You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એડોલ્ફ હિટલર : એ સાવિત્રી દેવી જે હિટલરની દીવાની હતી
- લેેખક, મારિયા માર્ગારોનિસ
- પદ, બીબીસી ન્યૂઝ
ગ્રીસની 'ગોલ્ડન ડૉન પાર્ટી'ની વેબસાઇટ પર એક હિંદુ મહિલાની તસવીર જોવા મળવી તે એક આશ્ચર્યની વાત છે.
આશ્ચર્ય એ વાત પર થાય જ્યારે તસવીરમાં વાદળી રંગની સાડીમાં જોવા મળતી મહિલા જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની પ્રતિમાને નિહાળી રહી હોય.
'ગોલ્ડન ડૉન' ગ્રીસની એક જાતિવાદી પાર્ટી છે જે ગ્રીસથી વિદેશીઓને બહાર કાઢવા ઇચ્છે છે.
આ પાર્ટીની વેબસાઇટ પર એક હિંદુ મહિલાની તસવીર આખરે કેમ છે? અને તેનો હિટલર સાથે શું સંબંધ છે?
સાવિત્રી દેવી, જેમણે પોતાના પુસ્તક 'ધ લાઇટ્નિંગ એન્ડ ધ સન'માં જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા હતા.
આ જ પુસ્તકના માધ્યમથી તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે રાષ્ટ્રવાદી સમાજવાદનો ફરી એક વખત ઉદય થશે.
કોણ હતાં એ હિંદુમહિલા સાવિત્રી દેવી?
અમેરિકા અને યુરોપમાં ધીરે ધીરે જમણેરી સંગઠનોની તાકાતમાં વધારો થઈ રહ્યો હતો.
તેવામાં સાવિત્રી દેવીનું નામ પણ ચર્ચામાં આવવા લાગ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના જમણેરી નેતા રિચર્ડ સ્પેન્સર અને સ્ટીવ બેનને સાવિત્રી દેવીના કામને ફરી ઉજાગર કરવાનું શરૂ કર્યું હતું.
જો સાવિત્રી દેવીના નામ અને પહેરવેશને છોડી દઈએ તો તેઓ સંપૂર્ણપણે એક યુરોપીયન મહિલા હતાં.
તેમનો જન્મ વર્ષ 1905માં ફ્રાન્સનાં લિયોન શહેરમાં થયો હતો.
સાવિત્રીનાં માતા બ્રિટીશ હતાં જ્યારે પિતા ગ્રીક-ઇટાલીયન હતા.
સાવિત્રી દેવીએ શરૂઆતથી જ સમાનતાવાદી વિચારોને તુચ્છ ગણાવ્યા હતા.
વર્ષ 1978માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "એક કદરૂપી છોકરી અને સુંદર છોકરી સમાન ના હોઈ શકે."
તેઓ વર્ષ 1923માં પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ એથેન્સ પહોંચ્યાં હતાં.
ગ્રીસના અપમાન માટે તેમણે પશ્ચિમી સંધિને જવાદાર ગણાવી હતી. તેમનું માનવું હતું કે ગ્રીસ અને જર્મની પીડિત રાષ્ટ્રો છે.
જ્યારે ભારત આવ્યાં સાવિત્રી
યહૂદીઓ વિરૂદ્ધ હિટલરની ક્રૂર કાર્યવાહીને સાવિત્રીએ 'આર્ય વંશ'ને બચાવવાવાળું પગલું ગણાવ્યું હતું.
તેમણે હિટલરને પોતાના ફ્યૂહરર બનાવી લીધા હતા. ફ્યૂહરર એક જર્મન શબ્દ છે જેનો મતલબ થાય છે 'નેતા.'
રાજકારણમાં આ શબ્દનો પ્રયોગ હિટલર માટે કરાય છે.
વર્ષ 1930ની શરૂઆતમાં સાવિત્રી દેવી યુરોપના મૂર્તિપૂજક ઇતિહાસની શોધમાં ભારત આવ્યાં હતાં.
તેમને લાગતું હતું કે ભારતમાં જાતિપ્રથાને કારણે આંતરજાતિય લગ્ન થતા નથી. આ જ કારણોસર અહીં 'શુદ્ધ આર્ય' સુરક્ષિત રૂપે મળી શકશે.
સાવિત્રી દેવી પર અંગ્રેજ અધિકારીઓની પણ નજર હતી. તેના કારણે તેઓ ભારતમાં ટ્રેનની ચોથી શ્રેણીના ડબ્બામાં મુસાફરી કરતાં હતાં.
જોકે, તેમને અંગ્રેજો સાથે કોઈ ખાસ લેવાદેવા ન હતું.
સાવિત્રી દેવીએ ભારતીય ભાષાઓ શીખી હતી. અહીં તેમણે એક બ્રાહ્મણ પુરુષ સાથે લગ્ન પણ કર્યાં હતાં.
તેમણે જણાવ્યું કે હિટલર સમયની ચાલ વિરૂદ્ધ ચાલવાવાળી વ્યક્તિ છે.
જેઓ એક દિવસ કળિયુગનો અંત લાવી આર્યોના પ્રભુત્વ વાળા સ્વર્ણિમ યુગની શરૂઆત કરશે.
'હિંદુ જ આર્યોના સાચા વારસદાર છે'
આ દરમિયાન સાવિત્રી દેવીએ કોલકાતામાં હિંદુ રાષ્ટ્રવાદના પ્રચાર માટે પણ કામ કર્યું.
અંગ્રેજોએ જ્યારે ભારતમાં ધાર્મિક ભાઇચારો બગાડવા પ્રયાસ કર્યો તો તેનાથી હિંદુત્વના અભિયાનને પણ બળ મળ્યું હતું.
આ અભિયાનમાં કહેવામાં આવતું કે હિંદુ જ આર્યોના સાચા વારસદાર છે અને ભારત એક હિંદુ રાષ્ટ્ર છે.
સાવિત્રીએ આ આંદોલનના સંચાલક સ્વામી સત્યાનંદ સાથે કામ કર્યું હતું.
સ્વામી સત્યાનંદે સાવિત્રીને પરવાનગી આપી હતી કે તેઓ હિંદુ આંદોલન સાથે ફાસીવાદની વાતોનો પણ સમાવેશ કરી શકે છે.
સાવિત્રીએ દેશના ઘણા વિસ્તારની મુલાકાત લીધી હતી.
તેઓ બંગાળી અને હિંદીમાં લોકો સાથે વાત કરતાં હતાં અને તેમને આર્યોના મહત્ત્વ વિશે જણાવતાં હતાં.
વર્ષ 1945માં જર્મનીમાં નાઝીઓનાં પતનની સાથે-સાથે સાવિત્રી દેવી યુરોપ જતાં રહ્યાં હતાં.
ઇંગ્લૅન્ડ પહોંચવાની વાત તેમનાં પુસ્તક 'લોંગ વ્હિસ્કર એન્ડ ધ ટૂ લેગ્ડ ગૉડેસ'માં કહેવાઈ છે.
આ પુસ્તકમાં બાળકોની એક વાર્તાની નાયિકા બિલાડીઓને પ્રેમ કરવા વાળી નાઝી મહિલા છે.
આ વાર્તામાં સાવિત્રી દેવી લખે છે કે 'હીલિયોડારા' નામની નાયિકા પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે.
તે પ્રાણીઓ પ્રત્યે લોકોના વ્યવહારથી ખૂબ હેરાન થાય છે.
હિટલર કી જયનું સૂત્ર
હિટલરની જેમ જ સાવિત્રી દેવી પણ હંમેશાં શાકાહારી રહ્યાં હતાં.
તેઓ સંસારને પોતાની જ નજરોથી જોતાં હતાં અને પ્રકૃતિની નજીક જઈને તેનો અનુભવ કરવો તેમને ખૂબ ગમતું હતું.
તેમણે આઇસલૅન્ડમાં હેકલા પહાડ નજીક તે સમયે બે રાત વિતાવી હતી જ્યારે ત્યાં જ્વાળામુખી ફાટવાની તૈયારી હતી.
તે અનુભવ વિશે સાવિત્રીએ લખ્યું છે, " સૃષ્ટિનો મૂળ અવાજ 'ઓમ' છે. જ્વાળામુખીમાંથી દરેક બે કે ત્રણ સેકેન્ડે ઓમ! ઓમ! ઓમ!નો અવાજ આવી રહ્યો હતો અને પગની નીચેની જમીન હલી રહી હતી."
વર્ષ 1948માં સાવિત્રી દેવી જર્મની પહોંચવામાં સફળ રહ્યાં હતાં.
ત્યાં તેમણે નાઝી સમર્થનવાળા ઘણા પત્રો વેચ્યા હતા કેમ કે તેનાથી તેઓ પોતાના નાઝી સાથીઓની નજીક પહોંચવામાં સફળ થઈ ગયાં હતાં.
ત્યારબાદ સાવિત્રી દેવીના પતિએ ભારત સરકારની મદદથી તેમની સજા ઓછી કરાવી હતી.
ભારત પરત ફર્યાં સાવિત્રી
સાવિત્રી દેવીનાં લગ્ન અને પતિ સાથે તેમના સંબંધો પણ શંકાના ઘેરામાં હતા.
અસિત મુખરજી સાથે તેમનાં લગ્નને ઘણા લોકો સાચી વાત નથી માનતા કેમ કે તેમની જાતિ એક નથી.
પોતાનાં જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાવિત્રી ભારત પરત ફર્યાં હતાં. તેઓ ભારતને જ પોતાનું ઘર માનતાં હતાં.
તેઓ દિલ્હીના એક ફ્લેટમાં રહેતાં હતાં. ત્યાં તેઓ આસ-પાસ ફરતી બિલાડીઓને ખવડાવતાં હતાં.
તેઓ સામાન્યપણે પરિણીત હિંદુ મહિલાની જેમ સોનાનાં ઘરેણાં પહેરતાં હતાં.
વર્ષ 1982માં તેમનું મૃત્યુ ઇંગ્લૅન્ડમાં એક મિત્રના ઘરે થયું હતું.
તેમનાં અસ્થિઓને ફાસીવાદી સન્માનની સાથે અમેરિકન નાઝી નેતા જ્યોર્જ લિંકન રૌકવેલની કબરની નજીકની કબરમાં રાખવામાં આવ્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો