ગરીબ ગણાતા ઉત્તર કોરિયાનાં એવાં સંશોધનો જેનાથી દુનિયા અજાણી છે

દુનિયાભરમાં જ્યારે ઉત્તર કોરિયાનો ઉલ્લેખ થાય છે ત્યારે એ હથિયાર પરિક્ષણ માટે કે પાડોશીઓ પર તણાવ વધારવા માટે જ થતો હોય છે.

પરંતુ જો ઉત્તર કોરિયાના મીડિયાને જોઈએ તો માહોલ કંઇક અલગ જ છે. જેમાં સ્થાનિક વૈજ્ઞાનિકોની સફળતાની વાતો થતી હોય છે.

તેમની શોધો ઘણી જ આકર્ષક અને રસપ્રદ છે. પરંતુ તેમાં કેટલી સચ્ચાઈ છે એ કહેવું મુશ્કેલ છે.

ત્યારે ઉત્તર કોરિયાની એ શોધો પર એક નજર જેના વિશે બાકીની દુનિયાને બહુ ખબર નથી.

તમને આ પણ વાંચવું ગમશે

હૅંગઓવર ફ્રી દારૂ

ધ પ્યોંગયાંગ ટાઇમ્સમાં ગયા વર્ષે છપાયેલા એક અહેવાલ મુજબ ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ એક એવો દારૂ તૈયાર કર્યો છે જેને પીધા બાદ હૅંગ ઓવર થતું નથી.

આ દારૂમાં 30થી 40 ટકા આલ્કૉહોલ હોય છે. આ દારૂ ઉત્તર કોરિયામાં ઉગતા ઔષધિના છોડ જિનસેંગ અને ભાતમાંથી બને છે.

સ્થાનિક મીડિયાનો દાવો છે કે જિનસેંગમાં ઔષધિય ગુણો હોય છે. જેને કારણે હૅંગ ઓવર નથી થતું.

ધુમ્રપાનરોધી દવા

ધુમ્રપાન રોકવા માટે ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકોએ 2011માં દાવો કર્યો હતો કે તેમણે ખાસ પ્રકારની ટૅબ્લેટ બનાવી છે.

સ્થાનિક મીડિયાનો દાવો છે કે આ ઘણી અસરદાર ટૅબ્લેટ છે.

દાવો એ પણ છે કે આ ટૅબ્લેટ માત્ર ધુમ્રપાનની ઇચ્છા દૂર નથી કરી શક્તી પરંતુ શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વો પણ દૂર કરે છે.

આ ટૅબ્લેટમાં જિનસેંગ સિવાય બીજા પણ ઔષધિના છોડનો ઉપયોગ થાય છે. જેમાં કૅન્સરને રોકવાનાં ગુણો પણ છે.

પરંતુ કિમ જોંગ-ઉનની હાલની જ તસવીરો જોઇને લાગે છે કે તેમને આ શોધથી ફાયદો નથી થયો.

કિડનીની ચમત્કારી દવા

ઉત્તર કોરિયાની એક સમાચાર એજન્સીએ કિડનીની તકલીફો માટે એક અસરદાર દવા શોધવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે.

આ દવામાં પ્રોટોપોરફિરીન બાયોકૅમિકલ છે. જેને જાનવરોના લોહીમાંથી બનાવાય છે.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેનાથી હિપેટાઇટિસ જેવા રોગોનો ઇલાજ પણ કરી શકાય એમ છે.

બુદ્ધિવર્ધક પીણું

દાવો છે કે સફરજન, નાસપાતી અને સ્ટ્રોબરીના સ્વાદ જેવું ઉત્તર કોરિયાઈ પીણું માથાની કોષિકાઓને વધારવામાં મદદ કરે છે.

સ્થાનિક મીડિયાની ખબર અનુસાર આ ક્રાંતિકારી પીણું મગજ તેજ કરવા અને યાદશક્તિ વધારવા માટે ઉપયોગી છે.

એ પણ કહેવામાં આવ્યું છે કે હૃદયરોગના હુમલાને રોકવા સિવાય કરચલી ઓછી કરવા માટે, ખીલના ઇલાજમાં પણ આ પીણું ઉપયોગી છે.

ઇન્ટરનેટ ફ્રી ટૅબ્લેટ

ઉત્તર કોરિયામાં એક ટૅબ્લેટ બનાવવામાં આવ્યું છે.

જે એન્ડ્રૉઇડ 4 OS પર કામ કરે છે અને માત્ર ઉત્તર કોરિયાના ઇન્ટરનેટ સાથે જ જોડાઇ શકે છે.

આ ટૅબ્લેટમાં ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી, મુખ્ય સમાચારપત્ર અને સરકારી ટીવીની એપ ઇનબિલ્ટ છે.

ઉત્તર કોરિયાના લોકોને ઇન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ છે.

આ ટૅબ્લેટ પર લોકો માત્ર યૂટ્યુબ અને જી-મેઇલ ખોલી શકે છે. એ પણ માત્ર 'એન્ગ્રિબર્ડ' ગેમ રમવા માટે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો