પોરબંદરનો ડબલ મર્ડર કેસ રાજકીય હત્યા કે ગૅંગવૉરની ચેતવણી?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

14 જાન્યુઆરીના રોજ ભરબજારે પોરબંદરના રસ્તાઓ પર ફિલ્મીઢબે બે એસયુવીઓની અથડામણ થઈ હતી, ત્યાં હાજર લોકો હજી કાંઈ સમજે એ પહેલાં તેમાંની એક સ્કોર્પિઓ ગાડીમાંથી અમુક લોકોએ નીકળીને ગોળીબાર કર્યો.

આમનેસામને સંઘર્ષ થયો અને તેમાં બે લોકોનાં મૃત્યુ થયાં, બે લોકો ગંભીર રીતે ઘવાયા.

ગુજરાતને જો શાંતિપ્રિય, સુરક્ષિત અને અહિંસક રાજ્ય માનવું હોય તો આ ઘટના બાદ ઘણા લોકોનું માનવું છે કે તેમાં પોરબંદરની ગણતરી ન થઈ શકે.

પોરબંદરના અનેક લોકોને 1996 બાદ ખતમ થઈ ચૂકેલી ગૅંગવૉરની યાદ તાજા થઈ ગઈ.

એક સમય હતો જ્યારે આ જિલ્લામાં સરમણ મૂંજા અને દેવા વાઘેર કે પછી સંતોકબહેન જાડેજા અને ભીમા દુલાની ગૅંગની ધાક હતી અને તેમના વચ્ચેનો ઘર્ષણ આખા જિલ્લાના લોકો અનેક વખત જોતા હતા.

જોકે ઘણા લોકોનું માનવું છે કે હવે તે ગૅંગ તો ખતમ થઈ ચૂકી છે, પરંતુ તે નવા સ્વરૂપે ફરીથી પ્રગટ થઈ રહી છે.

આખરે ઘટના શું બની હતી?

14મી જાન્યુઆરીના રોજ થયેલા આ ડબલ મર્ડરની વાત કરવામાં આવે તો તેની ફરિયાદ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 14મી તારીખે નોંધાયેલી છે, તેમાં 11 આરોપીનાં નામ છે, અને ફરિયાદી છે વનરાજભાઈ કેશવાલા.

તેમના ભાઈ રાજ કેશવાલા અને તેમના મિત્ર કલ્પેશ ભૂતિયા આ ઘટનામાં મૃત્યુ પામ્યાં છે અને વનરાજભાઈની જમણી આંખને ઈજા થઈ છે. તેમની સાથે રહેતી એક બીજી વ્યક્તિ પ્રકાશ જુંગી પણ આ ઘટનામાં જખમી થઈ છે.

ફરિયાદ પ્રમાણે, વનરાજભાઈએ માર્ચ 2021ની નગરપાલિકાની ચૂંટણી કૉંગ્રેસ પક્ષ તરફથી લડી હતી અને તેમની સામે ભાજપ તરફથી ચૂંટણી લડનારા હતા ભીમાભાઈ ઓડેદરા, જેઓ આ ફરિયાદમાં આરોપી પણ છે.

ભીમાભાઈ પર આરોપ છે કે તેમણે બીજા 10 લોકો સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો છે. તેઓ પોરબંદરના વોર્ડ નંબર 11ના કાઉન્સિલર છે.

તેમના સાથે ભાજપના જ બીજા કાઉન્સિલર રામા રબારી સામે પણ આ જ આરોપો છે. તેમની સાથે ભાજપના બીજા કાર્યકરોએ આ હુમલો કર્યો હતો, તેવી વાત વનરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગૅંગવૉર કે સામાન્ય અથડામણ?

જોકે આ આખી ઘટના વિશે પોરબંદર ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "ભાજપના આ કૉર્પોરેટરોની સામે હાલમાં તો કોઈ પણ પગલાં લેવાની કોઈ વાત આવતી નથી, આ વિશે પાર્ટી સમય આવે યોગ્ય નિર્ણય લેશે."

બીજી બાજુ કૉંગ્રેસે આ આખી ઘટનાને એક રાજકીય મર્ડર તરીકે ગણાવી છે. પોરબંદરના કૉંગ્રેસના નેતા અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ આ આખી ઘટનાને અંજામ આપનાર લોકોને ભાજપના ગુંડા ગણાવ્યા છે અને પોલીસને અપીલ કરી છે કે આ લોકો સામે કડક કાયદાકીય પગલાં ભરે અને એક ઉદાહરણ બેસાડે.

આવી જ રીતે જીપીસીસીના હાલના પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું છે કે, "પોરબંદરમાં શેરી અને ગલીઓમાં ભાજપ સમર્થિત ગૅંગે આજકાલ આતંક ફેલાવ્યો છે. ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો વધુ એક પ્રયત્ન છે, આ લોકોને ભયથી મુક્ત કરવા જોઈએ."

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ પોરબંદરના ડીવાયએસપી ભરત પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે આ ઘટનાની પોલીસે ગંભીર નોંધ લીધી છે અને બે લોકોની ધરપકડ કરીને તેમને આરટીપીસીઆર માટે મોકલી દીધા છે.

જોકે પટેલે કહ્યું કે આ આખી ઘટનાને ગૅંગવૉર ન કહી શકાય.

તેમણે કહ્યું કે, "આ ગૅંગ નથી. આ તમામ લોકો એક જ મહોલ્લામાં સાથે રમીને મોટા થયેલા છે અને માત્ર એકબીજાના ઈગોને શાંત કરવા માટે આવી રીતે લડ્યા છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે. આ આખી લડાઈ ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી છે અને આરોપીઓ ફિલ્મી સ્ટાઇલથી લડવા માટે પ્રેરાયા હોય તેવું લાગી રહ્યું છે."

જોકે આ આખી ઘટના અંગે સામાન્ય લોકોનું કંઈક જુદું જ માનવું છે.

આ ઘટના વિશે બીબીસી ગુજરાતીએ પોરબંદર શહેરમાં રહેતા અમુક લોકો સાથે વાત કરી.

મોટા ભાગના લોકોનું માનવું હતું કે પોરબંદરમાં ભલે હવે ઑર્ગેનાઇઝ્ડ ગૅંગ રહી નથી, પરંતુ તેના સભ્યો અને તેમની લડાઈઓ હજી પણ નાની મોટી સંખ્યામાં ચાલતી હોય છે.

પોરબંદરના એક રહેવાસીએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "હવે જે રીતે આખા જિલ્લામાં બેરોજગારી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેમાં ઘણા નવા નવા લોકો વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે. અને તેમનો ફાયદો ગૅંગના જૂના સભ્યો (જેમને એક કે બીજી રીતે રાજકીય રક્ષણ મળેલું છે) ઉઠાવી રહ્યા છે."

"આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડી રહી છે."

તેમણે વધુમાં કહ્યું કે હવે ભલે પહેલાંની જેમ મોટી ગૅંગ પોરબંદરમાં નથી, પરંતુ અનેક નાની નાની ગૅંગ હાલમાં અહીં સક્રિય છે.

શું છે પોરબંદરની ગૅંગનો ઇતિહાસ?

અનેક જાણકારોનું માનવું છે કે હાલમાં પોરબંદરમાં કોઈ ગૅંગ સક્રિય નથી. જોકે એક સમય અહીં સરમણ મૂંજાની ગૅંગનો દબદબો હતો.

એક સામાન્ય મિલમજૂરથી તેઓ પોરબંદરના સૌથી મોટા ડોન બની ગયા હતા. જોકે બીજી ગૅંગના સભ્ય દેવા વાઘેરે તેમની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેમનાં પત્ની સંતોકબહેન જાડેજાએ તેમનાં કામકાજની કમાન સંભાળી હતી.

સંતોકબહેન જાડેજા અને ભીમા દુલા ઓડેદરાની ગૅંગ અનેક વખત આમનેસામને આવી હતી.

આ ગૅંગ વિશે વાત કરતા સિનિયર પત્રકાર પ્રશાંત દયાળ કહે છે કે, "1990ના દાયકામાં આઈપીએસ અધિકારી સતીશ વર્માને અહીં મૂકવામાં આવ્યા હતા, જેમણે પોરબંદર એસપી તરીકેની જવાબદારી સંભાળી હતી અને તેમણે આ તમામ ગૅંગનો સફાયો કરી દીધો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં કોઈ મોટી ગૅંગ રહી નથી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો