મહારાષ્ટ્ર બારવ ઝુંબેશ : ભૂલી જવાયેલાં વાવ-કૂવાને નવજીવન આપતું આ અભિયાન શું છે?

    • લેેખક, જાહ્નવી મુલે
    • પદ, બીબીસી મરાઠી પ્રતિનિધિ

"હું વૃદ્ધ થઈશ ત્યારે મારી જાતને પૂછીશ કે હું પાંચ કરોડ રૂપિયા કમાયો કે મેં પગથિયાંવાળી 500 વાવ બચાવી? મને 500 વાવ બચાવ્યાનો ગર્વ વધારે હશે."

રોહિત કાળે બારવ વિશે નિખાલસતાપૂર્વક વાત કરે છે. મરાઠીમાં બારવ એટલે પગથિયાંવાળી વાવ. આવી વાવને પાણીના સંગ્રહસ્થાન ઉપરાંત સ્થાપત્યની ઉત્તમ કૃતિ પણ ગણવામાં આવે છે.

'વાવ' શબ્દ સાંભળતાની સાથે જ ગુજરાત અને રાજસ્થાનમાં બેનમૂન કલાકૃતિઓ ધરાવતી વાવ યાદ આવે છે.

ગુજરાતમાં જાણીતી અડાલજની વાવ, પાટણની રાણકી વાવ અને જૂનાગઢમાં અડીકડી વાવ છે. જોકે, આ સિવાય પણ રાજ્યમાં એવી સેંકડો વાવ છે, જે મૃતપાય હાલતમાં છે.

પણ આજે આપણે મહારાષ્ટ્રની વાત કરવાની છે. રાજ્યમાં આવી વાવોના સંવર્ધન માટે રોહન અને તેમના દોસ્તોએ 'મહારાષ્ટ્ર બારવ મોહિમ' શરૂ કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આકાશવાણી પરના તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં રોહનના કામની નોંધ લીધી હતી.

મહારાષ્ટ્રમાં આવી સેંકડો વાવ આવેલી હોવાનું આ અભિયાનને કારણે બહાર આવ્યું હતું.

રોહન કહે છે કે "મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ વાવ આવેલી છે એવું હું કહું છું ત્યારે લોકો પૂછે છે કે એ ક્યાં છે, તેની માહિતી આપો. આજે હું અધિકારપૂર્વક કહી શકું છું કે અમારી પાસે 1650 વાવની વિગતવાર નોંધ છે."

બે મિત્ર, બાઈક અને અભિયાનનો પ્રારંભ

2020માં લૉકડાઉન દરમિયાન રોહને આ અભિયાનની શરૂઆત કરી હતી. રોહન એ સમયે એક ફાર્મા કંપનીના એચઆર વિભાગમાં કામ કરતો હતો.

વાસ્તવમાં તેને જળસંવર્ધન કે એવી કોઈ બાબત સાથે સંબંધ ન હતો. મિત્ર સાથે બાઈક પર રખડપટ્ટી દરમિયાન આ અભિયાનની શરૂઆત થઈ હોવાનું તે જણાવે છે.

રોહન કહે છે કે "હું અને મારો દોસ્ત મનોજ સિનકર સાથે ટ્રેકિંગ કરતા હતા, બાઈક રાઈડ પર જતા હતા. એ રીતે સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે આવી વાવ અત્યંત ખરાબ અવસ્થામાં છે."

રોહન અને મનોજે વાવની વિગત નોંધવાનું શરૂ કર્યું હતું, પણ તેઓ માત્ર વિગત નોંધીને અટક્યા ન હતા.

રોહન કહે છે કે "જે કંઈ કરવું તે વ્યાપક રીતે કરવું અને અભિયાન એકસાથે શરૂ કરવું એવું વિચારીને અમે બધું આયોજન કર્યું હતું. અમે શરૂઆત માર્ચમાં કરવાના હતા, પરંતુ એ જ વખતે સમગ્ર દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું."

લૉકડાઉનમાં પ્રવાસની છૂટ મળ્યા બાદ રોહન એકલા પ્રવાસે નીકળી પડ્યા, પણ એ પ્રવાસ સરળ ન હતો.

'માતા-પિતાનો રોષ પણ સહન કર્યો'

રોહને ઑક્ટોબર 2020થી માર્ચ 2021 દરમિયાન વિવિધ તબક્કામાં રાજ્યમાં લગભગ 14,000 કિલોમીટરનો પ્રવાસ બાઈક પર કર્યો હતો. એ પ્રવાસ દરમિયાન લગભગ 400 વાવ તેમના ધ્યાનમાં આવી હતી.

રોહન કહે છે કે "મારી બાઈક પર આગળ બૅકપૅક, પાછળ લેપટૉપ બેગ અને બે સેડલ બેગ્ઝનો સથવારો હોય. જાડું જૅકેટ પહેરીને શિયાળા અને ઉનાળામાં એ પ્રવાસ કર્યો હતો.

રસ્તામાં પૈસા ખૂટી પડ્યા. ગઢચિરોલી સુધી જવું હતું, પણ અમરાવતીમાં બાઈકનું ટાયર ફાટ્યું ત્યારે મારી પાસે સાડા છ હજાર રૂપિયા બચ્યા હતા. બે દિવસ તો માત્ર એક-એક વડાંપાવ ખાઈને ચલાવ્યું હતું."

આ અભિયાન માટે રોહને નોકરીમાંથી બ્રેક લીધો હતો.

તેની વાત કરતાં રોહન કહે છે કે "હું નોકરી છોડીને આ બધું કરી રહ્યો છું એવું જાણ્યા પછી માતા-પિતા મારા પર બહુ ગુસ્સે થયાં હતાં. મેં તેમને કહ્યું હતું કે આ પ્રવાસ માટે હું કોઈની પાસેથી એકેય પૈસો માગીશ નહીં. જે કરીશ તે પોતાના ખર્ચે કરીશ. મહારાષ્ટ્ર માટે ગર્વભેર કંઈક મોટું કામ કરીશ."

મહારાષ્ટ્ર બારવ મોહિમ હેઠળ અત્યાર સુધીમાં 1650થી વધુ વાવ હોવાનું નોંધાયું છે.

વાવ વિશે લોક જાગૃતિ કેળવવા માટે રોહન અને તેના દોસ્તોએ દીપોત્સવનું આયોજન પણ કર્યું હતું.

ગત શિવરાત્રીએ એટલે કે 2022ની પહેલી માર્ચે મહારાષ્ટ્રમાં 160 ઠેકાણે વાવ, કૂવાની સફાઈ કરવામાં આવી હતી અને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

રોહન કહે છે કે "આ અભિયાનને લોકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. વીસરી જવાયેલા વાવ કૂવા હવે સોના જેવા કિંમતી બની ગયા છે."

ઐતિહાસિક વારસો

સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાયેલી આ વાવોનું નિર્માણ વિવિધ સમયે કરવામાં આવ્યું હતું. કેટલીક વાવ તો સેંકડો વર્ષ જૂની છે. દરેકનો આગવો ઇતિહાસ છે અને તેનું નિર્માણ અલગ-અલગ સ્થાપત્ય શૈલી મુજબ કરવામાં આવ્યું છે.

રોહન અને મનોજ આવા વાવ-કૂવાની નોંધ કરીને, તે વિશેની ઐતિહાસિક માહિતી એકત્ર કરીને અટક્યા ન હતા. તેમણે બધી વાવના જતન તથા સંવર્ધનનો નિર્ણય પણ કર્યો હતો.

તેમણે ઇતિહાસના અભ્યાસુઓ, નિષ્ણાતો, ટ્રેકર્સ અને કિલ્લાઓના સંવર્ધનનું કામ કરતા લોકોને આ અભિયાનમાં સામેલ કર્યા છે. રાજ્યમાંની બારથી વધુ આર્કિટેક્ચર કૉલેજોને પણ આ અભિયાનમાં સાંકળવામાં આવી છે.

એ સિવાય સરકારનો પુરાતત્ત્વ વિભાગ, ભૂજળ સર્વેક્ષણ અને વિકાસ વિભાગ તેમજ પ્રવાસન વિભાગને સાંકળવામાં આવ્યા છે. રાજ્યના પ્રવાસન વિભાગે તો આ અભિયાનમાં શોધી કાઢવામાં આવેલી મહત્ત્વની કેટલીક વાવની માહિતી પોતાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી આપી છે.

લોકોનું અભિયાન

જોકે, આ અભિયાનમાં મુખ્ય સહભાગ સામાન્ય નાગરિકોનો છે.

રોહન કહે છે કે "મેં શરૂઆત કરી ત્યારે 100-150 લોકોએ મદદ કરી હશે. આજે લગભગ દસથી વીસ હજાર લોકો આ અભિયાનમાં કાર્યરત્ છે."

"શ્રીગોંદા, અહમદનગરમાં પાંચ જણે મળીને પગથિયાંવાળી 70 વાવ શોધી કાઢી છે. પરભણી જિલ્લાના લોકો બહુ જાગૃત છે. મારું કામ આવા લોકોને એકત્ર કરવાનું છે. જેટલા વધારે લોકો જોડાશે તેટલું વધારે આ અભિયાન પ્રગતિ કરશે."

આ અભિયાનમાં જોડાયેલા લોકો પૈકીના કેટલાક સ્થાનિક સ્તરે કૂવાઓની સફાઈ, તેમાંથી ગાળ કાઢવાનું અને કૂવાઓને પુનર્જીવિત કરવાનું કામ કરતા હતા.

પરભણીમાં રહેતા મલ્હારીકાંત દેશમુખ કહે છે કે "અમે 2016થી આ કામ હાથમાં લીધું છે. રોહને પરભણી જઈને જે વાતાવરણ સર્જયું તેમાંથી અમે પ્રેરણા લીધી છે. ગ્રામીણ યુવકોને એકત્ર કરીને અમે આ કામ કરીએ છીએ. 22-23 વર્ષના યુવાનો સ્વખર્ચે અહીં આવે છે અને શ્રમદાન કરે છે. પરભણી જિલ્લામાં ચાલતું આ એક મોટું અભિયાન છે."

પરભણી માટે આ કામનું ખાસ મહત્ત્વ હોવાનું તેઓ જણાવે છે.

દુષ્કાળમાં રાહત

વારંવાર દુષ્કાળનો ભોગ બનતા મરાઠવાડા વિસ્તાર માટે આવી પ્રાચીન વાવોનો આધાર જરૂરી છે, એવું મલ્હારીકાંત માને છે.

તેઓ કહે છે કે "મરાઠવાડામાંની પ્રાચીન વાવો પ્રત્યે લોકોએ વ્યાપક દુર્લક્ષ સેવ્યું છે. તેથી પાણીનો આ પરંપરાગત સ્રોત નકામો બની ગયો હોય તેવું લાગે, પરંતુ જ્યારે-જ્યારે અહીં દુષ્કાળ પડ્યો છે ત્યારે-ત્યારે આ વાવોએ જ ગામને બચાવ્યું હોવાનું ઇતિહાસ જણાવે છે. આ વાવોની વિશિષ્ટતા એ છે કે તેમાં 20-30 ફૂટ નીચે જ પાણી ઉપલબ્ધ હોય છે."

માત્ર પરભણી જિલ્લામાં જ પેડગાવ, ચારઠાણા, રાણી સાવરગાવ, પિંગળી, હતનૂર, વાલૂર અને માનવત જેવાં અનેક ગામોમાં જૂની તથા સુંદર પગથિયાંવાળી વાવો આવેલી છે.

આપણા દેશમાં અને ખાસ કરીને રાજસ્થાન જેવા પાણીની અછતનો કાયમ સામનો કરતા રાજ્યમાં આવી વાવોને પુનર્જીવિત કરવાના પ્રયાસ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે.

જિંદાલ સ્કૂલ ઓફ આર્ટ ઍન્ડ આર્કિટેક્ચરના મોહિત ધિંગરા આવા એક પ્રકલ્પ પર કામ કરી રહ્યા છે. તેમણે બીબીસી સાથે વાત કરતાં વાવોના સંવર્ધનનું મહત્ત્વ જણાવ્યું હતું.

તેઓ કહે છે કે "ભારતમાં પાણીની એક ઈકૉ સિસ્ટમ છે, પરંતુ પાણીના પરંપરાગત સ્રોતનો ઉપયોગ બંધ થઈ ગયો છે. વાવોને પુનર્જીવિત કરવાથી લોકોને પાણીનો આ પરંપરાગત સ્રોત અને તેના પર આધારિત સામાજિક જીવન પાછું મળશે. પાણીના સંગ્રહની જંગી વાવોની ક્ષમતાને ધ્યાનમાં લેતાં પાણીની અછતના સમયમાં એ મહત્વનો આધાર બની શકે."

રોહન ભારપૂર્વક માને છે કે મહારાષ્ટ્રમાંના વાવ-કૂવાઓ પાણીની અછતની સમસ્યાનું નિરાકરણ આપી શકે છે.

રોહન કહે છે કે "આજે આપણે ત્યાં બધા ઘરમાં પાણીના નળ છે તેથી વાવો પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. આપણા પૂર્વજોએ ભૂજળના જીવંત સ્રોત પર બહુ વિચારીને વાવોનું નિર્માણ કર્યું હતું."

"આવી વાવોમાં ભરાયેલા ગાળને કાઢીને સાફ કરીએ, જર્જરિત વાવોનો પુનરુદ્ધાર કરીએ, તેની આજુબાજુ રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરીએ તો આપણને પાણીનો પુરવઠો સતત મળતો રહે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો