દૃષ્ટિકોણ: શું ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઊતરી ગઈ છે?

    • લેેખક, પ્રોફસર અરુણ કુમાર
    • પદ, અર્થશાસ્ત્રી

કેંદ્રીય આંકડા કચેરીએ વર્ષ 2017-2018માં દેશમાં અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહેવાની સંભાવના દર્શાવી છે.

આગામી નાણાંકીય વર્ષમાં દેશનો જીડીપી દર ઘટવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આંકડાઓમાં આગામી નાણાંકીય વર્ષ 2017-18માં જીડીપીનો દર 6.5 ટકા રહેવાનું અનુમાન છે.

જ્યારે કે ગત નાણાંકીય વર્ષમાં આ દર 7.1 ટકા રહ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ આંકડાઓથી આવનારા દિવસોમાં દેશના સામાન્ય લોકો પર થનારી અસરને લઈ બીબીસી સંવાદદાતા માનસી દાશે અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમારથી વાત કરી.

અરુણ કુમારનો દૃષ્ટિકોણ

7.1 ટકાનો આંકડો નોટબંધીના સમયનો છે. એ સમયે બિનસંગઠિત ક્ષેત્ર ઘણું નીચે ગયું હતું. તેના ઉત્પાદન અને રોજગારીમાં ખાસ્સો ઘટાડો થયો હતો.

પરંતુ આ આંકડા તેને દર્શાવતા નથી. કારણકે નોટબંધીની અસર સૌથી વધારે બિનસંગઠિત ક્ષેત્ર, ખેડૂતો અને વેપાર પર પડી હતી.

નોટબંધી પછી જીએસટીની અસર થઈ. એટલે આ ક્ષેત્રને મોટો ધક્કો વાગ્યો.

કેન્દ્રીય આંકડા કચેરીના આંકડા માત્ર સંગઠિત ક્ષેત્રના હોય છે, બિનસંગઠિત ક્ષેત્રના નહીં.

તેઓ માની લે છે કે સંગઠિત ક્ષેત્ર અને બિનસંગઠિત ક્ષેત્ર એક જ ગતિથી ચાલે છે. પરંતુ આ અનુમાન સાચું નથી.

મંદીની ગતિએ ચાલી રહેલી અર્થવ્યવસ્થા

જો સંગઠિત ક્ષેત્ર પર વધારે અસર થઈ નથી તો એમ ન માની શકાય કે બિનસંગઠિત ક્ષેત્ર પર પણ અસર થઈ નથી.

મારું માનવું છે કે અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 6.5 ટકાથી એક ટકા ઓછો હશે.

એટલે કે આપણી અર્થવ્યવસ્થા એક રીતે મંદ ગતિએ ચાલી રહી છે. જેથી રોજગાર નિર્માણ, ખેડૂતો અને કુટીર ઉદ્યોગ પર ઘણી મોટી અસર પડશે.

આ એક પ્રકારે સંકટનો સમય છે. જેને આંકડાઓ દર્શાવી શક્તા નથી.

સામાન્ય લોકો પર અસર

ધીમી અર્થવ્યવસ્થાની બિનસંગઠિત ક્ષેત્ર પર અસરથી આ ક્ષેત્રમાં કાર્યરત કેટલાય લોકોની નોકરી જતી રહે છે.

તેમની ખરીદી પર સીધી અસર પડે છે. આ દિવસોમાં મનરેગાની માગ વધશે. આવું એટલે થયું કે લોકો શહેરોમાંથી પાછા ગામડામાં જતા રહ્યા.

માગ ઘટવાથી કિંમતો ઓછી થવી જોઇએ પરંતુ શહેરોમાં શાકભાજીના ભાવમાં તો ઉછાળો છે. આવું એટલે થયું કેમકે ટ્રેડે માર્જિન કે નફો વધારી દીધો છે. જેથી ભાવ વધી ગયા.

એક તરફ નોકરીઓ ઓછી થવાથી આવકમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ભાવવધારાથી સામાન્ય લોકો પર ડબલ માર પડી રહ્યો છે.

ઘટાડાનું કારણ

નોટબંધીમાં 85 ટકા ચલણ દૂર થવાની સીધી અસર બિનસંગઠિત ક્ષેત્ર પર પડી.

જીએસટીમાં ઇનપુટ, ક્રેડિટ અને રિવર્સ ચાર્જ અને દર વર્ષે કેટલાય રિટર્ન ફાઇલ કરવા જેવી ગૂંચવણો છે.

જેની ફરીથી આ ક્ષેત્ર પર અસર થઈ. બિનસંગઠિત ક્ષેત્રમાં રોકાણ ઓછું થઈ ગયું.

મૂડી ન હોવાથી આ ક્ષેત્રમાં માલ ખરીદવાની અને રોજગાર આપવાની મુશ્કેલી ઊભી થઈ.

આ બન્નેની અસર અત્યારની અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. આ અસર આગળ પણ આ રીતે જ રહેશે. કેમકે બિનસંગઠિત ક્ષેત્રને બેંકમાંથી લોન પણ નહીં મળે.

બિનસંગઠિત ક્ષેત્ર પર સંકટ

જો કોઈ અન્ય જગ્યાએથી પૈસા મળી પણ જાય તો પણ ઊંચા વ્યાજદરે અને તેનો લાભ ખૂબ ઓછો મળે છે.

અર્થવ્યવસ્થાનું 45 ટકા ઉત્પાદન અસંગઠિત ક્ષેત્રથી આવે છે. અત્યારના સમયમાં આવેલી કેટલીય મુશ્કેલીઓથી સંકટ ઘેરાયેલું છે.

જો એમ માની લઇએ કે ગત વર્ષે તેમાં 10 ટકાનો ઘટાડો થયો તો ત્યાંથી જ આ વૃદ્ધિના માઇનસ 4.5 ટકા થઈ જાય છે.

જો સંગઠિત ક્ષેત્ર છથી સાત ટકાના દરે પણ વૃદ્ધિ કરી રહ્યું છે તો તેમાં ત્રણ ટકાની વૃદ્ધિ છે.

માઇનસ 4.5 અને ત્રણ ટકા એટલે વિકાસ દર નકારાત્મક થઈ જાય છે. નોકરીની અછતથી યુવાનો ક્રોધમાં છે. ગુજરાતમાં તેની અસર દેખાય પણ છે.

જો દેશની આર્થિક સ્થિતિમાં ઘટાડો આમ જ રહેશે તો 2019ની ચૂંટણીમાં તેનો સીધી અસર પડશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો