બ્લડપ્રેશરને કાબૂમાં રાખવા માટે આ ત્રણ વસ્તુ ફાયદાકારક છે?

બ્રિટનના ડૉક્ટર ક્રિસ વાન ટુલ્લેકેને તપાસ કરી છે કે શું ખરેખર લસણ, બીટ અને તરબૂચથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે. ખરેખર સાચી વાત શું છે?

હૃદયની બીમારી હોય તેમના માટે લોહીનું ઊંચું દબાણ મોટું જોખમ હોય છે. બ્રિટનમાં આ બીમારીથી સૌથી વધારે લોકોનાં મોત થાય છે.

આ ત્રણેય પદાર્થો માટે દાવા કરવામાં આવે છે તે ખરેખર સાચા હોય તો પછી ત્રણેયનું સેવન 'જીવનરક્ષક' સાબિત થઈ શકે છે.

લંડનની કિંગ્ઝ કૉલેજના ડૉય ઍન્ડી વેબ પણ આ ખાદ્યપદાર્થો માટે કરવામાં આવી રહેલા દાવાની સચ્ચાઈ જાણવા માટે મોટા પાયા પર પ્રયાગો કરી રહ્યા છે.

તેમણે એ સમજવાની કોશિશ કરી છે કે આ ખાવાથી ખરેખર અસર થાય છે ખરી.

આ પ્રયોગો કેવી રીતે કરવામાં આવ્યા?

આ પ્રયોગમાં બ્લડપ્રેશરથી પીડાતા કુલ 28 વૉલિન્ટિયર પસંદ કરવામાં આવ્યા હતા. આ બધા લોકોનું ઉપરનું લોહીનું દબાણ 130mm સુધી આવતું હતું.

સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિનું લોહીનું દબાણ 120 આસપાસ હોય છે. આ સ્વંયસેવકોને ત્રણ જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા હતા.

પ્રથમ અઠવાડિયે 'જૂથ-1'ના સ્વંયસેવકોને રોજ લસણની ત્રણ કળીઓ ખાવા આપવામાં આવી. 'જૂથ-2'ના લોકોને તરબૂચની બે ચીરી રોજ ખાવાનું કહેવાયું હતું. 'જૂથ-3'ના સભ્યોને રોજ બીટના બે ટુકડા ખાવા માટે અપાયા હતા.

બીજા અને ત્રીજા અઠવાડિયે આ દરેક જૂથને આપવામાં આવેલી ખાવાની વસ્તુઓ બદલવામાં આવી હતી.

આ રીતે ત્રણ અઠવાડિયામાં ત્રણેય જૂથના લોકોએ ત્રણેય વસ્તુઓ વારાફરતી આહારમાં લીધી હતી.

લસણ, બીટ અને તરબૂચમાં ખાસ શું હોય છે?

આપણે મીડિયામાં 'સુપરફૂડ્સ' એવું વાંચીએ ત્યારે બહુ ધ્યાન આપતા હોતા નથી. પરંતુ એ વાત પણ સાચી છે કે ખાણીપીણીની વસ્તુઓ આપણા શરીર પર અસર કરતી હોય છે.

એથી જ અમે આ ત્રણેય ચીજોનું પરીક્ષણ કર્યું, જેથી જાણી શકાય કે તેને ખાવાથી લોહીનું દબાણ કાબૂમાં રહે છે કે કેમ.

સિદ્ધાંતની રીતે આ ત્રણેય વસ્તુઓથી બ્લડપ્રેશર ઓછું થાય છે.

આ પદાર્થો ખાવાથી એવી અસર થાય છે કે આપણી લોહીની નસો વધારે પહોળી થઈ જાય છે. તેના કારણે લોહીનું પરિભ્રમણ સરળ બને છે. જોકે ત્રણેયની અસર એક સરખી રીતે થતી નથી.

ટેસ્ટનાં પરિણામો શું આવ્યાં?

સ્વંયસેવકોનું બ્લેડપ્રેશર સવારે અને સાંજે રોજ બે વાર માપવામાં આવતું હતું. ત્રણ વાર માપવામાં આવતું હતું અને તેમાંથી સરેરાશ કાઢવામાં આવતી હતી.

આ રીતે આંકડા એકઠા કરીને ત્રણેય વસ્તુઓ ખાવાથી શું થાય છે તે જાણવામાં આવ્યું. કયા પદાર્થની વધારે અસર થાય છે તેનો અંદાજ પણ આ આંકડાથી આવ્યો.

આ પ્રયોગમાં ભાગ લેનારા સ્વંયસેવકો રાબેતા મુજબની જિંદગી વિતાવતા હતા. તે દરમિયાન તેમનું સરેરાશ દબાણ 133.6mm રહ્યું હતું. બીટ ખાનારાનું સરેરાશ બ્લેડપ્રેશર 128.7mm આવ્યું હતું, જ્યારે લસણ લેનારાનું સરેરાશ દબાણ 129.3mm નોંધાયું હતું.

આ પ્રયાગ નાના જૂથમાં કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી જે આંકડા મળ્યા તે અન્ય લોકોએ કરેલા આ પ્રકારના મોટા અભ્યાસની સાથે મળતા આવે છે.

લોહીના ઊંચા દબાણ તથા હૃદયની બીમારી વચ્ચેનો સંબંધ જાણવા માટે કરવામાં આવેલા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે લોહીનું દબાણ નીચું રાખી શકાય તો સ્ટ્રૉક અને હાર્ટ ઍટેકેનું જોખમ 10 ટકા સુધી ઘટી જાય છે.

તરબૂચના સેવનથી ખાસ કોઈ ફરક પડેલો જણાયો નથી. તેના સેવન પછી બ્લડપ્રેશર 129.8mm સુધી રહ્યું હતું. આનું કારણ કદાચ એવું છે કે તરબૂચમાં પાણી વધારે હોય છે, જ્યારે સક્રિય તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે.

પ્રયોગથી શું જાણવા મળ્યું?

અમારા આ નાના પ્રયોગથી જાણવા મળ્યું કે બીટ અને લસણ નિયમિત આહારમાં લેવાથી બ્લડપ્રેશર ઘટાડવામાં સહાય મળે છે. જોકે માત્ર એ બે પદાર્થો જ લેવાથી એવું થાય તેવું નથી હોતું.

બીટમાં મુખ્યત્વે નાઇટ્રેટ હોય છે. આ પદાર્થ મોટા ભાગની લીલાં શાકભાજીમાં જોવા મળે છે. કોબી, પાલક વગેરેમાં તે પદાર્થ મળે છે.

લસણમાં મુખ્યત્વે એલિસિન મળે છે, જે ડુંગળી અને તેના જેવા પદાર્થોમાં પણ મોટા પ્રમાણમાં મળે છે.

આ પ્રયોગથી એવું જાણવા મળ્યું કે એવી ઘણી વસ્તુઓ છે, જે આપણા બ્લડપ્રેશરને ઓછું રાખવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે તેનો આહારમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તેના આધારે તેની અસર જોવા મળતી હોય છે.

શાકભાજીમાં નાઇટ્રેટ કેવી રીતે જાળવી રાખવા?

  • સલાડ અને શાકભાજીને કાચાં ખાવાં જોઈએ. શાકભાજીમાં નાઇટ્રેટ મળે છે તે તેને પકવવામાં આવે તે પછી રહેતું નથી. તેને શેકવામાં આવે ત્યારે પણ નાઇટ્રેટનું પ્રમાણ ઓછું થઈ જાય છે.
  • નાઇટ્રેટ પાણીમાં ભળી જાય છે. તેથી શાકભાજી પાણીમાં ઉકાળવામાં આવે ત્યારે કેટલુંક નાઇટ્રેટ પાણીમાં જતું રહે છે. અથાણું બનાવવામાં આવે ત્યારે પણ તે પદાર્થમાંથી નાઇટ્રેટ નાબૂદ થઈ જાય છે.
  • બીટને તેની છાલ સાથે જ ઉકાળવું જોઈએ. તેને કાપીને અને છાલ દૂર કરીને ઉકાળવામાં આવે તે ખોટું ગણાય.
  • બીટનો રસ પીવો જોઈએ, કેમ કે રસમાં નાઇટ્રેટ સૌથી વધુ સુરક્ષિત રહે છે.
  • સૂપ બનાવી શકાય, કેમ કે પાણીમાં ભળી ગયેલું નાઇટ્રેટ સૂપમાં રહી જાય છે.
  • શાકભાજીને ઉકાળવાના બદલે તેને વરાળથી પકાવવા જોઈએ. ઉકાળવા માટે ઓછું પાણી લો અને તે પાણીનો સૂપ કે અન્ય એવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરો.

લસણનો ઉપયોગ કેવી રીતે કરવો?

લસણને લસોટી શકાય છે અથવા તેના બહુ નાના ટુકડા કરી શકાય છે. લસણને જેટલું લસોટવામાં આવે તેટલું વધારે એલિસિન તેમાંથી નીકળે છે.

લસણને કાપવામાં આવે કે પીસવામાં આવે તે પછી તરત તેનો ઉપયોગ થવો જોઈએ. સૂપ અથવા શાકમાં તેને ઉપરથી નાખી શકાય છે. ટોસ્ટ અને મશરૂમમાં પણ તેનો ઉપયોગ થાય છે.

તાજા લસણને કાપવામાં આવે કે પીસવામાં આવે તે વખતે જ એલિસિન નીકળી જાય છે અને તેનો તરત ઉપયોગ કરવામાં ના આવે તો તે બગડવા લાગે છે.

લસણને માઇક્રોવેવમાં ના મૂકશો. ગરમ કરવામાં આવે ત્યારે એલિસિન ઓછું થવા લાગે છે. માઇક્રોવેવમાં તેનો સાવ જ નાશ થઈ જાય છે.

ચેતવણી: લસણનો વધારે પડતો ઉપયોગ સારો નથી. તેના કારણે પેટમાં બળતરા થઈ શકે છે અને પાચન પર અસર થઈ શકે છે.

જીવનશૈલી બદલવાથી પણ લોહીનું દબાણ ઘટાડી શકાય

ઘણા લોકોએ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને થોડા જ દિવસોમાં હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં સફળતા મેળવી છે. આ માટે નીચે પ્રમાણે સલાહ આપવામાં આવે છે:

  • શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ.
  • ખાણીપીણીની આદત સારી રાખવી જોઈએ. વાસી ભોજન ના લેવું. સંતુલિત ભોજન લેવું અને પૂરતા પ્રમાણમાં તાજાં શાકભાજી લેવાં જોઈએ.
  • શરાબ અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.
  • વજનને કાબૂમાં રાખો.
  • રોજ 6 ગ્રામથી વધારે નમક ખાવું જોઈએ નહીં.
  • ચા, કૉફી અને ઠંડાં પીણાં ઓછામાં ઓછા લેવાં જોઈએ. દિવસમાં ચારથી વધારે કપ કૉફી લેવાથી લોહીનું દબાણ વધી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો