You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધ્યપ્રદેશ : રામનવમીમાં હિંસા બાદ મુસ્લિમોનાં ઘરો કેમ તોડવામાં આવી રહ્યાં છે?
- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
મધ્ય પ્રદેશમાં સૉફ્ટ-ડ્રિંક વેચનાર મોહમ્મદ રફીક અને તેમના પુત્રો માટે એ રાત કપરી હતી. તેમણે કહ્યું, "રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે, તેથી અમારો ધંધો સામાન્ય રીતે સાંજના સમયે જામે છે."
સોમવારે સવારે જ્યારે પોલીસે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો ત્યારે તેમનો પરિવાર ઊંઘી રહ્યો હતો. મોહમ્મદે કહ્યું, "પરંતુ જ્યારે અમે જોરદાર ધડાકો સાંભળ્યો, ત્યારે અમને લાગ્યું કે કોઈ ગેટના શટર તોડી રહ્યું છે."
બહાર, બુલડોઝર સાથે સેંકડો અધિકારીઓએ ખરગોન શહેરમાં રહેતા આ મુસ્લિમ પરિવારના મકાનને ઘેરી લીધું હતું.
તેમણે કહ્યું, "જેમણે રોકવાનો પ્રયાસ કર્યો તેમને હઠાવી દેવામાં આવ્યા. બધું ખતમ થયું, ત્યારે માત્ર કાટમાળ વધ્યો હતો."
તેમણે કહ્યું, "અમે એટલા ડરી ગયા હતા કે અમે એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો - માત્ર મૌન રહી જોયા કર્યું. તેમણે બધું જ તહસનહસ કરી નાખ્યું હતું."
10 એપ્રિલના રોજ રામનવમીના દિવસે ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા બાદ મધ્યપ્રદેશમાં કેટલાય મુસ્લિમોનાં ઘરો અને દુકાનો તોડી નાખવામાં આવ્યાં. સોશિયલ મીડિયા તોડફોડ કરતા મોટા પીળા બુલડોઝરની દુ: ખદાયી છબીઓથી છલકાઈ ગયું, કારણ કે તેને રડતા પરિવારો નિઃસહાય થઈને જોઈ રહ્યા હતા.
આ કૃત્યને પગલે આક્રોશ ફેલાયો છે. ટીકાકારો તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ દ્વારા ભારતના 20 કરોડ મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાનો હિચકારો પ્રયાસ ગણાવે છે.
મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં છે. રાજ્ય સરકારે એમ કહીને ખુલ્લેઆમ મુસ્લિમો પર દોષ મઢ્યો છે. ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ એનડીટીવી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું, "જે મુસ્લિમો આવા હુમલા કરે છે, તેમણે ન્યાયની અપેક્ષા રાખવી જોઈએ નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે રીતે તોડફોડ કરવામાં આવી છે તે સ્પષ્ટપણે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. નિષ્ણાતોના મતે આવાં કૃત્યોને કોઈ કાયદાકીય સમર્થન નથી. કેટલાક તેને મુસ્લિમો સામે સામૂહિક સજાનું ઉદાહરણ ગણાવે છે.
ઈન્દોરના વરિષ્ઠ ઍડવોકેટ અશર વારસીએ કહ્યું, "તમે કોઈ યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના એક સમુદાયના લોકોને અપ્રમાણસર સજા કરી રહ્યા છો. આ ગેરકાયદેસર હોવાની સાથે એક ખતરનાક ઉદાહરણ પણ સ્થાપિત થઈ રહ્યું છે."
"સંદેશ એવો છે કે જો તમે કોઈપણ રીતે પ્રશ્ન ઊભો કરો કે અમને પડકારો તો અમે તમારા ઉપર ચઢાઈ કરીશું, અમે તમારા ઘરો, તમારી આજીવિકા છીનવી લઈશું અને તમને ઘૂંટણિયે પાડીશું."
હિંસા સૌપ્રથમ ત્યારે શરૂ થઈ જ્યારે રામનવમીની શોભાયાત્રા મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે તેમાં ઉશ્કેરણીજનક સંગીત વગાડવામાં આવ્યું હતું. જેમાં લઘુમતી સમુદાય સામે હિંસાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. કેટલાંક સ્થળોએ, કેટલાક મુસ્લિમો અને હિંદુઓએ એકબીજા પર પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ છે.
ઘણા મુસ્લિમોએ પોલીસ પર હિન્દુ ટોળાને તેમના પર હુમલો કરવાની છૂટ આપવાનો આક્ષેપ કર્યો છે. તલવારો ચલાવતું અને મસ્જિદોને અપવિત્ર કરતું ઉન્માદી ટોળું દર્શાવતા વીડિયોએ દેશને આંચકો આપ્યો છે.
28 વર્ષીય શાહબાઝ ખાને આરોપ મૂક્યો હતો કે હિંદુ શ્રદ્ધાળુઓએ ખરગોનથી લગભગ 137 કિલોમિટર દૂર સેંધવા શહેરમાં એક સ્થાનિક મસ્જિદના મિનારા તોડી નાખ્યા હતા અને પથ્થરો લઈને મુસ્લિમો પાછળ પડ્યા હતા.
તેમણે કહ્યું કે જોકે એથીય "વરવો" દિવસ એ પછીનો દિવસ હતો, જે દિવસે સત્તાવાળાઓ "અચાનક આવીને" તેમનાં ઘરો પર બુલડોઝર ફેરવી દીધું.
મસ્જિદમાં આશ્રય લઈ રહેલા શાહબાઝે કહ્યું, "મારી પત્ની અને બહેન રડ્યાં અને પોલીસને વિનંતી કરી કે અમને અમારી વસ્તુઓ લઈ જવા દો, બીજું કંઈ નહીં તો કુરાન તો ઘરની બહાર લઈ જવા દો. પરંતુ તેમણે સાંભળ્યું નહીં."
તેમણે ઉમેર્યું, "અમારી પાસે કંઈ જ બચ્યું નથી, પરંતુ કોઈને પરવા નથી. જ્યારે પણ અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ, ત્યારે તેઓ અમને ભગાડે છે."
રાજ્ય સરકાર કહે છે કે આ તોડફોડ એ લોકોને સજા સ્વરૂપે છે, જેમણે કથિત રીતે પથ્થરમારો અને આગચંપીમાં ભાગ લીધો હતો. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તાજેતરમાં જણાવ્યું હતું, "જે ઘરોમાંથી પત્થરો મળી આવશે તે ઘરો પથ્થરોના ઢગલામાં ફેરવાઈ જશે."
કાયદેસર રીતે, જોકે, આ પગલું અનધિકૃત બાંધકામના આધારે ન્યાયી ઠેરવવામાં આવ્યું છે. પોલીસના દાવા અનુસાર તેઓ જાહેર જમીન પર બેસતા લોકોના ગેરકાયદેસર અતિક્રમણને નિશાન બનાવી રહ્યા છે.
ખરગોનના જિલ્લા કલેક્ટર અનુગ્રહ પીએ જણાવ્યું હતું કે, "તેમાં બંને બાબતોનો સમાવેશ થાય છે".
તેમણે કહ્યું, "ગુનેગારોને એક પછી એક શોધવા એ સમય લેતી પ્રક્રિયા છે, તેથી અમે તે તમામ વિસ્તારો પર નજર નાખી જ્યાં રમખાણો થયાં હતાં અને તોફાનીઓને પાઠ ભણાવવા માટે તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા હતા."
જોકે મોહમ્મદ રફીકે કહ્યું કે તેમના ઘર પાસે કોઈ હિંસાની ઘટના બની નહોતી. "મારું ઘર ગેરકાયદેસર નથી તે પુરવાર કરવા માટે પાસે મારી પ્રોપર્ટીના કાગળ પણ છે." આ વાત કહેતા તેમણે ઉમેર્યું. "પરંતુ અચાનક આવેલી પોલીસે મારી વાત સાંભળી નહીં અને મારું ઘર છીનવી લીધું."
કોઈને સજામાં કોઈનો કાયદો
નિષ્ણાતો પણ આ તર્ક પર સવાલ કર છે - તેઓ કહે છે કે ગુનાની સજા માટે બીજાના કાયદાનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
પૉલિટિકલ સાયન્ટિસ્ટ રાહુલ વર્મા કહે છે, "કાયદેસર કાર્યવાહીનો ઉપયોગ ઢાંકપિછોડા માટે કરવામાં આવે છે. કેમકે આ ઘટના પહેલાં પણ આ ઘરો ગેરકાયદેસર હતાં. તમારે બદલાની ભાવનાથી કાર્યવાહી કરવી ન જોઈએ. કારણ કે તેમાં તમામ જરૂરી પ્રક્રિયાઓને અવગણવામાં આવી છે. સરકાર બદલો લેવાનું વલણ બતાવી રહી છે."
અશર વારસી કહે છે કે, "જ્યારે રાજ્ય પાસે ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડવાની સત્તા છે. તેના વિવિધ તબક્કા છે. જેમાં માલિકને નોટિસ આપવી, તેમને જવાબ આપવાની અથવા કોર્ટમાં અરજી કરવાની તક આપવી વગેરે પહેલાં અનુસરવાની જરૂર છે."
પોલીસનું કહેવું છે કે તેમણે કથિત અતિક્રમણ કરનારાઓને નોટિસ આપી હતી, પરંતુ ઓછામાં ઓછા ત્રણ પરિવારોએ બીબીસી સમક્ષ આ વાતને નકારી કાઢી હતી.
અશર વારસી કહે છે, "વધુમાં, રાજ્યના કાયદા (મધ્ય પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1956) હેઠળ અન્ય જોગવાઈઓ છે. જેમ કે આરોપીને દંડ ભરવાનું કહેવું, જેનો સત્તાધિકારીઓ પહેલા ઉપયોગ કરી શકે છે."
"સંપત્તિ તોડી પાડવી એ છેલ્લો ઉપાય માનવામાં આવે છે."
પરંતુ આવું પહેલીવાર નથી થયું કે જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની મધ્યપ્રદેશ સરકારે ન્યાયની સેવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય. સરકારે ભૂતકાળમાં બળાત્કારના આરોપીઓ, ગુંડાઓ અને અન્ય ગુનેગારોના ઘરો તોડી પાડ્યા છે.
રાહુલ વર્મા કહે છે, "આપણે જે જોઈ રહ્યા છીએ તે એ છે કે ઉત્તર પ્રદેશમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે તે કહેવાતા યુપી મૉડલનો હવે અન્ય રાજ્યોમાં અમલ જોવા મળી રહ્યો છે. આનો ઉદ્દેશ્ય ભાજપના કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદના જનાધારને રાજી કરવાનો છે."
બુલડોઝર મામા
ભગવાધારી હિંદુ રાષ્ટ્રવાદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના રાજ્યમાં ગુનાખોરીને નાબૂદ કરવાના મિશનને લઈને પોતાને કટ્ટર સાધુ તરીકે રજૂ કર્યા છે. તેમની સરકાર નિયમિતપણે કથિત ગુનેગારોના ઘરોને તોડી પાડે છે. તેમને "બુલડોઝર બાબા" તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે, શિવરાજસિંહ ચૌહાણના સમર્થકોએ પણ તેમને "બુલડોઝર મામા" અથવા બુલડોઝર કાકા કહેવાનું શરૂ કર્યું છે.
બંને રાજ્યોએ ઘણી બધી એવી નીતિઓ રજૂ કરી છે જેને મુસ્લિમ વિરોધી ગણાવવામાં આવે છે, જેમાં લવ-જિહાદ સામેનો કાયદો અને સરકારી સંપત્તિના નુકસાનની ભરપાઈ કરવા માટેનો કાયદો વગેરેનો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશમાં વિવાદાસ્પદ નાગરિકતા કાયદાનો ઉપયોગ વિરોધીઓ સામે લાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે મધ્યપ્રદેશમાં આ કાયદાને પસાર કરવામાં આવ્યો ત્યારે ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે તેનો ઉપયોગ "જેણે વિરોધ, હડતાલ અથવા તોફાનો દરમિયાન સરકારી અથવા ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનારા વિરુદ્ધ કરવામાં આવશે. જરૂર પડ્યે આરોપીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તેની હરાજી કરીને નુકસાનીની ભરપાઈ કરવામાં આવશે".
પરંતુ નિષ્ણાતો કહે છે કે કથિત ગુનાઓની સજા રૂપે નોટિસ આપ્યા વિના, મકાનો તોડી પાડવાનો કોઈ કાયદાકીય આધાર નથી.
અશર વારસી કહે છે, "તમે આમ કરી શકતા નથી."
તેઓ ઉમેરે છે કે કોઈપણ આધાર વગર સરકાર "કાયદો પોતાના હાથમાં લઈ રહી છે અને અદાલતોની પ્રાસંગિકતા ઘટાડી રહી છે.
"એવું લાગે છે કે સરકાર આવું કરવાની તકની રાહ જ જોઈ રહી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો