You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોનાથી થયેલાં મૃત્યુનો આંક સરકારે જાહેર કર્યો એનાથી ક્યાંય વધુ?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલી ગુજરાત સરકારની માહિતી પ્રમાણે, એક સમયે જ્યારે કોરોનાથી મૃત્યુનો સત્તાવાર આંક 10164 જ નોંધાયો હતો, ત્યારે રાજ્ય સરકારને કોરોનાની સહાય માટેની કુલ 89,633 અરજીઓ મળી હતી.
એટલે કે સરકારી આંકડાથી 79,469 વધુ લોકોએ કોવિડ-19ની સહાય માટે અરજી કરી હતી. આંકડાઓનો આ મોટો તફાવત ઘણા લોકોને સરકાર સામે શંકા ઉપજાવે તેવો છે.
છેલ્લા અમુક દિવસોથી સુપ્રીમ કોર્ટમાં કોવિડ-19ને લીધે મૃત્યુ પામનારના આંકડાઓને લઈને શું ચાલી રહ્યું છે તે જાણીએ.
18મી ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે એક ઑર્ડર પસાર કરીને કહ્યું હતું કે દરેક રાજ્યે એક મહિનાની અંદર કોવિડ-19 મૃત્યુસહાય માટેની તમામ અરજીઓનો નિકાલ કરવાનો રહેશે. આ માટે દરેક રાજ્યે પોતાની રીતે અલગઅલગ આંકડાઓ રજૂ કર્યા હતા.
જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો પહેલી અને બીજી લહેર વખતે રાજ્યમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાંથી ઘણા લોકોની એવી ફરિયાદો હતી કે તેમનાં સગાંવહાલાંનાં મૃત્યુ પ્રમાણપત્ર પર 'કોરોનાના કારણે મૃત્યુ થયું છે' તેવું લખવામાં નહોતું લખાતું.
અખબાર દિવ્ય ભાસ્કરના મે 2021 એક અહેવાલ પ્રમાણે જ્યારે રાજ્ય સરકારે કોવિડ-19ને કારણે મરનારા લોકોનો સત્તાવાર આંકડો 4281 જાહેર કર્યો હતો, ત્યારે તે સમયે રાજ્ય સરકારે આશરે 1.23 લાખ જેટલા મરણના દાખલા આપ્યા હતા.
આ આંકડો માર્ચ 1થી મે 10 સુધીનો હતો. આ જ સમયમાં 2020માં 58000 જેટલા મરણના દાખલા આપવામાં આવ્યા હતા. એટલે કે આશરે 65000 જેટલા વધુ દાખલા રજૂ કરવામાં આવ્યા હતા.
ખુદ ગુજરાત હાઈકોર્ટે પણ કોવિડ-19 સમયેની સુનાવણીમાં સરકારી આંકડા પર અનેક વખત શંકા વ્યક્ત કરી હતી. જોકે સરકારી સોગંદનામા પછી આ આંકડામાં આશરે નવ ગણા જેટલો વધારો જોવા મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવાર એટલે કે 19 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે બિહાર રાજ્યના આંકડા પર વિશ્વાસ ન કરતાં કહ્યું હતું કે, એ વાત માનવામાં નથી આવતી કે બિહાર રાજ્યમાં કોવિડ-19ને કારણે માત્ર 12,000 લોકોનાં જ મૃત્યુ થયાં હતાં. બિહાર રાજ્યના મુખ્ય સચિવને ઉચ્ચ ન્યાયાલયે આ વિશે ચોખવટ કરવાનું કહ્યું હતું.
કેવી રીતે વધ્યો આંકડો?
સુપ્રીમ કોર્ટે ઑક્ટોબર 2021માં કહ્યું હતું કે કોવિડ-19થી મૃત્યુ પામેલી વ્યક્તિના મરણ પ્રમાણપત્ર પર જો 'કોવિડ-19ના કારણે મૃત્યુ થયું છે', તેવું ન લખ્યું હોય તો પણ તે વ્યક્તિના પરિવાજનને સહાય આપવાની રહેશે. મરનાર વ્યક્તિના મૃત્યુના કારણમાં કોવિડ-19ને કારણે મૃત્યુ થયું છે, તેવું લખેલુ હોવું જોઈએ.
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં ગુજરાત રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટે જ્યારે કોવિડ-19થી મરનાર વ્યક્તિની વ્યાખ્યામાં ફેરફાર કર્યો ત્યાર પછી આ આંકડામાં વધારો થયો છે."
"આ વ્યાખ્યા પ્રમાણે કોવિડ-19 રિપોર્ટમાં પૉઝિટિવ આવેલી વ્યક્તિ તેમના રિપોર્ટના એક મહિનાની અંદર મૃત્યુ પામી હોય તો તેને કોવિડ-19ને કારણે મૃત્યુ થયું માનવામાં આવે છે. આવી જ રીતે રિપોર્ટ આવ્યાના એક મહિનાની અંદર જો તે વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તો તે મૃત્યુ પણ કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુ તરીકે ગણવામાં આવે."
ત્રિવેદીએ કહ્યું હતું કે આ કારણોને લીધે કોવિડ-19નો મૃત્યુઆંક વધી ગયો છે.
જોકે માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં પરંતુ દરેક રાજ્યનો આંકડો વધ્યો છે.
દાખલા તરીકે ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, તેલંગણામાં જ્યારે કોવિડ-19ને કારણે મરનાર લોકોનો સત્તાવાર આંકડો 3993 છે, ત્યારે સહાય માટેની અરજીઓની સંખ્યા 28,969 છે. મહારાષ્ટ્રમાં જ્યારે મરનારા લોકોનો સત્તાવાર આંકડો 1,41,773 છે, ત્યાં સહાય માટેની અરજીઓ 2,13,890 છે. પંજાબમાં સત્તાવાર આંકડો 16,557 છે, ત્યાં સહાયની અરજીઓ તેના કરતાં ઓછી એટલે કે 8.786 છે.
આ આંકડાઓને લઈને શું ચર્ચા છે?
કૉંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે મંગળવારના રોજ એક ટ્વીટ મારફતે સરકારની ટીકા કરતાં દાવો કર્યો હતો.
તેમણે લખ્યું, "એક તરફ સરકારે જાહેર કર્યું હતું કે કોવિડ-19ને કારણે માત્ર 10,000 લોકોનાં જ મૃત્યુ થયાં છે, ત્યાં સુપ્રીમ કોર્ટમાં 16મી જાન્યુઆરીએ સરકારે કહ્યું હતું કે મરનાર લોકો માટે સહાય માગનાર લોકોની કુલ અરજીઓ 89,633 છે, જે પૈકી 68,730 સાચી અરજીઓ છે તેવું જાણવા મળ્યું હતું, જ્યારે 17,000 અરજીઓ પ્રોસેસમાં છે અને 4,234 રદ થઈ છે.
આ અંગે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાત કરી.
કોવિડ-19ની પ્રથમ અને બીજી લહેર સમયે સરકારી આંકડા પર શંકા વ્યક્ત કરી તેને ખોટા કહી વખોડી નાખનાર અમુક નેતાઓમાંના તેઓ એક નેતા છે.
તેમણે કહ્યું કે "આ આંકડાથી ખબર પડે છે કે સરકારે કેટલી હદ સુધી ખોટું બોલ્યું હતું. અત્યારે સરકારે 89,633ના આંકડોનો સ્વીકાર કરવો પડ્યો છે, કારણ કે લોકોએ ઑનલાઇન અરજીઓ કરી હતી અને સુપ્રીમ કોર્ટની એ પ્રમાણેની ગાઇડલાઇન્સ હતી."
તેમણે કહ્યું કે હજી સુધી પણ કોવિડ-19ને કારણે મરણ જનાર લોકોને મરણદાખલા ન મળ્યા હોય તેવી અનેક ફરિયાદો અમને મળે છે.
- 'મફત વૅક્સિન, ધન્યવાદ મોદીજી', કોરોનાની એ જાહેરાતો પાછળ સરકારે કેટલા કરોડ ખર્ચ્યા?
- ગુજરાત સહિત દેશમાં કોરોનાએ કેટલા લોકોને દેવાદાર બનાવ્યા?
- નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાથી ખેડૂતો નારાજ કેમ છે?
- ગીર જંગલમાં રિલાયન્સના મોબાઇલ ટાવર, સિંહોનું સંરક્ષણ કે તેમને કનડગત?
- પાકિસ્તાનમાં જન્મેલા એ ગુજરાતી કવિ, જેમણે મોરારજી દેસાઈને રોકડું પરખાવી દીધું
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો