હાના હોરાકા : એ લોકગાયિકા જેમણે જાતે કોરોનાનો ચેપ લગાવીને મોતને વહાલું કર્યું

    • લેેખક, બેન ટોબિયસ
    • પદ, બીબીસી ન્યૂઝ

ઈરાદાપૂર્વક કોરોનાનો ચેપ લેનારા ચેક રિપબ્લિકનાં લોકગાયિકા હાના હોરકાનું અવસાન થયું છે.

હાનાના પતિ તથા પુત્ર જેન રેકને વૅક્સિન લેવા છતાં કોરોના થયો હતો, ત્યારે હાનાએ હેતુપૂર્વક ચેપ લેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કરીને સાજાં થયાં પછી તેમને અમુક જગ્યાએ જવાનો પરવાનો મળે.

મૃત્યુના બે દિવસ પહેલાં હાનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે વૅક્સિન નહોતી લીધી અને તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો તથા તેઓ સાજાં થઈ રહ્યાં છે.

તા. 20મી જાન્યુઆરીના ચેક રિપબ્લિકમાં (ગૂગલ ડેશબોર્ડ) 26 હજાર 82 નવા કેસ નોંધાયા હતા. આ પહેલાં સાત દિવસની સરેરાશ 16 હજાર 647 હતી. દેશની વસતિ એક કરોડ સાત લાખ જેટલી છે.

યુરોપિયન સંઘમાં સરેરાશ 69 ટકા વૅક્સિનેશન થયું છે, જેની સામે ચેક રિપબ્લિકમાં આ ટકાવારી 63 ટકા જેટલી છે.

કોણ હતાં હાના હોરકા?

હાના ચેક ગણરાજ્યના સૌથી જૂના લોકગાયક વૃંદમાંથી એક અસોનન્સનાં સભ્ય હતાં. જેનના કહેવા પ્રમાણે, હાના ચેપ થાય એવું ઇચ્છતાં હતાં, જેથી કરીને તેઓ નિશ્ચિંતપણે હરીફરી શકે.

જેન તથા તેમના પિતાને ક્રિસમસના તહેવારો દરમિયાન કોરોના થયો હતો. બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પિતા-પુત્રને ચેપ લાગ્યા બાદ તેમનાથી દૂર રહેવાને બદલે માતાએ હેતુપૂર્વક કોરોનાના ચેપને આવકાર્યો હતો.

જેનના કહેવા પ્રમાણે, "માતાએ અમારાથી આઇસૉલેટ થઈ જવાની જરૂર હતી, પરંતુ તેમણે એમ કર્યું ન હતું. અને સતત અમારી સાથે જ રહ્યાં હતાં."

ચેક રિપબ્લિકમાં બાર, સિનેમા કે કાફેમાં પ્રવેશ મેળવવા માટે વૅક્સિનનું સર્ટિફિકેટ અથવા તો તાજેતરમાં ચેપ લાગ્યો હોય તે જરૂરી છે.

આ સિવાય સરકારે સરકારી કર્મચારીઓ તથા શાળાએ જતા બાળકોને માટે ટેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મૃત્યુ પહેલાં હાનાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "હવે થિયેટર, સૌના અને કૉન્સર્ટ થશે."

મૃત્યુના દિવસે હાનાને સારું લાગી રહ્યું હતું અને તેઓ તૈયાર થઈને વૉક માટે બહાર નીકળ્યાં હતાં, પરંતુ તેમની પીઠમાં દુખાવો શરૂ થયો હતો અને દસેક મિનિટમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

જેને બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે તેમનાં માતા સાથે સામાજિક અંતર જાળવવા મુદ્દે વાત કરવું વ્યર્થ હતું, કારણ કે તેઓ આ મુદ્દે ભાવુક થઈ જતાં હતાં. વૅક્સિનની સાથે માઇક્રૉચીપ મૂકી દેવામાં આવે છે કે એવી કોઈ થિયરીને હાના માનતાં ન હતાં, પરંતુ તેઓ માનતા હતા કે વૅક્સિન લેવા કરતાં ચેપને માત આપવાનું વધારે યોગ્ય હતું.

જેનના કહેવા પ્રમાણે, તેઓ માતાની વાત એટલા માટે સાર્વજનિક કરી રહ્યાં છે, જેથી કરીને લોકો આ મુદ્દે ગંભીર બને અને વૅક્સિન લે, કારણ કે લોકો આંકડાઓ કરતાં વાસ્તવિક જીવનનાં ઉદાહરણોથી વધુ સારી રીતે વાતને સમજી શકતા હોય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો