You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જે.એસ. બંદૂકવાલા : એ ઓલિયા પ્રોફેસર જેમણે અમેરિકાનું ગ્રીન કાર્ડ ત્યજી ગુજરાતમાં માનવતાની ધૂણી ધખાવી
- લેેખક, અજિત મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની એક સમતાભરી આંખ 29મી જાન્યુઆરી, 2022 ને શનિવારે હમેશ માટે મીંચાઈ ગઈ.
ગુજરાતમાં આજે ધંધૂકા અને રાધનપુરની ગુનાકીય ઘટનાઓને લઈને ઉશ્કેરાટનો માહોલ વર્તાઈ રહ્યો છે ત્યારે ઇન્સાનિયતની આહલેક જગાવનાર, ગોધરા હત્યાકાંડનાં કોમી રમખાણોનો ભોગ બનેલા, તમામ કોમના હિતૈષી, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ફિઝિક્સના નિવૃત્ત પ્રોફેસર, સામાજિક કાર્યકર અને ગાંધીવિચારને આચારથી સાકાર કરી દેખાડનાર દિવંગત પ્રોફેસર જે.એસ. બંદૂકવાલાનું 29 જાન્યુઆરીના રોજ અવસાન થયું.
એમના નામ સાથેની અટક ભલે 'બંદૂકવાલા' હોય, એમના વર્તનવ્યવહારથી સતત માનવતાનાં ફૂલ વેરાયાં છે, એનાં અનેક સાક્ષી તો શું અનેક લાભાર્થીઓ છે.
ડૉ. બંદૂકવાલાનું વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા એમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા એક અઠવાડિયાથી ઘરે જ સારવાર હેઠળ હતા.
તેમના ચિકિત્સક ડૉ. મોહમ્મદ હુસૈને જણાવ્યું કે, ''તેમને ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ તો હતી, થોડા સમય પહેલાંથી તેમને અલ્ઝાઇમરની પણ અસર હતી.''
''છેલ્લા કેટલાક દિવસોમાં તેમને સેપ્ટિસેમિયા થયો હતો. ગઈ કાલે અમે તેમને હૉસ્પિટલમાં દાખલ થવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હતા પણ સવારે તેમનું નિધન થયું હતું.'''
ડૉ. બંદૂકવાલા 77 વર્ષના હતા.
ડૉ. બંદૂકવાલાને શ્રદ્ધાંજલિ આપતાં જાણીતા વિચારક લેખક-પત્રકાર મનીષી જાનીએ કહ્યું કે, "હિન્દુ માટે આમ કરું કે મુસલમાન માટે આમ કરું, એમ નહીં, દરેક વ્યક્તિ, વસ્તુમાં એમને શ્રદ્ધા હતી. અને તેઓ ગાંધીવાદની રીતે કોમી એકતા માટે જીવ્યા. પોતાના ધર્મની સામે લડવાનું કામ પણ કર્યું. તેઓ એક સાચા સત્યાગ્રહી હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને જાણીતા કૉલમનિસ્ટ પ્રકાશ ન. શાહે કહ્યું કે, "પ્રો. બંદૂકવાલાની ગાઢ આત્મીયતા અને ભદ્રતાનો પરિચય છે. એમણે સામાજિક કાર્યકર તરીકે શિક્ષણનો પ્રશ્ન હાથમાં લીધો હતો."
વડોદરામાં ડૉ બંદૂકવાલાના નિકટવર્તી ઝુબેર ગોપલાનીએ દુઃખ પ્રકટ કરતાં જણાવ્યું કે, "બંદૂકવાલાસાહેબ પોતે એક ઇન્સ્ટિટ્યૂશન જેવા હતા. આખી કોમના, કોમ શું પૂરી ઇન્સાનિયતની ચિંતા કરનારા અને ખાસ કરીને વંચિતોના, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની બે ટંકની રોટીથી લઈ શિક્ષણ સુધીની ચિંતા કરનાર, એવા માણસનું અવસાન થયું એ ખૂબ દુઃખદ છે."
તો, યાસિન શેખે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, "એક એવા માણસ જતા રહ્યા જે 24 કલાક કોમની ચિંતા કરતા હતા. કોમના શિક્ષણ માટે તેઓ જીવ્યા. ખાસ કરીને ગરીબ બાળકોના શિક્ષણ માટે. એ માટે 2006માં ઝિદની ઇલ્મા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી."
"15 વર્ષ થયાં આ ટ્રસ્ટને, એમાં પાંચ હજાર છોકરા-છોકરીને અમે મદદ કરી છે. એનું બધું શ્રેય બંદૂકવાલાસાહેબને જાય છે. એમના વગર અમે અધૂરા રહી ગયા છીએ."
શિક્ષણને વરેલો આત્મા
પ્રો. જ્યુઝર સાલેઅલી બંદૂકવાલાએ ઈ.સ. 1972માં અમેરિકામાં બર્કલી યુનિવર્સિટીમાંથી ન્યૂક્લિયર ફિઝિક્સમાં ડૉક્ટરેટ (Ph.D.) કર્યું હતું. અને ત્યાં જ એસોસિયેટ પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
પ્રો. બંદૂકવાલાના સહકાર્યકર અને પારિવારિક મિત્ર ધીરુ મિસ્ત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "એમને ગ્રીનકાર્ડ મળ્યું હતું. એક દિવસ તેઓ ચર્ચમાં ગયા અને તેમને એક નન મળ્યાં."
"નને એમને દેશમાં સેવા કરવાની સલાહ આપી. એ સલાહથી ડૉ. બંદૂકવાલાએ ગ્રીનકાર્ડ પાછું આપી દીધું."
પ્રો. બંદૂકવાલાના બીજા એક સહયોગી કાર્યકર્તા તપન દાસગુપ્તાએ જણાવ્યું કે, "એમનામાં રાષ્ટ્રીય ભાવના એટલી પ્રબળ હતી કે વિદેશમાં સારી જૉબ હતી તેમ છતાં, 'મારે દેશમાં કામ કરવું છે' એવું વિચારીને તેઓ અહીં પાછા આવી ગયા હતા."
ધીરુ મિસ્ત્રીએ વાતચીતને આગળ વધારતાં જણાવ્યું કે, "ભારતમાં આવીને તેઓ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં એપ્લાઇડ ફિઝિક્સના અધ્યાપક તરીકે જોડાયા. અને વર્ષો સુધી વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું શિક્ષણ આપ્યું."
શિક્ષણ માટેના તેમના આદર્શ વિચારો અને ઉચ્ચ ભાવના વિશે જણાવતાં ધીરુ મિસ્ત્રીએ કહ્યું કે, "પ્રોફેસર બંદૂકવાલાએ ઈ.સ. 2006માં ઝિદની ઇલ્મા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના બૅનર હેઠળ એમણે ધર્મ-જાતિનો ભેદ રાખ્યા વગર ગરીબ અને જરૂરિયાતમંદ અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને આર્થિક મદદરૂપે સ્કૉલરશિપ આપી."
એમના શિક્ષણનો લાભ ભારતના એક નોબલ પુરસ્કાર વિજેતા સાયન્ટિસ્ટને પણ મળ્યો હતો. ઈ.સ. 2009ના નોબલ પારિતોષિક વિજેતા વેંકી રામાક્રિષ્નન (વેંકી)એ પોતાનો બી.એસસી.નો અભ્યાસ વડોદરામાં કર્યો હતો.
ઝિદની ઇલ્મા ચેરિટેબલ ટ્રસ્ટની ઝળહળતી સફરના પહેલાંનાં વર્ષોમાં બનેલી એક ઘટનામાં ડૉ. બંદૂકવાલા અને એમના પરિવારનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. એ ઘટના બીજા અનેકોના જીવનમાં પણ બની હતી. એ ઘટના હતી, ગોધરા હત્યાકાંડ પછીના ગુજરાતનાં કોમી રમખાણોની.
શું બનેલું 2002માં ડૉ. બંદૂકવાલા પરિવાર સાથે?
'નિરીક્ષક' એક માર્ચ, 2012ના અંકમાં પ્રગટ થયેલા એક લેખમાં પ્રોફેસર બંદૂકવાલાએ નોંધ્યું છે કે, "26મી ફેબ્રુઆરી 2002ના રોજ પ્રેમાનંદ સાહિત્ય સભામાં હિન્દુસમાજનું જૂથ 'સાવરકર દિન' મનાવી રહ્યું હતું."
"કોઈ મુસ્લિમ સાવરકર વિશે વાત કરવા તૈયાર હોતા નથી. એમણે મને આમંત્રણ આપ્યું. મેં એ આમંત્રણ સ્વીકાર્યું."
"સાંજની એ સભામાં સાવરકરજીના રાષ્ટ્રભક્ત તરીકેના પૂર્વાર્ધજીવનને મેં ઉચિત અંજલિ આપી અને કહ્યું કે જીવનના ઉત્તરાર્ધમાં સાવરકરજીના ચિંતનમાં મુસ્લિમદ્વેષ ભળી ગયો."
"આ દેશ પાસે બે રસ્તા છેઃ ગાંધીજીનો અને સાવરકરનો. ગાંધીજીના માર્ગે જવાથી આ દેશના દરેક બાળકને આ દેશ પોતાનો લાગશે."
તેમણે આગળ ઉમેર્યું છે કે, "મારું ત્યાં વક્તા તરીકે જવાનું કારણ પણ આરએસએસ અને મુસ્લિમસમાજ નિકટ આવે એ જ હતું. બરાબર બાર કલાક પછી ગોધરા ટ્રેનની ઘટના ઘટી. 28મીના સવારે મારે ત્યાં પહેલો હુમલો થયો."
તેમણે લખ્યું છે, "અમે ત્યાંથી ચાલ્યા જાત પણ મારી દીકરી કે જે હિન્દુ સમાજમાં પરણી છે એને શ્રદ્ધા હતી કે હવે કશું નહીં થાય. બીજે દિવસે સુયોજિત હુમલો થયો."
પ્રો. બંદૂકવાલાનાં દીકરી ઓમાઈમાએ અંગ્રેજી અખબારને આપેલા એક સંયુક્ત ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "લગભગ 200 માણસોનું ટોળું આવેલું. અમે ડરી ગયેલા."
"પરંતુ સારી વાત એ હતી કે અમારા પડોશીઓએ અમને મદદ કરી. પહેલા દિવસના હુમલામાં ટોળું તેમની કાર સળગાવીને જતું રહેલું."
પ્રો. બંદૂકવાલાએ કહેલું કે, "બીજા દિવસે એવું જ થયું. ટોળું ગેસ સિલિન્ડર લઈને આવ્યું હતું અને 15 મિનિટમાં તે ઘરની સુંદર યાદો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી."
"કૃપા એ હતી કે મારી પુત્રી અને હું, બંને અમને મારવાના પ્રયાસો છતાં બચી ગયાં. મારી દુનિયા ભાંગી પડી હતી."
જાણીતા ઍક્ટિવિસ્ટ, પત્રકાર-લેખક મનીષી જાનીએ કહ્યું કે, "તેમને ગાંધી અને ગાંધીવિચારધારામાં પહેલેથી જ ખૂબ આસ્થા હતી. આ ઘટના પછીયે એમના મનમાં કોઈના માટે દ્વેષ નહોતો. ગાંધીવિચારમાંથી જ એમને બળ મળતું હતું."
નોંધવું જોઈએ કે બંદૂકવાલાએ તેમના સમગ્ર જીવન દરમિયાન મિશ્ર પડોશના ઘરમાં રહેવાનું પસંદ કરીને સર્વસમાવેશક સમાજની હિમાયત કરવાનું ચાલુ રાખ્યું.
માનવાધિકારના પંથે
ઈ.સ. 2012માં લખેલા 'નિરીક્ષક'ના એક લેખમાં બંદૂકવાલાએ સરકાર પર આક્ષેપ કર્યો કે, "લઘુમતીઓને ન્યાય ન મળે તેના તમામ પ્રયત્નો મોદી સરકાર કરી રહી છે તેથી લઘુમતી સમાજને સાચું આશ્વાસન નથી મળતું."
બીબીસી સાથેની વાતચીતમાં ડૉક્યુમેન્ટરી મૅકર અને પિપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટી (PUCL)ના વાઇ, પ્રેસિડન્ટ ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું કે, અમેરિકાથી પાછા ફર્યાનાં વર્ષોથી જ તેઓ માનવાધિકાર માટેની લડતમાં જોડાઈ ગયેલા.
તેમણે વડોદરાના કલ્યાણનગરનો કિસ્સો યાદ કરીને કહ્યું કે, "ઈ.સ. 2000માં કલ્યાણનગરની ઝૂંપડપટ્ટીને જમીનદોસ્ત કરી દેવાઈ હતી, જાણે બૉમ્બ પડ્યો હોય."
"સ્કૂલે ગયેલાં બાળકો પાછા આવીને પૂછતાં હતાં કે, મમ્મી, આપણું ઘર ક્યાં? કલ્યાણનગરની ઝૂંપડપટ્ટીના એ પીડિતોનું દુઃખ અને બેઘરપણાની લાચારી બંદૂકવાલા જોઈ નહીં શકેલા."
"એમણે એ પીડિતો માટે લડત ચલાવી. બંદૂકવાલાએ જાતિ કે ધર્મ, કોઈ ભેદભાવ વગર માનવતાના ધોરણે એમના અધિકારો માટે લડત ચલાવેલી. આજે એ સ્થળે એમના માટે વસાહતી કૉલોની બની ગઈ છે. આ એમની સફળતા છે."
તો, તપનભાઈ દાસગુપ્તાએ પણ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, "કામદાર, બહેનો, લઘુમતીઓ માટે બંદૂકવાલાએ આગળ આવીને એમના અધિકારોના રક્ષણ માટે લડત આપી છે. એમણે આ લડતને રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી છે."
તપનભાઈએ ગુજરાત સરકારના કૉમન યુનિવર્સિટી ઍક્ટનો દાખલો આપતાં કહ્યું કે, "આ ઍક્ટની વિરુદ્ધમાં બંદૂકવાલાએ શૈક્ષણિક સ્વાયતત્તા માટે સાતત્યથી લડત ચલાવેલી. અંતે એ ઍક્ટ પાછો ખેંચવો પડ્યો હતો."
તેમણે એમ પણ જણાવ્યું કે માનવાધિકારની તેમની વિચારધારા અને પ્રવૃત્તિઓમાં એમને કિરીટભાઈ ભટ્ટ, તુલસીભાઈ ઘોડા, જગદીશભાઈ શાહ જેવા મિત્રોનો સાથ મળેલો.
કોમી નહીં, કોમ માટે કામ કરનારા માણસ
બંદૂકવાલાના નિકટવર્તી ધીરુ મિસ્ત્રીને બીબીસીએ પૂછ્યું કે, શું બંદૂકવાલા આરએસએસના વિરોધી હતા?
ધીરુ મિસ્ત્રીએ તરત જ કહ્યું, "કોમી હોવું અને કોમ માટે કામ કરનારા હોવું - એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. બંદૂકવાલા કોમી નહોતા, બલકે, કોમ માટે કામ કરનારા હતા." એમણે નામ પાડ્યા વગર ઉમેર્યું કે, "અને, એમને હિન્દુ મિત્રો હતા એટલું જ નહીં, એમના આરએસએસના પણ ઘણા મિત્રો હતા. 2002નાં તોફાનો વખતે એમણે પણ એમને મદદ કરી હતી."
ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું કે, મુસ્લિમ સમાજનાં બાળકોને શિક્ષણ મળે એ માટે એમણે ઝિદની ઇલ્મા ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટને પહેલા વર્ષે લાખેક રૂપિયાનું દાન મળેલું. બીજા વર્ષે 10 લાખ, પછી 25 લાખ, 40-70 લાખ. દાનની રકમ વધી એમ શૈક્ષણિક હેતુ માટે ગરીબ વિદ્યાર્થીઓને અપાતી સ્કૉલરશિપની રકમ અને સંખ્યા બંને વધ્યાં.
તેમણે જણાવ્યું કે, "આ ટ્રસ્ટ હેઠળ ગયા વર્ષે કોરોનામાં એમણે 80 લાખ રૂપિયાની સ્કૉલરશિપ આપી છે."
તેમણે ફંડ વિશે જણાવ્યું કે, "દાન આપવા આવનાર વ્યક્તિઓને મેં નજરે જોયા છે. મારી સામે જ અજાણ્યા હોય એવા ઘણા લોકો આવીને બેચાર લાખ રૂપિયા આપી જતા. એમણે ઉમેર્યું કે, નોબલ પ્રાઇઝવિજેતા વેંકી પણ દર વર્ષે આ ટ્રસ્ટમાં દાન આપે છે."
વાત કરતાં રડી પડતાં એમણે બીબીસીને જણાવ્યું કે, "શું તમને ખબર છે, એમનું બૅન્ક બૅલેન્સ કેટલું છે?" સહેજ વાર રહીને ઉમેર્યું, "ઝીરો."
આધુનિક નહીં, પ્રગતિશીલ મુસલમાન
બીબીસીએ ધીરુ મિસ્ત્રીને સવાલ પૂછ્યો કે શું જે.એસ. બંદૂકવાલાને નાત બહાર મુકાયા હતા, એ સાચું? એ પ્રસંગ કયો હતો?
જવાબમાં એમણે કહ્યું કે, "હા, વર્ષો પહેલાંની આ વાત છે. એમને દાઉદી વહોરા સમાજમાંથી નાત બહાર મુકાયા હતા. તે એટલે સુધી કે એમનાં પત્નીનું અવસાન થયું તેમાં પણ કોઈ નહોતા આવ્યા."
બીબીસીએ નાત બહાર મૂકવાનો પ્રસંગ પૂછતાં, ધીરુ મિસ્ત્રીએ કહ્યું કે રહેવા દો, એ પ્રસંગ વિવાદવાળો છે અને જે-તે સમયે એના પર ખાસ્સો વિરોધ વિવાદ પણ થયો હતો.
તેમણે કહ્યું, "ગરીબ અને અશિક્ષિત મુસલમાનો સમાજમાં ભળી શકે એ માટે બંદૂકવાલા સતત પ્રયત્નશીલ રહેતા. તેઓ પ્રગતિશીલ વિચારધારાના માણસ હતા."
"અને તેથી, વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને મેડિકલની શાખાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની રુચિ વધે અને સરળતાથી શિક્ષણ મેળવી શકે તેથી તેઓ સ્કૉલરશિપ પણ આપતા હતા."
પ્રો. બંદૂકવાલા વક્તા હોવા ઉપરાંત કૉલમનિસ્ટ પણ હતા. તેમણે અંગ્રેજી અખબાર માટે લખેલા પોતાના એક લેખમાં લખ્યું છે, "સાચું કહું તો કળાઓ અને ભાષાઓથી દૂર જઈને વિજ્ઞાન, મેડિકલ અને ટેકનૉલૉજી તરફ આગળ વધવું એ મુસ્લિમો માટે વધુ સારું રહેશે."
તેમણે લખ્યું છે, "થોડાક દાયકાઓમાં, એક એવો તબક્કો આવશે જ્યાં મહિલાઓ હવે મુસ્લિમ પર્સનલ લૉની કેટલીક અસંગતિઓને સ્વીકારશે નહીં."
ત્રણ તલાક અને બહુપત્નીત્વ વિશે તેમણે લખ્યું છે, "ટ્રિપલ તલાક અને બહુપત્નીત્વ આપણી મહિલાઓ માટે ઘૃણાસ્પદ છે. …સમુદાયમાં દહેજથી થતાં મૃત્યુ દુર્લભ છે, જોકે દહેજની માંગ વધી રહી છે, અને તેની સખત નિંદા થવી જોઈએ."
"કુરાનમાં ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકનો કોઈ ઉલ્લેખ નથી. … બહુપત્નીત્વનો સંદર્ભ સૌથી રસપ્રદ છે. જેમાં પુરુષોને ચાર પત્નીઓ સુધી લગ્ન કરવાની મંજૂરી આપે છે. "
"પરંતુ પછી તે નિર્ધારિત કરે છે કે દરેક સાથે ન્યાયી રીતે વર્તવું જોઈએ. …આનો અર્થ એ છે કે ઇસ્લામમાં એકપત્નીત્વ એ નિયમ છે. બહુપત્નીત્વને ફક્ત આત્યંતિક પરિસ્થિતિઓમાં જ મંજૂરી છે."
"વાસ્તવિક વ્યવહારમાં મોટા ભાગના બીજા લગ્ન જાતીય જુસ્સાનું પરિણામ છે."
ઘેટ્ટોઇઝેશનના વિરોધી
પ્રો. બંદૂકવાલા કોમી વિસ્તાર (ઘેટ્ટોઇઝેશન)માં માનતા નહોતા. તેમના નિકટવર્તી તપનભાઈએ જણાવ્યું કે તેઓ હંમેશાં મિશ્ર જાતિવિસ્તારમાં રહેતા હતા. પ્રો. બંદૂકવાલાએ પણ લખ્યું છે કે,
"વડોદરાના સમા વિસ્તારમાં જનાર પ્રથમ વ્યક્તિઓમાં હું પણ હતો. મારા ઘરની આજુબાજુ હાઉસિંગ સોસાયટીઓ ઊભી થવાથી, હું ટૂંક સમયમાં કેવળ હિંદુ વિસ્તારમાં એક દુર્લભ મુસ્લિમ બની ગયો. હું ખુશ હતો, કારણ કે હું દૃઢપણે માનું છું કે તમામ સમુદાયોએ સાથે રહેવું જોઈએ."
"આજે ગુજરાતના મોટા ભાગના શહેરી વિસ્તારોમાં મુસ્લિમ માટે મકાન ખરીદવું કે ભાડે રાખવું અશક્ય છે. સમગ્ર દેશમાં પરિસ્થિતિ સમાન છે, સિવાય કે ગંભીરતા ગુજરાત જેટલી મજબૂત ન હોય, જ્યાં મુસ્લિમ વિસ્તારો ઘેટ્ટો બની ગયા છે."
- મુશાયરામાં 'હુકમનું પાનું' ગણાતા ગઝલકાર ખલીલ ધનતેજવી
- ગુજરાતના એ રાજવી જેમણે દાસીના પ્રેમ માટે રાજગાદી દાવ પર મૂકી
- નાથુરામ ગોડસેએ ગાંધીની હત્યા પહેલાં આરએસએસ સાથે છેડો ફાડી નાખ્યો હતો?
- પોલીસની 'નોકરી'માં માતા ગુમાવી, કૅન્સરગ્રસ્ત બાપ નથી ગુમાવવા, ગુજરાતના કૉન્સ્ટેબલની વ્યથા
- ગુજરાત રોજગારી આપવામાં ટોચ પર હોય તો વિદેશ જનારાઓની સંખ્યા કેમ વધી રહી છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો