પાક.ના દર્દીઓ માટે ભારતના મેડિકલ વિઝા કેમ પડકાર બની રહ્યા છે?

    • લેેખક, શુમાઈલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા

વહેલી સવારનો સમય હતો. જોહર નગરના લોકો ઊંઘી રહયા હતા.

પણ ડૉ. તૈમુર-ઉલ-હસનના ઘરમાં આજે પરિવાર જાગી ગયો હતો.

તેઓ ઝડપથી તૈયાર થયા અને નાસ્તા માટે ટેબલ પર આવ્યા.

ડૉ. તૈમુર-ઉલ-હસન સ્વસ્થ હતા પરંતુ તેમની નાની બહેન દુઃખી હતી.

અડધા કલાક બાદ ડૉ. તૈમુર ઘરેથી નીકળવા માટે તૈયારી કરવા લાગ્યા.

આ સમયે પરિવારના તમામ સભ્યો તેમની આસપાસ એકઠાં થઈ ગયા.

તમને આ પણ વાંચવું ગમશે

ઘરના દરવાજા પાસે તેમના માટે દુઆ માંગવામાં આવી. કુરાનની નીચેથી તેઓ પસાર થયા.

આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે ડૉ. તૈમુર જે કામ માટે જઈ રહ્યા હતા તેમાં તેમને સફળતા મળે.

ઉપરાંત અલ્લાહ તેમને આશિર્વાદ આપે. ડૉ. તૈમુર દિલ્હીની યાત્રા પર છે. તેમને લીવરનું કેન્સર છે.

વર્ષ 2015માં દિલ્હી ખાતે સફળ સર્જરી બાદ તેમને નવજીવન મળ્યું થયું હતું. પણ ફરી વખત તેમને કેન્સર થયું છે.

સુષ્મા સ્વરાજની વિનંતીથી મળ્યા વિઝા

આ વખતે તેમને સારવાર માટે ભારત આવવા માટે વિઝા મેળવવા છ મહિના રાહ જોવી પડી.

દિવાળીની સાંજે તેમની બહેને ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજને ટ્વિટર પર વિઝા માટે વિનંતી કરી હતી.

આટલો લાંબો સમય વિઝા ન મળતા ડૉ. તૈમુરે આશા છોડી દીધી હતી.

જોકે, ટ્વિટર પરની વિનંતી બાદ તરત જ તેમની વિઝાની અરજી મંજૂર થઈ ગઈ અને બીજા દિવસે તેમને વિઝા પણ મળી ગયા હતા.

કારમાં બેસતાં પહેલાં ડૉ. તૈમુરે કહ્યુ, "દર્દીઓને દિલ્હીમાં ઘર જેવું જ વાતાવરણ લાગે છે.

"સંસ્કૃતિ અને ભાષા સહિત બધુ સમાન હોવાથી દિલ્હીમાં સુવિધાની દૃષ્ટિએ કોઈ તકલીફ નથી પડતી."

બાદમાં તે વાઘા-અટારી ગેટ જવા રવાના થઈ જાય છે.

ગેટ પર પહોંચીને તે પગપાળા સરહદ પાર કરી એક કલાકમાં દિલ્હી જવા રવાના થઈ જાય છે.

ડૉ. તૈમુર ભાગ્યશાળી છે કે તેમને વિઝા મળી ગયા. વિઝા અરજી કરતા સંખ્યાબંધ લોકો માટે આ વાત પડકારજનક હોય છે.

કેમ કે મેડિકલ વિઝાની અરજી જલદી મંજૂર કરવામાં આવતી નથી.

મેડિકલ વિઝા

ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે પ્રમાણે, વર્ષ 2015-2016 દરમિયાન માત્ર 1921 પાકિસ્તાની દર્દીઓને વિઝા આપવામાં આવ્યા હતા.

અન્ય દેશોની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય વિભાગના પ્રવક્તા ડૉ. મુહમ્મદ ફૈઝલે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે ભારત દર મહિને પાકિસ્તાની નાગરિકોને 500 મેડિકલ વિઝા આપતું આવ્યું છે. પરંતુ હવે આ પરિસ્થિતિ રહી નથી.

તેમણે કહ્યું, "વિઝા મફત નથી મળતા. આ સેવા માટે પાકિસ્તાનના લોકો રૂપિયા ચૂકવે છે."

"વળી બન્ને દેશ વચ્ચે આ એક માનવતાનો અભિગમ કેળવતી બાબત પણ છે."

તેમણે ઉમેર્યું, "હવે માનનીય વિદેશમંત્રી સુષમા સ્વરાજ ટ્વિટર પરથી જ લોકોને વિઝા આપવાનું પસંદ કરશે."

સારવાર પાછળ સરેરાશ રૂ. 1.85 લાખ રૂપિયાનો ખર્ચ

એક વાસ્તવિકતા એ પણ છે કે ભારતને દર પાકિસ્તાની દર્દી દીઠ સરેરાશ સૌથી વધુ આવક થાય છે.

સર્વે અનુસાર, એક પાકિસ્તાની દર્દી ભારતમાં પોતાની સારવાર પાછળ 2906 અમેરિકી ડૉલર(લગભગ 1.85 લાખ રૂપિયા) ખર્ચે છે.

પાકિસ્તાનના લોકો માટે સારવાર કરાવવાનું પસંદગીનું સ્થળ ભારત છે.

તેઓ અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો કરતાં પણ ભારતને આ મામલે વધુ પ્રાધાન્ય આપે છે.

પાકિસ્તાનથી દર્દીઓ મુખ્યત્વે 'લીવર ટ્રાન્સપ્લાન્ટ', કેન્સરની સારવાર અને બાળકોને થતા રોગોની સારવાર કરાવવા ભારત આવતા હોય છે.

આ સર્વે તમે અહીં વાંચી શકો છો. http://dgciskol.nic.in/pdfs/Export_of_Health_Services_Final_Book_Report.pdf

મેડિકલ વિઝા પર પ્રતિબંધ

મે-2017માં મીડિયામાં આવેલા કેટલાક અહેવાલ મુજબ ભારતે પાકિસ્તાન માટે મેડિકલ વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયે તત્કાલીન ભારતીય રાજદૂત ગૌતમ બંબાવાલા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે હંમેશા આ અહેવાલોને ફગાવ્યા છે.

વિભાજન સમયથી જ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ઊતાર-ચઢાવ થતો આવ્યો છે.

દુશ્મનાવટનું વલણ, એકબીજા માટે સમસ્યા સર્જવી અને અલગાવવાદી અભિયાનને ટેકો આપવા જેવા આરોપ-પ્રત્યારોપ આ સંબંધોમાં તણાવ સર્જતા આવ્યા છે.

કેટલાક સમયે માનવતા દાખવવાના ઉદાહરણો પણ જોવા મળ્યાં છે પણ મોટાભાગે નફરત અને વિવાદિત નિવેદનો ફરીથી તણાવ સર્જે છે.

વર્ષ 2016થી સંબંધોમાં સતત તણાવ ચાલી રહ્યો છે.

તાજેતરમાં પઠાણકોટ એરબેઝ પરનો હુમલો અને નેવીના ભૂતપૂર્વ સૈનિક કુલભૂષણ જાધવની ધરપકડને કારણે બંને દેશ વચ્ચેના સંબંધમાં વધારે તણાવ પેદા થયો છે.

મેડિકલ વિઝા એક પડકાર

જોકે, ભારત તરફથી સતત કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની નાગરિકો માટે મેડિકલ વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

હવે તેમાં ફેરફાર કરાયો છે જેમાં અરજીની મંજૂરીના નિર્ણય ટોચના સ્તરે લેવામાં આવે છે.

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના ટ્વિટર હેન્ડલ પર જોઈ શકાય છે કે વિઝા સંબંધિત અરજી માટે સંખ્યાબંધ લોકો તેમના સંપર્કમાં રહે છે.

તાજેતરના સમયમાં પાકિસ્તાનના દર્દીઓ માટે વિઝા મેળવવાની આખરી આશા હવે ટ્વિટર બની ગયું છે.

પાકિસ્તાનમાં ભારતના નવનિયુક્ત રાજદ્વારી અધિકારી અજય બિસારિયાએ પદભાર સંભાળતી વખતે ખાતરી આપી હતી કે તેમના કાર્યકાળ દરમિયાન તેઓ આ બાબતે કાર્ય કરશે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "લોકોની સમસ્યા પ્રત્યે ધ્યાન આપવું અમારા માટે મહત્ત્વનું છે."

"લોકોની સમસ્યા પ્રત્યે ધ્યાન આપવું અમારા માટે મહત્ત્વનું છે."

"મેડિકલ ટુરિઝમ પણ તેમાં સામેલ છે. બીમાર દર્દીને અને ઇમરજન્સીના સમયે લોકોની મદદ માટે મેડિકલ વિઝા આપવામાં આવે છે."

દિલ્હીમાં ડૉ. તૈમુર-ઉલ-હસન તેમના ડૉક્ટર સુભાષ ગુપ્તાને આખરે મળવામાં સફળ રહ્યા.

ડૉ. સુભાષ ગુપ્તા પ્રખ્યાત 'ઑન્કોલોજિસ્ટ' છે. તેઓ છેલ્લાં વીસ વર્ષથી દિલ્હીમાં તબીબી પ્રૅક્ટિસ કરે છે.

તેમણે કહ્યું, "હું તબીબ તરીકે આટલાં વર્ષથી પ્રૅક્ટિસ કરું છું, પણ અત્યાર સુધી આ પ્રથમ વખત મેડિકલ વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."

"પણ અમે તેને દૂર કરવા સઘળા પ્રયત્નો પણ કર્યા. હવે સ્થિતિ ફરી સામાન્ય થઈ રહી છે."

ડૉ. તૈમુરની સારવાર

તૈમુર-ઉલ-હસનને 'રેડિયો થેરપી' માટે અન્ય ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યા છે.

ડૉ. ગુપ્તાને લાગે છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં થઈ શકે.

પણ સારવાર લેવાથી તેઓ ઘણાં વર્ષો સુધી વધુ જીવી શકે છે. આ માટે તેમણે દર ત્રણ મહિને ભારત આવવું પડશે.

વિદેશમંત્રી સુષમા સ્વરાજનો અભિગમ ડૉ. તૈમુરને સ્પર્શી ગયો છે.

પણ તેમને ખાતરી નથી કે ભવિષ્યમાં આ પ્રકારની ભલમનસાઈ દાખવવામાં આવશે કે કેમ.

હવે, મેડિકલ વિઝાની જરૂર ધરાવતા અન્ય પાકિસ્તાની નાગરિકોની અને ડૉ. તૈમુરનું જીવન ભારતની મેડિકલ વિઝા સંબંધિત ભાવિ નીતિ પર આધારિત રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો