બાળકી દીપડાના બચ્ચાને બિલાડી સમજીને ઘરે લઈ આવી અને પછી...

    • લેેખક, પ્રવીણ ઠાકરે
    • પદ, બીબીસી મરાઠી માટે

નાશિક જિલ્લાના માલેગાંવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ખેડૂત પરિવારે એક અઠવાડિયું દીપડાના બચ્ચા સાથે વિતાવ્યું હતું. પરિવારે તેને બિલાડીનું બચ્ચું માન્યું અને તેને ઘરે રાખ્યું હતું.

મોરઝર શિવાર રાવસાહેબ ગંગારામ ઠાકરેનું માલેગાંવ તાલુકામાં ખેતર છે અને ખેતરમાં જ ઘર બાંધીને રહે છે. એક અઠવાડિયા પહેલાં, ખેતરમાં રમતાં પરિવારનાં બાળકોએ બિલાડીના બચ્ચા જેવું દેખાતું એક બચ્ચુ જોયું.

બાળકો બિલાડીના બચ્ચા જેવા આ બચ્ચા સાથે રમવા માંડ્યાં. કારણ કે બચ્ચાનો રંગ અલગ હતો અને તે એકદમ સુંદર દેખાતું હતું.

જોકે, પાછળથી જ્યારે પરિવારને ખબર પડી કે તેઓ રમાડી રહ્યા છે તે બિલાડીનું નહીં દીપડાનું બચ્ચું છે તો તેમને પરસેવો વળી ગયો.

આ દીપડાની માતા પરત ન ફરતાં આખરે બચ્ચાને વનવિભાગને સોંપવામાં આવ્યું હતું.

દીપડાના બચ્ચા સાથે શું થયું?

આ દીપડાના બચ્ચાની સંભાળ ખેડૂત પરિવાર દ્વારા પરિવારના એક સભ્યની જેમ લેવામાં આવી હતી.

તેને દરરોજ 1.5 લિટર દૂધ આપવામાં આવતું હતું. એટલું જ નહીં, પરંતુ પરિવારે એ વાતનું પણ ધ્યાન રાખ્યું કે રોજ રાત્રે તેને ઘરની બહાર લઈ જવું જેથી તેની માતા આવીને લઈ જાય.

પરંતુ તેની માતા પોતાના બચ્ચાને લેવા આવી નહીં.

'બચ્ચુ પણ ઘર છોડવા તૈયાર નહોતું'

આ અંગે માહિતી આપતા માલેગાંવના વનઅધિકારી વૈભવ હિરે જણાવે છે કે, "છેલ્લા કેટલાક દિવસોથી વહીવટી તંત્રને ખેડૂતો તરફથી દીપડી અને તેનું બચ્ચુ જોવા મળતું હોવાની ફરિયાદો મળતી હતી."

"પ્રથમ નજરે લાગે છે કે બચ્ચુ તેના પરિવારથી વિખૂટું પડીને માનવવસાહત તરફ આવી ચડ્યું હશે."

"દીપડાનું બચ્ચું કૃષ્ણરાવ ઠાકરેના ઘરની આસપાસ ફરતું જોવા મળ્યું. પછી ઘરનાં બાળકો બચ્ચાને રમાડવા લાગ્યાંને બચ્ચુ પણ તેમનું ઘર છોડીને જવા તૈયાર નહોતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો