You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન ઘર્ષણ : યુક્રેનને નાટોમાં ન સમાવવાની રશિયાની માગને અમેરિકાએ ફગાવી દીધી, યુદ્ધની આશંકા કેટલી?
યુક્રેન અને રશિયા વચ્ચેના વધી રહેલા તણાવ દરમિયાન અમેરિકાએ નાટો સૈન્યમાં યુક્રેનનો સમાવેશ ન કરવાની રશિયાની માગને ફગાવી દીધી છે. યુક્રેનનો નાટો સૈન્યમાં સમાવેશ કરાયો તો રશિયા હુમલો કરશે એવી આશંકા સેવાઈ રહી છે.
યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિંકને યુક્રેન સંકટને હળવું કરવા માટે રશિયાને પ્રતિક્રિયા આપતાં સંબંધિત વાત કરી છે.
આ મામલે રશિયાને કોઈ પણ રાહત ન આપતાં બ્લિંકને કહ્યું કે 'તેમણે રશિયાને એક કૂટનીતિવાળો રસ્તો રજૂ કર્યો, જે એણે પસંદ કરી લેવો જોઈએ.'
આ બાદ એક રશિયન મંત્રીએ જણાવ્યું કે તેઓ બ્લિંકનની પ્રતિક્રિયાનો અભ્યાસ કરશે.
નોંધનીય છે કે રશિયાએ નાટો સૈન્ય સંગઠનના વિસ્તાર અને સુરક્ષાસંબંધિત પોતાની ચિંતાને લેખિતમાં રજૂ કરી છે.
રશિયાની એ ચિંતાઓમાં નાટોમાં યુક્રેનનો ક્યારેય સમાવેશ ન કરવાની બાહેંધરીનો પણ સમાવેશ થાય છે.
નાટો શું છે?
યુક્રેનમાં રશિયાનું આક્રમણ થવાનું જોખમ વધી રહ્યું છે ત્યારે કઈ હદે આ બાબતમાં યુક્રેનની કેટલી મદદ કરવી તે વિશે હાલમાં નાટોના સભ્ય દેશોમાં ચર્ચા ચાલી રહી છે.
નાટોના સભ્ય દેશો - અમેરિકા, યુકે, ફ્રાન્સ અને જર્મની સહિતના દેશો યુક્રેનને લશ્કરી સહાય હાલમાં વધારી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રિટિ ઑર્ગેનાઇઝેશન એક લશ્કરી સંગઠન છે. 1949માં યુએસ, કૅનેડા, યુકે અને ફ્રાન્સ સહિતના 12 દેશોએ આ સંગઠન બનાવ્યું હતું.
આ સભ્ય દેશો વચ્ચે એવી સમજૂતિ થઈ હતી કે સભ્ય દેશોમાંથી કોઈના પર પણ હુમલો થાય ત્યારે અન્ય દેશોએ તેની વહારે આવવું.
વિશ્વયુદ્ધ પછી યુરોપમાં રશિયાનો પ્રસાર ના વધે તે માટે જ આ સંગઠન બન્યું હતું.
નાટોની સામે 1955માં રશિયાએ પણ પૂર્વ યુરોપના સામ્યવાદી દેશો સાથે મળીને પોતાનું લશ્કરી સંગઠન તૈયાર કર્યું, જેનું નામ હતું 'વૉર્સો પૅક્ટ' એટલે કે સંધિ
1991માં સોવિયેટ સંઘનું વિઘટન થઈ ગયું તે પછી વૉર્સો સંધિમાં જોડાયેલા ઘણા દેશો તેને છોડીને નાટોમાં જોડાઈ ગયા હતા. તે સાથે નાટોની સભ્યસંખ્યા વધી અને હાલમાં 30 દેશો તેમાં સભ્ય તરીકે જોડાયેલા છે.
નાટો અને યુક્રેન સાથે હાલમાં રશિયાને શું વાંધો પડ્યો છે?
યુક્રેન એક જમાનામાં સોવિયેટ સંઘમાં જ હતું અને તેની સરહદ એક તરફ યુરોપને અને બીજી તરફ રશિયાને અડતી હતી.
યુક્રેન નાટોનું સભ્ય નથી બન્યું, પરંતુ "સહયોગી દેશ" તરીકે તેની સાથે જોડાયું છે - એટલે કે ભવિષ્યમાં તેને નાટોમાં સામેલ થવાની તક મળી શકે છે.
તેની સામે રશિયા ઇચ્છે છે કે યુક્રેનને નાટોમાં જોડવામાં ના આવે. પશ્ચિમના સત્તાધીશો પાસેથી રશિયા આવી ખાતરી માગે છે, પણ એવી ખાતરી પશ્ચિમ તરફથી મળી રહી નથી.
યુક્રેનમાં રશિયન મૂળના લોકોની મોટી સંખ્યા છે અને રશિયા સાથે તેના વધારે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો છે. વ્યૂહાત્મક રીતે રશિયા માટે યુક્રેન બહુ મોકાના સ્થળે આવેલું છે.
રશિયાની બીજી કઈ બાબતોની ચિંતા છે?
રશિયાના પ્રમુખ પુતિનનો દાવો છે કે હાલની પશ્ચિમી સત્તાઓ પોતાનું સંગઠન બનાવીને રશિયાને ઘેરવાની કોશિશ કરી રહી છે. રશિયાની માગણી છે કે પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી પ્રવૃતિઓ બંધ થવી જોઈએ.
1990માં અમેરિકાએ મધ્યસ્થી કરીને એવી ખાતરી આપી હતી કે નાટો પૂર્વમાં આગળ નહીં વધે, પરંતુ તે વચન તોડી નાખવામાં આવ્યું હોવાનું રશિયા કહે છે.
નાટો રશિયાનો આ દાવો સ્વીકારતું નથી અને જણાવે છે કે પોતાના સભ્યોમાંથી થોડા દેશોની સરહદ જ રશિયા સાથે જોડાયેલી છે અને આ સંગઠન રક્ષણાત્મક છે.
ઘણા માને છે કે હાલના સમયમાં યુક્રેનની સરહદ આસપાસ રશિયાનાં લશ્કરી દળોની જમાવટ થઈ રહી છે. પોતાની વાતને પશ્ચિમ ગંભીરતાથી લે તેવું દબાણ લાવવાની આ તરકીબ હોવાનું માનવામાં આવે છે.
ભૂતકાળમાં યુક્રેન અને રશિયાના સંબંધમાં નાટોએ શું પગલાં લીધેલાં છે?
2014ની શરૂઆતમાં રશિયાતરફી પ્રમુખને યુક્રેનમાં સત્તા પરથી હઠાવી દેવાયા હતા. એ વખતે રશિયાએ યુક્રેનના દક્ષિણમાં આવેલા ક્રિમિયા પ્રાંતને કબજે કરીને પોતાનામાં ભેળવી દીધો હતો.
આ ઉપરાંત રશિયાતરફી બળવાખોરોએ વિરોધ જગાવ્યો અને રશિયાએ તેને સમર્થન પણ આપ્યું. આ બળવાખોરોએ પૂર્વ યુક્રેનના મોટા વિસ્તારને પોતાના કબજા હેઠળ લઈ લીધો છે.
નાટોએ આ ઘટનાઓ વખતે દખલ કરી નહોતી, પણ હાલના સમયમાં નાટોએ પૂર્વ યુરોપના ઘણા દેશોમાં પોતાનાં દળો તહેનાત કર્યાં છે.
નાટોનાં એકથી વધુ રાષ્ટ્રોના સૈનિકોથી બનેલાં બટાલિયન કક્ષાનાં ચાર દળો ઇસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને પોલૅન્ડમાં તહેનાત કરાયાં છે. રોમાનિયમાં પણ બહુ રાષ્ટ્રીય બ્રિગેડ ગોઠવાયેલી છે.
બાલ્ટિક રાષ્ટ્રોમાં તથા પૂર્વ યુરોપમાં નાટોએ પોતાના હવાઈ દળની હાજરી પણ વધારી છે, જેથી પોતાના સભ્ય દેશોમાંથી કોઈની પણ હવાઈ સીમાનો ભંગ રશિયાનાં વિમાનો કરે તો તેનો સામનો કરી શકાય.
રશિયાની માગણી છે કે દળોને પરત બોલાવી લેવાય.
નાટોએ યુક્રેનનું શું ખાતરી આપેલી છે?
અમેરિકાના પ્રમુખ જો બાઇડને જણાવ્યું છે કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો તેણે "ગંભીર અને આકરી કિંમત" ચૂકવવી પડશે.
અમેરિકાએ લડાઈ માટે તૈયાર 8,500 સૈનિકોની ટુકડીઓ તૈયાર કરી છે. જોકે પૅન્ટાગોન જણાવે છે કે રૅપિડ રિઍક્શન દળોને કામે લગાવવાનો નિર્ણય નાટો લેશે તો જ આ દળોને ગોઠવવામાં આવશે.
પૅન્ટાગોને એમ પણ જણાવ્યું છે કે યુક્રેનમાં પોતાનાં દળો તહેનાત કરવાની કોઈ યોજના નથી.
જર્મનીના વિદેશમંત્રી ઍન્નાલેના બેઅરબૉકે ચેતવણી આપી છે કે લશ્કરી તંગદિલી વધશે તે સંજોગોમાં "રશિયાના શાસકોએ આર્થિક, રાજકીય અને વ્યૂહાત્મક રીતે મોંઘી કિંમત ચૂકવવી પડશે".
યુકે સરકારનું એવું કહેવું છે કે "અદ્વિતીય એવા આર્થિક પ્રતિબંધો સહિતનાં પગલાં સભ્ય દેશોએ લઈને તાકિદે પ્રતિસાદ આપવો જોઈએ".
શું યુક્રેનના મુદ્દે નાટોમાં એકમતી છે?
પ્રમુખ બાઇડને એવું કહ્યું કે યુક્રેનના મામલે યુરોપના નેતાઓ સાથે "સંપૂર્ણ સહમતિ" છે, પરંતુ જુદા-જુદા દેશો તરફથી સમર્થન મળ્યું છે તેમાં વિરોધાભાસ દેખાઈ આવ્યો છે.
અમેરિકાએ કહ્યું કે 90 ટન જેટલી "ઘાતક સહાય" યુક્રેનને મોકલવામાં આવી છે, જેમાં યુક્રેનની સુરક્ષા કરનારાં અગ્રહરોળનાં દળો માટે દારૂગોળાનો પણ સમાવેશ થાય છે. યુકે તરફથી યુક્રેનમાં ટૂંકા અંતરની તોપવિરોધી મિસાઇલો મોકલવામાં આવી રહી છે.
ડેન્માર્ક, સ્પેન, ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ સહિતના કેટલાંક નાટો રાષ્ટ્રો પણ લડાયક વિમાનો યુક્રેન મોકલી રહ્યાં છે. પૂર્વ યુરોપનાં દેશોમાં લડાયક જહાજો પણ મોકલવામાં આવી રહ્યાં છે.
જોકે યુક્રેન તરફથી સુરક્ષા માટે શસ્ત્રો માગવામાં આવ્યા ત્યારે જર્મનીએ તે આપવા માટે ઇનકાર કર્યો હતો. તંગદિલીગ્રસ્ત વિસ્તારોમાં ઘાતક શસ્ત્રો ન મોકલવા તેવી પોતાની નીતિ છે તેને ધ્યાનમાં રાખીને જર્મનીએ ઇનકાર કર્યો હતો. તેના બદલે જર્મની તબીબી સહાય મોકલશે.
આ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ મેક્રોને જણાવ્યું છે કે તંગદિલી ઘટાડવા માટે રશિયા સાથે વાટાઘાટ કરવી જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો