મોલનુપિરાવીર : કોરોનાની આ દવા ક્યારે લેવી જોઈએ અને તેનાથી નુકસાન શું થાય?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

હાલ એક તરફ જ્યાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ તેની સારવાર માટે માર્કેટમાં એક નવી દવાનું આગમન થયું છે. આ દવા છે મોલનુપિરાવિર.

સૌથી પહેલાં અમેરિકામાં બનેલી મોલનુપિરાવિર કૅપ્સ્યૂલના વપરાશની પરવાનગી સૌપ્રથમ અમેરિકામાં મળી અને ત્યારબાદ આ પરવાનગી ભારત જેવા દેશોમાં પણ મળી છે.

આ દવા હાલમાં માર્કેટમાં સહેલાઈથી મળી શકે છે.

જોકે એક તરફ અનેક નિષ્ણાતો આ દવાની સરખામણી ટોસિલિઝુમેબ અને રેમિડિસિવિર સાથે કરી રહ્યા છે. તો ઘણા તેનો ઉપયોગ કરવા અંગે સંકોચ અનુભવી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ દવા મુખ્યત્વે માઇલ્ડથી મોડરેટ લક્ષણોવાળા દર્દીઓ માટે ઉપયોગી થઈ શકે છે અને ઘણા નિષ્ણાતો તેના પરિણામથી સંતુષ્ટ પણ છે.

હાલમાં મોલનુપિરાવિરની 13 જેટલી કંપનીઓની અલગ-અલગ નામ સાથેની દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં મુખ્ય ગણાતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી દવાઓનો સમાવેશ થાય છે.

તેમાં મુખ્યત્વે ડૉ.રેડ્ડી, ઝુવેન્ટસ હેલ્થકૅર લિમિટેડ, બીડીઆર, ઑપ્લટિમસ, સિપ્લા, સન ફાર્મા વગેરે જેવી કંપનીઓ સમાવિષ્ટ છે. આ ડ્રગનો ઉપયોગ ઇંગ્લૅન્ડ, અમેરિકા સહિત ભારતમાં થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી IANSના એક અહેવાલ પ્રમાણે, અમેરિકન કંપની મર્ક દ્વારા આ દવાનું સૌથી પહેલા નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારબાદ 'યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન' દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે. ઓમિક્રૉનના વધતાં કેસો પછી ભારતમાં પણ આ દવાના વપરાશની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે.

કેટલી અને કોને માટે અસરકારક છે - મોલનુપિરાવિર કૅપ્સ્યૂલ?

કોવિડ-19ના દર્દીઓનો ઇલાજ કરતા ઘણા ડૉક્ટરો મોલનુપિરાવિર કૅપ્સ્યૂલ આપવાની તરફેણમાં છે.

આ વિશે અમે કોવિડ-19 દર્દીઓનું ઇલાજ કરતા અને ફેફસાંના નિષ્ણાત પલ્મોલૉજિસ્ટ ડૉ. પાર્થિવ મહેતા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "આ દવાના ઉપયોગને લઈને ઘણી ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં કોવિડ-19ના દર્દીઓમાં આ દવાનાં ખૂબ સારાં પરિણામ છે. આ દવા આપી હોય તેવા દર્દીઓમાં 30 ટકા જેટલા દર્દીઓને દાખલ ન કરવા પડે જે ખૂબ જ સારી ટકાવારી કહેવાય."

તેમણે વધુમાં કહ્યું કે આ કૅપ્સ્યૂલની મદદથી કોવિડ-19 દર્દીનો વાઇરલ લોડ ત્રણથી પાંચ દિવસ દરમિયાન ઓછો કરી શકાય છે અને દર્દીની હાલત ગંભીર થતા અટકે છે.

ડૉ. મહેતાએ આગળ કહ્યું કે, "મુખ્યત્વે મોટી ઉંમરના લોકો કે 40થી વધુની ઉંમરના લોકો માટે આ દવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે અને તેઓ કોવિડ-19ને કારણે હેરાન થતા અટકે છે."

સમાચાર એજન્સી એએનઆઈના એક અહેવાલ પ્રમાણે, નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઑફ ઇન્ડિયાના વર્કિંગ ગ્રૂપના ચૅરમૅન ડૉ. એન. કે. અરોરાનું પણ આવું જ માનવું છે.

તેમણે સમાચાર એજન્સીને કહ્યું હતું કે મોટી ઉંમરની વ્યક્તિઓ અને કો-મોર્બિડ દર્દીઓની હાલત ગંભીર થતા અટકાવવા, તેમનું હૉસ્પિટલાઇઝેશન અટકાવવા અને તેઓ આઈસીયુ સુધી ન પહોંચે તે માટે આ દવાનો ઉપયોગ કરવો જોઈએ.

જોકે આ દવાની આડઅસર વિશે તેમણે એએનઆઈને કહ્યું હતું કે રિપ્રોડક્ટિવ ઉંમરની વ્યક્તિઓને આ દવા ન આપવી જોઇએ.

ટૂંકમાં એવા લોકો કે જેમની ઉંમર 40થી ઓછી હોય અને બાળકને જન્મ આપી શકવાની ક્ષમતા ધરવતા હોય તેવા લોકોને આ દવા ન આપવી જોઈએ.

આ વિશે બીબીસી ગુજરાતીએ પલ્મોલૉજિસ્ટ ડૉ. તુષાર પટેલ સાથે પણ વાત કરી.

તેમણે કહ્યું કે, "સામાન્ય રીતે જે વ્યક્તિ બાળક પેદા કરી શકવાની ઉંમરમાં હોય તેવી વ્યક્તિઓને જો આ દવા આપવામાં આવે અને દવા આપ્યાના ત્રણ મહિના સુધી જો તેઓ બાળકને કન્સિવ કરે તો તેવું બાળક ખોડખાંપણવાળું પેદા થવાની શક્યતા રહેલી છે, તેવું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જોકે હજી તે અંગે પણ પદ્ધતિસર રિસર્ચની જરૂર છે."

જોકે તેમણે એ પણ કહ્યું કે આ દવાની આડઅસર એટલી નથી કે જેના કારણે વ્યક્તિને મોટું નુકસાન થાય.

ડૉ. પાર્થિવ મહેતાનું પણ એ જ માનવું છે કે આ દવાની આડઅસર અમુક સમય સુધી જ રહે છે, અને ત્યારબાદ દર્દી સામાન્ય થઈ જાય છે.

મોલનુપિરાવિર વિશે વધુ

ભારતના સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન એ આ ઍન્ટિ-વાઇરલ મોલનુપિરાવિરનો ઇમર્જન્સી ઉપયોગ કરવા માટેની પરવાનગી આપી હતી.

સન ફાર્માએ સૌપ્રથમ મોક્સવીર નામથી આ દવાને માર્કેટમાં મૂકી હતી.

ઉપરાંત આ દવા મોનુલાઇફ, મોલફ્લુ, મોલકોવીર વગેરે જેવાં નામોથી મળે છે.

કોવિડ-19 ના દર્દીઓ માટે ડૉકટરના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસનો કોર્સ હોય છે.

ઓમિક્રૉન સામે પણ મજબૂત છે મોલનુપિરાવિર

આ દવા બનાવનાર મર્ક કંપનીએ એ દાવો કર્યો છે કે આ કૅપ્સ્યૂલમાં એટલી ક્ષમતા છે કે કોવિડ-19ના ઓમિક્રૉન સહિત બીજા બધા જ વૅરિયન્ટની સામે કામ કરશે. 1,433 કોવિડ-19ના દર્દીઓ પર આ દવાની અસરકારકતાની ચકાસણી કરાઈ હતી અને તેમાં જાણવા મળ્યું હતું કે 30 ટકા લોકોને હૉસ્પિટલાઇઝેશન ટાળી શકાયું હતું.

મોલનુપિરાવિર અંગે WHOનું શું કહેવું છે?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના 27મી ઑક્ટોબરના એક ટ્વીટ પ્રમાણે મોલનુપિરાવિર દવા બનાવનારી કંપનીઓના એક નિર્ણયને તેણે વધાવી લીધો હતો અને કહ્યું હતું કે (તે સમય સુધીની ક્લિનિકલ ટ્રાયલ પ્રમાણે) હજી સુધી એવું જાણવા મળ્યું છે કે આ ડ્રગને કારણે કોવિડ-19ની ટ્રીટમેન્ટમાં બહુ મદદ મળે છે અને દર્દીને હૉસ્પિટલે જવું પડતું નથી.

આ ડ્રગને WHOના લીવિંગ ગાઉડલાઇનમાં સમાવેશ કરવા માટે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ગાઈનડલાઇન કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે દુનિયાભરને મદદરૂપ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો