રશિયા-યુક્રેન ઘર્ષણ : લશ્કરી સરંજામ મોકલ્યા બાદ અમેરિકાએ કર્મચારીઓના પરિવારને દેશ છોડવા કહ્યું, રશિયા વિરુદ્ધ યુદ્ધની આશંકા?

અમેરિકાએ યુક્રેનમાં વધી રહેલા તણાવ વચ્ચે પોતાના દૂતાવાસના કર્મચારીઓના પરિવારજનોને પરત ફરવાનો આદેશ કર્યો છે.

અમેરિકન વિદેશ મંત્રાલયે આ સાથે જ દૂતાવાસના એવા કર્મચારીઓને યુક્રેન છોડવાની અનુમતિ આપી છે, જેમની ત્યાં વધારે જરૂર નથી.

આ ઉપરાંત યુક્રેનમાં રહેતા અમેરિકન નાગરિકોને ત્યાંથી પરત ફરવા પર વિચારણા કરવાનું કહેવામાં આવ્યું છે.

અમુક અહેવાલોને ટાંકીને રશિયા યુક્રેન વિરુદ્ધ સૈન્યકાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું હોવાનો દાવો કરાયો છે. જે અંતર્ગત સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

જોકે, રશિયાએ આ આક્ષેપો પાયાવિહોણા ગણાવીને તેનું ખંડન કર્યું છે.

અમેરિકન વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી ઍડવાઇઝરી પ્રમાણે, "એવા અહેવાલો સામે આવ્યા છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ મોટી સૈન્યકાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે."

જારી કરાયેલી ઍડવાઇઝરીમાં એમ પણ કહેવાયું છે કે સુરક્ષાનાં કારણોસર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને એક નાનકડી સૂચના સાથે જ પરિસ્થિતિ ભયાવહ થઈ શકે છે.

રશિયા યુક્રેનમાં મૉસ્કો સમર્થક નેતાને બેસાડવામાં માગે છે?

નોંધનીય છે કે યુક્રેનની બૉર્ડર પર અંદાજે એક લાખ રશિયન સૈનિકો તહેનાત છે. નાટો પ્રમુખે ચેતવણી આપતાં કહ્યું કે આ તહેનાતીથી યુરોપમાં એક નવા સંઘર્ષનો ખતરો છે.

બ્રિટન સરકારે એક ચોંકાવનારા નિવેદનમાં જણાવ્યું કે રશિયા યુક્રેનમાં મૉસ્કો સમર્થક નેતાને બેસાડવામાં માગે છે.

બ્રિટનનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે યુક્રેનને લઈને ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે.

બ્રિટને કહ્યું કે જો રશિયા સૈન્ય કાર્યવાહી કરશે તો તેનું ગંભીર પરિણામ આવી શકે છે.

આ દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે હિંસક તણાવની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે 90 ટન જેટલો લશ્કરી સરંજામ અમેરિકાથી યુક્રેન પહોંચી ચૂક્યો છે.

અમેરિકાનો આ લશ્કરી સરંજામ રશિયા અને અમેરિકાના વિદેશમંત્રીઓની તણાવ ઓછો કરવા માટેની વાતચીત બાદ પહોંચ્યો છે.

અમેરિકાનું કહેવું છે કે આ લશ્કરી મદદ યુક્રેન પોતાનું રક્ષણ કરી શકે તે માટે છે તથા તે આવી મદદ કરતું રહેશે. સહાયનો આ પહેલો જથ્થો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ જો બાઇડને ડિસેમ્બરમાં 200 મિલિયન ડૉલરનું સુરક્ષા પૅકેજ મંજૂર કર્યું હતું.

રશિયા શા માટે યુક્રેનને ધમકી આપે છે?

રશિયા આક્રમણનો કોઈ ઇરાદો હોવાનો ઇનકાર કરે છે, પરંતુ તેણે યુક્રેનો કેટલોક વિસ્તાર કબજે કરી લીધો છે અને તેની સરહદે લગભગ 100,000 સૈનિકો ગોઠવી દીધા છે.

યુક્રેન યુરોપની સંસ્થાઓ સાથે સંબંધો બાંધે અને ખાસ કરીને નાટોમાં જોડાવા માગતું હોય તે વાતનો રશિયાએ પહેલેથી જ વિરોધ કર્યો છે.

યુક્રેનની સરહદ યુરોપ અને રશિયા બંનેને લાગે છે, પરંતુ સોવિયેટ સંઘના હિસ્સા તરીકે યુક્રેનના વધારે ગાઢ સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો રશિયા સાથે રહ્યા છે. યુક્રેનમાં રશિયન બોલનારા લોકોની સંખ્યા પણ ખાસ્સી છે.

2014માં યુક્રેનમાં રશિયન તરફી પ્રમુખને હટાવી દેવાયા, તે પછી રશિયાએ દક્ષિણમાં આવેલા ક્રિમિયા વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો હતો. આ ઉપરાંત પૂર્વ યુક્રેનમાં ઘણા મોટા વિસ્તારમાં કબજો જમાવીને બેઠેલા બળવાખોરોને પણ રશિયા ટેકો આપી રહ્યું છે.

રશિયાના સમર્થન સાથે રશિયા તરફી બળવાખોરો યુક્રેનની સેના સામે લડી રહ્યા છે અને તેના કારણે અત્યાર સુધીમાં 14,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

આક્રમણ થવાની શક્યતા કેટલી છે?

રશિયા કહે છે કે યુક્રેન પર હુમલો કરવાની તેની કોઈ યોજના નથી: લશ્કરના વડા વેલેરી ગેરાસિમોવે પણ કહ્યું છે કે આક્રમણ કરવાની તૈયારી થઈ ગઈ હોવાના અહેવાલો ખોટા છે.

જોકે તંગદિલી વધી ગઈ છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે "જરૂરી લશ્કરી-ટેક્નિકલ વળતાં પગલાં લેવાશે" જો પશ્ચિમનું, તેમના કહેવા પ્રમાણેનું આક્રમક વલણ ચાલતું રહેશે તો.

નાટોના સેક્રેટરી જનરલે ચેતવણી આપી છે કે લડાઈ થવાનું જોખમ વધી ગયું છે અને પ્રમુખ બાઇડને પણ કહ્યું છે કે રશિયા આક્રમણ કરશે એવું લાગે છે.

અમેરિકાએ કહ્યું છે કે યુક્રેનની નજીક "બહુ ટૂંકા ગાળામાં" લશ્કરી દળોની સંખ્યા વધારી દેવાની રશિયાની યોજના હોવાની તેને જાણ થઈ છે.

હાલમાં અસ્થિર એવો યુદ્ધવિરામ થયેલો છે, પરંતુ યુક્રેનની સેના અને બળવાખોરો વચ્ચે ઘર્ષણ ચાલતું જ રહ્યું છે.

પણ સૌથી વધુ ચિંતાનું કારણ એ છે કે રશિયાનાં દળો યુક્રેનની સરહદને પાર કરીને સક્રિય થઈ ગયાં છે.

પશ્ચિમનાં જાસૂસી તંત્રોના અંદાજ અનુસાર 100,000 જેટલા સૈનિકો છે.

ઘર્ષણ સમર્જાવાનું જોખમ વાસ્તવિક બની રહ્યું છે એવું નાટોના વડાએ કહ્યું, પરંતુ તાત્કાલિક યુદ્ધ ફાટી નીકળે તેવું લાગતું નથી.

અમેરિકા કહે છે કે યુક્રેનની નજીક સેનાને ગોઠવવા પાછળનું કોઈ કારણ રશિયાએ આપ્યું નથી અને અને રશિયાના સૈનિકો અને ટૅન્કો બેલારૂસ તરફ એક્સર્સાઇઝ કરવા આગળ વધી રહ્યાં છે.

રશિયાના નાયબ વિદેશમંત્રીએ હાલની સ્થિતિને 1962ના ક્યુબન મિસાઇલ સંકટ સાથે સરખાવી છે. તે વખતે અમેરિકા અને સોવિયેટ સંઘ એક બીજા સામે અણુ યુદ્ધ પર ઊતરી આવે તેવું લાગતું હતું.

પશ્ચિમનાં જાસૂસી તંત્રોના જણાવ્યા અનુસાર રશિયા આ વર્ષે સરહદ પાર કરશે તેવું લાગે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો