બેન્કોનું બેડ લોનનું ભારણ અર્થવ્યવસ્થા માટે ગંભીર સમસ્યા

એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર સૌથી ધીમો નોંધાયો એટલે કે સૌથી નીચલી સપાટીએ રહ્યો છે. સતત છ ત્રિમાસિક ગાળાથી આ દરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાને કેમ એકાએક આવી બ્રેક લાગી તેના અંગે અર્થશાસ્ત્રના વિશ્લેષક વિવેક કૌલનું નિરીક્ષણ.

સોમવારે વડાપ્રધાન મોદીએ ભારતની આર્થિક બાબતોની સમિતિનું પુન: ગઠન કર્યું. વર્ષ ૨૦૧૪માં સત્તામાં આવતાની સાથે જ તેમણે આર્થિક બાબતોની આ સમિતિને વિખેરી નાંખી હતી.

જ્યારથી વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારથી આર્થિક વિકાસ દર ધીમો રહેતો આવ્યો છે. બીજી તરફ તેમણે વધુ રોજગારી અને મજબૂત અર્થવ્યવસ્થાનું વચન આપ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

૨૦૧૭ના એપ્રિલ-જૂનના સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી માત્ર 5.7% ના દરે વૃદ્ધિ પામ્યો જે ગત વર્ષે આ જ સમયગાળા માટે 9.1% રહ્યો હતો.

સરકારે વધુ ખર્ચા કરવાને કારણે જીડીપી દર 5.7% રહ્યો છે. જીડીપીમાં યોગદાન આપતું ખાનગી સેક્ટર અંદાજે 90% અર્થવ્યવસ્થા આવરી લે છે તેમાં માત્ર 4.3%ની જ વૃદ્ધિ જોવા મળી છે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં 1.6% જ્યારે મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રમાં અનુક્રમે 1.2% અને 2%ની વૃદ્ધિ નોંધાઈ.

છેલ્લે 2014માં જાન્યુઆરી-માર્ચમાં વિકાસ દર 6%ની નીચે રહ્યો હતો. ત્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા.

2040 સુધી અર્થવ્યવસ્થાનું આકલન

આપણે એવા વિશ્વમાં રહીએ છીએ જ્યાં 2%થી વધુના કોઈ પણ વિકાસ દરને સારો જ માનવામાં આવે છે. પણ જે બાબત પશ્ચિમી દેશો માટે સાચી હોય તે ભારત માટે પણ હોય તે જરૂરી નથી.

લાખો લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવવા ભારતનો જીડીપી 7%થી વધુના દરે વૃદ્ધિ પામે તે જરૂરી છે.

'ઈન્ડિયાઝ લોન્ગ રોડ: ધ સર્ચ ફોર પ્રોસ્પરીટી'માં અર્થશાસ્ત્રી વિજય જોષી લખે છે કે માથાદીઠ આવકને પગલે થતો વિકાસ દરમાં નાનો સરખો ફેરફાર પણ દેશની સરેરાશ માથાદીઠ આવક પર મોટો તફાવત દર્શાવી શકે છે.

અર્થશાસ્ત્રીઓ આ બાબતને " ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત કહે છે."

વિવિધ આર્થિક વિકાસ દર મુજબવર્ષ 2040 સુધી અર્થવ્યવસ્થાનું ચિત્ર કેવું હશે?

વિજય જોષીના અનુસાર જો વાર્ષિક 3% ટકાનો વિકાસ દર રહે તો 2040 સુઘી માથાદીઠ આવક ડબલ થઈ જશે.

અને આજે જે માથાદીઠ આવક ચીનની છે તેની ભારત બરોબરી કરી લેશે. જ્યારે 6% ટકાના વિકાસ દર સાથે માથા દીઠ આવક ચારગણી થઈ જશે.

હાલ ચિલી,મલેશિયા અને પોલેન્ડની માથાદીઠ આવક આટલી જ છે.

જો પ્રતિ વર્ષ 9%ના દરે વૃદ્ધિ થાય તો માથા દીઠ આવકમાં આઠ ગણો વધારો જોવા મળશે.

એટલે કે સરેરાશ ઊંચી માથા દીઠ આવક ધરાવતા દેશોની માથાદીઠ આવક સાથે તે બરોબરી કરી લેશે.

કૃષિ અને અન્ય ઉદ્યોગ ક્ષેત્રની જીડીપી પર અસર

જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું 15% યોગદાન છે અને તે દેશની અડધી વસતીને રોજગાર પૂરો પાડે છે.

પરંતુ 2017ના એપ્રિલ-ઓગસ્ટ મહિના દરમિયાન નિકાસ વર્ષ 2013 અને 2014 કરતા ઓછી રહી છે.

વળી, ભારતમાં કહેવાતો ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ તેની ભૂમિકા ભજવે છે. જેના અનુસાર દર વર્ષે 1 કરોડથી વધુ યુવાનો આ વર્કફોર્સમાં ઊમેરાય છે.

પરંતુ સારા શિક્ષણના અભાવે મોટા ભાગના યુવાનોને ઓછું કૌશલ્ય ધરાવતી નોકરીની જરૂર ઉભી થાય છે. આ પ્રકારની રોજગારી બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રો પૂરી પાડી શકે છે.

પરંતુ જે દરે આ બંને ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે તે ધ્યાને લેતા મોટાપાયે રોજગારીનું સર્જન થશે કે કેમ તે પ્રશ્ન છે. બીજી તરફ સર્વિસીઝનું સેક્ટર મજબૂતીથી વૃદ્ધિ કરી રહ્યું છે.

જો કે તેને પણ બંધકામ ક્ષેત્ર જેવા ઉદ્યોગોમાંથી ટેકો મળવો હજુ પણ જરૂરી છે.

જટિલ શ્રમિક કાયદા

એવા ઉદ્યોગો જેમાં રોજગારી સર્જવાની ક્ષમતા છે જેવી કે વસ્ત્રોનું મેન્યુફેક્ચરિંગ કરતી ફર્મ હજુ પણ નાના સ્તરે કાર્યરત છે તેનું કારણ ભારતના જટિલ શ્રમિક કાયદાઓ છે.

તાજેતરમાં ફેડરલ ઈનસ્ટીટ્યુટે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ-અન એન્ટરપ્રાઈઝ સર્વે ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ' નામના પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ વસ્ત્રોનું મેન્યુફેક્ચરિંગ કરતી 85% ફર્મ આઠથી ઓછા કામદારથી ચાલતી હોય છે.

વળી, 85% ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફર્મ 50થી ઓછા કામદારોથી ચાલતી હોય છે.

સરકારને લાગે છે કે શ્રમિકોને લગતા કાયદામાં તેણે પૂરતો સુધારો કર્યો છે અને હવે લેબર(શ્રમિકો) બાબતે મજબૂત એન્ટરપ્રાઈઝ સ્થાપવાની જવાબદારીઓ ઉદ્યોગોની છે.

પરંતુ આંકડાઓ સૂચવે છે કે ભારતીય ઉદ્યોગો શ્રમિક કેન્દ્રિત હોવાની જગ્યાએ મૂડીરોકાણ પર વધુ કેન્દ્રિત છે. તે વિસ્તરણમાં માને છે.

આ તમામ પરિબળોને પગલે ભારતમાં મોટા પ્રમાણમાં બેરોજગારી છે.

વર્ષ 2015-2016ના આંકડા સૂચવે છે કે દર વર્ષે નોકરીની જરૂરિયાત બાબતે દર પાંચમાંથી માત્ર ત્રણને રોજગારી મળે છે.

ગ્રામ્ય વિસ્તારમાં તો સ્થિતિ ઘણી ખરાબ છે. જેમાં દર બેમાંથી એક જ વ્યક્તિને રોજગારી મળે છે.

નોટબંધી અને જીએસટી

નોટબંધીએ પણ ઘણી અસર કરી છે. આના લીધે માત્ર રોકડ વ્યવહાર પર ચાલતી પેઢીઓ બંધ થઈ ગઈ. આ એવી પેઢીઓ હતી જે મોટા પાયે રોજગારીનું સર્જન કરતી હોય છે.

વળી, ઉપરથી જીએસટી આવવાથી પણ કોઈ ખાસ મદદ નહીં મળી. બીજી ચિંતાજનક બાબત ભારતની જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિ છે.

31 માર્ચ સુધીના આંકડા મુજબ 21માંથી 17 બેન્કોનો બેડ લોનનો(નોન પર્ફોમિંગ એસેટ્સ-NPA) રેટ 10% ટકાથી વધુનો છે.

આ મોટા ભાગની બેડ લોન્સ ઉદ્યોગોને આપવામાં આવેલી છે. કુલ બેડ લોનનો દર 22.3% છે.

બેન્કો પર ઉઘરાણીનો બોજ

આ બેન્કોને કાર્યરત રાખવા 2009થી અત્યાર સુધી સરકારે 1500 બિલિયન રૂપિયા તેમાં નાંખ્યા છે.

તેમ છતાં હજુ પણ આવી બેડ લોનનો ઢગલો ભેગો કરતી બેન્કોને ટકી રહેવા ફરી કરોડો રૂપિયાના ભંડોળની જરૂર પડશે.

સરકાર પાસે આટલા નાણાં નથી. તે બેન્કોનું ખાનગીકરણ નથી કરતી કે ના આવી બેન્કોને બંધ કરે છે. અત્રે નોંધવું કે બેડ લોનની સૌથી મોટી અસર એ થાય છે કે બેન્કો ઉદ્યોગોને ધિરાણ આપવા ઈન્કાર કરી દે છે.

ભારતની અર્થવ્યવસ્થા ઘણી માળખાકિય સમસ્યાનો સામનો કરી રહી છે. જો લાબાં ગાળા સુધી 7-8%નો વિકાસ દર ટકાવી રાખવો હશે તો આ સમસ્યાઓનું યુધ્ધના ધોરણે નિરાકરણ લાવવું પડશે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)