You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેદસ્વિતા પાછળ શું તણાવ જવાબદાર છે?
- લેેખક, ડૉ. માઈકલ મોસ્લી
- પદ, બીબીસી
આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે મેદસ્વિતાનું કારણ શું છે. શા કારણે વ્યક્તિ મેદસ્વી બની જાય છે.
સામાન્ય રીતે સમજણ આપતાં એવું કહી શકાય કે શરીર જેટલી કૅલરિ વાપરે છે તેના કરતાં વધારે કૅલરિ લેવાથી વ્યક્તિ મેદસ્વી થાય છે.
આ એક વાસ્તવિકતા હોવા છતાં તે એક રસપ્રદ સવાલનો જવાબ મળતો નથી.
આ રસપ્રદ સવાલ એ છે કે આપણે વધારે ખાવાની આદત કેમ હોય છે?
કેક અથવા ચૉકલેટ ખાધા બાદ મને વધારે કૅલરિ લેવાનો અફસોસ થાય છે તેમ છચાં મને કેક કે ચૉકલેટ ખાવાની ઇચ્છા કેમ થાય છે?
તો શું આ ફક્ત લાલચ છે કે કોઈ અન્ય બાબત છે જે મને ખાવા માટે આકર્ષે છે. જોકે, આ મામલે જાતે જ નિયંત્રણ રાખવું જરૂરી છે.
મેદસ્વિતા પાછળ તણાવ જવાબદાર
એ વાતના પુરાવા છે કે મેદસ્વિતા પાછળ તણાવ જવાબદાર હોય છે. હવે આ તણાવને કારણે કઈ રીતે મેદસ્વિપણું આવે તે સમજીએ.
તીવ્ર તણાવને કારણે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચે છે અને પૂરતી ઊંઘ થઈ શકતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેથી વધારે ભૂખ લાગે છે અને તેના કારણે વ્યક્તિએ વધારે ખોરાક લેવો પડે છે.
વધુ પડતા ખોરાકને કારણે શરીરમાં સુગરનું યોગ્ય પ્રમાણ જળવાતું નથી.
જેના કારણે મેદસ્વિતા આવે છે એટલું જ નહીં સુગરના પ્રમાણમાં થતા ફેરફારને કારણે 'ટાઇપ-ટુ પ્રકારની ડાયબીટિઝ' પણ થાય છે.
તણાવ અંગે અભ્યાસ
તણાવ અને મેદસ્વિતાના સંબંધે એક પ્રયોગ કરવામાં આવ્યો.
જેમાં 'ટ્રસ્ટ મી, આઇ એમ ડૉક્ટર' ટીમના ડૉ. ગાઇલ્સ યેઓએ લીડ્ઝ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મદદથી પોતાની જાતને એકદમ તણાવયુક્ત વાતાવરણ પૂરું પાડ્યું.
વૈજ્ઞાનિકોએ ડૉ. ગાઇલ્સને 'માસ્ટ્રીક સ્ટ્રેસ ટેસ્ટ' માંથી પસાર થવા માટે કહ્યું.
તેમણે ડૉ. ગાઇલ્સને કમ્પ્યૂટર સામે બેસાડ્યા અને 2043ના આંક માંથી 17નો આંક બાદ કરવા કહ્યું.
ડૉક્ટર ગાઇલ્સને ઝડપથી બાદબાકી કરવાની હતી. ઝડપથી બાદબાકી કરવા જતા ગાઇલ્સ ભૂલો કરવા લાગ્યા.
સતત થતી ભૂલો તેમના માટે ખૂબ તણાવપૂર્ણ હતી.
ત્યારબાદ વૈજ્ઞાનિકોના કહેવા મુજબ તેમણે ઠંડા પાણીમાં હાથ મૂક્યા. આ રીતે તેમણે હાથને થોડીવાર પાણીમાં રાખ્યા.
લીડ્ઝની ટીમે આ પ્રયોગ પહેલાં ડૉ. ગાઇલ્સના શરીરમાં સુગરનું પ્રમાણ માપ્યું હતું.
હવે પ્રયોગ બાદ પણ ગાઇલ્સના શરીરનું સુગર લેવલ માપવામાં આવ્યું.
આપણે જ્યારે ખાઇએ છીએ ત્યારે શરીરમાં સુગરનું પ્રમાણ વધતું હોય છે.
પરંતુ ગાઇલ્સ જેવી તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં સુગરનું પ્રમાણ ઝડપથી સામાન્ય થઈ જતું હોય છે.
સતત તણાવ હેઠળ પરિક્ષણ
જોકે, જે દિવસે તેમને સતત તણાવમાં રાખવામાં આવ્યા ત્યારે તેમના શરીરમાં સુગરનું પ્રમાણ સામાન્ય થતા ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો.
સામાન્ય દિવસોમાં તેમનું સુગરનું પ્રમાણ સામાન્ય થતા જે સમય લાગતો હતો તેના કરતાં તણાવયુક્ત દિવસે છ ગણો વધારે સમય લાગ્યો.
આનું કારણ એ છે કે જ્યારે તમે તણાવમાં હોવ છો ત્યારે તમારું શરીર 'ફાઇટ મૉડ'માં હોય છે. એટલે કે શરીરમાં આંતરિક સંઘર્ષ ચાલતો હોય છે.
શરીરને એવું લાગે છે કે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. સ્નાયુઓને શક્તિ આપવા રાસાયણિક પ્રક્રિયા દ્વારા શરીરમાં ગ્લૂકોઝ છૂટું પડે છે.
પરંતુ જ્યારે તમારા શરીરને આ ઊર્જાની જરૂર ના હોય ત્યારે સ્વાદુપિંડ(પૅન્ક્રિઅસ) ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરે છે.
આમ, ઇન્સ્યૂલિનના વધતા પ્રમાણ અને સુગરના ઘટતા પ્રમાણને લીધે તમને ભૂખ લાગે છે.
જેના કારણે તમને તણાવમાં સુગરયુક્ત આહાર લેવાનું મન થાય છે.
જ્યારે રાત્રે પૂરતી ઊંઘ ના થાય ત્યારે પણ આ સ્થિતિ સર્જાય છે.
લંડનની કિંગ્સ કોલેજ દ્વારા તાજેતરમાં જ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ મુજબ જેમને પૂરતી ઊંઘ નથી મળતી તેઓ સામાન્ય વ્યક્તિ કરતા દિવસે ખોરાકમાં 358 કૅલરિ વધારે લે છે.
આટલી કૅલરિ એક મોટા મફિનમાં હોય છે.
બાળકો પર અભ્યાસ
એક અન્ય અભ્યાસ બાળકો પર કરવામાં આવ્યો, જેમાં ત્રણ-ચાર બાળકોને બપોરે ઊંઘવા ના દેવાયાં
એટલું જ નહીં પરંતુ તેમને ઊંઘવાના સમય કરતાં બે કલાક મોડા સૂવડાવવામાં આવ્યાં.
આ કારણે બાળકોએ બીજા દિવસે સામાન્ય કરતાં 20 ટકા વધુ કૅલરિ લીધી હતી.
જેમાં ખાસ કરીને સુગરવાળો અને કાર્બોદિતયુક્ત ખોરાક હતો.
ત્યારબાદ તેમને પૂરતી ઊંઘ કરવા દેવામાં આવી હતી.
તેમ છતાં બાળકોએ ત્રીજા દિવસે સામાન્ય કરતાં 14 ટકા વધુ કૅલરિ લીધી હતી.
આ રીતે રોજબરોજ તણાવમાં ઘટાડો કરી શકાય છે.
તણાવ ઘટાડતી શ્વસનક્રિયા
રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) દ્વારા ભલામણ કરવામાં આવતી શ્વસનક્રિયા તણાવ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
તમે ઊભા રહીને, સૂતા સૂતા કે બેઠા બેઠા પણ આમ કરી શકો છો.
- નાકથી બને તેટલો ઊંડો શ્વાસ લો. વધુ પડતું દબાણ ન કરો. ઊંડો શ્વાસ લેતી વખતે પાંચ સુધી ગણતરી કરો.
- આજ રીતે મોંથી શ્વાસ બહાર છોડો.
- આમ સ્થિરતા સાથે આનું પુનરાવર્તન કરો.
- પાંચ મિનિટ સુધી આમ કરતા રહો.
પૂરતી ઊંઘ શ્રેષ્ઠ ઉપાય?
ઉપરોક્ત ઉપાયથી લાભ થશે પરંતુ રાત્રે પૂરતી ઊંઘ લેવી તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
તમે તણાવ દૂર કરવા માટે કેટલીક પ્રવૃતિઓ પણ કરી શકો છો.
જેમ કે કસરત, છોડને પાણી પીવડાવવું, યોગ-પ્રાણાયામ કરવાં કે કોઈની કાળજી લેવી.
વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર એન્જેલા ક્લોના સહયોગથી એક પરિક્ષણ કરવામાં આવ્યું.
તેમાં કાળજી લેવાની બાબત સૌથી શ્રેષ્ઠ ઉપાય તરીકે બહાર આવી.
આથી તણાવ ઘટાડવા માટે તમે વિવિધ પ્રવૃતિઓ કરતા રહો અને નક્કી કરો કે તમારા માટે કઈ પ્રવૃતિ યોગ્ય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો