જ્યારે દેશમાં નાણાકીય સંકટ છે ત્યારે શેરબજારમાં તેજી કેમ?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

છેલ્લા ત્રણ વર્ષથી દેશની સત્તાનું મજબૂતીપૂર્વક એકહથ્થુ સુકાન સંભાળી રહેલી મોદી સરકાર સૌપ્રથમ વખત કોઈ પ્રકારના દબાણનો સામનો કરી રહી હોય એવું ફલિત થયું છે.

આ દબાણની તીવ્રતા એટલી હદે વર્તાઈ રહી છે કે વડાપ્રધાને પોતે આગળ આવીને જવાબ આપવો પડ્યો છે, અને આ સમસ્યા જોડાયેલી છે દેશની વેરવિખેર થયેલી અર્થવ્યવસ્થા સાથે.

વિરોધ પક્ષો સરકારની આર્થિક નીતિઓ પર ટીકારૂપી આક્રમણ કરી રહ્યા છે, જ્યારે નાણાકીય વિશ્લેષકો તેમની નીતિઓમાં ખામીઓ શોધી રહ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે :

આવી ટીકાના આક્રમણો માત્ર બહારથી નથી થઈ રહ્યા, મોદીની પોતાની પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અંદરથી વિરોધનો સૂર મજબૂત થઈ રહ્યો છે અને બહાર સંભળાઈ પણ રહ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જુલાઈ, 2017) દરમિયાન વૃદ્ધિની ઝડપ અથવા ગતિ બહુ ધીમી પડી છે અને વૃદ્ધિનો દર ત્રણ વર્ષના સૌથી નીચા સ્તરે નોંધવામાં આવ્યો છે.

ટીકાકારોને કેવી રીતે તક મળી?

ટીકાકારો ટીકા એ મળી કારણ કે ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (ગત નાણાકીય વર્ષના ત્રિમાસિક આંકડાઓની સામે હાલના નાણાકીય વર્ષના ત્રિમાસિક આંકડાઓ પ્રમાણે) જીડીપી વૃદ્ધિ દર ૬.૧%થી ઘટીને ૫.૭% નોંધાયો છે.

જો વાર્ષિક નાણાકીય વર્ષની સરખામણી કરવામાં આવે તો ગત નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર ૭.૯% હતો.

વિરોધ પક્ષોએ આ પરિસ્થિતિ માટે નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે અને આ નીતિઓની ખુલ્લેઆમ ટીકા કરવાનું શરુ કર્યું છે.

નોટબંધી અને જીએસટી જેવી નીતિઓ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને એમ પણ કહેવાય છે કે આ નીતિઓને કારણે આજે દેશનું અર્થતંત્ર 'ડૂબી' રહ્યું છે.

પરંતુ આ પરિસ્થિતિમાં પણ ધંધાકીય જગતનો એક ખૂણો એવી રીતે કાર્યરત છે જેની કાર્યદક્ષતા ખૂબજ આશ્ચર્યજનક છે.

બજારે કેવી રીતે વિક્રમ સ્થાપ્યો?

જે દિવસો દરમ્યાન મશીનોની ઝડપ ફેક્ટરીઓમાં ધીમી પડી ગઈ હતી અને ઉત્પાદન ક્ષેત્રનો વૃદ્ધિ દર દસ ટકાથી ઘટીને એક ટકો થઈ ગયો હતો.

એ સમયે ભારતીય શેરબજારમાં ઉજવણીનું વાતાવરણ હતું અને માર્કેટ ઈન્ડેક્સ (સેન્સેક્સ અને નિફ્ટી) એક પછી એક વિક્રમસર્જક સપાટીઓ વટાવી રહ્યા હતા.

આ વર્ષે ૨૬ જુલાઈના રોજ 50 સ્ક્રીપટનો ઈન્ડેક્સ ધરાવતી નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પ્રથમ વખત ૧૦,૦૦૦ પોઈન્ટનો વિક્રમજનક આંક પાર કર્યો હતો.

સેન્સેક્સે તે દિવસે ૩૨,૦૦૦ ના વિક્રમજનક આંકને પાર કર્યો હતો.

અર્થતંત્રમાં નબળાઈની એવી પરિસ્થિતિ છે કે વેપારીઓને બેંકો દ્વારા આપવામાં આવતું નાણાકીય ધિરાણ ઘટ્યું છે અને તેની ગતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે.

નિષ્ણાતો શું કહે છે?

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ એક અહેવાલ અનુસાર આ વર્ષે કોર્પોરેટ કંપનીઓને (મોટા ઉદ્યોગોને) આપવામાં આવતા નાણાકીય ધિરાણની ગતિ માત્ર ૫.૧% રહી છે.

આ નાણાકીય ધિરાણની ગતિ ૧૯૫૧ની સાલ પછી સૌથી નીચલા સ્તરે નોંધાયેલી ગતિ છે.

હજારો કિલોમીટર દૂર યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપની અર્થવ્યવસ્થાને જરા પણ અસર થાય તો ભારતીય શેરમાર્કેટ તરત ડામાડોળ થઇ જાય છે એ શેરબજાર ભારતના આર્થિક સંકટ પર આટલી હદે બેદરકાર કેમ રહી શકે છે.

નિષ્ણાતોએ ભારતીય શેરબજારની પ્રવર્તમાન પરિસ્થિતિ પર જે કારણો દર્શાવ્યા છે તે આશા જગાવનારા છે અને સાથે સાથે ચિંતાજનક પણ છે.

અર્થશાસ્ત્રી સુદિપ બંદોપાધ્યાયે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "શેરબજારમાં પ્રવર્તમાન તેજી પાછળનું મુખ્ય પરિબળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓનું સારું પ્રદર્શન રહ્યું છે.”

તેમણે વધુમાં કહ્યું, “હવે, આવી કંપનીઓના શેરોનું પ્રમાણ માર્કેટ ઈન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સમાં બહુ મોટું હોવાથી (શેર)બજારમાં તેજી જોવા મળે તે સ્વાભાવિક છે."

શું બન્નેને જોડવા ખોટું છે?

અર્થતંત્રના અન્ય નિષ્ણાતો જણાવે છે કે બજાર અને અર્થતંત્રને એક સાથે જોવા એ અર્થતંત્ર માપવાનું કોઈ યોગ્ય પરિબળ નથી.

શેરબજારના વિશ્લેષક વિવેક મિત્તલે કહ્યું, "શેરબજારને અર્થતંત્રના અરીસામાં (પરિપ્રેક્ષ્યમાં) જોવું જોઈએ નહીં."

આંકડાઓ આપતા વિવેક જણાવે છે કે હાલની શેરમાર્કેટની તેજીને કારણે એ મંતવ્ય જૂનું થઇ ગયું છે કે ભારતીય બજાર વિદેશી રોકાણકારોના જોર પર તેજીની દિશામાં ગતિ કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (ફોરેન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ - એફઆઇઆઇ) આ વર્ષે ભારતીય શેરબજારોમાં ભારે રોકાણ કર્યું છે.

પરંતુ હાલના સમયમાં આ વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેમનો હિસ્સો ૧૮,૩૩૬ કરોડ રૂપિયામાં વેચ્યો છે.

શેરબજારના હાલના વાસ્તવિક ખેલાડીઓ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ - ડીઆઈઆઈ) અને મ્યુચ્યુઅલ ફંડ્સ (કંપનીઓ) છે.

વિદેશી રોકાણકારોની ભાગીદારી

વિવેકના જણાવ્યા મુજબ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં આ વર્ષે ૬૫,૯૧૭ કરોડ રૂપિયાની ખરીદી કરી છે.

આશ્ચર્યજનક રીતે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ સોદાઓ પૈકીની સૌથી મોટી ખરીદી કરવામાં આવી છે.

સુદીપ બંદોપાધ્યાય જણાવે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય અર્થતંત્રમાં બે રીતે સહયોગ આપે છે.

એક તો તેઓ વિદેશી રોકાણકારો છે, તેથી તેમને ભારતીય શેરબજારમાં શેરોની ખરીદી કરતા પહેલાં તેમને પોતાનું નાણાકીય ચલણ ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવું પડે છે.

એટલે કે ભારતીય રૂપિયાની માંગ વધે છે અને રૂપિયો મજબૂત થયે ફુગાવાનો દર નીચો જાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે-ત્રણ વર્ષમાં લોકો (રિટેઇલ ઇન્વેસ્ટર્સ) અને સંસ્થાઓની ભાગીદારીમાં શેરબજારમાં વધારો જોવા મળ્યો છે.

નોટબંધી પછી લોકોએ ઘરમાં રોકડ રાખવાના બદલે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું.

મોદી સરકાર પાસેથી અપેક્ષાઓ?

આ ઉપરાંત, (શેર)બજારમાં રેલીનું બીજું એક મુખ્ય કારણ છે મોદી સરકાર તરફથી રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારા ચાલુ રહેવાની અપેક્ષા.

પરંતુ એ વાત પણ એટલી સાચી છે કે મોદી જે મોટાભાગે બધી ટીકાઓ અને ટીકાકારોની કાળજી કરતા નથી તે પ્રથમ વખત ડિફેન્સિવ રક્ષણાત્મક મુદ્રામાં જોવા મળ્યા હતા. હાલના સમયમાં કંપની સેક્રેટરીઓના એક કાર્યક્રમમાં, વડાપ્રધાને જાતે આર્થિક મંદીને લાગતા મુદ્દાઓની સ્પષ્ટતા કરવી પડી હતી.

આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાએ ગબડેલા વૃદ્ધિ દર અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો દાવો વડાપ્રધાને કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે જીએસટી સંદર્ભે જ્યાં જરૂરિયાત લાગશે ત્યારે યોગ્ય ફેરફારો કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો