોડિયમ/મીઠું)નું પ્રમાણ 15 ટકા ઘટાડવા માટે સંમતિ આપી હતી.

વળી ડીલ હેઠળ સોફ્ટડ્રિંકમાં સુગરનું પ્રમાણ 15 ટકા ઘટાડવા માટે પણ સંમતિ સધાઈ હતી.

પણ ફરીથી સવાલ ઉઠે છે કે આવી પ્રોડક્ટ પર લાગતા વધારાના ટૅક્સનો શો અર્થ? શું તે કારગત છે?

કૅક અને બિસ્કિટ્સ

ન્યૂઝિલૅન્ડમાં યુનિવર્સિટી ઑફ ઓટાગોના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલી એક મહત્ત્વની સમીક્ષામાં જાણવા મળ્યું કે સુગરવાળા ડ્રિંક્સ (પીણાં) પર 10 ટકા ટૅક્સ લગાવવાથી તેની ખરીદી અને વપરાશમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વળી કેટલાક દેશોમાં પ્રતિબંધને પગલે ફૂડ અને ડ્રિંક મૅન્યુફૅક્ચરર્સે યૂકેમાં આ પ્રકારના ટૅક્સથી બચવા તેમની પ્રોડક્ટની બનાવટની પ્રક્રિયાને ફરીથી તૈયાર કરવી પડી હતી.

ઍક્શન ઑન સુગરના આંકડા અનુસાર એપ્રિલ-2018થી બેવરિજીસ (પીણાં)માં સુગરનું પ્રમાણ 28.8 ટકા ઘટ્યું હતું.

તાજેતરમાં સુગર ટૅક્સ મોટાભાગના દેશોમાં એક ચલણ બની રહ્યું છે તેવી સ્થિતિમાં તેની જાહેર આરોગ્ય પર તેની અસર હજુ પણ અસ્પષ્ટ છે.

જોકે, લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનનાં સંશોધકોએ સ્નૅક (અલ્પાહાર) પર સૈદ્ધાંતિક ટૅક્સ લાદવાનું એક મૉડલ તૈયાર કર્યું.

જેમાં યૂકેમાં બિસ્કિટ્સ, કૅક અને મીઠાઈ જેવી ચીજોનો સમાવેશ થાય છે. અને તેમાં તેમને આરોગ્ય મામલે ફાયદો થવાની ક્ષમતા હોવાનું માલૂમ પડ્યું છે.

ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને કૅમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંયુક્ત રીતે તેમણે એક ઇકૉનૉમિક મૉડલ તૈયાર કર્યું. જેમાં તેમણે ઉપરોક્ત સ્નૅક્સ પર 20 ટકા ભાવવધારાની અસરનું મૂલ્યાંકન પણ કર્યું.

તેમાં તેમને પરિણામ જોવા મળ્યું કે તમામ આવકજૂથમાં ભાવવધારાની અસર એવી થઈ કે સરેરાશ તેમના વજનમાં પ્રતિ વર્ષ 1.3 કિલોગ્રામનો ઘટાડો નોંઘાયો.

ઉપરાંત તેમના માટે રસપ્રદ વાત એ પણ રહી કે સુગરવાળા ડ્રિંક્સમાં આવા ભાવવધારાથી પ્રતિ વર્ષ 203 ગ્રામનો વજન ઘટાડો જોવા મળ્યો.

સ્નૅકટૅક્સ

મુખ્ય સંશોધક પૌલીન શ્કીલબીક કહે છે, "દેશમાં જમીની વાસ્તવિકતાને અનુસંધાને નિશ્ચિત નીતિ કઈ રીતે બનાવી શકાય તેનું યૂકે ઉદાહરણ છે. બ્રિટિશર્સ ડ્રિંક્સ કરતા સ્નૅક્સ મારફતે વધુ સુગરનું સેનવ કરે છે."

શ્કીલબીક અને તેમના સહકર્મીઓના અંદાજ મુજબ સ્નૅકટૅક્સ મારફતે એક વર્ષ બાદ બ્રિટિનના લોકોમાં મેદસ્વીતાના પ્રમાણમાં 2.7 ટકાનો ઘટાડો આવવાની શક્યતા રહેલી છે.

તેમણે ઉમેર્યું,"અમારા મતે ટૅક્સની બાબત કારગત છે. જોકે મેદસ્વીતાને ટ્રૅક કરવા માટે કે પોષણક્ષમ આરોગ માટે કોઈ નિશ્ચિત પદ્ધતિ નથી."

"પણ જે વાત નિશ્ચિત છે તે એ કે સુગરનું પ્રમાણ ઘટાડવાથી જરૂરથી લાભ થઈ શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો