ઉત્તર પ્રદેશની ચૂંટણી : અખિલેશ યાદવ પરિવારવાદ અને યાદવવાદની ઇમેજ બદલી શકશે?

    • લેેખક, દીપક કે. મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

શું સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ આ વખતે પાર્ટીને પરિવારવાદની ઇમેજથી બચાવવા માગે છે? અખિલેશ પર 'પરિવારવાદ' અને 'યાદવવાદ'ને પ્રોત્સાહન આપતા હોવાના આરોપ મુકાતા રહ્યા છે.

યુપીના મતદાતાઓમાં બંધાયેલી આ ધારણાએ સમાજવાદી પાર્ટીને 2017માં ઘણી ઠેસ પહોંચાડી હતી અને પાર્ટી માત્ર 47 સીટ જીતવા સુધી સીમિત થઈ ગઈ હતી.

એ ચૂંટણીમાં ભાજપ ગઠબંધન યાદવોના મોર્ચા વિરુદ્ધ બિન-યાદવ ઓબીસી જાતિઓને એકજૂથ કરવાની રણનીતિ લઈને મેદાનમાં ઊતર્યું અને 403માંથી 325 સીટો જીતવામાં સફળ રહ્યું.

ઈ.સ. 2017ની વિધાનસભા અને ત્યાર બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીને ભાજપની બિન-યાદવ ઓબીસી મતદાતાઓને એકત્ર કરવાની રણનીતિથી માત મળી હતી.

તેથી, 2022ની વિધાનસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ પોતાના પર લગાડાતી રહેલી 'પરિવારવાદ' અને 'યાદવવાદ'ની છાપને ભૂંસવાના પ્રયાસો ગતિશીલ કરી દીધા છે.

અખિલેશે તાજેતરનાં પોતાનાં ચૂંટણીપ્રચાર અભિયાનોમાં પાર્ટીના યાદવ નેતાઓથી એક અંતર જાળવી રાખ્યું છે. પાર્ટીના ઉમેદવારોના પહેલા લિસ્ટમાં માત્ર એમના કાકા શિવપાલ યાદવનું નામ છે. શિવપાલની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, તેથી તેઓ ગઠબંધનના સત્તાવાર ઉમેદવાર છે, સમાજવાદી પાર્ટીના નહીં.

એમણે પરિવારના નેતાઓને પણ ચૂંટણી રેલીઓથી દૂર રાખવાના પ્રયાસ કર્યા છે. પહેલાં એમના કાકા રામગોપાલ યાદવ, શિવપાલ યાદવ અને ભાઈ ધર્મેન્દ્ર યાદવ લગભગ દરેક મંચ પર એમની સાથે જ જોવા મળતા હતા. એમનાં પત્ની ડિમ્પલ યાદવ પણ એમની સાથે રેલીઓમાં નથી જતાં.

અખિલેશે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ વખતે પરિવારના લોકોને ટિકિટ નહીં અપાય. એમના ભાઈ પ્રતીક યાદવનાં પત્ની અપર્ણા યાદવને લખનૌની બેઠક પર સમાજવાદી પાર્ટીની ટિકિટ મળવાની આશા હતી, પરંતુ અખિલેશે એમના પર કૃપાદૃષ્ટિ ન રાખી. તેઓ ભાજપમાં જોડાઈ ગયાં.

'ભાજપે 2017માં જે કર્યું એ જ હવે અખિલેશ કરી રહ્યા છે'

લખનૌ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા સુધીર પંવારનું માનવું છે કે પાર્ટીને પરિવારવાદ અને કથિત યાદવવાદથી દૂર રાખવાની અખિલેશની આ કોશિશ નવી નથી.

આવા પ્રયત્ન ઘણા સમય પહેલાંથી થઈ રહ્યા છે. પહેલાં પાર્ટીનું નેતૃત્વ પૂર્ણપણે એમના હાથમાં નહોતું, તેથી તેઓ એમાં પૂરેપૂરા સફળ નહોતા થઈ શક્યા. પરંતુ હવે પાર્ટી પર એમનું સંપૂર્ણ નિયંત્રણ છે, તેથી તેઓ ચુસ્ત રણનીતિ અનુસાર કામ કરી રહ્યા છે.

પંવારે જણાવ્યું કે, "અખિલેશે આ વખતે ત્રણ વસ્તુ પર ભાર મૂક્યો છે. પહેલી, બિન-યાદવ ઓબીસી આધારિત નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું. ઓમપ્રકાશ રાજભર, સ્વામીપ્રસાદ મૌર્ય, ધર્મસિંહ સૈની જેવા નેતાઓને પોતાની સાથે જોડીને એમણે એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો કે તેઓ બીજા પછાત સમાજોના લોકોને પણ સત્તામાં ભાગીદારી આપવા બાબતે બિલકુલ સ્પષ્ટ છે."

"બીજી, અખિલેશે જાતિઆધારિત વસતિ ગણતરીનું સમર્થન કરીને પણ બિન-યાદવ ઓબીસી જાતિઓને સાથે જોડવાની કોશિશ કરી. જાતીય સંતુલન જાળવવાનો પ્રયાસ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોના પહેલા લિસ્ટમાં પણ જોવા મળે છે. એમાં કુલ 159 ઉમેદવારોમાંથી માત્ર 10-15 ટકા જ યાદવ છે."

"ઈ.સ. 2017માં એસપીની લગભગ 40 ટકા સીટો યાદવ અને મુસ્લિમ ઉમેદવારોને મળી હતી. પરંતુ આ વખતે મુઝફ્ફરનગરની સીટને બાદ કરતાં આ વિધાનસભા ક્ષેત્રની બધી સીટો પર એસપી-આરએલડીએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી ફાળવી. તો, સિવાલખાસ સીટ પર જાટ સમુદાયના લોકોનો ગઢ હોવા છતાં જાટ ઉમેદવારને ઊભા નથી રખાયા."

"કહેવાનો મતલબ એ છે કે અખિલેશ મુસલમાનો અને યાદવોને વધારે પ્રોત્સાહન આપવામાંથી બચવાનો પ્રયત્ન કરે છે. એમના વિરોધીઓ આ બાબતે સમાજવાદી પાર્ટી પર પ્રહારો કરે છે."

પંવારનું કહેવું છે કે જે ભાજપે 2017માં બિન-યાદવ ઓબીસી અને બિન-જાટવ દલિતોનો માર્ચો બનાવવાની કોશિશ કરી હતી એવું જ હવે 2022માં અખિલેશ કરી રહ્યા છે.

શું કહે છે અખિલેશના વિરોધીઓ?

રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, "યુપીમાં હજુ પણ એક જાતિની રીતે યાદવ સૌથી વધુ છે અને સપા એ જ આધારે એમને ટિકિટ આપી રહી છે. તમે એમનું લિસ્ટ જોઈ લો. અત્યાર સુધીમાં 20થી વધારે યાદવ ઉમેદવારોને ટિકિટ મળી ચૂકી છે, આગળ જતાં બીજા યાદવ ઉમેદવારોને ટિકિટ વહેંચાશે."

"સાચી વાત તો એ છે કે સમાજવાદી પાર્ટી હજુ પણ અપરાધીઓ અને માફિયાઓની પાર્ટી છે. અખિલેશ ઘણા દિવસોથી એવું દેખાડવાનો પ્રયાસ કરે છે કે એમની પાર્ટી આવાં તત્ત્વોને ચાળી રહી છે. પરંતુ એ બધો ભ્રમ છે. એ પાર્ટી હજી પણ જાતિ તુષ્ટીકરણ પર જ ચાલી રહી છે. એક સમયે આ પાર્ટીએ ઠાકુર જાતિના ઘણા બાહુબલીને ટિકિટ આપી હતી."

"પરંતુ જનતાને ખબર છે કે સમાજવાદી પાર્ટી માફિયા નેતાઓ, ગુંડાઓ અને અપરાધીઓને આશ્રય આપતી રહી છે. યુપીની જનતા જાળમાં ફસાવાની નથી. એ સંપૂર્ણ રીતે યોગી આદિત્યનાથને સાથ આપશે."

મોડું થઈ ગયું છે શું?

યુપીના રાજકારણના જાણકાર વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ જણાવ્યું કે અખિલેશ યાદવ એ ધારણાને તોડવાની કોશિશ કરે છે કે સમાજવાદી પાર્ટી માત્ર મુસલમાનો અને યાદવોની પાર્ટી છે. તેઓ પાર્ટીની છાપની બાબતે હવે ખાસ્સા સજાગ દેખાય છે અને કુખ્યાત અપરાધીઓથી અંતર રાખીને વર્તે છે.

તેમણે જણાવ્યું કે, "આવો પ્રયત્ન એમણે ઘણા સમય પહેલાંથી શરૂ કર્યો છે. 2021માં ડી.પી. યાદવને એમણે સમાજવાદી પાર્ટીમાં જોડાવા નહોતા દીધા. બાહુબલી નેતા ડી.પી. યાદવનો રેકૉર્ડ ગુનાખોરીભર્યો છે. તાજેતરમાં જ અદાલતે અમને એમના રાજકીય ગુરુ મહેન્દ્રસિંહ ભાટી હત્યાકાંડમાં નિર્દોષ છોડ્યા છે."

"અખિલેશ બ્રાહ્મણ મતદાતાઓને પણ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, તાજેતરમાં જ તેઓ પૂર્વાંચલ ઍક્સપ્રેસમાં બનેલા એક મંદિરમાં ભગવાન પરશુરામની મૂર્તિનું અનાવરણ કરતા જોવા મળ્યા હતા."

"આ બધામાં અખિલેશ યાદવ એવા પ્રયાસો કરતા દેખાય છે જેનાથી એવું લાગે છે કે તેઓ બિન-ઓબીસી યાદવો ઉપરાંત બ્રાહ્મણ અને અન્ય જાતિઓને પણ પોતાની સાથે જોડવા માગે છે. પરિવારના યાદવ નેતાઓથી અંતર જાળવી રાખવું એ પણ એમની સમાવેશી રણનીતિનો એક ભાગ છે. એમને એનો લાભ મળી શકે છે. એવું લાગે છે."

બિન-યાદવ ઓબીસી મતદાતાઓને ખેંચવાની કોશિશ

ચૂંટણીની રણનીતિ ઘડનારી કંપની વૉર રૂમ સ્ટ્રૅટેજીસના સિનિયર ઍડ્વાઇઝર અને રાજકીય વિશ્લેષક અમિતાભ તિવારીએ જણાવ્યું કે, "વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપવા માટે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ પર પ્રહારો થતા રહ્યા છે. જો તમે 2014ની સામાન્ય ચૂંટણીનાં પરિણામો જોશો તો માત્ર અખિલેશના પરિવારના જ પાંચ સભ્યો હતા."

"એક રણનીતિની દૃષ્ટિએ બિન-યાદવ વોટરોનો સાથ મેળવવાની અખિલેશ યાદવની કોશિશ એક સાચી દિશાનું પગલું બની શકે છે."

"યુપીના રાજકારણમાં યાદવોનું વર્ચસ્વ તો છે, પરંતુ એમની વસતિ 10 ટકા છે. તેથી, બિન-યાદવ ઓબીસી વોટરોનો સાથ લીધા વગર પાર્ટી માટે જીતવું મુશ્કેલ છે. રાજ્યમાં બિન-યાદવ ઓબીસી મતદાતાઓની સંખ્યા 30 ટકા છે. મુસ્લિમ વોટરો પર મદાર ન બાંધી શકાય, કેમ કે એમાં ભાગલા પડી જાય છે."

"2017માં ભાજપને યુપીમાં લગભગ 40 ટકા વોટ મળ્યા હતા. એમાંથી 20 ટકા મત એકલા બિન-યાદવ ઓબીસી જાતિઓના હતા. એ જોતાં અખિલેશ યાદવને બિન-યાદવ ઓબીસી મતદાતાઓના મત મેળવવા માટેના પ્રયાસો તો કરવા જ પડશે, નહીંતર, જીત એમનાથી ઘણી દૂર રહેશે. પરંતુ અખિલેશે એમાં મોડું કરી દીધું છે."

"જો તમે 1993થી 2012 સુધી નજર કરશો તો જોશો કે કોઈ પણ પાર્ટીને ઓબીસી મતોના 50 ટકાથી વધારે મત નથી મળ્યા. આ વોટબૅન્ક વિખેરાયેલી હતી, કેમ કે તમામ ઓબીસી જાતિઓના વોટરોની આકાંક્ષાઓ, જરૂરિયાતો અને આશાઓ અલગ અલગ રહી છે."

"ભાજપે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વોટબૅન્કને સંગઠિત કરવાનું કામ કર્યું છે અને એનાથી એને લાભ પણ થયો છે. બિન-યાદવ ઓબીસી વોટરોનો એક મોટો ભાગ તમારી સાથે જોડાશે ત્યારે જ તમે જીતી શકશો."

જોકે, તેમણે જણાવ્યું કે અખિલેશ યાદવ આ વસ્તુ સમજ્યા છે જરૂર, પરંતુ આ રણનીતિને અજમાવવાની બાબતમાં તેમણે મોડું કરી દીધું છે, જે એમને અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરવામાં અડચણરૂપ બની શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો