મધ્ય પ્રદેશ ખરગોન હિંસા: વસીમનો સવાલ, 'નથી બે હાથ, હું હુલ્લડ કઈ રીતે કરી શકું?'

    • લેેખક, શરૈહ નિયાઝી
    • પદ, ભોપાલથી, બીબીસી ગુજરાતી માટે

મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલા રમખાણ પછી જિલ્લા વહીવટીતંત્રએ મોટા પાયે મકાનો અને દુકાનો તોડી પાડ્યાં હતાં. જેમનાં મકાન અને દુકાન તોડી પડાયાં એમના પર આરોપ છે કે તે લોકો હુલ્લડમાં સામેલ હતા તેથી એમના પર કાર્યવાહી કરવામાં આવી. એવા લોકોમાં 35 વર્ષના વસીમ શેખ પણ એક છે જેમનું નાનું ઘર તોડી પડાયું છે.

વસીમ બંને હાથે દિવ્યાંગ છે અને તે ઓરડી જેટલું ઘર એમના અને એમના પરિવાર માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો આશરો હતું. જોકે, ખરગોન વહીવટીતંત્ર વસીમનું ઘર તોડી પાડ્યું હોવાનો ઇનકાર કરી રહ્યું છે.

વસીમે સોમવારે સવારે વાઇરલ વીડિયો દ્વારા જણાવ્યું હતું કે એમનું ઘર તોડી પડાયું છે, પરંતુ મોડી રાત્રે એમનો બીજો વીડિયો જોવા મળ્યો જેમાં એમણે એ વાતનો ઇનકાર કરી દીધો.

પરંતુ બીબીસીએ જ્યારે વસીમ સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે તેઓ આજે પણ એ વાત પર મક્કમ છે કે એમનું ઘર તોડી પડાયું છે.

રામનવમીની શોભાયાત્રા પછી 11 એપ્રિલે મધ્યપ્રદેશના ખરગોનમાં જ્યારે દુકાનો અને મકાનો તોડી પડાયાં ત્યારે વહીવટીતંત્ર અને રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું કે હુલ્લડ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ વસીમ રિઝવીના કેસ બાબતે સવાલ થઈ રહ્યા છે.

ખુદ વસીમ રિઝવીએ પૂછ્યું છે, "હું મારાં પોતાનાં કામો માટે પણ બીજા પર નિર્ભર છું. હું કઈ રીતે હુલ્લડમાં સામેલ થઈ શકું?"

વહીવટીતંત્ર અને સરકારનું એમ જ કહેવું હતું કે આ કાર્યવાહી શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં સામેલ પથ્થર ફેંકનારાઓને પાઠ ભણાવવા માટે કરાઈ રહી છે. પરંતુ વસીમના કેસમાં એ શક્ય જ નથી, કેમ કે તેઓ પથ્થર ઉઠાવી પણ નથી શકતા.

વસીમનું ઓરડી જેટલું ઘર શહેરની છોટી મોહન ટૉકીઝ, ચાંદની ચોકમાં હતું. એમણે જણાવ્યું કે એમના પડોશમાં શાદુલ્લાહનું ઘર હતું, તેમણે જણાવ્યું કે બીજા દિવસે જ્યારે વહીવટીતંત્રએ તોફાનમાં કથિત રીતે સામેલ લોકોનાં ઘર અને દુકાનો તોડવાનું શરૂ કર્યું એ જ વખતે એમની ઓરડીને પણ તોડી પાડવામાં આવી.

આ ઘરમાં વસીમ રોજિંદી જરૂરિયાતની નાનીમોટી વસ્તુઓ વેચતા હતા જેનાથી એમનું અને એમના પરિવારનું ગુજરાન ચાલતું હતું.

એમણે જણાવ્યું કે, "મારે એક દીકરો અને એક દીકરી છે. એમની સાથે જ મારાં મા અને પત્નીની પણ જવાબદારી છે. આ ઓરડીમાં સામાન વેચવાથી મારું ઘર ચાલતું હતું પરંતુ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર વહીવટીતંત્રે મકાનો અને દુકાનો તોડવાની કાર્યવાહી કરી નાખી."

સરકાર શું કહે છે?

બીજી તરફ આ મામલામાં છેલ્લા કેટલાક દિવસથી સરકાર અને વહીવટીતંત્રના સૂર બદલાઈ ગયા છે. એમનું કહેવું છે કે કાર્યવાહી દબાણ હઠાવવા માટે કરવામાં આવી છે.

પરંતુ વસીમનું કહેવું છે કે જો દબાણ હતું તો એના માટે એમને નોટિસ આપવી જોઈતી હતી.

એમણે જણાવ્યું કે, "આ પ્રકારની કાર્યવાહીના લીધે એમના માટે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. જો જણાવી દીધું હોત તો તેઓ એને હઠાવી દેત."

જોકે સોમવારે ચીફ મ્યુનિસિપલ ઑફિસર પ્રિયંકા પટેલ એમને મળવા ગયેલાં અને એમણે એ જ કહ્યું કે એમનું ઘરને નગરપાલિકાએ નથી તોડ્યું.

ખરગોન નગરપાલિકાનાં સીએમઑએ કહ્યું કે, "ના તો વસીમનું ઘર તૂટ્યું છે કે ના દુકાન તૂટી છે."

એ બાબતે વસીમનું કહેવું છે કે જે જગ્યાએ આ બધું થયું ત્યાં સીસીટીવી કૅમેરા લાગેલા છે, વહીવટીતંત્રએ એને જોઈને એમના પર કાર્યવાહી કરવી જોઈએ.

વસીમના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો ટ્વિટ કરી રહ્યા છે અને એવો આક્ષેપ કરી રહ્યા છે કે જેમના હાથ નથી એમને પણ પથ્થરમારાના ગુનાની સજા અપાઈ રહી છે.

વસીમ શેખ પહેલાં પેઇન્ટર તરીકે કામ કરતા હતા, પરંતુ 2005માં કરંટ લાગવાના કારણે એમના બંને હાથ કાપવા પડ્યા.

જોકે ખરગોનનાં જિલ્લા મૅજિસ્ટ્રેટ અનુગ્રહા પી.એ એ વાતનો ઇનકાર કર્યો છે કે વસીમના ઘરને વહીવટીતંત્રએ તોડ્યું છે.

એમણે એવો પણ દાવો કર્યો છે કે જેમનાં મકાન-ઘર તોડવામાં આવ્યાં છે તે બધાં દબાણમાં હતાં અને એથી તોડી પાડવામાં આવ્યાં છે.

એકતરફી કાર્યવાહીનો આરોપ

ખરગોન અને સેંધવા વહીવટીતંત્ર પર આક્ષેપ થઈ રહ્યા છે કે એમણે તોફાન પછી મોટા પાયે એકતરફી કાર્યવાહી કરી છે.

સેંધવામાં એવી ત્રણ વ્યક્તિઓ પર કેસ કરવામાં આવ્યો છે જેઓ હત્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી જેલમાં છે. એમાંના એક આરોપીનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે.

બીજી તરફ ખરગોનમાં પણ બે લોકો એવા છે જેમના પર હુલ્લડનો આરોપ મૂકીને કેસ કરવામાં આવ્યો છે, એમાંના એક એ સમયે હૉસ્પિટલમાં હતા તો બીજા ખરીદી કરવા માટે કર્ણાટક ગયા હતા.

એકતરફી કાર્યવાહીના કેસ અંગે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનું કહેવું છે કે, "તમે સમુદાયવિશેષ કહી શકો છો, પરંતુ જે તોફાનીઓ છે એમના પર કાર્યવાહી થઈ રહી છે. અને જ્યાં સુધી બીજાના રિપોર્ટનો સવાલ છે… ફરિયાદી જ્યારે કોઈની સામે રિપોર્ટ અર્થાત્ ફરિયાદ નોંધાવે છે, ત્યારે તે કોઈનું નામ લખાવે છે. વહીવટીતંત્રએ પોતાના તરફથી કોઈનું નામ નથી લખાવ્યું."

રામનવમીની શોભાયાત્રા દરમિયાન તોફાન

મધ્યપ્રદેશના ખરગોન અને સેંધવામાં 10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિન્દુ-મુસ્લિમ વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યાર બાદ શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

આ તોફાનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક યુવક ગંભીર ઘાયલ થયો છે અને અત્યાર સુધીમાં 148 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના વકીલ એહતેશામ હાશમીનું પણ કહેવું છે કે જે રીતના મામલા જાણવા મળ્યા છે અને લોકો સાથે જે વાતો થઈ છે, એનાથી સ્પષ્ટ દેખાય છે કે વહીવટીતંત્ર અને સરકારે એક સમુદાયવિશેષને ટાર્ગેટ કર્યો છે.

એમણે કહ્યું કે, "તમે કોઈનાં ઘર આવી રીતે ના તોડી શકો. તમારે એમને નોટિસ આપવી પડે. તમે જુઓ છો કે કેટલું બધું દબાણ થાય છે, એને સરકાર હઠાવી શકે છે શું રસ્તા પરથી? દરેક સંપત્તિ માટે 10-10 વર્ષ કેસ ચાલે છે. અહીં નોટિસ આપ્યા વગર ઘર તોડી પડાયાં અને તમે જે સેક્શનની વાત કરો છો, એમ લૅન્ડ રેવન્યૂ કોર્ટ સેક્શન 248, એના અંતર્ગત પણ તમે આ રીતે રાતોરાત મકાન ના તોડી શકો."

એહતેશામ હાશમી અને મેધા પાટકર બંને અસરગ્રસ્તોને મળવા માટે ખરગોન ગયાં હતાં. એહતેશામ હાશમી એ લોકોને કાનૂની સલાહ આપવા માંગતા હતા જે લોકોને આરોપી બનાવાયા છે.

એમણે આક્ષેપ કર્યો કે વહીવટીતંત્રએ અમને એમના સુધી પહોંચવા ન દીધાં, સામાન્ય રીતે, વકીલોને કોઈ પણ પ્રકારના પ્રતિબંધ નથી હોતા. એમણે કહ્યું કે જો અમે એમના સુધી પહોંચીએ તો એમને ન્યાય કઈ રીતે મળશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો