You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Pushpa : રક્તચંદન ખરેખર શું છે? મોટાપાયે તેની દાણચોરી શા માટે કરવામાં આવે છે?
ખૂબ પ્રસિદ્ધિ પામેલી ફિલ્મ 'પુષ્પા: ધી રાઇઝ' માટે તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો છે.
આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર વિક્રમસર્જક કમાણી કરી હતી. આ ફિલ્મની કથાની પાર્શ્વભૂમિમાં રક્તચંદનની દાણચોરી છે.
આ ફિલ્મમાં ઘનઘોર જંગલ, રક્તચંદનની દાણચોરી અને તેમાં થતો રક્તપાત સિનેમાની કલ્પનાકથા છે એવું તમને ખરેખર લાગતું હોય તો થોભજો.
તામિલનાડુ-આંધ્ર પ્રદેશની સીમા પરના શેષાચલમમાં આ રક્તચંદનની દાણચોરીમાં ઘણા લોકોએ ખરેખર પ્રાણ ગુમાવ્યા છે.
આ રક્તચંદન એટલું બધું કિંમતી છે? આપણે પૂજામાં જે ચંદનનો ઉપયોગ કરીએ છીએ તેનાથી રક્તચંદન કઈ રીતે અલગ પડે છે? રક્તચંદનની મોટા પ્રમાણમાં દાણચોરી શા માટે કરવામાં આવે છે?
આ રક્તચંદનનો ઉપયોગ પૂજા-અર્ચના માટે પણ કરવામાં આવે છે.
વૈષ્ણવપંથી લોકો સામાન્ય રીતે શ્વેત ચંદનનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે શૈવપંથી અને શક્તિપંથી લોકો રક્તચંદનનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે.
રક્તચંદન ખરેખર શું છે?
આંધ્રપ્રદેશના વનવિભાગના અધિક મુખ્ય સંરક્ષક બી. મુરલીકૃષ્ણાના જણાવ્યા મુજબ, રક્તચંદન એક અલગ પ્રકારનું વૃક્ષ છે. તેનું લાકડું લાલ હોય છે, પણ તેમાં શ્વેત ચંદન જેવી સુગંધ હોતી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં બી. મુરલીકૃષ્ણાએ કહ્યું હતું કે "રક્તચંદનનું શાસ્ત્રીય નામ Pterocarpus santalinus છે, જ્યારે શ્વેત ચંદન શાસ્ત્રીય ભાષામાં Santalum album તરીકે ઓળખાય છે. આ વૃક્ષોની બે અલગ-અલગ પ્રજાતિઓ છે."
બી. મુરલીકૃષ્ણાના જણાવ્યા મુજબ, શ્વેત ચંદનથી વિપરીત, રક્તચંદનનો ઉપયોગ સાધારણ રીતે ઔષધ કે અત્તર બનાવવા કે હવન-પૂજાપાઠમાં કરવામાં આવતો નથી.
રક્તચંદનમાંથી મોંઘું ફર્નિચર અને સજાવટનો સામાન બનાવવામાં આવે છે. તેના પ્રાકૃતિક રંગનો ઉપયોગ કૉસ્મેટિક્સ અને વાઇન બનાવવા માટે કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો રક્તચંદનનો ભાવ 3,000 રૂપિયા છે.
રક્તચંદન આટલું ખાસ શા માટે?
આંધ્ર પ્રદેશ-તામિલનાડુની સીમા પરના ચાર જિલ્લા-ચિતૂર, કડપ્પા, કુરનૂલ અને નેલ્લોરમાં ફેલાયેલી શેષાચલમ પર્વતમાળામાં રક્તચંદનનાં વૃક્ષો મોટાં પ્રમાણમાં જોવા મળે છે.
લગભગ પાંચ લાખ હેક્ટરમાં ફેલાયેલા આ જંગલમાં ઊગતાં રક્તચંદનનાં વૃક્ષોની સરેરાશ ઊંચાઈ આઠથી 11 મીટર સુધીની હોય છે. આ વૃક્ષ ધીમે-ધીમે મોટું થાય છે. તેથી તેનાં લાકડાંની ઘનતા વધારે હોય છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રક્તચંદનનું લાકડું અન્ય લાકડાની સરખામણીએ વધારે ઝડપથી પાણીમાં ડૂબી જાય છે. એ જ રક્તચંદનની ખરી ઓળખ છે.
સૌથી વધુ માગ ક્યાં છે?
જાપાન, સિંગાપુર, ઑસ્ટ્રેલિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવાં રાષ્ટ્રોમાં રક્તચંદનની માગ વધુ છે, પણ તેની સર્વોચ્ચ માગ ચીનમાં છે.
બી. મુરલીકૃષ્ણાના જણાવ્યા મુજબ, ચીનમાં 14મીથી 17મી સદી સુધીના મિંગ વંશના શાસનકાળમાં રક્તચંદન બહુ લોકપ્રિય હતું.
તેમણે કહ્યું હતું કે "શરૂઆતમાં જાપાનમાં તેની માગ વધારે હતી, કારણ કે જાપાનમાં લગ્નના સમયે ભેટ તરીકે આપવામાં આવતું 'શામિશેન' નામનું પરંપરાગત વાદ્ય બનાવવા માટે રક્તચંદનનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ એ પરંપરા ધીમેધીમે લુપ્ત થઈ રહી છે."
અંગ્રેજી અખબાર 'ચાઇના ડેઇલી'ના જણાવ્યા મુજબ, મિંગ વંશના શાસકોને રક્તચંદનમાંથી બનાવવામાં આવેલું ફર્નિચર બહુ જ પસંદ હતું અને તેઓ શક્ય હોય એટલી તમામ જગ્યાએથી તે મગાવતા હતા.
મિંગ વંશના શાસકો રક્તચંદન માટે એટલી હદે દીવાના હતા કે તેમણે 'રેડ સૅન્ડલવૂડ મ્યુઝિયમ' પણ બનાવ્યું હતું. આ સંગ્રહાલયમાં રક્તચંદનનાં લાકડાંમાંથી બનાવવામાં આવેલું ફર્નિચર તથા સુશોભનની અન્ય વસ્તુઓ જોવા મળે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો