ગુજરાતની જીત બાદ કર્ણાટકમાં જીત માટે અમિત શાહની શું છે રણનીતિ?

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પ્રમુખ અમિત શાહ બીજી વખત આઠ દિવસ માટે બેંગલુરુ પહોંચી ગયા છે.

ત્રણ મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેથી અમિત શાહ ચૂંટણી સંબંધી પક્ષની વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

અમિત શાહ કર્ણાટકમાંથી કોંગ્રેસને સત્તા પરથી હટાવવા અને સિદ્ધારમૈયાને હરાવવા ઇચ્છે છે એ દેખીતું છે.

અમિત શાહ વહેલા બેંગલુરુ પહોંચવાના હતા પણ દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસ છવાયેલું હોવાને કારણે ફ્લાઇટને વિલંબ થતાં તેઓ 31 ડિસેમ્બરની બેઠક યોજી શક્યા ન હતા.

તેમણે સ્થાનિક નેતાઓને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે હવે તેમણે કેંદ્રીય નેતૃત્વની વાત સાંભળવાની છે અને કેંદ્રને સલાહ આપવાની નથી.

જૈન યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સેલર સંદીપ શાસ્ત્રીએ કહ્યું હતું કે "ઘણા લોકો આ શૈલીને અમિત શાહ સ્કૂલ ઓફ ઇલેક્શન મૅનેજમેન્ટ કહે છે."

"તેમાં અમિત શાહ ચૂંટણી અભિયાનનું નેતૃત્વ ઝીણવટપૂર્વક કરે છે."

"એટલું જ નહીં, તેઓ ચૂંટણી ઝુંબેશ પર ચાંપતી નજર રાખે છે અને છેલ્લી પળ સુધી તેનું સંચાલન કરે છે."

સ્થાનિક નેતૃત્વ

પ્રોફેસર શાસ્ત્રી માને છે કે ભાજપના કર્ણાટકના નેતાઓ મતદાતાઓમાં કે પક્ષમાં પોતાના લોકોમાં ભરોસો સ્થાપી શક્યા હોય એવું લાગતું નથી.

પ્રોફેસર શાસ્ત્રીએ કહ્યું હતું કે "કર્ણાટકમાં સત્તા મેળવવા માટે ચૂંટણીની તૈયારી પર ચાંપતી નજર રાખવી જરૂરી છે એ વાત અમિત શાહ બરાબર સમજી ગયા છે."

અમિત શાહ બેંગલુરુ આવે છે ત્યારે સ્થાનિક નેતાઓમાં એક પ્રકારનો ખળભળાટ અને બેચેની જોવા મળે છે. તેઓ કોઈ મહત્ત્વની પરીક્ષા આપવાના હોય એવું લાગે છે.

અમિત શાહ આ અગાઉ બેંગલુરુ આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસના તમામ વિધાનસભ્યો સામે ચાર્જશીટ તૈયાર કરવા સ્થાનિક નેતાઓને જણાવ્યું હતું.

દરેક બૂથ માટે એક પેજ પ્રમુખ નક્કી કરવા પણ તેમણે પક્ષના સભ્યોને જણાવ્યું હતું.

કર્ણાટક બીજેપીના પ્રવક્તા ડૉ. વમન આચાર્યએ કહ્યું હતું કે "ગયા વર્ષે ઓગસ્ટમાં અમિત શાહ બેંગલુરુ આવ્યા હતા."

"એ વખતે લોકોએ એવું ધાર્યું હતું કે અમિત શાહ કોઈ જાદુ કરી દેખાડશે પણ તેમણે જણાવ્યું હતું કે લોકો સુધી પહોંચવા માટે આકરી મહેનત કરવાની જરૂર છે."

ડૉ. વમન આચાર્યએ કહ્યું હતું કે "અમિત શાહે તેમની પાછલી મુલાકાતમાં અમારી તૈયારીની સમીક્ષા જરૂર કરી હતી, પણ તેઓ આવે છે ત્યારે અમે ગભરાઈએ છીએ એમ કહેવું ખોટું છે."

"તેઓ અગાઉ આવતા હતા ત્યારે પણ અમે ગભરાતા ન હતા અને અત્યારે પણ ગભરાયેલા નથી."

લિંગાયત સમુદાય

ધારવાડ યુનિવર્સિટીના રાજનીતિ શાસ્ત્ર વિભાગના પ્રોફેસર હરીશ રામસ્વામી માને છે કે સિદ્ધારમૈયાનો સામનો કઈ રીતે કરવો એ પક્ષના કાર્યકરોને જણાવવા અમિત શાહ બેંગલુરુ આવે છે.

હરીશ રામસ્વામીના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયા રાજકારણની ભાષામાં ઉસ્તાદ છે અને તેમને કારણે બીજેપીએ હંમેશા બચાવની મુદ્રામાં રહેવું પડે છે.

હરીશ રામસ્વામીએ જણાવ્યું હતું કે વિકાસ અને ગરીબોના હિતમાં કોંગ્રેસે બનાવેલી નીતિઓનો તોડ ભાજપ શોધી શક્યો નથી.

તેમણે ઉમેર્યું હતું કે ડી. કે. શિવકુમાર જેવા પ્રધાનને ત્યાં આવકવેરા વિભાગે પાડેલા દરોડા જેવી ગંભીર મુદ્દાનો લાભ લેવામાં બીજેપી નિષ્ફળ રહી છે.

એ ઉપરાંત લિંગાયત સમુદાયના મત મેળવવાની દિશામાં પણ બીજેપી કંઈ કરી શકી નથી. બીજેપી પાસે બીજો કોઈ મજબૂત પ્લાન પણ નથી.

કર્ણાટકમાં યોગી

અલબત, બીજેપીનું નેતૃત્વ ઘણા સમય અગાઉથી બેવડી વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.

એક તરફ બી.એસ.યેદીયુરપ્પા છે, જેઓ 'પરિવર્તન બસ'માં રાજ્યભરમાં પ્રવાસ કરીને વિકાસની વાતો કરી રહ્યા છે.

બીજી તરફ યોગી આદિત્યનાથ અને અનંતકુમાર હેગડે જેવા નેતાઓ હિન્દુત્વના એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે.

કર્ણાટક કોંગ્રેસના ઉપપ્રમુખ બી.એલ. શંકરે કહ્યું હતું કે "હિન્દુત્વનો એજન્ડા કર્ણાટકના કેટલાક તટીય જિલ્લાઓમાં જ ચાલે છે."

"રાજ્યના બાકીના હિસ્સામાં જ્ઞાતિનો મુદ્દો ધર્મના મુદ્દા કરતાં વધારે વજનદાર હોય છે. લોકો વિભાજનવાદી તત્વોને પસંદ કરતા નથી."

બી.એલ. શંકર માને છે કે કર્ણાટકના લોકો યોગી આદિત્યનાથને 'હિંદુ આદર્શ' તો ગણતા જ નથી.

તેમણે કહ્યું હતું કે "યોગી આદિત્યનાથ ગૌહત્યાની વાત કરશે તો કર્ણાટકના લોકો તેમને ગોરખપુરની હોસ્પિટલમાં થયેલાં બાળકોનાં મૃત્યુ બાબતે સવાલ જરૂર કરશે."

બીજેપીનો રેકોર્ડ

ડૉ. વમન આચાર્યએ કહ્યું હતું કે "કોંગ્રેસની સરકારે શાસનવિરોધી લાગણીનો સામનો કરવો પડે એ શક્ય છે."

"વર્તમાન કોંગ્રેસ સરકાર સમાજના તમામ વર્ગના લોકોને સાથે લઈને આગળ વધતી નથી. ખેડૂતોની સમસ્યાઓને સરકાર સાંભળતી નથી."

"રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ છે. ખાસ કરીને તટીય વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. એ વિસ્તારોમાં અત્યાર સુધીમાં લગભગ 28 હત્યાઓ થઈ ચૂકી છે."

પ્રોફેસર સંદીપ શાસ્ત્રી માને છે કે કોંગ્રેસ સ્થાનિક એજન્ડાને જ વળગેલી રહી છે અને બધા મુદ્દા સિદ્ધારમૈયા તરફ ધકેલી રહી છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી જેવી સ્થિતિ ન સર્જાય એ માટે કદાચ આવું કરવામાં આવી રહ્યું છે.

પ્રોફેસર સંદીપ શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે બીજેપી સ્થાનિક મુદ્દાઓથી ગભરાતી રહી છે કારણ કે 2008થી 2013 દરમ્યાન રાજ્યમાં બીજેપીનો રેકોર્ડ બહુ સારો રહ્યો ન હતો.

આ સંદર્ભે સિદ્ધારમૈયા કર્ણાટક માટે અલગ ધ્વજ અને બેંગલોર મેટ્રોમાં હિન્દીમાં જાહેરાત ન થવી જોઈએ એવા મુદ્દા સાથે રમી રહ્યા છે.

બીજી તરફ બીજેપી કેંદ્રની માફક રાષ્ટ્રવાદના મુદ્દે રમી રહી છે.

ટૂંકમાં કહીએ તો અમિત શાહે કર્ણાટકમાં જીતવા માટે નાની-નાની વાતોનું ધ્યાન રાખવું પડશે.

તેનો અર્થ એ થયો કે પક્ષના દરેક કાર્યકર સાથે સંપર્ક સ્થાપવો પડશે અને મતદારો સાથે વાત કરવા તેમને પ્રેરિત કરવા પડશે.

જોકે, કર્ણાટકમાં 1985 પછી દરેક બીજી ટર્મમાં વિરોધ પક્ષ સત્તા પર આવતો રહ્યો છે એ હકીકતને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો