You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડામાં થીજી જવાથી મોત : ગુજરાતનો પટેલ પરિવાર 'કબૂતરબાજી'થી ત્યાં સુધી પહોંચ્યો હતો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી
કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા. મૃતકો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતી વખતે કાતિલ ઠંડીનો ભોગ બનીને મૃત્યુને ભેટ્યા હતા.
આ ઘટનાની સમાંતર ઉત્તર ગુજરાતના કલોલના ડીંગુચાનો એક પરિવાર પરદેશ ગયો ગુમ થઈ ગયો હોવાની વાત સામે આવી છે. દાવો કરાઈ રહ્યો છે કે કૅનેડાની આકરી ઠંડીમાં એ થીજીને મૃત્યુ પામ્યો છે. જોકે, આ મામલે સરકારે કોઈ ચોખવટ હજી કરી નથી.
અલબત્ત, ભારતના વિદેશમંત્રીએ ટ્વીટ કરીને કૅનેડાની સરહદ પર ઘટેલી ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું, "કૅનેડા-અમેરિકાની સરહદ પર એક નવજાત સહિત ચાર ભારતીયોનાં મૃત્યુનાં અહેવાલથી આઘાત લાગ્યો. અમેરિકા અને કૅનેડાના આપણા રાજદૂતોને આ ઘટના અંગે તત્કાલ પ્રતિભાવ આપવા કહ્યું છે."
જોકે, મીડિયા અહેવાલોમાં ડીંગુચાના ગુમ થયેલા પરિવારનો સંબંધ કૅનેડા-અમેરિકાની સરહદે ઘટેલી ઘટના સાથે હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
ત્યારે આ પરિવારના મોભી અને ગુમ થયેલા જગદીશ પટેલના પિતા બળદેવભાઈ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.
બળદેવભાઈ પટેલ જણાવે છે, "દસ દિવસ પહેલાં મારો દીકરો જગદીશ કૅનેડા જવા માટે નીકળ્યો હતો. મને ફોન કરીને જણાવ્યું હતું કે એને કૅનેડાના વિઝા મળી ગયા છે. એ, એની પત્ની વૈશાલી, દીકરી વિહંગા અને દીકરો ધાર્મિક એમ ચારેય જણ કૅનેડા ગયાં."
"એમણે મને કૅનેડા જઈને સંપર્ક કરશે એવું કહ્યું હતું. એમની સાથે વાત થતી રહેતી હતી પણ છેલ્લા ચાર દિવસથી કોઈ વાત નથી થઈ રહી. અમે અમારા સંબંધીઓની મદદથી તપાસ કરી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બળદેવભાઈ ખેડૂત છે અને તેમની પાસે 20 વીઘા જમીન છે. બળદેવભાઈને ખેતીમાં મદદ કરનારા જગદીશ સંતાનોના સારા ભણતર માટે કલોલમાં સ્થાયી થયા હતા અને ત્યાં ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાન ચલાવતા હતા.
જગદીશ અને એના પરિવારે કૅનેડાના વિઝા માટે ક્યારે અરજી કરી એ અંગે પોતે અજાણ હોવાનું બળદેવભાઈ જણાવે છે.
ગુજરાતના પટેલોમાં વિદેશ જવાની ધૂન કેમ?
ગુજરાતમાંથી પરદેશ જનારા અને ત્યાં નામ કમાનારા લોકોમાં પાટીદાર સમુદાય મોખરે ગણાય છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટીદાર સમુદાયમાં વિદેશ જવાની ભારે ધૂન છે એમ માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતના પટેલ સમાજના આગેવાન અને નિવૃત્ત શિક્ષક આર.એસ. પટેલ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.
આર. એસ. પટેલે જણાવ્યું, "ઉત્તર ગુજરાતના યુવાનો અમેરિકા અને કૅનેડા જવા માટે ગમે તે રસ્તો અપનાવે છે. ઉત્તર ગુજરાતનાં 42 ગામના ગોળના મોટા ભાગના યુવાનો પરદેશમાં સ્થાયી થયા છે એટલે એ લોકોને 'ડૉલરિયા ગોળ' પણ કહેવામાં આવે છે. આવા યુવાનોનાં લગ્ન ઝડપથી થઈ જાય છે."
નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં પટેલોનાં ગામ પ્રમાણે ગોળ બન્યા છે. ગોળ એ પરસ્પર કન્યાની લેવડદેવડ માટે નક્કી કરેલું નાતીલાઓનું જૂથ છે.
આર.એસ. પટેલ ઉમેરે છે, "પૈસા કમાવા માટે જે છોકરાઓ પરદેશ જાય એને ત્યાં પહેલાંથી જ સ્થાયી થયેલા 42 ગોળના પટેલો તરત જ નોકરીએ રાખી લે છે. એ રીતે બે પાંદડે થવાની લાયમાં અહીંના યુવાનો પરદેશ જતા રહે છે. ઓછું ભણેલા લોકો પણ જીવના જોખમે પરદેશ જાય છે."
ગેરકાયદે અમેરિકામાં પ્રવેશતી વખતે ચાર લોકોનાં મૃત્યુ થવાના અહેવાલો સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં છપાયા છે. જોકે, તંત્ર આ મામલે શું કરી રહ્યું છે?
ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમારી પાસે કૅનેડામાં ગુજરાતી પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુની વાત આવી છે. જોકે, એમના પરિવારમાંથી કોઈએ ફરિયાદ નોધાવી નથી અને પરદેશના દૂતાવાસમાંથી પણ કોઈ જાણકારી આવી નથી."
તેઓ આગળ ઉમેરે છે, "પરિવાર પોતાના સભ્યોના ગુમ થવાની ફરિયાદ કરે કે વિદેશની એજન્સી કે ભારતના વિદેશમંત્રાલયમાંથી કોઈ જાણકારી મળે તો અમે કાર્યવાહી કરી શકીએ."
આમ, ફરિયાદ ન નોંધાઈ હોવાની કાર્યવાહી નથી કરાઈ, એવું આર્યે જણાવ્યું છે તો ગાંધીનગરના એસ.પી. મયૂર ચાવડાએ પણ આ જ વાત કરી.
તેમણે જણાવ્યું, "પરિવાર તરફથી ગુમ થવાની ફરિયાદ નથી કરાઈ. વિદેશમંત્રાલય તરફથી પણ કોઈ જાણકારી કે સૂચના નથી એટલે પોલીસે કાર્યવાહી નથી કરી." જોકે, સ્થાનિક મીડિયામાં પોલીસ કાર્યવાહી કરી રહી હોવાની વાત સામે આવી રહી છે.
'કબૂતરબાજી'નો કિસ્સો?
અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ અને ડી.જી. વિજિલેન્સ સૅલમાં વર્ષો સુધી કામ કરનારા રિટાયર્ડ એ.સી.પી દીપક વ્યાસ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વ્યાસે જણાવ્યું, "જો કૅનેડાની ઍમ્બેસીમાંથી આટલા દિવસ સુધી મૃતકોની કોઈ ભાળ ના આવી હોય તો એક વાત બહુ જ સ્પષ્ટ છે કે આ લોકો કોઈની મદદથી વિઝિટર વિઝા પર કૅનેડા ગયા હોવા જોઈએ અને ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ઠંડીથી મૃત્યુ પામ્યાં હોવા જોઈએ. બાકી વિદેશની સરકાર એમની ઓળખ કરીને ભારતને જવાબ આપી દે."
તેમણે ઉમેર્યું, "કમ્પ્યુટર પહેલાંના યુગમાં કબૂતબાજી (ગેરકાયદે વિદેશ મોકલવાનું ષડ્યંત્ર) કરનારા બીજાના પાસપૉર્ટ પર અલગ ફોટો લગાવીને અમદાવાદ, મદ્રાસથી લોકોને વિદેશ મોકલતા હતા."
"90ના દાયકમાં નાટક કે સાંસ્કૃતિક કાર્યક્રમના નામે ઉત્તર ગુજરાતના કેટલાય લોકો ગેરકાયદે પરદેશ જતા હતા. જોકે, હવે કમ્પ્યુટર પર તમામ ડેટા ઉપલબ્ધ હોવાથી કબૂતરબાજી કરનારા એજન્ટો હવે વિઝિટર વિઝા થકી લોકોને પરદેશ લઈ જાય છે. આ માટે અડધા રૂપિયા પહેલાં અહીં ચૂકવવામાં આવે છે કે બાકીના બીજા દેશમાં પ્રવેશીને ચૂકવાય છે. ત્યાં પહોંચ્યા બાદ એમના સંબંધીઓનાં સ્ટોર કે મોટલમાં તેમને કામ મળી જાય છે."
વ્યાસ ઉમેરે છે, "આવા કિસ્સામાં કોઈ છેતરપિંડી થાય તો ભાગ્યે જ પોલીસ ફરિયાદ થાય છે. આ રીતે આ રૅકેટ ચાલે છે."
ડીંગુચાસ્થિત ગુમ થયેલા પટેલ પરિવારના કુટુંબે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી કરી.
ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ 'કબૂતરબાજીની ઘટના' હોઈ શકે છે.
આ અધિકારીએ જણાવ્યું, "અમને શંકા છે કે આ કબૂતરબાજીનો બનાવ હોઈ શકે છે. એટલે અમે પૈસા લઈને ગેરકાયદે પરદેશ મોકલનારા શંકાસ્પદ એજન્ટ અને એના કૉન્ટેક્ટ પર નજર રાખીને બેઠા છીએ."
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ મામલે નિવેદન આપી ચૂક્યા છે કે 'દેશમાં મહેનત કરવા છતાં તક નથી મળતી એટલે લોકો જોખમ લઈને મોટી રકમ ખર્ચીને વિદેશ જાય છે.'
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં નીતિન પટેલ જણાવે છે, "કલોલના ગુમ થનારા પરિવારે વિદેશમંત્રાલય અને ગૃહમંત્રાલયમાં જાણ કરી છે અને એ લોકો કૅનેડાની સરકારના સંપર્કમાં છે. ત્યાં ઘટનાની પુષ્ટિ થતાં જ અહીં કાર્યવાહી કરીશું અને ગુનેગાર છોડવામાં નહીં આવે."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા આ મામલે અફસોસ વ્યક્ત કરે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું "ખુદ ભાજપના પટેલ નેતા કહે છે કે પૈસા માટે લોકો જીવના જોખમે વિદેશ જાય છે. આ વાત એમણે એમની પાર્ટી ફોરમમાં કરવી જોઈએ. કેમ કે ગુજરાતમાં બેરોજગારી વધી છે. સરકારે લૅબર લૉમાં ફેરફાર કરીને લોકોનું શોષણ કર્યું છે. ત્યારે આવી ઘટના તો બનવાની જ છે. "
તેઓ ઉમેરે છે, "ભાજપની સરકાર સરકારી નોકરીમાં સલામતી નથી આપતી. ફિક્સ પગારના નામે શોષણ કરે છે. નાના અને મોટા ઉદ્યોગોને લૅબર લૉના નામે શોષણ કરવાની છૂટ આપી છે અને પરિણામે આવી સ્થિતિનું નિર્માણ થયું છે."
તેમણે આશંકા વ્યક્ત કરી, "આ માત્ર પરદેશમાં નોકરી માટે ગેરકાયદે ઘૂસણખોરીનો મામલો નથી જણાતો. એના તાર બીજે જોડાયેલા છે એટલે જ પૈસાદાર પટેલોને ખભે બેસાડનાર ભાજપ આ ગરીબ પરિવારને ન્યાય અપાવવામાં વિલંબ કરી રહ્યો છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો