ડાયાબિટીસ વિશેની મહત્વની વાતો જાણી લો

ડાયાબિટીસને કારણે વધતા આરોગ્યસંબંધી જોખમ પરત્વે લોકોનું ધ્યાન આકર્ષવા માટે 1991માં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઊજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા બની ચૂક્યો છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા અનુસાર, 2015માં ભારતમાં ડાયાબિટીસના 6.91 કરોડ કેસ નોંધાયા હતા.

આ પરિસ્થિતિમાં ડાયાબિટીસ વિશેની મહત્ત્વની માહિતી જાણી લેવી જરૂરી છે.

શું છે ડાયાબિટીસ?

ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગરનું પ્રમાણ બહુ જ વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2.

ટાઈપ-1 અને ટાઈપ-2માં શું ફરક છે? શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે બન્ને પ્રકારના ડાયાબિટીસને સંબંધ છે.

ઇન્સ્યૂલિનનું ઉત્પાદન પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડમાં થાય છે. સ્વાદુપિંડ પેટની પાછળના ભાગમાં હોય છે. શરીરમાં સુગરની માત્રાનું નિયંત્રણ ઇન્સ્યૂલિન કરતું હોય છે.

ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરતા કોષોના નાશ થાય છે.

ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી.

સુગરનું પ્રમાણ

બન્ને પ્રકારના ડાયાબિટીસનો પ્રભાવ શરીરમાં સુગરના સ્તર પર પડે છે. જોકે, બન્નેમાં એ અસર અલગ-અલગ રીતે થતી હોય છે.

ડાયાબિટીસ-1 બાળકોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, પણ હવે બાળકોમાં ટાઈપ-2 ડાયાબિટીસના કેસ પણ બહાર આવી રહ્યા છે.

ટાઈપ-2 ડાયાબિટીસ સામાન્ય રીતે વયસ્ક લોકોમાં વધારે જોવા મળે છે. દરેક દસમાંથી નવ કિશોરોમાં ટાઈપ-2 ડાયાબિટીસ જોવા મળતો હોય છે.

ટાઈપ-2 ડાયાબિટીસના કેસીસ વધવાનું કારણ વધુ વજન ધરાવતા લોકોની સંખ્યામાં થયેલો વધારો પણ છે. સ્થૂળતા અન્ય બીમારીઓનું કારણ પણ બની રહી છે.

ટાઈપ-1 ડાયાબિટીસ

•આ પ્રકારનો ડાયાબિટીસ વ્યક્તિને આજીવન વળગેલો રહે છે.

•આ પ્રકારનો ડાયાબિટીસ ખાવાની આદતો કે ડાયેટને કારણે નથી થતો.

•તેનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી અને તેને કારણે આરોગ્યસંબંધી ગંભીર તકલીફો સર્જાઈ શકે છે.

ટાઈપ-1 ડાયાબિટીસમાં શું થાય?

ઇન્સ્યૂલિન બનાવતા કોષોનો નાશ થાય ત્યારે ટાઈપ-1 ડાયાબિટીસ થાય છે. તેને કારણે શરીર ગ્લૂકોસનો ઉપયોગ કરી શકતું નથી.

ગ્લૂકોસ એ પ્રકારની સુગર છે. ગ્લૂકોસને કારણે શરીરને ઊર્જા મળતી હોય છે. જોકે, ઉપરોક્ત કારણસર ગ્લૂકોઝનો વપરાશ ન કરી શકવાને લીધે શરીર બીજા કોઈ સ્રોતમાંથી ઊર્જા મેળવે છે.

એ ઊર્જા મેળવવા માટે શરીર ફેટ અને પ્રોટિનનો ઉપયોગ કરે છે. ફેટ અને પ્રોટિન શરીરના અન્ય હિસ્સાઓમાં હોય છે. કોઈને ડાયાબિટીસ થાય ત્યારે તેનું વજન ઘટવાનું અને શારીરિક અસ્વસ્થતાનું કારણ એ હોય છે.

ટાઈપ-1 ડાયાબિટીસનો ભોગ બનેલા લોકો વારંવાર ટોઇલેટ જવું પડતું હોવાની, થાક લાગવાની અને તરસ લાગવાની ફરિયાદો કરતા હોય છે.

સારવાર કઈ રીતે કરવામાં આવે છે?

ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરતા કોષો કામ કરવાનું બંધ શા માટે કરી દે છે એ સ્પષ્ટ રીતે જણાવી શકાતું નથી.

નિશ્ચિત સમયાંતરે ઇન્સ્યૂલિનનાં ઇન્જેક્શન લઈને તેનો ઈલાજ કરી શકાય છે.

ઇન્સ્યૂલિનના ઈન્જેક્શનને લીધે શરીર ઊર્જા માટે ગ્લૂકોઝનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.

ટાઈપ-2 ડાયાબિટીસ

•આ પ્રકારનો ડાયાબિટીસ મોટાભાગે વધુ સુગર અને ફેટવાળી ચીજો મોટા પ્રમાણમાં ખાવાથી તથા કસરત ન કરવાથી થતો હોય છે.

•કેટલાક કિસ્સાઓમાં તેનાં કારણો અલગ હોય છે.

•ટાઈપ-2 ડાયાબિટીસનો સંપૂર્ણ ઈલાજ પણ શક્ય નથી.

•આ પ્રકારના ડાયાબિટીસને કારણે પણ આરોગ્યસંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.

ટાઈપ-2 ડાયાબિટીસમાં શું થાય?

ટાઈપ-1 કરતાં ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે. ડાયાબિટીસના 85થી 90 ટકા દર્દીઓ ટાઈપ-2નો ભોગ બનેલા હોય છે.

આપણે જે ખોરાક આરોગીએ છીએ તેમાંથી ગ્લૂકોઝ અલગ તારવીને તેને શરીરને અન્ય હિસ્સાઓમાં પહોંચાડવામાં ઇન્સ્યૂલિન મદદ કરે છે.

આપણા શરીરનાં વિવિધ કોષોને ગ્લૂકોઝ મેળવી આપવામાં પણ ઇન્સ્યૂલિન મદદ કરે છે. ઇન્સ્યૂલિન વિના કોષો ગ્લૂકોઝ ગ્રહણ કરી શકતા નથી અને એ ગ્લૂકોઝ શરીરમાં એકઠું થતું રહે છે.

ઘણા લોકો તેમના ખાનપાનને લીધે ડાયાબિટીસના સંકજામાં લાંબા સમય સુધી આવતા નથી. જોકે, બાળકો અને યુવાનોમાં આ સમસ્યા વધી રહી છે.

સારવાર કઈ રીતે કરવામાં આવે છે?

શરીરમાં મોટા પ્રમાણમાં ગ્લૂકોઝ એકઠું થવાને કારણે ટાઈપ-2 ડાયાબિટીસ થાય છે.

કોઈ વ્યક્તિને ટાઈપ-2 ડાયાબિટીસ થયો હોવાનું નિદાન થાય પછી તેને ખાનપાનની આદતો બદલવાની અને કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પરિસ્થિતિમાં વધારે ફેટ અને સુગરવાળો ખોરાક લેવાનું બંધ કરીને તેમજ કસરત મારફત શરીરમાંથી ગ્લૂકોઝનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે.

કેટલાક કિસ્સામાં ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓને દવા કે વધારાનું ઇન્સ્યૂલિન પણ આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો