કિમ જોંગ અને તેમના પત્ની કૉસ્મેટિક્સ વચ્ચે શું કરી રહ્યા છે?

ઉત્તર કોરિયાની જ્યારે પણ વાત થાય છે ત્યારે તમારા મગજમાં સૌથી પહેલા શું આવે?

મોટા ભાગના લોકો જવાબ આપશે સૈનિકોની વચ્ચે મિસાઇલ પરીક્ષણ કરતા કિમ જોંગ ઉન, મિસાઇલ પરીક્ષણ કે પછી પરમાણુ હુમલાની ધમકીઓ કરતા હશે.

પણ શું કિમ જોંગ ઉન જેવા સરમુખત્યારને તમે સૌંદર્ય પ્રસાધનો વચ્ચે ઉભેલા હોય તેવી કલ્પના પણ કરી શકો?

કિમ જોંગ ઉને અમેરિકા અને તેના સહયોગીઓ સાથે તણાવ વચ્ચે સમય કાઢી પ્યૉંગયાંગમાં એક કૉસ્મેટિક ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

કિમ જોંગની સાથે સાર્વજનિક જગ્યાએ ખૂબ જ ઓછા દેખાતાં તેમના પત્ની રિ સોલ જુ પણ હાજર હતાં.

હાલ જ આ ફેક્ટરીના માળખામાં ફેરફાર કરાયા છે. ત્યારે કિમ પોતાના પત્ની રિ સોલ જુ અને પાર્ટીના વરિષ્ઠ સભ્યો સાથે આ ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

હથિયારો નહીં, કૉસ્ટમેટિક્સની વચ્ચે

કિમ ખૂબ જ ઓછી જગ્યાએ પત્ની સાથે દેખાય છે. આ ફેક્ટરીમાં 14 વર્ષ પહેલા તેમના પિતા કિમ જોંગ ઇલ પણ આવ્યાં હતાં.

તેમની એ મુલાકાતને ઉત્તર કોરિયાના સરકારી મીડિયા પર પ્રસારિત કરાઈ હતી.

કિમ જોંગ ઉનની ફેક્ટરીની મુલાકાતના એક દિવસ પહેલા અમેરિકાના રક્ષા મંત્રી જિમ મેટિસે કહ્યું હતું કે તેમનો દેશ ક્યારે પણ ઉત્તર કોરિયાને પરમાણુ શક્તિ સંપન્ન દેશના રૂપમાં સ્વીકારશે નહીં.

મેટિસ 28મી ઓક્ટોબરના રોજ દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. તેમણે કહ્યું છે કે જો ઉત્તર કોરિયા ખતરનાક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને જડબાતોડ જવાબ મળશે.

ઉત્તર કોરિયા દ્વારા સતત મિસાઇલ અને પરમાણુ પરીક્ષણનાં કારણે કોરિયાઇ પ્રાયદ્વીપમાં તણાવ ચરમસીમાએ છે.

તમને આ પણ વાંચવું ગમશે

કિમ જોંગ ઉનની કૉસ્મેટિક ફેક્ટરીની આ મુલાકાત એકદમ અલગ છે. કેમ કે, તેઓ સામાન્યપણે મિસાઇલ્સ અને હથિયારોની સાથે જ જોવા મળે છે.

એવું પહેલી વખત થયું છે કે કિમ જોંગ ઉન તેમના પત્ની અને સૌંદર્ય ઉત્પાદનો સાથે જોવા મળ્યાં હોય.

કિમે આ દરમ્યાન કૉસ્મેટીક કંપનીની પ્રશંસા કરી હતી અને વિશ્વ સ્તરીય ઉત્પાદો બનાવવા કહ્યું હતું.

કોણ છે કિમ જોંગ ઉનના પત્ની?

રી સોલ જૂ વિશે ખાસ માહિતી ઉપલબદ્ધ નથી.

પરંતુ એવા ઘણા સમાચાર આવ્યા હતા કે તેઓ એક ગાયિકા હતા અને એક કાર્યક્રમમાં પરફૉર્મ કરતા સમયે કિમની નજર તેમના પર પડી હતી.

આ જ નામ ધરાવતા ઉત્તર કોરિયાના એક કલાકાર પણ છે, પણ એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે તે બન્ને એક જ છે કે અલગઅલગ છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે કિમ જોંગ ઉન અને રી સોલ જુનાં ત્રણ બાળકો પણ છે.

આ વાતનો અંદાજો રી સોલ જૂના અચાનક થોડા સમય માટે ગુમ રહેવા અને ફરી નજર આવવાના આધારે લગાવાયો છે.

પરંતુ ક્યારેય આ વાતોની પુષ્ટી પણ નથી કરાઈ.

રી સોલ જૂના પશ્ચિમી પહેરવેશ અને સાર્વજનિક સ્થળો પર પતિ સાથે નિશ્ચિંતતા સાથે લોકોની સમક્ષ આવવાની તુલના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામા સાથે કરાય છે.

આ ઘટનાક્રમ બાદ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કિમ જોંગ ઉનની નેતૃત્વ શૈલીમાં થોડી નરમી આવશે.

પરંતુ મિસાઇલ પરિક્ષણો બાદ હાલ જ તેમના દેશના આંતરરાષ્ટ્રીય સંબંધ અચાનક વણસી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો