કઈ એવી ચીજ છે જે ખાવાથી ખરેખર ઊંઘ આવે છે?

તમે એવા ઘણા લોકોને ઓળખતા હશો કે ભાત અથવા પૂરી ખાધા બાદ ઊંઘ આવવાની ફરિયાદ કરતા હોય છે

આ ફરિયાદ માત્ર ભારતમાં જ લોકો કરે છે એવું નથી. વિદેશોમાં પણ ઘણા લોકો જમ્યા બાદ ઊંઘ આવવાની ફરિયાદ કરે છે.

ઘણા દેશોમાં ટર્કી નામનાં પક્ષીનું વ્યંજન ખાઈને ઘણી વખત લોકો ઊંઘની ફરિયાદ કરે છે.

આખરે મામલો શું છે? શું ખરેખર કેટલીક વસ્તુઓ ખાવાથી ઊંઘ આવે છે?

વાસ્તવિકતા એ છે કે ઊંઘની પાછળ એક કેમિકલ જવાબદાર હોય છે. તેનું નામ છે એલ ટ્રિપટોફાન.

ભારતીય ખોરાક પર તો બહુ સંશોધન નથી થયું.

પરંતુ અમેરિકામાં થયેલાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટર્કીના માંસમાં એલ ટ્રિપટોફાન નામના કેમિકલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.

ઇંડાના પીળા ભાગમાં, કૉડ માછલી અને પોર્ક ચૉપમાં પણ એલ ટ્રિપટોફાન વધારે હોય છે.

કેવી રીતે એલ ટ્રિપટોફાન કામ કરે છે?

જોકે, જરૂરી નથી કે ભોજન બાદ તમને ઊંઘ આવવા જ લાગે.

કેટલીક વસ્તુઓ ખાધા બાદ ઊંઘ આવવાના દાવા સાચા નથી લાગતા.

આપણે એલ ટ્રિપટોફાનની અસરને સમજવા માટે તેની જરૂરિયાત વિશે સમજવું પડશે.

ખરેખર આ એક અમીનો એસિડ છે. અમીનો એસિડ એ કેમિકલ છે, જેનાંથી પ્રોટીન બને છે.

પ્રોટીનથી કોશિકાઓ બને છે. કોશિકાઓ આપણાં શરીરના વિકાસ અને સારી રીતે કામ કરવા માટે જરૂરી છે.

એટલે કે એલ ટ્રિપટોફાન આપણાં શરીરની જરૂરિયાત છે પણ તે શરીરમાં નથી બનતું. આપણે તેને ભોજનના માધ્યમથી મેળવીએ છીએ.

આ એમીનો એસિડની મદદથી સૅરોટિનિન નામનું કેમિકલ બને છે.

સૅરોટિનિન એ કેમિકલ છે, જે આપણી અંદર ખુશીની ભાવના ઉત્પન્ન કરે છે.

ઊંઘ ન આવવાની બીમારી

આ જ સૅરોટિનિન એવી અસર પણ બતાવે છે કે મધમાખીઓને ઊંઘ આવવા લાગે.

કદાચ એલ-ટ્રિપટોફાન શરીરમાં પહોંચીને આ જ અસર માણસોમાં પણ બતાવે છે. જો કે આ વાત પાક્કા પાયે કહી શકાતી નથી.

આ બધુ જાણીને તમને એવું લાગી રહ્યું હશે કે એલ ટ્રિપટોફાનને લેવાથી ઊંઘ ન આવવાની બીમારી દૂર કરી શકાય છે.

આ વાત કેટલીક હદ સુધી સાચી પણ છે. તેમાંથી બનાવવામાં આવેલી દવાઓ ઊંઘ ન આવવાની બીમારી દૂર કરી શકે છે. જોકે, આ સંશોધન 30 વર્ષો કરતાં પણ વધારે જૂનું છે.

આ સંશોધન વર્ષ 1986માં કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2002માં થયેલાં સંશોધનમાં જાણવા મળે છે શરીરમાં એલ ટ્રિપટોફાન અમીનો એસિડની ખામીના કારણે આપણી ઊંઘ ખરાબ થાય છે.

એલટ્રિપટોફાનની થોડી માત્રા પણ ઊંઘ આપે છે

કેનેડાના ઓન્ટેરિયોમાં થયેલાં એક સંશોધનમાં કેટલાક લોકોને એલ ટ્રિપટોફાન ધરાવતું ફૂડ ખાવા માટે અપાયું હતું.

એ લોકોએ જણાવ્યું કે તેને ખાધા બાદ તેમને સારી ઊંઘ આવી હતી.

ખરેખર આ ફૂડમાં ડેક્સટ્રોઝ નામનું સુગર હતું. તે આપણા શરીરને ઇન્સ્યૂલિન નામના હૉર્મોન છોડવા માટે પ્રેરિત કરે છે.

તેની મદદથી આપણું શરીર બીજા અમીનો એસિડ પણ સૂકાવી શકે છે.

એલ ટ્રિપટોફાન પણ આ પ્રક્રિયાથી પસાર થઈને મગજમાં સૅરોટિનિન બનાવવામાં મદદ કરે છે.

હા એલ ટ્રિપટોફાન ધરાવતા ખાદ્ય પદાર્થો લીધા બાદ પણ તમને ઊંઘ આવવા જ લાગે તે પણ જરૂરી નથી.

તેનાથી એટલું થશે કે ઊંઘ માટે તમારે વધારે મહેનત નહીં કરવી પડે જેટલી સામાન્યપણે કરવી પડે છે.

ઊંઘ ન આવવાની સમસ્યા દૂર કરી શકાય

એટલે કે ઊંઘ ન આવવાની નાની મોટી સમસ્યાને એલ ટ્રિપટોફાન ધરાવતા ખોરાકની મદદથી દૂર કરી શકાય છે.

પરંતુ ઊંઘ ન આવવાની ગંભીર સમસ્યા છે તો તેને તમારે દવા તરીકે જ લેવું પડશે.

તો હવે જ્યારે તમને ભાત ખાવાથી ઊંઘ આવે, તો માત્ર ભાતને તેના માટે જવાબદાર ન ગણાવતા.

તમને ઊંઘ આવવાનું કારણ ભોજન નહીં બીજુ કંઈ પણ હોઈ શકે છે. એવું બની શકે છે કે તમે સવારે જલદી ઊઠી ગયા હોવ. એ પણ બની શકે છે કે તમે વધારે કામ કર્યું હોય.

તમને થાકનો અનુભવ થઈ રહ્યો હોય અથવા તો રજા પર જવાના ચક્કરમાં કેટલાંક કામ પૂરા કરતા કરતા તમે થાકી ગયા હોવ.

ત્યારબાદ તમે પેટ ભરીને જમશો તો સ્પષ્ટ છે કે ઊંઘ તો આવશે. એલ-ટ્રીપટોફાનની ઓછી માત્રા પણ તમને ઝપકી તો અપાવી જ શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો