ઊંઘમાં નસકોરાં કેમ બોલે છે? એનાથી છુટકારો કેમ મેળવવો?

  • ગરદન અને માથા વચ્ચેના સૉફ્ટ ટિશ્યૂમાં કંપારી ઉદ્ભવે છે. જેના કારણે નસકોરાં બોલે છે.
  • નસકોરાં રોકવાં માટે જરૂરી છે કે ઍર-વે ખુલ્લો રહે. એમ કરવા માટે ઘણા નુસખા અપનાવી શકાય છે.
  • જ્યારે સીધી છાતીએ ઊંઘવામાં આવે ત્યારે જીભ, દાઢી તેમજ દાઢીના નીચેના ભાગના સ્નાયુઓ ઍર-વેમાં ખલેલ પહોંચાડે છે.
  • બજારમાં એવાં ઘણાં ઉત્પાદનો ઉપ્લબ્ધ છે, જે નસકોરાં રોકવામાં મદદ કરી શકે છે.

કોઈને પણ એ વાત ચોક્કસપણે ખબર નહી હોય કે કેટલા લોકો નસકોરાં બોલાવતા હશે. જોકે, આ સમસ્યા વધી રહી છે. તેનાંથી માત્ર નસકોરાં બોલાવતા લોકો જ નહીં, પરંતુ તેમની આસપાસના લોકોને પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

નસકોરાંને કારણે લગ્નો પણ તૂટી ગયાં હોય એવા મામલા નોંધાયા છે. પણ તમને ખબર છે કે ઊંઘ દરમિયાન લોકો નસકોરાં કેમ બોલાવે છે?

વાત એમ છે કે ઊંઘતી વખતે જ્યારે આપણે શ્વાસોચ્છવાસ કરીએ છીએ ત્યારે ગરદન અને માથા વચ્ચેના સૉફ્ટ ટિશ્યૂમાં કંપારી ઉદ્ભવે છે. જેના કારણે નસકોરાં બોલે છે.

આ સૉફ્ટ ટિશ્યૂ નાક, ટૉન્સિલ અને મોઢાના ઉપરના ભાગમાં હોય છે.

જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે હવાનો જવાનો રસ્તો આરામની સ્થિતિમાં હોય છે. ત્યારે હવાની અવરજવર માટે જોર લગાવવું પડે છે, જેના કારણે સૉફ્ટ ટિશ્યૂમાં કંપન પેદા થાય છે.

નસકોરાં રોકવાં માટે શું કરી શકાય?

નસકોરાં રોકવાં માટે જરૂરી છે કે ઍર-વે ખુલ્લો રહે. એમ કરવા માટે ઘણા નુસખા અપનાવવાની સલાહ આપવામાં આવે છે.

દારૂથી દૂર રહો

દારૂ પીવાને લીધે ઊંઘ દરમિયાન માંસપેશીઓ વધારે રિલેક્સ થઈ જાય છે અને તેના કારણે ઍર-વે વધુ સંકુચિત થઈ જાય છે.

એવામાં સલાહ આપવામાં આવે છે કે ઊંઘતાં પહેલાં દારૂ પીવાનું ટાળવું જોઈએ.

આડા પડખે ઊંઘો

જ્યારે સીધી છાતીએ ઊંઘવામાં આવે ત્યારે જીભ, દાઢી તેમજ દાઢીના નીચેના ભાગના સ્નાયુઓ ઍર-વેમાં ખલેલ પહોંચાડે છે.

જો એ રીતે ઊંઘવાની આદત હોય અને નસકોરાં બોલી શકે છે. એ ટાળવા માટે આડા પડખે ઊંઘવું જોઈએ.

નાક પર લગાવવાની પટ્ટીઓ

બજારમાં એવાં ઘણાં ઉત્પાદનો ઉપ્લબ્ધ છે, જે નસકોરાં રોકવામાં મદદ કરી શકે છે.

નાક પર લગાવવામાં આવતી પટ્ટીઓ પણ કંઈક આવું જ કામ કરે છે.

આ પટ્ટીઓ પાછળનો વિચાર એ છે કે તે નાકને ખુલ્લું રાખે છે.

આ પટ્ટીઓ ત્યારે કામ કરે છે, જ્યારે નસકોરાં બોલવાંનું શરૂ થાય છે. જોકે, તે અસરદાર છે કે કેમ, તેની ખરાઈ થઈ હોવાનું સામે આવ્યું નથી.

નાક સાફ રાખો

જો શરદી થઈ હોય અને નાક બંધ હોય તો નસકોરાંની સંભાવના વધી જાય છે.

આવી સ્થિતિમાં ઊંઘતાં પહેલાં નાકને સારી રીતે સાફ કરવું અનિવાર્ય છે.

નાક સાફ કરવા માટે નાક વાટે લેવામાં આવતી દવાનો પણ ઉપયોગ કરી શકાય છે.

તેનાથી નાકની રક્તકોષિકાઓને સોજામાંથી રાહત મળશે. નાક બંધ થવાનાં મુખ્ય કારણોમાં ઍલર્જીનો પણ સમાવેશ થાય છે.

વજન ઘટાડો

વધારે વજન ધરાવતી વ્યક્તિની પાસે વધારે માત્રામાં સૉફ્ટ ટિશ્યૂ હોય છે. જે ઍર-વેને સંકુચિત કરી શકે છે અને હવાની અવરજવરમાં ખલેલ પહોંચાડી શકે છે.

એવામાં વજન ઘટાડીને પણ નસકોરાથી રાહત મેળવી શકાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો