નિયોકોવ વાઇરસ : કોરોના મહામારીમાં વધુ એક વાઇરસે માથું ઊંચક્યું, માણસ માટે કેટલો ખતરનાક?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ શુક્રવારે નિયોકોવ કોરોના વાઇરસ વિશે કહ્યું કે આ વાઇરસ પર વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

ચીનના સંશોધકોએ દક્ષિણ આફ્રિકાનાં ચામાચીડિયાંમાં નવો કોરોના વાઇરસ 'નિયોકોવ' શોધી કાઢ્યો છે. હાલમાં આ વાઇરસ ફક્ત પ્રાણીઓમાં જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

એક અભ્યાસમાં સંશોધકોએ કહ્યું છે કે આ વાઇરસ ભવિષ્યમાં મનુષ્યો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

કોરોના વાઇરસ એ વિવિધ વાયરસના જૂથનો એક ભાગ છે જે સામાન્ય શરદીથી લઈને શ્વાસ લેવામાં ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

ડબ્લ્યુએચઓનું કહેવું છે કે તેમની પાસે આ વાઇરસ સંબંધિત માહિતી છે પરંતુ આ વાઇરસ મનુષ્ય માટે ખતરનાક છે કે નહીં તે જાણવા માટે વધુ અભ્યાસની જરૂર છે.

ડબ્લ્યુએચઓએ કહ્યું, "માણસોમાં ઉદ્ભવતા તમામ ચેપી રોગો પૈકી 75%થી વધુ રોગોના સ્રોત પ્રાણીઓ છે. ખાસ કરીને જંગલી પ્રાણીઓ તેના મોટા સ્રોત છે. કોરોના વાઇરસ મોટે ભાગે ચામાચીડિયાં સહિતનાં પ્રાણીઓમાં જોવા મળે છે. ચામાચીડિયાં તો વાઇરસનો ભંડાર છે."

ડબ્લ્યુએચઓએ આ માહિતી શૅર કરવા બદલ ચીનના સંશોધકોનો પણ આભાર માન્યો છે.

માત્ર એક જ મ્યુટેશન તેને ખતરનાક બનાવી દેશે

અભ્યાસ મુજબ, કોવિડ-19 વાઇરસની જેમ જ નિયોકોવ માનવકોષો સાથે જોડાઈ શકે છે. "નિયોકોવમાં માત્ર એક મ્યુટેશન થાય તો તે માણસ માટે ખતરનાક બની શકે છે." જોકે, આ અભ્યાસની સમીક્ષા કરવાની બાકી છે.

સંશોધકોના મતે, આ વાઇરસ મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (એમઇઆરએસ-મર્સ)ને અનુરૂપ છે. આ વાયરલ બીમારી સૌપ્રથમ સાઉદી અરેબિયામાં જોવા મળી હતી.

મર્સ-કોવ વાઇરસનો મૃત્યુદર ઘણો ઊંચો છે. આમાં દર ત્રણ ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી એકનું મૃત્યુ થાય છે. વર્તમાન SARS-CoV-2 વાઇરસ વધારે ચેપી છે.

મર્સ-કોવ વાઇરસનાં લક્ષણો SARS-CoV-2 જેવાં જ છે. તેમાં પણ તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ બીમારી સૌપ્રથમ વાર સાઉદી અરેબિયામાં વર્ષ 2012માં જોવા મળી હતી. 2012 અને 2015ની વચ્ચે મધ્ય-પૂર્વીય દેશોમાં તેનો પ્રકોપ રહ્યો હતો.

મર્સ-કોવ મોટા ભાગના કિસ્સાઓમાં માણસથી માણસમાં ફેલાયો હતો. જેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

રસીની અસર

સંશોધકો એમ પણ કહે છે કે સાર્સ-કોવિડ-2 અને મર્સ-કોવિડની રસીઓની પ્રતિરક્ષા નિયોકોવ પર અસરકારક નહીં રહે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, "ખાસ કરીને બહુ વધારે મ્યુટેશનવાળા ઓમિક્રૉન વૅરિયન્ટ સહિત સાર્સ-કોવિડ-2માં વધારે મ્યુટેશનને જોતાં આ વાઇરસ એન્ટિબોડી અનુકૂલન દ્વારા માનવોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે."

હાલમાં કોવિડ -19 વાઇરસનો ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, તેની શરૂઆત વર્ષ 2019થી થઈ હતી. આ વાઇરસ સૌથી પહેલા ચીનમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા છે અને લાખો લોકોનાં મોત થયાં છે.

કોવિડ-19 સામે લડવા માટે લોકોને ઝડપથી રસી આપવામાં આવી રહી છે જેમાં રહેલા એન્ટિબોડી દ્વારા આ વાઇરસની અસરને ઘટાડી શકાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો