દૃષ્ટિકોણઃ 'પત્રકારત્વનો આ ભક્તિ અને સેલ્ફી કાળ છે'

    • લેેખક, સુધીર પચૌરી
    • પદ, વરિષ્ઠ સમીક્ષક

એક ચૅનલ કહે છેઃ સત્ય માટે સા.... કંઈ પણ કરશે અને 'સત્ય' માટે ખરેખર 'કંઈ પણ' કરતી રહેશે.

બીજી ચૅનલે તેનું નામ જ 'નેશન' રાખી લીધું છે જે કોઈ જીદ્દી બાળકની જેમ બૂમો પાડી પાડીને કહે છેઃ 'નેશન વૉન્ટ્સ ટૂ નો! નેશન વૉન્ટ્સ ટૂ નો!'

વારંવાર કહે છે કે અમારી પાસે અઘરા સવાલ છે. મુશ્કેલમાં મુશ્કેલ સવાલ છે.

છે એવી કોઈ વ્યક્તિ જે આ અઘરા સવાલોના જવાબ આપી શકે?

તમને આ પણ વાંચવું ગમશે

ક્યાં છે રાહુલ? ક્યાં છે સોનિયા? ક્યાં છે શશિ! આવીને અમારા મુશ્કેલ સવાલોના જવાબ કેમ નથી આપતા?

ત્રીજી ચૅનલે ખુદને જ પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કરી દીધું છે.

આ પ્રજાસત્તાક રાષ્ટ્રમાં એક વ્યક્તિ રહે છે જેમનું પૂર્ણ કર્તવ્ય એ છે કે તે દરેક સમયે કોંગ્રેસનાં કપડાં ઉતારતાં અને ફાડતાં રહે.

ચોથી ચૅનલ કહે છે કે સત્ય માત્ર અહીં જ મળે છે અને માપમાં મળે છે-પાંચ, દસ, પચાસ ગ્રામથી માંડીને એક ટન બે ટન સુધીનું સત્ય મળે છે.

દરેક સાઇઝની સત્યની પડીકીઓ અમારી પાસે છે.

મીડિયા અને તેમના પ્રતિનિધિ

પાંચમી ચૅનલના એન્કર દેશને બચાવવા માટે સ્ટૂડિયોમાં નકલી બુલેટ પ્રુફ જૅકેટ પહેરીને ગર્જના કરે છે.

ખબર નહીં ક્યારે પાકિસ્તાન ગોળી ચલાવી દે અને સીધી સ્ટૂડિયોમાં આવીને વાગે.

તેમને વિશ્વાસ છે કે બુલેટ પ્રુફ જૅકેટ તેમને ચોક્કસથી બચાવી લેશે.

આપણા દેશમાં આ જ પ્રકારની ઘણી ચૅનલ્સ છે જે બહાદુરીમાં એકબીજાથી આગળ નીકળી જાય છે.

આવી વીરગાથાના કાળમાં દિવાળી મિલનનો અવસર આવ્યો.

એકથી એક ચડિયાતા વીર બહાદુર પત્રકારો લાઇન લગાવીને ખુરશીઓ પર બેસી ગયા.

હું વિચારતો રહ્યો કે ક્યારે ભાષણનો અંત આવે ને આપણું મીડિયા અને તેના પ્રતિનિધિ પત્રકારો કેટલાક સવાલ કરી શકે.

મુશ્કેલ સવાલ કરનારા ચેનલના રિપોર્ટર્સ તો ચોક્કસ સવાલ કરશે!

પૂછશે કે 'સર, ગઇકાલે જ એક પત્રકારની માત્ર સેક્સ સીડી રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

તે કહે છે કે તેને ફસાવાયો છે. તે વિશે તમારા શું વિચાર છે? શું આ જ છે અભિવ્યક્તિની સ્વતંત્રતા? '

ઇમરજન્સીના સમયગાળા દરમ્યાન

પરંતુ મુશ્કેલ સવાલ કરનારાએ તો સવાલ કર્યો જ નહીં, બીજા કોઈ પત્રકારે પણ સવાલ ન કર્યો.

એક પત્રકારની ધરપકડ થઈ અને ચૂપ રહ્યા આપણા વીર પત્રકારો.

ઇમરજન્સીના સમયગાળા દરમ્યાન પત્રકારત્વ વિશે અડવાણીએ પણ કહ્યું હતું, 'તેમને માત્ર ઝૂકવાનું કહ્યું પણ તેમણે તો દંડવત કર્યા.'

અત્યારે ન ઇમરજન્સી છે ન બીજુ કંઈ. છતાં અત્યારે બધા જ વીર બહાદુર પત્રકાર દંડવત કરતા જોવા મળી રહ્યા છે.

આ પત્રકારત્વનો ભક્તિકાળ છે. લાગે છે કે પત્રકારો પાસે કલમના બદલે ઘંટડી આવી ગઈ છે.

જેને તેઓ દરેક સમયે વગાડતા રહે છે અને પોતાના ઇષ્ટદેવની આરતી ઊતારતા રહે છે.

કોઈ રામ મંદિર બનાવડાવે છે, કોઈ દેશને અજાણ્યા દુશ્મનથી બચાવે છે, કોઈ પાકિસ્તાનને સલાહ આપે છે, કોઈ રાહુલની મજાક ઉડાવે છે.

કોઈ તાજમહેલ પર જ સવાલ ઉઠાવડાવે છે કે આ તાજમહેલ છે કે તેજો મહાલય?

ભક્તિકાળથી આધુનિક કાળ

મીડિયાને ન તો મોંઘવારી દેખાય છે, ન બેરોજગારી દેખાય છે, ન અર્થવ્યવસ્થાની દુર્દશા.

કેમ દેખાય? આ તો બધી માયા છે અને 'માયા મહા ઠગિનિ હમ જાની!'

સાચું કહ્યું છે કે સાચા ભક્તોને પોતાના પ્રભુ સિવાય બીજુ કંઈ જ નથી દેખાતું.

ભક્તો એ જ છે જે પોતાના ભગવાન સિવાય અન્ય કોઈની વાત મનમાં ન લાવે અને પોતાના પ્રભુની લીલામાં લીન રહે.

ઊલટફેર પણ કમાલનો છે. હિંદી સાહિત્ય તો ભક્તિકાળથી આધુનિક કાળમાં આવ્યું, પરંતુ મીડિયા આધુનિક કાળથી પલટી મારી ભક્તિકાળમાં પહોંચી ગયું છે.

આ છે નવભારતના નવપત્રકાર. સવારથી 'નવધા ભક્તિ'માં લાગી જાય છે. નવધા ભક્તિ ખૂબ જ અદ્ભૂત ભક્તિ છે.

ભક્તે તો માત્ર એટલું કરવાનું હોય છે કે તે દરેક સમયે પોતાને ગરીબ સમજે, અહંકારને છૂપાવે.

પોતાના પ્રિય પ્રભુના દર્શનમાત્રથી જ સ્વયંને ભયભીત થતો બતાવે અને અંતમાં ઇષ્ટદેવ સાથે સેલ્ફી લઈને ફેસબુક પેજ પર નાખી ગર્વ અનુભવે.

જ્યારે કોઈ પૂછે કે મારી પાસે પત્રકારત્વ છે, મારા આદર્શ 'પરાડકર' અને 'ગણેશશંકર વિદ્યાર્થી' છે, તમારી પાસે શું છે?

તો ગર્વથી બોલે કે મારી પાસે મારા પ્રભુની સેલ્ફી છે.

જેમની પાસે તેમના પ્રભુની સેલ્ફી હોય છે તે જ અસલી પત્રકાર છે, બાકી બધા બેકાર છે!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો