જળવાયુ પરિવર્તન : વિશ્વનાં એવાં પાંચ શહેરો, જે હવે પાણીમાં ડૂબી ગયાં છે

સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે. તેનું પરિણામ એ છે કે અમુક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક હિમવર્ષા જોવા મળી રહી છે, તેમજ ભીષણ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે.

એવા પણ રિપોર્ટો આવ્યા છે જેમાં દાવો કરાયો છે કે ભારતનાં મુખ્ય શહેરો જેમ કે, કોલકાતા અને મુંબઈ વર્ષ 2050 સુધી જળમગ્ન થઈ જશે.

જોકે, વિશ્વમાં હાલ પણ એવાં કેટલાંક શહેરો છે જ્યાં ક્યારેક અપાર માનવવસતિ હતી પરંતુ હવે તે પાણીમાં ડૂબી ચૂક્યાં છે. અને તેમના અવશેષ જોવા માટે પર્યટકોએ સ્કૂબા ડાઇવિંગનો આશરો લેવો પડે છે.

બાયા, ઇટાલી

ક્યારેક રોમવાસીઓ માટે પાર્ટી માટેનું સ્થળ રહી ચૂકેલ ઇટાલીનું બાયા શહેર તેના વાતાવરણ, ગરમ પાણીનાં ઝરણાં-તળાવો અને અસાધારણ દેખાતી ઇમારતોને કારણે પ્રસિદ્ધ હતું. રોમન સમ્રાટ જૂલિયસ સીઝર અને નીરો બંનેના અહીં શાનદાર હૉલિડે વિલા હતા અને ઈસ 138માં સમ્રાટ હદ્રિયનનું નિધન પણ આ જ શહેરમાં થયું હતું.

દુર્ભાગ્યે જે જ્વાળામુખીય પ્રવૃત્તિઓને કારણે ત્યાં પ્રસિદ્ધ ગરમ પાણીનાં ઝરણાં બન્યાં તેના જ કારણે આ શહેરો જળમગ્ન થઈ ગયાં.

આ શહેર નેપલ્સની નજીક એક સુપરવૉલ્કેનો એટલે કે વિશાળ જ્વાળામુખી, કૅંપી ફ્લેગ્રેઈ (ફેલગ્રેયન ફીલ્ડ્સ) ઉપર વસેલું હતું.

સમય સાથે, બ્રેડિસિઝ્મ થયું, એટલે એક એવી ભૌગોલિક ઘટના. જેના કારણે બાયાની જમીન ધીમેૃધીમે ચારથી છ મીટર ઊંડી જતી રહી અને આ શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં સમાઈ ગયા.

વર્ષ 2002 બાદથી, બાયાના અંડરવૉટર એટલે કે જળમગ્ન વિસ્તારોને સ્થાનિક પ્રશાસને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરી દીધા.

તેનો અર્થ એ છે કે હવે માત્ર લાઇસન્સ પ્રાપ્ત સ્કૂબા ડાઇવરો જ સ્થાનિક ગાઇડો સાથે પાણીની અંદર રહેલા ખંડેર વિશે જાણી શકે છે.

થોનિસ હેરાક્લિઓન, મિસ્ર

પ્રાચીન કહાણીઓમાં ઘણી વાર ઉલ્લેખ કરાયો છે કે થોનિસ હેરાક્લિઓન જ એ જગ્યા હતી જ્યાં ગ્રીક નાયક હેરાક્લીઝ (હરક્યૂલિઝ)એ મિસ્રમાં પ્રથમ પગલું મૂક્યું હતું.

એવું પણ કહેવાય છે કે ઇતિસાહમાં સૌથી પ્રસિદ્ધ સંઘર્ષો પૈકી એક ટ્રોજન યુદ્ધમાં સામેલ થવા પહેલાં ત્યાના રાજા પેરિસ પણ પોતાનાં પ્રેમિકા હેલેન સાથે આ શહેરમાં ગયા હતા.

આ શહેરનું ‘થોનિસ’ નામ મૂળ રૂપે મિસ્રનો શબ્દ છે, જ્યારે ગ્રીક નાયક હરક્યૂલિઝના સન્માનમાં તેને હેરાક્લિઓન તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

નીલ નદીના પશ્ચિમ બાજુના મુખ પર સ્થિત આ એક સમૃદ્ધ બંદર હતું.

60 જહાજો અને 700 કરતાં વધુ જહાજ ઊભા રાખવા માટેનાં લંગરો મળી આવવાં એ એ વાતનો પુરાવો છે કે ભૂમધ્યસાગર પારથી માલ આ શહેરમાં નહેરોના નેટવર્કથી થઈને પસાર થતો હતો.

પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા આ શહેરમાંથી અત્યાર સુધી મળી આવેલ કલાકૃતિઓમાંથી એક સૌથી આકર્ષક ડિક્રી ઑફ સાસ છે. આ બે મિટર ઊંચા કાળા પથ્થરથી બનેલ તખત જેવા ખંડને સ્ટેલે નામથી પણ ઓળખાવવામાં આવે છે.

ઈસ પૂર્વે ચોથી સદીની શરૂઆતની ચિત્રલિપિ સાથે તેને કંડારવામાં આવ્યું છે, જે તે સમયના મિસ્રના કરાઘાન પ્રણાલીના મહત્ત્વપૂર્ણ વિવરણને દર્શાવે છે.

તેની સાથે જ એ પણ પુષ્ટિ કરે છે કે થોનિસ-હેરાક્લિઓન એક શહેર હતું.

ડર્વેંટ, ઇંગ્લૅન્ડ

ડર્બીશાયરના ડર્વેંટ ગામને લેડીબોવર જળાશય બનાવવા માટે જાણીજોઈને જળમગ્ન કરી દેવાયું હતું.

20મી સદીના મધ્યમાં ડર્બી, લીસેસ્ટર, નૉટિંઘમ અને શેફિલ્ડ જેવાં શહેરોનો વિસ્તાર થતો ગયો અને ત્યાંની વધતી જતી વસતિને વધુ પાણીની જરૂરિયાત હતી.

આ જરૂરિયાતને પૂરી કરવા માટે એક બાંધ અને જળાશય બનાવવાની આવશ્યકતા હતી.

મૂળપણે હાઉડેન અને ડરવેંટ નામનાં બે જળાશય બનાવવાની યોજના હતી અને ગામને આ યોજનાથી બહાર રાખવામાં આવ્યું હતું.

જોકે, અમુક સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું કે માત્ર બે જળાશયો ઓછાં પડશે અને ત્રીજા જળાશયની આવશ્યકતા હતી.

વર્ષ 1935માં તેનું કામ શરૂ થયું અને 1945 આવતાં આવતાં ડર્વેંટ ગામ સંપૂર્ણપણે પાણીમાં સમાઈ ગયું હતું.

ભીષણ ગરમી ટાણે, લેડીબોવર જળાશયનું જળસ્તર એટલું ઘટી જતું કે ડર્વેંટ ગામના અવશેષ દેખાવા લાગે છે અને અહીં રહેલ કાટમાળ વચ્ચે ફરી શકાય છે.

વિલા એપેક્યૂએન, આર્જેન્ટિના

વિલા એપેક્યૂએનનું તળાવસ્થિત એક રિસૉર્ટ લગભગ 25 વર્ષ સુધી પાણીમાં ગરકાવ રહ્યા બાદ વર્ષ 2009માં એક વાર ફરીથી સામે આવ્યું.

વર્ષ 1920માં બનાવાયેલું લેક એપેક્યૂએન નામ આ રિસૉર્ટે એવા મુસાફરોને આકર્ષિત કરવા માટે હતું જે તેના મીઠાવાળા પાણીમાં નહાવાની ઇચ્છા ધરાવતા હતા.

કહેવાય છે કે આ રિસૉર્ટ જે સૉલ્ટ લેકના કિનારે સ્થિત હતું, ત્યાંના પાણીમાં ઘણી બીમારીઓના ઉપચાર સંબંધિત ગુણ હતા.

આ સરોવરમાં આપમેળે પાણી આવતું અને સુકાઈ પણ જતું, પરંતુ વર્ષ 1980 બાદ ઘણાં વર્ષો સુધી ભારે વરસાદના કારણે જળસ્તર વધવાનું શરૂ થઈ ગયું.

વધુ સુરક્ષા માટે એક ધનુષાકાર દીવાલનું નિર્માણ કરાયું હતું.

નવેમ્બર, 1985માં એક વાવાઝોડા બાદ સરોવર છલકાઈ ગયું અને પાણી બહાર આવવા માંડ્યું જેના કારણે દીવાલ તૂટી ગઈ અને શહેર દસ મીટર ખારા પાણીમાં દટાઈ ગયું.

જોકે, વર્ષ 2009 બાદથી અહીંનું જળસ્તર ઘટી રહ્યું છે અને ફરી એક વાર વિલા એપેક્યૂએન દેખાવા લાગ્યું છે.

પોર્ટ રૉયલ, જમૈકા

આજકાલ પોર્ટ રૉયલ એક એવું ગામ છે જ્યાં કોઈ ઊંઘતાં-ઊંઘતાં પણ માછલી પકડી શકે છે. પરંતુ 17મી સદીમાં અહીં મોજૂદ સમુદ્રના લૂંટારાઓની વસતિના કારણે જ તે ઓળખાતું હતું.

નવી દુનિયામાં વેપારનું મુખ્ય કેન્દ્ર પોર્ટ રૉયલનો ઝડપથી વ્યાપ થયો હતો.

વર્ષ 1662માં અહીં 740 નિવાસી રહેતા હતા પરંતુ 1692 સુધી અહીંની સંખ્યા વધીને 6,500થી દસ હજાર વચ્ચે થઈ ગઈ હોવાનું અનુમાન છે.

અહીંના લોકો ઈંટ કે લાકડાથી બનેલાં ઘરોમાં રહેતા હતા, જે સામાન્યપણે ચાર માળનાં હતાં.

સાત જૂન, 1692 એ દિવસ હતો જ્યારે બપોરના સમયે પોર્ટ રૉયલ ભયંકર ભૂકંપના કારણે ધણધણી ઊઠ્યું અને તે બાદ સુનામી આવી.

અનુમાન પ્રમાણે, આના કારણે શહેરનો બે તૃતિયાંશ ભાગ પાણીમાં સમાઈ ગયો. એવું માનવામાં આવે છે કે એ દિવસે લગભગ બે હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અહીં મોજૂદ સંરક્ષિત ખંડેર અને સેંકડોમાં ડૂબેલાં જહજો જોવા માટે સ્કૂબા ડાઇવિંગ કરવું સંભવ છે, પરંતુ તેના માટે સ્થાનિક અધિકારીઓ પાસેથી પરવાનગી લેવી પડે છે.

*આ લેખ મૂળ અંગ્રેજીમાં BBC Bitesize પર પ્રકાશિત કરાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો