નાથુરામ ગોડસેએ ગાંધીની હત્યા પહેલાં આરએસએસ સાથે છેડો ફાડી નાખ્યો હતો?

    • લેેખક, સૌતિક બિશ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

30 જાન્યુઆરી 1948ના રોજ ભારતના સૌથી સન્માનનીય નેતા મોહનદાસ કરમચંદ ગાંધી દિલ્હીમાં સાંજની પ્રાર્થનાસભામાં જવા માટે નીકળ્યા ત્યારે નાથુરામ વિનાયક ગોડસેએ તેમને નજીકથી ગોળી મારીને હત્યા કરી હતી.

38 વર્ષીય નાથુરામ જમણેરી પક્ષ હિન્દુ મહાસભાના ઝનૂની સભ્ય હતા. હિન્દુ મહાસભાએ ગાંધીજી પર આક્ષેપ મૂક્યો હતો કે તેઓ વધારે પડતા મુસ્લિમો તરફી છે અને પાકિસ્તાનના નામે નરમ વલણ લઈને હિન્દુઓનું અહિત કરી રહ્યા છે.

ભારત પાકિસ્તાનના ભાગલાને કારણે રમખાણો થયાં હતાં તેનો દોષ પણ તેમના પર નાખવામાં આવ્યો હતો.

ગાંધીજીની હત્યાના એક વર્ષ પછી અદાલતે ગોડસેને ફાંસીની સજા આપી હતી. હાઈકોર્ટે પણ ચુકાદાને માન્ય રાખ્યો તે પછી નવેમ્બર 1949માં ફાંસી આપી દેવામાં આવી હતી. (ગોડસેના સાગરિત નારાયણ આપ્ટેને પણ ફાસી આપવામાં આવી હતી, જ્યારે અન્ય છને આજીવન કેદની સજા થઈ હતી.)

હિન્દુ મહાસભામાં જોડાતા પહેલાં ગોડસે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના સભ્ય હતા. આરએસએસ ભારતના શાસક પક્ષ ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ 95 વર્ષ જૂના સંઘમાં પ્રચારક તરીકે લાંબો સમય કામ કરતા રહ્યા હતા. સરકારમાં તથા બહાર પણ આરએસએસની પ્રભાવશાળી ભૂમિકા રહેલી છે.

'રાષ્ટ્રપિતા' તરીકે દરેક ભારતીયના દિલમાં સ્થાન ધરાવતા ગાંધીજીના હત્યા ગોડસેથી પોતાને દૂર રાખવાના પ્રયાસો દાયકાઓ સુધી આરએસએસે કર્યા છે. જોકે હાલના સમયમાં કેટલાક જમણેરી જૂથો ગોડસેનું મહિમામંડન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને ગાંધી હત્યાની ઉજવણી કરવા લાગ્યા છે.

ગાંધીજી અને ગોડસે

ગયા વર્ષે ભાજપના એક આકરા સાંસદે ગોડસેને "રાષ્ટ્રભક્ત" ગણાવ્યા હતા. આના કારણે ઘણા ભારતીયો નારાજ પણ થયા છે, પરંતુ આરએસએસ કહેતો આવ્યો છે: ગોડસેએ હત્યા કરી તેના લાંબા સમય પહેલાં સંઘને છોડી દીધો હતો.

જોકે એક નવા પુસ્તકમાં આ દાવો સાવ સાચો ના હોવાનું જણાવ્યું છે.

હાઇસ્કૂલમાંથી ભણવાનું છોડી દેનાર ગોડસેએ દરજી તરીકે કામ કર્યું હતું અને થોડો સમય ફળો વેચવાનું પણ કામ કર્યું હતું.

બાદમાં હિન્દુ મહાસભામાં જોડાયા હતા અને તેના અખબારના તંત્રી બન્યા હતા. અદાલતમાં કેસ ચાલ્યો ત્યારે પોતાનું 150 પેરેગ્રાફનું નિવેદન વાંચી સંભળાવા માટે તેમણે પાંચ કલાકથી વધારેનો સમય લીધો હતો.

ગોડસેએ નિવેદનમાં કહ્યું હતું કે ગાંધીની હત્યા માટે "કોઈ કાવતરું કરવામાં આવ્યું નહોતું", અને તે રીતે તેમણે પોતાના સાથીઓને દોષારોપણમાંથી મુક્ત રાખવાની કોશિશ કરી હતી.

પોતાના નેતા વિનાયક દામોદર સાવરકરના કહેવા પ્રમાણે પોતે વર્ત્યા હતા તેવા આરોપોને ગોડસે નકાર્યા હતા. હિન્દુત્વ શબ્દ અને તેની સાથે જોડાયેલી વિચારસરણી સાવરકરે આપી હતી. (સાવરકર સામે મુકાયેલા આરોપોમાંથી તેઓ નિર્દોષ છૂટ્યા હતા, પરંતુ ટીકાકારો કહેતા આવ્યા છે કે આ ઉદ્દામવાદી જમણેરી વિચારકનો સંબંધ ગાંધી હત્યા સાથે રહ્યો હતો, કેમ કે તેઓ ગાંધીને ધિક્કારતા હતા.)

ગોડસેએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છોડી દીધો હતો?

ગોડસેએ પોતે પણ અદાલતમાં કહ્યું હતું કે ગાંધીની હત્યા કરી તેનાં ઘણાં વર્ષો પહેલાં તેમણે આરએસએસ છોડી દીધો હતો.

ગાંધીઝ એસેસિન પુસ્તકમાં લેખક ધીરેન્દ્ર ઝા લખે છે કે ગોડસે આરએસએસના 'અગ્રગણ્ય કાર્યકર' હતા, તેમના પિતા પોસ્ટમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતાં. તેમને સંઘમાંથી દૂર કરવામાં આવ્યા હોય તેવા કોઈ "પુરાવા" નથી.

અદાલતમાં મૂકદમો ચાલ્યો તેની પહેલાંનાં નિવેદનોમાં ગોડસેએ "હિન્દુ મહાસભાના સભ્ય બન્યા પછી તેમણે આરએસએસ છોડી દીધો હતો તેવું ક્યારેય કહ્યું નથી."

જોકે તેમણે અદાલતમાં નિવેદન આપ્યું ત્યારે જણાવ્યું હતું કે "આરએસએસ છોડી દીધા પછી પોતે હિન્દુ મહાસભામાં જોડાયા હતા, પણ એવું શા માટે કર્યું હતું તે વિશે કશું જણાવ્યું નહોતું."

ઝા કહે છે, "ગોડસેના જીવનની આ બાબત વિશે સૌથી વધુ વાદવિવાદ થતો રહ્યો છે."

ઝા માને છે કે "આરએસએસ તરફથી લેખકો" આ બાબતનો ઉપયોગ કરીને "એવું દર્શાવવા કોશિશ કરતાં રહે છે કે ગાંધીજીની હત્યાના એક દાયકા પહેલાં તેમણે આરએસએસ છોડી દીધી હતી અને હિન્દુ મહાસભામાં જોડાયા હતા."

અમેરિકાના સંશોધક જે.એ. કરેન જુનિયરનો દાવો છે કે ગોડસે 1930માં આરએસએસમાં જોડાયા હતા અને ચાર વર્ષ પછી છોડી દીધો હતો, પરંતુ આ વાત માટેના કોઈ આધાર તેમણે ટાંક્યા નથી.

ઝા લખે છે કે ખટલો ચાલતો થયો તે પહેલાં પોલીસમાં નોંધાવેલા પોતાના નિવેદનમાં ગોડસે એવું કબૂલ્યું હતું કે પોતે એકીસાથે બંને સંસ્થાઓમાં કામ કરતા હતા.

આ વિવાદમાં પરિવારના લોકો પણ પોતાની વાત કરતા રહ્યા છે. 2005માં મૃત્યુ પામેલા નાથુરામના ભાઈ ગોપાલ ગોડસેએ પણ કહ્યું હતું કે તેમના ભાઈએ "આરએસએસ છોડી દીધો નહોતો."

એ જ રીતે ગોડસેના ભત્રીજાના દીકરાએ 2015માં એક પત્રકારને કહ્યું હતું કે ગોડસે 1932માં આરએસએસમાં જોડાયા હતા અને તે પછી તેમને "ક્યારેય સંસ્થામાંથી દૂર કરવામાં નહોતા આવ્યા કે તેમણે પણ સંઘ છોડી દીધો નહોતો."

પુસ્તક લખવા માટે આર્કાઇવ્ઝ તપાસનારા ધીરેન્દ્ર ઝાએ આ બંને હિન્દુ સંસ્થાઓ વચ્ચેની કડી વિશે પણ લખ્યું છે.

તેમણે લખ્યું છે કે હિન્દુ મહાસભા અને આરએસએસ વચ્ચે "એકબીજા સાથે ભળી જાય તે પ્રકારના સંબંધો હતા" અને તેમની એક સમાન વિચારધારા હતી.

તેઓ લખે છે કે બંને સંસ્થાઓ "હંમેશાં નીકટના સંબંધો રહ્યા હતા અને સભ્યોની બાબતમાં પણ ઓવરેલપ થતું હોય તેવું બનતું રહ્યું હતું." ગાંધીજીની હત્યા પછી આ સ્થિતિ બદલાઈ હતી. (ગાંધીજીની હત્યા પછી એક વર્ષ કરતાં વધુ સમય માટે આરએસએસ પર પ્રતિબંધ પણ મુકાયો હતો.)

આરએસએસના સિનિયર નેતા રામ માધવ કહે છે. "ગોડસે આરએસએસના સભ્ય હતા તેવું જૂઠાણું રાજકીય ઈરાદાઓ સાથે ફેલાવવામાં આવે છે."- એટલે કે 1930ના દાયકાના મધ્યમાં જ તેમણે સંસ્થા છોડી દીધી હતી અને બીજું કે ચુકાદા પછી સ્પષ્ટ થઈ જાય છે કે હત્યા સાથે સંસ્થાને કોઈ કડી નહોતી.

આરએસએસના સિનિયર નેતા રામ માધવ કહે છે. "ગોડસે આરએસએસના સભ્ય હતા તેવું જૂઠાણું રાજકીય ઈરાદાઓ સાથે ફેલાવવામાં આવે છે."

આરએસએસના વડા એમ. એસ. ગોલવલકરે ગાંધીજીની હત્યાને "બહુ જ આઘાતજનક કૃત્ય ગણાવ્યું હતું, ખાસ કરીને એટલા માટે કે આવું કૃત્ય કરનાર દેશનો જ માણસ હતો અને હિન્દુ હતો."

હાલના સમયમાં આરએસએસના એમ. જી. વૈદ્ય જેવા નેતાઓએ ગોડસેને "હત્યારો" ગણાવ્યો છે અને ભારતની એક વિભૂતિની હત્યા કરીને હિન્દુત્વનું "અપમાન" કર્યું છે એવું પણ કહ્યું છે.

વિક્રમ સંપટ જેવા લેખકો માને છે કે આરએસએસ અને હિન્દુ મહાસભા વચ્ચે સંઘર્ષમય સંબંધો હતા. બે ભાગમાં સાવરકરની જીવનકથા લખનારા સંપટ કહે છે કે હિન્દુ મહાસભાએ "હિન્દુઓનાં હિતોની રક્ષા કરવા માટે ક્રાંતિકારી ગુપ્ત જૂથ"ની રચના કરવા ખાતર માણસોની ભરતી કરવા માટેનો નિર્ણય કર્યો હતો તેના કારણે આરએસએસ સાથેના તેમના સંબંધોમાં ખટરાગ આવ્યો હતો.

આ ઉપરાંત સંપટના જણાવ્યા અનુસાર સાવરકર "હીરો વર્શિપમાં અને અતિ સન્માન આપવામાં" માનતા હતા, જ્યારે આરએસએસ "વ્યક્તિ પૂજાથી દૂર રહેતું આવ્યું છે."

અન્ય એક પુસ્તક 'આરએસએસઃ અ વ્યૂ ટુ ધ ઇન્સાઇડ'માં તેના લેખકો વૉલ્ટર કે એન્ડરસન અને શ્રીધર ડી દામલે જણાવે છે કે કઈ રીતે આરએસએસ "તેમના ભૂતપૂર્વ સભ્ય (નાથુરામ ગોડસે)ને કારણે કલંકિત થયું છે. આના કારણે તેને ફાસીવાદી, આપખુદ અને રૂઢિવાદી ગણી લેવામાં આવે છે".

આમ છતાં ગોડસેએ ક્યારેય આરએસએસ છોડ્યું નહોતું અને તેની સાથે કોઈક રીતે સંકળાયેલો રહ્યો હતો તે વાત સાવ દૂર થઈ નથી.

ફાંસી આપવામાં આવી તે પહેલાં 15 નવેમ્બર 1949ના રોજ ગોડસેએ આરએસએસની પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ ગાઈ હતી.

ઝા કહે છે, "આ પણ ફરી એક વાર દર્શાવે છે કે તે સંસ્થાનો સક્રિય સભ્ય હતો. ગાંધીની હત્યાથી આરએસએસને દૂર રાખવાની વાત ઇતિહાસને મરોડવાની વાત છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો