ઉત્તર પ્રદેશ ચૂંટણી : યોગી આદિત્યનાથના મતે 'ઉત્તર પ્રદેશ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય', દાવો કેટલો સાચો?

    • લેેખક, મેધાવી અરોરા
    • પદ, પત્રકાર, ડિસઇન્ફર્મેશન યુનિટ

ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, બંને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે.

દરમિયાન શનિવારે ઉત્તરાખંડના ટિહરી વિસ્તારમાં એક ચૂંટણીસભાને સંબોધિત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે આજની તારીખે યુપી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ જાહેરસભામાં યોગી આદિત્યનાથે કહ્યું, "મને આશંકા છે કે યુપીના અપરાધી અને ગુંડા નાસી છૂટીને ઉત્તરાખંડમાં ઘૂસી જશે. એટલે ઉત્તરાખંડને પણ યુપીની જેમ જ સુરક્ષિત બનાવવાનું છે."

તેમણે એમ પણ કહ્યું કે દેશના રક્ષણ અને સુરક્ષાના મુદ્દે ભાજપ કોઈ સમાધાન નથી કરતો. માત્ર યોગી આદિત્યનાથ જ નહીં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતા પણ કાયદો-વ્યવસ્થા મુદ્દે ગત પાંચ વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશનાં શ્રેષ્ઠ કામોની ભારોભાર પ્રશંસા કરી હતી.

ભાજપનો દાવો છે કે યુપીમાં તેમની સરકારે સામાન્ય લોકો, વિશેષ કરીને મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પુષ્કળ પ્રયાસ કર્યા છે. પાર્ટીના યુપીના ચૂંટણીઢંઢેરામાં પણ લોકોની સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

બીજી બાજુ, કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા તથા અન્ય વિપક્ષના નેતાઓએ રાજ્યમાં કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.

સત્ય, અર્ધસત્ય કે અસત્ય ?

સરકાર તથા વિપક્ષના દાવા-આરોપોની સત્યતા ચકાસવા માટે બીબીસી દ્વારા સરકારે બહાર પાડેલા આંકડાની તપાસ હાથ ધરવામાં આવી. બીબીસીને માલૂમ પડ્યું કે યુપી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે, એવો મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો દાવો ખરો નથી.

દેશમાં ગુનાખોરીના આંકડા એકઠા કરવાનું કામ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો એટલે કે એનસીઆરબી કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતી આ સંસ્થા દેશનાં તમામ 28 રાજ્ય તથા આઠ કેન્દ્રશાસિત પ્રદેશમાં થતા ગુનાની વિસ્તૃત વિગતો એકઠી કરીને 'ક્રાઇમ ઇન ઇન્ડિયા'ના નામથી રિપોર્ટ પ્રકાશિત કરે છે.

એનસીઆરબી દ્વારા પોતાના રિપોર્ટને ભારતીય દંડ સંહિતા (એટલે કે આઈપીસી) હેઠળ નોંધાયેલા ગુના તથા વિશેષ કાયદા હેઠળ નોંધાયેલા ગુના એમ બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવે છે તથા બંને શ્રેણીના કુલ સરવાળાને ગુનાખોરીના આંક તરીકે રજૂ કરવામાં આવે છે.

તાજેતરના આંકડા ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રજૂ થયા હતા. જે મુજબ વર્ષ 2020 દરમિયાન યુપીમાં તમામ શ્રેણી હેઠળ કુલ છ લાખ 57 હજાર 925 કેસ નોંધાયા હતા. સારી સુરક્ષાવાળાં રાજ્યોની દૃષ્ટિએ યુપીનો ક્રમાંક 36 રાજ્યમાં (અને કેન્દ્રશાસિત પ્રદેશ) 34મો રહ્યો.

તામિલનાડુ અને ગુજરાતની સ્થિતિ ઉત્તર પ્રદેશથી પણ ખરાબ રહી હતી. તામિલનાડુમાં દેશના સૌથી વધુ 13 લાખ 77 હજાર 681 કેસ નોંધાયા હતા, જ્યારે ગુજરાતમાં છ લાખ 99 હજાર 619 કેસ ચોપડે નોંધાયા હતા.

2020 દરમિયાન ગુનાની સૌથી ઓછી સંખ્યાની દૃષ્ટિએ લક્ષદ્વીપ સૌથી સુરક્ષિત વિસ્તાર રહ્યો હતો. જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 147 ગુના જ નોંધાયા હતા.

સંખ્યા, ટકા અને ટકાવારી

જોકે માત્ર ગુનાઓની સંખ્યાને ધ્યાને લઈને રાજ્યમાં સુરક્ષાની સ્થિતિની નક્કર સમીક્ષા ન થઈ શકે, કારણ કે દરેક રાજ્ય (અને કેન્દ્રશાસિત પ્રદેશ)ની વસતિમાં ભારે તફાવત છે. અનેક રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની વસતિ અમુક લાખની છે, જ્યારે અનેક રાજ્યોની વસતિ અનેક કરોડમાં છે.

વસતિની દૃષ્ટિએ યુપી દેશનું સૌથી મોટું રાજ્ય છે, જ્યાં લગભગ 24 કરોડ લોકો રહે છે. આથી મોટાભાગના પરિમાણથી જોવામાં આવે તો યુપી જ અગ્રેસર હોય.

કોઈપણ રાજ્યમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવા માટે સરળ ઉપાય ગુનાખોરીની ટકાવારી જોવાના હોય છે. મતલબ કે દર એક લાખની વસતિએ કેટલા ગુના નોંધાયા હતા.

ગુનાખોરીની ટકાવારીની દૃષ્ટિએ પણ યુપી સૌથી સુરક્ષિત રાજ્ય નથી. યુપીમાં એક લાખની વસતિએ 287.4 ગુના નોંધાયા છે. આ દૃષ્ટિએ તે દેશનું પહેલું નહીં, પરંતુ 20મું સૌથી સુરક્ષિત રાજ્ય રહ્યું.

ગુનાખોરીની ટકાવારીની દૃષ્ટિએ સૌથી સુરક્ષિત વિસ્તાર દાદરા-નગર હવેલી અને દમણ-દીવ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ગુનાખોરી માત્ર 51.3 છે. જ્યારે સૌથી ખતરનાક રાજ્ય તામિલનાડુ હતું, જ્યાં દર એક લાખની વસતિએ એક હજાર 808.8 ગુના નોંધાયા હતા.

આઈપીસી સિવાય, વિશેષ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાની દૃષ્ટિએ પણ યુપીની સ્થિતિ સારી નથી. દાખલા તરીકે દહેજને કારણે થતાં મૃત્યુના મામલે યુપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પર છે.

આ આંકડા પર નજર કરતાં માલૂમ પડે છે કે યુપીમાં કાયદો-વ્યવસ્થા તથા મહિલાઓની સુરક્ષા મુદ્દે હજુ ઘણું કરવાનું બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો