કિશન ભરવાડ મર્ડર કેસ : તપાસ એટીએસને સોંપાઈ, પરિવારજનો અને નેતાઓ કિશનની હત્યાને 'ષડ્યંત્ર' કેમ ગણાવે છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

25 જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્યમાં આવતાં ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની કથિતપણે 'વિવાદિત ધાર્મિક સોશિયલ મીડિયા પોસ્ટ' બાબતે અંગત અદાવત રાખી ગોળી મારી મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ધંધૂકા કિશન ભરવાડ મર્ડર કેસની તપાસ ઍન્ટ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)ને સોંપવામાં આવી છે.

નોંધનીય છે 25 જાન્યુઆરીના રોજ અમદાવાદના ધંધૂકા ખાતે કિશન ભરવાડ નામના 27 વર્ષીય યુવાનની શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે શખસો દ્વારા કથિતપણે 'વિવાદિત ધાર્મિક પોસ્ટ'ને લઈને સરાજાહેર ગોળી ધરબીને હત્યા કરાઈ હતી.

આ મામલામાં બંને આરોપીઓની શુક્રવારે જ ધરપકડ કરી લેવાઈ હતી. તે સમયે તપાસ સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ (SOG) પાસે હતી. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસ અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી મૌલવી અય્યુબની પણ ધરપકડ કરી હતી.

મૌલવી અય્યુબ પર આરોપ છે કે તેમણે શબ્બીરની ઉશ્કેરણી કરી અને તેમને કારતૂસ અને બંદૂક લાવી આપ્યા.

આ ઘટના બાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

તેમણે સમગ્ર ઘટનામાં પીડિત પરિવારને ઝડપી ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મૃતકના પિતરાઈ ભાઈ ભૌમિક ભરવાડના નિવેદન અનુસાર કિશનની હત્યા 15 દિવસ અગાઉ તેમણે કરેલી એક ધાર્મિક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સંબંધિત છે.

મૃતકના પિતરાઈ ભાઈના જણાવ્યાનુસાર 'અન્ય ધર્મ'ના કેટલાક લોકો ભરવાડની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે દુ:ખી હતા. જે અંગે તેમણે પોલીસ ફરિયાદ પણ કરી હતી.

તેમનું કહેવું હતું કે, "મૃતકે આના કારણે પોલીસની કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો અને તેમણે એ પોસ્ટ માટે માફી પણ માગી લીધી હતી."

તેમ છતાં કિશનની ધંધૂકા ખાતે મોઢવાડા વિસ્તારમાં 25 જાન્યુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે બે બાઇકસવારોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.

આ સમગ્ર મામલા અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ ઘટના સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર મૃતકના પિતરાઈ ભાઈ ભૌમિક ભરવાડે જણાવ્યું હતું કે કિશન ભરવાડની કથિતપણે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વ્યથિત કેટલાક 'અન્ય ધર્મ'ના લોકોએ હત્યા કરી હતી.

બીબીસી ગુજરાતીએ મૃતકના પિતા શિવાભાઈ ભરવાડ સાથે સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પ્રમાણે મારા પુત્રની હત્યા કરનારા લોકો તેની સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણને લગતી પોસ્ટને કારણે વ્યથિત હતા. તેને વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. અંતે તેની 25મી તારીખે હત્યા પણ કરાવી દેવાઈ. અમને પોલીસે આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે."

શિવા ભરવાડ આગળ વાત કરતાં કહે છે કે, "સોશિયલ મીડિયા પર શું ચાલે છે તેની તો મને ખબર નથી. પરંતુ મારા દીકરાને મુસ્લિમોએ એણે મૂકેલી ઉપરોક્ત પોસ્ટને લઈને અદાવત રાખીને મારી નાખ્યો છે."

સ્થાનિક અખબારોના અહેવાલો પ્રમાણે આ ઘટના બાદ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કિશન ભરવાડની હત્યા અંગે ઝડપી પગલાં લેવાય તે હેતુસર બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું.

આ બાબતના પડઘા માત્ર અખબારો સુધી સીમિત રહ્યા નહોતા. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મૃતકના પરિવારજનોને મળીને ઝડપી ન્યાય અપાવવાનો વાયદો કરી, દાખલો બેસાડાય તેવી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

કિશન ભરવાડની હત્યા 'ષડ્યંત્ર'?

હવે કિશનનાં પરિવારજનો અને હિંદુ સંગઠનો આ સમગ્ર ઘટનાને 'ષડ્યંત્ર' ગણાવી રહ્યાં છે.

કિશન ભરવાડનાં માતાએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મારા દીકરાને ખોટી રીતે મારવામાં આવ્યો છે. પહેલાં એનાથી માફી મગાવી. અને પછી એને દગાથી મારી નાખ્યો."

કંઈક આવું જ નિવેદન કિશનનાં બહેને પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "મારા ભાઈને પીઠ પર ઘા કરીને ખોટી રીતે એ લોકોએ માર્યો છે. અમે ભાઈ વગરનાં થઈ ગયાં. હવે અમે શું કરીશું."

નોંધનીય છે કે કિશન ભરવાડના મર્ડરના સંબધમાં શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે યુવકોની ધરપકડ કરાઈ હતી.

કેસના તપાસાધિકારી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ગ્રૂપના પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. વાળાએ ગઈ કાલ રાતથી અત્યાર સુધી થયેલી પ્રોગ્રેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, "શબ્બીરને કારતૂસ અને બંદૂક પૂરી પાડનાર અને ઉશ્કેરણી કરનાર અમદાવાદના જમાલપુરના મૌલાના અય્યુબની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે તેમને કોર્ટમાં હાજરી કરીને તેમના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવશે."

આ સમગ્ર ઘટનામાં મુંબઈના મૌલવીની સંડોવણી અંગેના પ્રશ્ન અંગે તેમણે કહ્યું હતું કે હજુ સુધી આ વ્યક્તિ વિશે વિગતો સામે આવી નથી.

આ સમગ્ર ઘટનાને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આયોજનપૂર્વક કરાયેલું ષડ્યંત્ર ગણાવી હતી.

આ સિવાય અમદાવાદ ગ્રામ્યના એસ. પી. વીરેન્દ્ર યાદવે પણ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, "શબ્બીર અન્ય લોકો સાથે મળીને કિશનની હત્યા માટે ઘણા સમયથી આયોજન કરી રહ્યો હતો."

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, "કિશનની વિવાદિત ધાર્મિક પોસ્ટ બાબતે તેના પર થયેલ કેસ બાદ તેને જામીન મળ્યા જે બાદ શાંતિ સમિતિની મિટિંગમાં કિશન અને મુસ્લિમ સમાજના ફરિયાદીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ શબ્બીરને આ સમાધાન માન્ય નહોતું."

તેમજ વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કિશનના મર્ડરની ઘટનાને 'મુસ્લિમ સમાજના આરોપીઓ દ્વારા ઘડાયેલ કાવતરું ગણાવ્યું હતું.'

નોંધનીય છે કે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કિશનના પિતા શિવાભાઈ ભરવાડે પણ કહ્યું હતું કે, "મને કોઈ વસ્તુની ખબર નથી. હું માત્ર એટલું જાણું છું કે મારા દીકારની હત્યા મુસ્લિમોએ કરી હતી."

ધર્મનું કનેક્શન?

અહેવાલ અનુસાર ભૌમિક ભરવાડે જણાવ્યું હતું કે તેમના ભાઈ કિશને પોતે મૂકેલી પોસ્ટ માટે માફી માગી હતી અને પોતાની માફીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેમ છતાં કેટલાંક ઉગ્રવાદી તત્ત્વોએ તેમને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેઓ બદલો લેશે.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં કિશન ભરવાડની મૃત્યુ વિશે સૂચક નિવેદન આપતાં કહ્યું હતું કે, "પોલીસતપાસ પછી ખબર પડી છે કે ગોળીબાર કરનાર યુવાનોને કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ એક મૌલવીએ રિવોલ્વર અને કારતૂસની વ્યવસ્થા કરી આપી હતી. જેના કારણે 20 દિવસની બાળકીના પિતાની હત્યા કરવામાં આરોપીઓ સફળ રહ્યા."

તેમણે આ સમગ્ર ઘટનાને એક ષડ્યંત્ર ગણાવી હતી.

અમદાવાદ ગ્રામ્યના એસ. પી. વીરેન્દ્ર યાદવે આ મામલે પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, "આ ગુનામાં બે આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓએ પૅશન બાઇક પર કિશન પર હુમલો કર્યો હતો. શબ્બીરના હાથમાં બંદૂક હતી જ્યારે ઇમ્તિયાઝ બાઇક ચલાવી રહ્યો હતો."

તેમણે આગળ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, "6 જાન્યુઆરીના રોજ કિશને ધાર્મિક લાગણીઓને દુભાવી શકે તેવી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. જે અંગે તેમના પર 9 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહીથી આરોપીઓને સંતોષ નહોતો. તેમણે આયોજનબદ્ધ રીતે આ પોસ્ટને ધ્યાને રાખીને જ હત્યાનું કાવતરું ઘડીને તેને અંજામ આપ્યો હતો."

કેટલા લોકો સામેલ હોઈ શકે છે?

એસ. પી. વીરેન્દ્ર યાદવે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "ધરપકડ કરાયેલ બંને આરોપીઓ પૈકી શબ્બીર એ ધાર્મિક કટ્ટરતા ધરાવતો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. તેણે કટ્ટરવાદ ફેલાવતા અન્ય લોકોના પ્રભાવમાં આવીને આવું કૃત્ય કરેલ છે."

પોલીસ અધિકારી વીરેન્દ્ર યાદવે પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ફાયરિંગ કરનારા આરોપી શબ્બીરને અમદાવાદના જમાલપુરના મૌલાના મહમૂદ અય્યુબ યુસૂફભાઈ જવરાવાલા પાસેથી હથિયાર મળ્યું હતું. અને તેઓ મુંબઈના એક મૌલવી મારફતે અય્યુબના સંપર્કમાં આવ્યા હતા. અય્યુબે જ શબ્બીરને ધાર્મિક ભાવનાઓ અંગે કોઈ પણ પ્રકારની ભૂલ ન સ્વીકારી લેવા જણાવ્યું હતું. જે અંતે કિશન ભરવાડની મોતમાં પરિણમ્યું.

આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલા અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. વાળાએ જણાવ્યું હતું કે, "આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મૌલાના અય્યુબને પણ રાઉન્ડ અપ કરી તેમની ભૂમિકા તપાસી તેમની પણ ધરપકડ કરાશે."

તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં કુલ પાંચ આરોપીઓ સામેલ હોઈ શકે છે. જોકે, અસલ સંખ્યા તપાસ પછી સામે આવશે.

આ સમગ્ર મામલે પોલીસ ઇન્ડિયન પીનલ કોડની કલમ 302, 307 અને આર્મ્સ ઍક્ટની કલમો અંગે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટના અંગે ધંધૂકા બંધનું આહ્વાન કરનાર વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રભાઈ રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં આ સમગ્ર ઘટનામાં મુસ્લિમ યુવકો-મૌલવી અને ધાર્મિક કટ્ટરતાની લાગણીની ભૂમિકા હોવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "મૃતકના પરિવારને સાંત્વના પાઠવવા માટે સમગ્ર ગુજરાતમાં પ્રાર્થનાસભાઓનું આયોજન કરવામાં આવશે. અને જ્યાં સુધી તમામ આરોપીઓને ધરપકડ કરી તેમને કડક સજા ન કરાય ત્યાં સુધી મૃતક પરિવાર સાથે અમે ખડેપગ રહીશું."

નોંધનીય છે કે કિશન ભરવાડના ફેસબુક એકાઉન્ડની તપાસ કરતાં તેમનું એકાઉન્ટ લૉક કરેલ હોવાનું જણાયું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો