રશિયા-યુક્રેન સંકટ: રશિયાનો ગૅસ નહીં મળે યુરોપ શિયાળો કેવી રીતે વેઠશે?

    • લેેખક, અલેક્સી કાલિમકોવ
    • પદ, બીબીસી રશિયા સેવા

યુરોપનું ગૅસસંકટ હવે આર્થિક સમસ્યાને બદલે રાજકીય મુદ્દો બની ગયું છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા ઉપર 'ગૅસ વૉર' શરૂ કરવાનો આરોપ મૂક્યો છે, જોકે, રશિયાએ આ આરોપોને નકાર્યા છે.

રશિયા દ્વારા પશ્ચિમી દેશો સામે એવી શરત મૂકવામાં આવી છે કે યુરોપને અલગ-અલગ પ્રભાવવિસ્તારમાં વહેંચવામાં આવે તથા ગૅસના બજારના નિયમ બદલવામાં આવે.

યુરોપિયન દેશો પોતાના નાગરિકો તથા ઉદ્યોગોને બચાવવા માટે યુદ્ધસ્તરે કવાયત હાથ ધરી છે અને અમેરિકા પણ પ્રવર્તમાન સંજોગોમાં સંતુષ્ટ જણાય છે, કારણ કે રશિયાના ગૅસની બદલે તે યુરોપને ઊંચી કિંમતે પુરવઠો પૂરો પાડી શકે તેમ છે.

આ વૈશ્વિક ઊર્જાસંકટની શરૂઆત ગત વર્ષની પાનખર સમયથી જ શરૂ થઈ ગઈ હતી અને શિયાળો આવતા જ સ્થિતિ વકરી ગઈ. આ પહેલા ગૅસ તથા ક્રૂડઑઇલની કિંમતમાં પણ ઉછાળો આવ્યો હતો.

યુરોપમાં ઊર્જાસંસાધનની એટલી અછત છે કે સામાન્ય લોકો ઉપરાંત ઉદ્યોગગૃહોના વીજ તથા ગૅસના બિલ મોટાપાયે વધી ગયા છે.

ત્યારે એક સવાલ સ્વાભાવિક છે કે યુરોપમાં અચાનક જ ગૅસસંકટ કેમ વધી ગયું અને ઠંડીમાં ઠીંગરાઈ જવાની હદે પહોંચી ગયું, તેની પાછળ અનેક કારણ જવાબદાર છે.

યુરોપમાં ઊર્જાસંકટ

યુરોપમાં ઊર્જાસંકટ પાછળ મુખ્યત્વે પાંચ કારણો જવાબદાર છે, જેમાંથી બે હંગામી છે અને ત્રણ કાયમી છે.

હંગામી કારણોમાં કોરોનાની મહામારી તથા હવામાન જવાબદાર માનવામાં આવે છે. અન્ય ત્રણ કારણોમાં એવી છે કે જે લાંબા સમયથી વણઉકેલાયેલી છે.

એક છે ઊર્જાબજારમાં સ્પર્ધા, યુક્રેનના લોકોનો આત્મનિર્ણયનો અધિકાર તથા ભવિષ્યની અર્થવ્યવસ્થાઓમાં હાઇડ્રોકાર્બનની ભૂમિકા અંગે રશિયા તથા યુરોપની વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ છે તેમાં રહેલો છે.

યુરોપનું ઊર્જાસંકટ ક્યાર સુધી ચાલશે?

યુરોપનું ઊર્જાસંકટ ક્યાર સુધી ચાલશે? શું યુરોપે તેનું નુકસાન વેઠવું પડશે?

ગૅસ માર્કેટના નિયમોમાં શું ફેરફાર થશે? અને રશિયાની આવકનો મુખ્યસ્રોત મનાતા હાઇડ્રોકાર્બનના વપરાશને ઘટાડવા તથા ગ્રીન ઍનરજીને પ્રોત્સાહન આપવાની સાથે જોડીને જોવામાં આવે છે, તો તેનું ભવિષ્ય કેવું હશે?

આ તમામ સવાલોનો જવાબ એ વાત ઉપર આધાર રાખે છે કે યુરોપ અને રશિયાની વચ્ચે જે મૂળભૂત બાબતો અંગે મતભેદ છે, તે ક્યાર સુધીમાં ઉકેલાઈ જાય છે?

યુરોપની કુલ ગૅસ જરૂરિયાના લગભગ ત્રીજા ભાગનો પુરવઠો રશિયા દ્વારા પૂરો પાડવામાં આવે છે. ગત વર્ષથી જ રશિયાએ તેમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધું હતું.

તા. 15મી જાન્યુઆરી સુધી યુરોપિયન દેશો રશિયાની ઉપર 'ગૅસ વૉર' શરૂ કરવાના આરોપ મૂકવાનું ટાળતા હતા. જ્યારે યુક્રેન અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મહત્ત્વકાંક્ષાઓ છતી થઈ એટલે પશ્ચિમી દેશોએ પ્રવર્તમાન સંકટ માટે સ્પષ્ટપણે રશિયાને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું.

1973- '74નું ઐતિહાસિક સંકટ

થોડા સમય પહેલાં આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના વડા ફાતિહ બિરોલે સ્પષ્ટપણે રશિયાને 'ચાલબાજ' ઠેરવ્યું હતું.

તેમનું કહેવું હતું કે યુરોપને રશિયા દ્વારા જે ગૅસ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે અને યુક્રેનને રશિયા દ્વારા આપવામાં આવતી ધમકીઓની વચ્ચે સ્પષ્ટ સંબંધ દેખાઈ આવે છે.

ગત ત્રણ મહિનાથી ગૅઝપ્રોમ (Gazprom) દ્વારા યુરોપમાં સપ્લાય કરવામાં આવતા ગૅસના ભાવ આકાશ આંબી રહ્યા હોવા છતાં પુરવઠામાં 25 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, યુરોપમાં જે-જે જગ્યાએ ગૅસનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યાં-ત્યાં આપૂર્તિ અટકાવવામાં આવી છે, જેથી કરીને ગૅસના ભાવોમાં ઉછાળો આવે.

આઈઈએના વડાનું કહેવું છે કે વર્ષ 1973- '74 બાદ પ્રથમ વખત યુરોપમાં આટલું મોટું ઊર્જાસંકટ ઊભું થયું છે. એ સમયે યૉમ કિપ્પુરની લડાઈ દરમિયાન પશ્ચિમી દેશોએ ઇઝરાયલને સમર્થન આપ્યું હતું, જે પછી આરબ દેશોએ પશ્ચિમી દેશોને તેલ વેંચવાનો ઇન્કાર કરી દીધો હતો.

આઈઈએની ભૂમિકા

ફાતિહ બિરોલની વાતને ગંભીરતાથી લેવી ઘટે, કારણ કે તેઓ પશ્ચિમી દેશોની ઊર્જા આપૂર્તિ માટે કામ કરતા સંગઠનના વડા છે.

આવનારા ઊર્જાસંકટને અગાઉથી જ આંકી શકે અને તેના અનુસંધાને વિકસિત દેશોને ચેતવીને સંયુક્ત પ્રયાસો હાથ ધરી શકાય તે માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનું કામ ઊર્જાસંકટ ઊભું થાય તો તેને દૂર કરવાનું પણ છે.

ગત અડધી સદી દરમિયાન ત્રણ વખત યુરોપે ભયાનક ઊર્જાસંકટનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ખાડીયુદ્ધ (1991), લિબિયા સંકટ (2011) તથા વાવાઝોડા કેટરિનાને (2005) કારણે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હતી.

રશિયાનો આરોપ છે કે પ્રવર્તમાન સંકટ માટે યુરોપ જ જવાબદાર છે તથા આના વિશે તેને કોઈ લેવા-દેવા નથી.

રશિયાની દલીલ છે કે ગૅસ સપ્લાય કરતી કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધારવાના પ્રયાસ તથા જળવાયુ પરિવર્તન સામેની લડાઈ પણ તેના માટે જવાબદાર છે.

રશિયાના નાયબવડા પ્રધાન એલેક્ઝાન નોવાકના કહેવા પ્રમાણે, "આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વડાના મોઢે આવી વાતો આશ્ચર્યજનક છે. યુરોપના વપરાશકર્તાઓની સમસ્યા માટે અમારી ઉપર આરોપ મૂકવામાં આવી રહ્યા છે, વાસ્તવમાં તેના માટે રશિયા કે ગૅઝપ્રોમ જવાબદાર નથી."

ઉલ્લેખનીય છે કે ગૅઝપ્રોમ એ રશિયાની આંતરરાષ્ટ્રીય ઊર્જા કંપની છે અને તે એક સરકારી કંપની છે.

મુક્તબજાર વ્યવસ્થા

યુરોપમાં ગૅસના ભાવ આકાશ આંબી રહ્યા હોવા છતાં વધારાનો ગૅસનો પુરવઠો પૂરો પાડવા માટે ગૅઝપ્રોમ જરા પણ ત્વરા નથી દાખવી રહ્યું. આથી, પશ્ચિમી દેશો માનવા લાગ્યા છે કે તેમની વાત રશિયાના બહેરા કાને અથડાય રહી છે.

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ નામન ન છાપવાની શરતે જણાવ્યું, "આને બજાર સાથે કોઈ લેવા-દેવા નથી. તેમાં બજારના પરિબળોની કોઈ ભૂમિકા નથી. આ પૂર્ણપણે ચાલબાજી જ છે."

યુરોપિયન સંઘની ઍન્ટી-ટ્રસ્ટ નીતિઓ માટે જવાબદાર માર્ગટ વેસ્ટાગેર પણ આવી જ આશંકા વ્યક્ત કરે છે.

તેમના કહેવા પ્રમાણે, "માગ વધી રહી હોય, એમ છતાં જો કોઈ કંપની દ્વારા પુરવઠો ઘટાડી દેવામાં આવે તો સમજવું જોઈએ કે પ્રતિસ્પર્ધાત્મક બજારમાં કદાચ જ કોઈ આમ કરે."

ગૅઝપ્રોમ દ્વારા લાંબાગાળાના કરારના આધારે ગૅસસપ્લાય ચાલે છે, આ પ્રકારના કરારમાં ભાવ તથા પુરવઠો દર વર્ષે નક્કી કરવામાં આવે છે.

તેમાં નવી ગૅસફિલ્ડ વિકસાવવી તથા નવી ગૅસ પાઇપલાઇન નાખવા માટે આપવામાં આવતી લૉન વગેરે પણ સમાવિષ્ટ હોય છે.

યુરોપ ઇચ્છે છે કે ગૅસના ભાવ બજારના પરિબળોના આધારે નક્કી થવા જોઈએ તથા તે ઇચ્છે છે કે રશિયા મુક્ત બજારવ્યવસ્થામાં ગૅસના ખરીદ-વેચાણનું મોડલ અપનાવે, જેમાં ભાવ તથા તેના પુરવઠા અંગે કોઈ ખાતરી નથી હોતી.

યુરોપની ઇચ્છા

મુક્ત બજારવ્યવસ્થામાં માગ અને પુરવઠાના આધારે ભાવો નક્કી થાય છે.

ક્રૂડઑઈલનું બજાર એવી રીતે જ કામ કરે છે. તેના બજારમાં પણ લાંબાગાળાના કૉન્ટ્રાક્ટ થાય છે. યુરોપ ઇચ્છે છે કે તેનું ગૅસબજાર પણ એવી જ રીતે કામ કરે છે.

વર્ષ 2050 સુધીમાં યુરોપિયન સંઘે બધું સ્ટૉક એક્સચેન્જને હવાલે કરી દેવાનું લક્ષ્યાંક મૂક્યું છે, પરંતુ રશિયા દ્વારા આ મોડલનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેક વખત તેનો વિરોધ કરી ચૂક્યા છે અને રશિયા તેના વલણ ઉપર અડગ છે. તાજેતરમાં રશિયાના નાયબવડા પ્રધાન ઍલેક્ઝાંડર નોવાકે પણ આ વાતનો પુનર્રોચ્ચાર કર્યો હતો.

તેમણે કહ્યું, "યુરોપિયન સંઘ ખૂબ જ સંકીર્ણ માનસિકતા ધરાવે છે અને લાંબાગાળાની કરારવ્યવસ્થાના બદલે ટૂંકાગાળાના સ્પૉટ કૉન્ટ્રાક્ટનું મોડલ અપનાવવા માગે છે."

"અમારી પાસે બહુ મોટા સંસાધન છે તથા અમે પુરવઠો પૂરો પાડી શકીએ છીએ, પરંતુ ઉત્પાદન માટે ખૂબ જ રોકાણ કરવાની જરૂર હોય છે. કોઈપણ પ્રોજેક્ટ નફો કરતો થાય, તેમાં સમય લાગે. અને અમારી વ્યૂહરચના સ્પષ્ટ છે."

રશિયાએ વાતથી પણ નારાજ છે કે યુક્રેનને અવગણીને બાલ્ટિક સાગરમાંથી પસાર થનારી નૉર્ડ સ્ટ્રીમ ગૅસપાઇપલાઇનની બીજી યોજનાને જર્મની અટકાવી રહ્યું છે.

ઑક્ટોબર મહિનામાં રશિયાએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને લીલીઝંડી મળતા બીજા જ દિવસથી યુરોપમાં ગૅસનો પુરવઠો વધારી દેવામાં આવશે.

શિયાળામાં શું થશે?

યુરોપની પ્રવર્તમાન સમસ્યા આર્થિક ઉપરાંત રાજકીય હોવાથી તેને ઉકેલવા માટે આપાતકાલીન પગલાં લેવામાં આવી રહ્યાં છે.

યુરોપિયન સંઘ દ્વારા મોંઘવારી, અર્થવ્યવસ્થામાં મંદી તથા અસંતોષને અટકાવવા માટે જનતા તથા ઉદ્યોગોને સબસીડી આપવાનું આશ્વાસન આપ્યું છે.

ઇટાલીએ ચાર અબજ ડૉલરની જ્યારે સ્વીડને 20 લાખ પરિવારો માટે 50 કરોડ ડૉલરની જોગવાઈ કરી છે.

જર્મનીએ પણ ઉદ્યોગોને રાહત આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ રશિયા-યુક્રેનના સંકટમાં યુરોપિયન મૂલ્યોના સંરક્ષણ માટે નૉર્ડ સ્ટ્રીમ ગૅસ પાઇપલાઇન છોડવાની શક્યતાને પણ નકારી નથી.

હાલ યુરોપ એ વાતે આશ્વસ્ત જણાય છે કે રશિયા દ્વારા ગૅસનો પુરવઠો વધારવામાં નહીં આવે તો પણ આગામી વસંતઋતુ સુધી તે ઠંડીમાં ઠીંગરાઈ નહીં જાય, પરંતુ સવાલ કિંમતનો છે.

યુરોપમાં પ્રવર્તમાન જંગી ભાવોમાં રશિયાને બજાર દેખાઈ રહ્યું છે.

અત્યારસુધી મધ્યપૂર્વ તથા અમેરિકા માટે એલએનજી (લિક્વિફાઇડ નૅચર ગૅસ) માટે એશિયા જ મુખ્ય બજાર હતું, પરંતુ હવે યુરોપ આકર્ષક બજાર જણાય છે.

એટલે સુધી કે મૅક્સિકોની ખાડીમાંથી એશિયા માટે રવાના થયેલા એલએનજી કૅરિયર્સ પ્રશાંત મહાસાગરમાં અધવચ્ચેથી રસ્તો બદલીને પનામા નહેરને રસ્તે ઍટલાન્ટિક મહાસાગર તરફ આગળ વધી રહ્યાં છે. ચીન તથા બ્રાઝિલને પણ આ ગૅસબજારમાં પોતાનો હિસ્સો દેખાઈ રહ્યો છે.

રશિયાએ યુરોપને માટે સ્થિતિને મુશ્કેલ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે, એ વાતની આશંકા પણ છે કે આ સંકટ એક વર્ષ કરતાં વધુ સમય માટે લંબાઈ ન જાય. જો એવું થશે તો યુરોપે તેના માટે ભારે કિંમત ચૂકવવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો