You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેટરિંગના કોન્ટ્રાક્ટરો આગળ રેલવે વિભાગ મજબૂર?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
મને બાળપણના એ દિવસો આજે પણ યાદ છે જ્યારે ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા પહેલાં ઘરેથી જ ભોજન અને ખાદ્યસામગ્રીની વ્યવસ્થા કરવી પડતી હતી.
બહુ લાંબી મુસાફરી હોય તો ઘણા દિવસો સુધી ચાલે તેટલી ભોજન સામગ્રીની વ્યવસ્થા કરવી પડતી હતી.
ત્યારે પણ એવું નહોતું કે સ્ટેશનો પર ખાવા-પીવાની વસ્તુઓ નહોતી મળતી.
તે સમય 'બેઝ કિચન'નો હતો. જેનું સંચાલન રેલવેના વાણિજ્ય વિભાગ દ્વારા કરવામાં આવતું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
નિર્ધારિત સ્ટેશનો પર સ્ટીલની મોટી થાળીઓમાં ટ્રેનમાં ખાદ્યસામગ્રીઓ પહોંચાડવામાં આવતી.
એ ભોજન સ્વાદિષ્ટ રહેતું અને ઘણા ભાવથી અમે તેની રાહ જોતા.
ટ્રેનમાં સફર શરૂ કરતા પહેલાં પીવાનાં પાણીની વ્યવસ્થા કરવી પડતી.
બોટલમાં મળતા પાણી કે 'પૅકેજ્ડ ડ્રિંકીંગ વૉટર'ની તો ત્યારે કોઈ કલ્પના જ નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
IRCTCની દેખરેખમાં હેઠળ સમગ્ર વ્યવસ્થા
ભારતીય રેલવેનો વિકાસ થયો અને સુવિધાઓનો પણ વિકાસ થયો. ભોજન સામગ્રીના પુરવઠાની વ્યવસ્થા ધીમે-ધીમે ખાનગી કંપનીઓ પાસે જતી રહી.
કેટલાંક 'બેઝ કિચન' બચ્યા છે પરંતુ ભોજનસામગ્રીની મોટાભાગની વ્યવસ્થા હવે ખાનગી કંપનીઓ પાસે છે.
'ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન' એટલે કે આઈઆરસીટીસીની રચના કરવામાં આવી જેની દેખરેખમાં ખાદ્યસામગ્રીના પુરવઠાની વ્યવસ્થા કામ કરવા લાગી.
આ વ્યવસ્થા ચાલતી રહી પરંતુ સમયની સાથે-સાથે તેની ગુણવત્તામાં ઘટાડો આવવાની ફરિયાદો સામાન્ય થવા લાગી.
સંસદમાં ભારતના 'કમ્પ્ટ્રૉલર એન્ડ ઑડિટર જનરલ' એટલે કે CAGએ તાજેતરમાં રજૂ કરેલા અહેવાલમાં ભારતીય રેલવેમાં મુસાફરોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.
માત્ર ગુણવત્તા જ નહીં ભોજન માટે પેન્ટ્રીના કર્મચારીઓએ મુસાફરો પાસેથી વસૂલ કરેલી રકમ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
જો કે ટ્રેનમાં મળનારી દરેક ખાદ્યસામગ્રીની કિંમત રેલવે વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે.
CAGના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઘણી ટ્રેનોમાં નિર્ધારિત રકમથી વધારે રકમ વસૂલવામાં આવી રહી છે.
CAGના રિપોર્ટમાં થયો ખુલાસો
CAGના રિપોર્ટ પછી મેં પણ લાંબી મુસાફરી ટ્રેનમાં કરવાનું વિચાર્યું અને જૂની દિલ્હીથી ન્યૂ જલપાઈગુડી સુઘીની યાત્રા કરી.
36 કલાકની મુસાફરી દરમિયાન ટ્રેનમાં ઉપલબ્ધ પેન્ટ્રીમાંથી ઘણીવાર ભોજન અને પાણી મંગાવ્યા.
જો કે મારો પ્રવાસ CAGનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી થયો હતો અને ત્યાં સુધીમાં રેલવે વિભાગે સાવચેતીભર્યાં પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું.
ત્યારે જાણ થઈ કે આઈઆરસીટીસી દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
આઈઆરસીટીસીનું કહેવું છે કે, આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી તેમણે નવી કેટરિંગ નીતિ શરૂ કરી છે.
છતાં પણ જે બાબતમાં પરિવર્તન જોવા ન મળ્યું તે હતી અનધિકૃત વેપારીઓ દ્વારા ખાદ્યસામગ્રીનું વેચાણ.
જૂની દિલ્હીથી ટ્રેન રવાના થયા પછી કેટલાક કલાક બાદ તૈયાર ખાદ્યસામગ્રી અને પાણી વેચનારા લોકો ટ્રેનમાં આવી ચડ્યા.
આ લોકોએ એવો જ ગણવેશ પહેર્યો હતો જેવો ગણવેશ પેન્ટ્રીમાં કામ કરનારા લોકો પહેરે છે.
"કેટલાક લોકોની છે સાઠગાંઠ"
મારી નજર સામે જ પેન્ટ્રીનો એક કર્મચારી પાણી લઈને પસાર થઈ રહ્યો હતો.
આઈઆરસીટીસી દ્વારા નિર્ધારિત 'રેલ નીર' બ્રાન્ડનું પાણી ત્યાં વેચવાનો નિયમ છે પરંતુ તે પાણી અન્ય કોઈ બ્રાન્ડનું હતું.
તેને જ્યારે આ બાબત પૂછવામાં આવી તો તેણે કહ્યું કે 'રેલ નીર' બ્રાન્ડના પાણીનો સ્ટૉક પેન્ટ્રીકાર પાસે નથી.
ટ્રેનની પેન્ટ્રીના મેનેજર રાકેશ યાદવે મને તેમનું રસોડું બતાવ્યું. સ્વાભાવિક છે કે રિપોર્ટ બાદ લેવામાં આવેલા પગલાંઓના કારણે ત્યાંની સ્થિતિ એટલી ખરાબ નહોતી જેટલી પહેલાં હતી.
યાદવે અનધિકૃત વેપારીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે તેમના પર સત્તાવાળાઓનું કોઈ નિયંત્રણ નથી.
તમને આ પણ વાંચવું ગમશે
યાદવનું કહેવું હતું, "આ તમામ લોકો સંગઠિત છે. તે સૌની સાથે મળેલા છે. ટીટી, પોલીસ અને રેલવે સુરક્ષા બળ સાથે મળીને તેઓ કામ કરે છે. તેથી તેમને ટ્રેનમાં ચડવાથી કોઈ નથી રોકી શકતુ"
"ઘણાં સ્ટેશનો એવા છે જ્યાં અમને કહી દેવાય છે કે અમે ત્યાં પેન્ટ્રીનો સામાન નથી વેચી શકતા. હવે અમારું રસોડું બધાની સામે છે અને ટ્રેનમાં છે."
"આ લોકો ખાદ્યસામગ્રી ક્યાં રાધે છે? કેવી રીતે રાંધે છે? કેવાં તેલ અને મસાલાનો ઉપયોગ કરે છે? આ વાતો કોઈ નથી જાણતું. આવી ખાદ્યસામગ્રી ખાઈને લોકો બીમાર પડે છે અને બદનામ અમે થઈએ છીએ."
"વ્યવસ્થામાં સંપૂર્ણ સુધારોથયોનથી"
પરંતુ એવું નથી કે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે. મારી સાથે મુસાફરી કરી રહેલા વિવેક શાહ હંમેશા ટ્રેનમાં મુસાફરી કરે છે.
પોતાના વ્યવસાયના કારણે તેમને આ ટ્રેનમાં વધુ મુસાફરી કરવી પડે છે.
વિવેક પોતાનો અનુભવ જણાવી રાકેશ યાદવના દાવાઓને રદિયો આપે છે.
તેમનું કહેવું છે કે પેન્ટ્રીમાં મળનારી ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને જથ્થો ઠીક નથી. તેમને લાગે છે કે ફરિયાદો કરવા છતાં આ વ્યવસ્થામાં કોઈ સુધારો થઈ રહ્યો નથી.
આઈઆરસીટીસીના કર્મચારીઓના યુનિયન સાથે જોડાયેલા સુરજીત શ્યામલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "નિગમ ટ્રેનમાં પીરસાઈ રહેલા ભોજનની ગુણવત્તા પર વ્યવસ્થિત રીતે દેખરેખ નથી રાખી રહ્યું કારણ કે તેમની પાસે પૂરતા કર્મચારીઓ જ નથી."
શ્યામલ કહે છે કે, "એક તરફ નવી ટ્રેનો શરૂ થઈ રહી છે અને આઈઆરસીટીસી પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે."
રેલવે અધિકારી જે.પી. તિવારી જ્યારે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો સાથે ખાદ્યસામગ્રી અને અન્ય સુવિધાઓ બાબતે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મારી મુલાકાત તેમની સાથે થઈ.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "રેલવે વિભાગે ખાદ્યસામગ્રી અને અન્ય સુવિધાઓને વધુ સારી બનાવવા નક્કર પગલાં ભર્યા છે."
"આ પગલાંના ભાગરૂપે એવા કોન્ટ્રાક્ટરોને બરતરફ કરવામાં આવ્યા છે જેમના વિશે વધુ ફરિયાદો મળવા લાગી હતી."
'રેલવે વિભાગ મજબૂર છે?'
આવા કોન્ટ્રાક્ટરોને 'બ્લેક લિસ્ટ' કરવાની વાત તાજેતરમાં રેલવે મંત્રાલયે ટ્વિટના માધ્યમથી કરી હતી.
પરંતુ જાણકારો કહે છે કે રેલવેમાં કોન્ટ્રાક્ટરોની એક 'મોનોપૉલી' છે જેના કારણે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી શકતું.
જેમાંથી કેટલાંક કોન્ટ્રાક્ટરો એવા છે જેમને સમગ્ર ભારતમાં દોડનારી 70 ટકા ટ્રેનોમાં ખાદ્યસામગ્રી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
તેમને સંપૂર્ણપણે હટાવવાના સંદર્ભમાં રેલવે વિભાગ પાસે એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી જેનાથી ટ્રેનોમાં કોઈ અડચણ વિના ભોજનનો પુરવઠો પહોંચાડી અને પીરસી શકાય.
તો સવાલ એ ઉપસ્થિત થાય છે કે કેટરિંગના કોન્ટ્રાક્ટરો આગળ રેલવે વિભાગ મજબૂર છે?
આ પરિસ્થિતિના કારણે રેલવે વિભાગે હવે દરેક સ્ટેશન પર વધુ ખાનગી કંપનીઓને ખાદ્યસામગ્રીનો પુરવઠો આપવા આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
આ વ્યવસ્થા કેટલી અસરકારક સાબિત થશે તે તો હવે આવનારો સમય જ કહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો