કોરોના : ઓમિક્રૉન વૅરિયન્ટને 'કુદરતી રસી' કહેવામાં આવે છે એ દાવામાં કોઈ સત્ય છે?

    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી મરાઠી

ઓમિક્રૉનથી થતું સંક્રમણ હળવું દેખાય છે. હૉસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓનો દર પણ ઓછો છે. દર્દીઓનાં મૃત્યુની સંખ્યા પણ ઓછી છે.

તેથી, અત્યંત ચેપી હોવા છતાં કેટલાક નિષ્ણાતો માને છે કે કોરોના સામેની લડાઈમાં ઓમિક્રૉન વૅરિયન્ટ એક 'કુદરતી રસી' જેવો છે.

જોકે, મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશી દ્વારા આ સિદ્ધાંતનું ખંડન કરવામાં આવ્યું છે. તેઓ કહે છે, "તે ખૂબ જ ખોટી માન્યતા છે. ઓમિક્રૉનથી પણ દર્દીઓનાં મૃત્યુ થઈ રહ્યાં છે."

તો પછી શા માટે ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહેવામાં આવે છે? શું આ દાવામાં કોઈ સત્ય છે? અમે નિષ્ણાતો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે.

શા માટે ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહેવામાં આવી રહ્યો છે?

ઓમિક્રૉનને શા માટે 'કુદરતી રસી' કહેવામાં આવી રહ્યો છે તે માટે સૌથી પહેલા સમજી લઈએ કે રસી એટલે શું?

અતિશય નબળા સૂક્ષ્મજીવો અથવા વાઇરસનો ઉપયોગ કોઈ પણ રોગ સામે રસી બનાવવામાં થાય છે. કેટલીક રસીઓમાં તો મૃત વાઇરસનો ઉપયોગ નવી રસી બનાવવા માટે પણ થાય છે.

નિષ્ણાતો કહે છે કે માનવશરીરમાં પ્રવેશ્યા પછી વાઇરસ ગંભીર બીમારીનું કારણ બનતો નથી. પરંતુ રોગ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે.

કોરોના સામેની લડત માટે ઉપલબ્ધ રસીઓમાં મૃત વાઇરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના ચેપી રોગોના નિષ્ણાત ડૉ. પ્રદીપ આવટે કેટલાક લોકો ઓમિક્રૉનને 'કુદરતી રસી' કેમ કહે છે તે અંગે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ સાદી ભાષામાં સમજાવ્યા છે-

  • ઓમિક્રૉનના ચેપથી ગંભીર બીમારી થતી નથી. જોકે, તેની ફેલાવવાની ક્ષમતા અત્યંત તીવ્ર છે.
  • તેથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગશે, પરંતુ ગંભીર રીતે માંદા નહીં પડે.
  • દરેકના શરીરમાં પહોંચવાથી ઍન્ટીબૉડીઝ અથવા રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થશે.

"આ કારણસર કેટલાક નિષ્ણાતો માને છે કે ઓમિક્રૉન એક 'કુદરતી રસી' છે," એમ ડૉ. અવટેએ કહ્યું.

મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર માટે ઓમિક્રૉન વૅરિયન્ટ જવાબદાર છે. ઓમિક્રૉને ઘાતક ડેલ્ટા વૅરિયન્ટનું સ્થાન લીધું છે.

અમે ડૉ. ગૌતમ ભણસાલી મુંબઈની ખાનગી હૉસ્પિટલોના સંયોજક અને બૉમ્બે હૉસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર કરતા જનરલ ફિઝિશિયન પાસેથી જાણ્યું કે ઓમિક્રૉન એક ‘કુદરતી રસી’ છે.

તેમણે કહ્યું, "ઓમિક્રૉન ખરેખર ભગવાન દ્વારા મોકલવામાં આવેલી ‘કુદરતી રસી’ છે. ઓમિક્રૉન થયેલા દર્દીઓનો હૉસ્પિટલમાં દાખલ થવાનો દર ઓછો છે. દર્દીઓમાં ગંભીર માંદગીનાં કોઈ જ લક્ષણો દેખાતાં નથી અથવા બહુ ઓછાં દેખાય છે."

નિષ્ણાતોનું કહેવું છે કે હાલની ઓમિક્રૉન વેવમાં દર્દીઓને ઓક્સિજન કે વૅન્ટિલેટરની જરૂર પડી નથી.

ડૉ. ગૌતમ ભણસાલીએ વધુમાં કહ્યું, "ડેલ્ટા વૅરિયન્ટની બીજી વેવ જેટલી ગંભીર માંદગી આ વેવમાં જોવામાં આવી નથી. ભારતમાં દર્દીઓને દવાની જરૂર પડી નથી. તેથી, ઉપલબ્ધ ડેટાના આધારે અમે આમ કહી શકીએ છીએ."

શું ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહેવું ખોટું છે?

ઓમિક્રૉન વૅરિયન્ટની લહેર ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહી છે. ઓમિક્રૉન વૅરિયન્ટ નવો છે અને ડેલ્ટા વૅરિયન્ટ કરતાં લોકો તેનાથી ઓછા માંદા પડે છે એમ માનીને તેને નગણ્ય ગણવો એ યોગ્ય વાત નથી.

મહારાષ્ટ્ર કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશી કહે છે, "ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહેવું ખોટું છે. દરેક ચેપની આડઅસર હોય છે. ઓમિક્રૉનથી મૃત્યુ થતું નથી એમ નથી, મૃત્યુની સંખ્યા ઓછી છે."

"ઓમિક્રૉનના દર્દીઓ લાંબા સમય સુધી કોવિડથી પીડાઈ શકે છે. ઓમિક્રૉનના લાંબા ગાળામાં થતાં પરિણામ હજુ સુધી જાણી શકાયાં નથી. ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહેવા માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી," એ ડૉ. જોષીએ વધુમાં કહ્યું હતું.

ભારતના પિંપરી-ચિંચવડમાં ઓમિક્રૉનથી સંક્રમિત એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહેવું એ 'ખતરનાક' વિચાર છે.

જાણીતા વાયરોલૉજિસ્ટ ડૉ. શાહિદ જમીલને અમે પૂછ્યું કે શું આપણે ઓમિક્રૉનને 'કુદરતી રસી' કહી શકીએ છીએ?

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એ એક પુરવાર ન થયેલો વિચાર છે. એ એક જોખમી કલ્પના છે, કારણ કે તેનાથી આત્મસંતોષની ઘટનાઓ વધશે.

કોરોનાના સંક્રમણને કારણે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને લાંબા સમય સુધી કોવિડની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

ડૉ. જમીલે ઉમેર્યું, "કોરોનાના હળવા ચેપની લોંગ કોવિડ પર શું અસર પડશે તેની અમને હજુ પણ ખબર નથી."

નિષ્ણાતો કહે છે કે ભારતમાં ઘણા લોકોને કોમોર્બિડિટીઝ છે. ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય સમસ્યાઓ છે. આવા દર્દીઓ ભૂલથી વાઇરસના સંપર્કમાં આવે તો સમાજના સ્વાસ્થ્ય માટે સારું નથી.

ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ગિરધર બાબુ ટ્વિટર પર લખે છે, "આવી ખોટી માહિતીથી દૂર રહો. ઓમિક્રૉન હળવો છે, પરંતુ તેની કોઈ રસી નથી. ઓમિક્રૉન મૃત્યુનું કારણ બને છે અને લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે."

તેઓ ઉમેરે છે, "રસીની તુલનામાં કુદરતી સંક્રમણ મૃત્યુ અને હૉસ્પિટલમાં દાખલ થવાથી અટકાવી શકતા નથી."

ઓમિક્રૉન ચેપને કારણે મૃત્યુ થતું નથી તે સૂચવવું એ તદ્દન ખોટું છે એવો અભિપ્રાય આઈજીઆઈબીના (IGIB) ડાયરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલે આપ્યો છે.

"ઓમિક્રૉન દરેક વ્યક્તિ માટે ઓછું જોખમી હોઈ શકે છે, પરંતુ તે સમાજ માટે વધુ જોખમી છે. જેટલા વધુ લોકોને ચેપ લાગશે તેટલા વધુ દર્દીઓ હશે. આ કુદરત દ્વારા બનાવવામાં આવેલી રસી નથી," એ ડૉ. અગ્રવાલે કહ્યું હતું.

શું ઓમિક્રૉનથી કોરોનાનો અંત થશે?

ઓમિક્રૉન વૅરિયન્ટે ડેલ્ટા વૅરિયન્ટની જગ્યા લીધી છે. તેની અસર હળવી લાગે છે. તેથી નિષ્ણાતો માને છે કે જો ઓમિક્રૉન વૅરિયન્ટ ફેલાશે તો પણ મૃત્યુની સંખ્યા ઓછી હશે.

ડૉ. ગૌતમ ભણસાલી કહે છે, "જો ઓમિક્રૉને ડેલ્ટાની જગ્યા લીધી છે, તો આ રોગચાળો નિયંત્રણમાં આવે તેવી શક્યતા છે."

નિષ્ણાતો કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં લોકોમાં કોરોના સંક્રમણની ગંભીરતા ઘટી રહી છે. તેથી, લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને રસી લેવી જોઈએ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો