યુએઈ : એ દેશ, જે કોરોના મહામારીમાં પણ ખુશહાલ રહી શક્યો

    • લેેખક, લિંડસી ગૅલોવે
    • પદ, બીબીસી ટ્રાવેલ

એક બાજુ જ્યાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉને યુરોપના કંઈ કેટલાય દેશોને ફરીથી લૉકડાઉન કરવા મજબૂર કરી દીધા છે, તો બીજી બાજુ સંયુક્ત આરબ અમીરાત કે યુએઈ એક એવો દેશ છે જ્યાં ઓમિક્રૉનની ખાસ કંઈ અસર જોવા નથી મળતી.

આ ખાડીદેશે દુનિયાભરના પ્રવાસીઓ માટે પોતાના દરવાજા ખોલી રાખ્યા છે.

વૈશ્વિક મહામારીના આ દોરમાં અવિરત વૅક્સિનેશનની સાથોસાથ વ્યાપક અને સસ્તી ટેસ્ટિંગ સુવિધાના કારણે દુનિયાના અન્ય ઘણા દેશોની તુલનામાં યુએઈ કોરોનાને ખૂબ સારી ટક્કર આપી રહ્યું છે.

હાલના સમયે યુએઈ બ્લૂમબર્ગની કોવિડ રિઝિલિયન્સ રૅન્કિંગમાં અગ્રિમ હરોળના દેશોમાં સામેલ છે. આ રૅન્કિંગમાં 53 દેશોના સ્વાસ્થ્ય સુવિધા માપદંડો, કોરોના સંક્રમણથી થનારાં મૃત્યુ અને આવાગમન પુનઃ ચાલુ કરવા જેવા 12 સૂચકાંક સામેલ કરવામાં આવ્યા છે.

આ જ કારણ છે કે યુરોપમાં ઓમિક્રૉન ફેલાયા છતાં, સંક્રમણને નિયંત્રિત કરવામાં તથા પર્યટકો માટે દેશના દરવાજા ખુલ્લા રાખવામાં યુએઈ સફળ થયું છે.

મહામારીના કારણે યુએઈના સૌથી વધારે વસ્તી ધરાવતા શહેર દુબઈએ પણ પોતાને વૈશ્વિક પર્યટન સ્થળમાંથી પોતાના લોકોની સુરક્ષા કરનારા શહેરમાં બદલી નાખ્યું છે.

મિર્ઝામ ચૉકલેટ કંપનીના મુખ્ય ચૉકલેટ અધિકારી કૅથી જૉનસ્ટન 30 વર્ષથી દુબઈમાં રહે છે.

તેમણે કહ્યું કે, "અમારે બધાએ એકબીજાની સુરક્ષા માટે સાથે મળીને કામ કરવું પડ્યું. લોકો સ્થાનિક વિચારો અને પરિયોજનાઓને સમર્થન આપે છે. વસ્તુઓ ભલે ધીમી ગતિએ, પણ આગળ વધી રહી છે. બે વર્ષ પહેલાંની તુલનાએ મને લાગે છે કે હું કોઈ બીજા ગ્રહ પર આવી ગઈ છું, અને મને આ પસંદ છે."

યુએઈમાં શા માટે જવું જોઈએ?

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમયે અહીંનું હવામાન સારું છે. દુબઈમાં રહેતા તલા મોહમ્મદ કહે છે, "દુબઈ આવવા માટે ઑક્ટોબરથી મે વર્ષનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે, કેમ કે સમુદ્રતટ પર વધારે ગરમી નથી હોતી."

એનો મતલબ એ થયો કે એવા હવામાનમાં આઉટડોર ઇવેન્ટ્સ અને રંગીન સાંજોની રોનક ફરી એક વાર પાછી આવી જાય છે. આ તટીય શહેરનાં અનેક સ્થળે ઠેર ઠેર આવી મનોરંજક પ્રવૃત્તિઓ જોવા મળે છે.

આ શહેર છ મહિના સુધી ચાલનારા 'ઍક્સ્પો 2020'ની પણ યજમાની કરી રહ્યું છે, જે માર્ચ 2022 સુધી ચાલશે. આ ઍક્સ્પોમાં દુનિયાભરની અગ્રિમ કંપનીઓના સ્ટૉલ છે.

એમાં સામેલ કંપનીઓ પોતાનાં વિવિધ અનોખાં ઉત્પાદનો અને ભવિષ્યની યોજનાઓની બ્લૂપ્રિન્ટ પ્રદર્શિત કરે છે.

કૅથી જૉનસ્ટને જણાવ્યું કે, "ઍક્સ્પોમાં જવાનું ભૂલતા નહીં. એના માટે પૂરું એક અઠવાડિયું ફાળવી દેજો. તમારે જાપાની સુશીને માટે ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવું પડે તો એનાથી કશો ફરક નથી પડતો. ઍક્સ્પો સેન્ટરમાં રેસ્ટરાં 'બૅરન'ની ખજૂરની ખીરનો સ્વાદ માણો અને ઑસ્ટ્રિલિયન સ્ટૉલમાં આસમાનની નીચે તારાનાં સપનાં જુઓ."

અનન્ય સફર

સૌર ઊર્જા, જળસંરક્ષણ, ગ્રીન બિલ્ડિંગ અને બુનિયાદી માળખા પાછળ ખૂબ મોટો ખર્ચ કરવા સાથે મજબૂત વ્યવસ્થા ઊભી કરવા માટે દુબઈએ છેલ્લા એક દાયકામાં આકરી મહેનત કરી છે.

ઍક્સ્પો 2020માં સસ્ટેનેબિલિટી પેવેલિયન અલગથી બનાવાયું છે. એમાં એક સોલર ટ્રી જોવા મળે છે જે ઊર્જા અને છાયા બંને આપે છે.

પેવેલિયનનું અન્ય એક આકર્ષણ 9000 છોડ અને જડીબુટ્ટીઓ સાથે બનાવાયેલું મોટું વર્ટિકલ ફાર્મ છે.

કૅથી જૉનસ્ટને જણાવ્યું કે, "છેલ્લાં બે વરસમાં ઘણાં બધાં રેસ્ટરાં ખૂલ્યાં છે. મહામારીએ અણધારી રીતે જ સ્થાનિક સામગ્રી અને કુશળ રસોઇયાને પોતાની પ્રતિભા દેખાડવાની તક આપી છે."

તલા મોહમ્મદે જણાવ્યું કે સ્થાનિકની સાથે જાપાની વ્યંજનોનો સ્વાદ માણવા માટે ઈડન હાઉનનું રૂફટૉપ રેસ્ટરાં મૂનરાઇઝમાં જઈ શકાય.

તેમણે ઉમેર્યું કે, "ઉદાહરણ તરીકે એક સ્પૅનિશ વ્યંજન ચુતોરો છે, જેમાં દુબઈથી 100 કિલોમીટર દૂર આવેલા રસ-અલ-ખૈમાહના મધનો ઉપયોગ કરાય છે. માત્ર આઠ જણ બેસી શકે એવા આ રેસ્ટરાંમાં પહેલેથી બુકિંગ કરાવવું પડે છે."

એ જ શહેરમાં રહેતાં વિભા ધવન એક ટ્રાવેલ કંપનીનાં પર્યટન સલાહકાર પણ છે. તેઓ 'બોકા' રેસ્ટરાંમાં જવાની સલાહ આપે છે. એ રેસ્ટરાં સંયુક્ત આરબ અમીરાતના ફિશ ફાર્મની સૅમન (એક પ્રકારની માછલી) અને સ્થાનિક ઊંટડીના દૂધનો ઉપયોગ કરે છે.

આ બધા ઉપરાંત, 'ધ સમ ઑફ અસ' રેસ્ટરાં દુબઈના એ કેટલાક પસંદગીના કૅફેમાંનો એક છે જે એવોકાડોનાં બીથી બનેલી સ્ટ્રૉનો ઉપયોગ કરે છે. જે ગ્રાહક ઘરેથી રિયૂઝેબલ કપ લઈને આ રેસ્ટરાંમાં આવે છે એમને દશ ટકા ડિસ્કાઉન્ટની ઑફર કરાય છે.

શહેરમાં પર્યાવરણપ્રેમ સાથે સંકળાયેલી આ કોશિશો નિરંતર થતી રહે છે, એ સમજવા માટે વિભા ધવન અમીરાત બાયો ફાર્મમાં જવાની સલાહ આપે છે. એ દેશનું સૌથી મોટું પ્રાઇવેટ સેક્ટરનું ઑર્ગેનિક ફાર્મ છે.

તેમણે જણાવ્યું કે, "ત્યાં તમે સમૂહમાં જાઓ. ત્યાં જવા માટે સાંજનો સમય સૌથી યોગ્ય રહેશે. એમ કરવાથી તમે ઘણા એકરમાં ફેલાયેલા એ ફાર્મને ખૂબ સારી રીતે જોઈ શકશો. ત્યાં આખું વર્ષ સ્વાદયુક્ત ઉત્તમ ભોજનની વ્યવસ્થા હોય છે."

વિભા ધવન સંયુક્ત આરબ અમીરાતના રણનો આનંદ માણવા માટે 'અલ-મહા રિસૉર્ટ અને સ્પા'ની ભલામણ કરે છે.

દુબઈના પહેલા નૅશનલ પાર્કમાં સ્થિત આ પંચતારક રિસૉર્ટનો ઉદ્દેશ રણના વાતાવરણની સાથોસાથ દુર્લભ અરબી હરણને સંરક્ષિત કરવાનો પણ છે.

આજે આ અરબી હરણોનું એક મોટું ઝુંડ, જેમાં 300થી વધુ હરણ હશે, કશા જોખમ કે ભય વિના અહીં ખુલ્લેઆમ ફરે છે.

એમના માટે દાયકાઓથી કામ થઈ રહ્યું છે. અહીં મુલાકાતે આવનારા લોકો માટે સાઇટ પર ફીલ્ડ ગાઇડની સાથે પગપાળા, જીપમાં, ઊંટ કે ઘોડા પર નૅશનલ પાર્કમાં ફરવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

શહેરની વચ્ચોવચ તાજેતરમાં જ બનેલી '25 અવર્સ વન સેન્ટ્રલ' હૉટેલ એક નવો જ અનુભવ કરાવે છે. સહેલાણીઓને આકર્ષવા માટે અહીં અરબીશૈલીમાં વાર્તા-ટુચકા કહેવામાં આવે છે.

હૉટેલની લૉબી 5000થી વધારે પુસ્તકોવાળી એક ગોળાકાર 'ફાઉન્ટેન ઑફ ટેલ્સ' લાઇબ્રેરીથી શરૂ થાય છે.

આ લાઇબ્રેરીમાં સ્થાનિક કલાકારોની કલા જોવા મળે છે. આખી હોટલમાં વિચરતી અરબ જનજાતિઓના જીવનનું સુંદર ચિત્રણ રજૂ કરતી પ્રાચીન અને આધુનિક કલાકૃતિઓ જોવા મળે છે.

ત્યાં જતાં પહેલાં શી તપાસ કરવી જોઈએ?

ઓમિક્રૉન વૅરિયન્ટના કારણે પર્યટક-પ્રતિબંધો બહુ ઝડપથી બદલાય છે, માટે છેલ્લામાં છેલ્લી જાહેરાત અને નિયમો જાણવા માટે યુએઈ ટ્રાવેલ ટૂ દુબઈ વેબસાઇટ અચૂક જોવી જોઈએ.

હાલ તો દુબઈ એવા સહેલાણીઓ માટે ખુલ્લું છે જેમણે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા માન્યતાપ્રાપ્ત રસી લીધેલી છે. જોકે, ત્યાં પહોંચીને પ્રવાસીઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડે છે.

પ્રવાસીઓએ યુએઈની માન્યતાપ્રાપ્ત ઍપ 'અલ હસન' ડાઉનલૉડ કરવી જોઈએ જે કોવિડ ટેસ્ટનાં પરિણામ અને રસીકરણની તાજા સ્થિતિ દર્શાવવા માટે રંગ આધારિત કોડ સિસ્ટમનો ઉપયોગ કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો