દલિત પેન્થર : અત્યાચારોનો બદલો લેવા દલિતોએ જ્યારે વિદ્રોહી સંગઠન રચ્યું

    • લેેખક, નામદેવ કાટકર
    • પદ, બીબીસી મરાઠી માટે

દલિતોએ પાંચ દાયકા પહેલાં 'જેવા સાથે તેવા' અને 'દલિતો પર થયેલા અત્યાચારનો જવાબ આપવો જ જોઈએ' એવા ધ્યેયને અનુસરતું એક વિદ્રોહી સંગઠન બનાવ્યું હતું, જેને નામ અપાયું હતું, 'દલિત પેન્થર.'

દલિત પેન્થર સંગઠનની વાસ્તવિક સ્થાપના 1972માં થઈ હતી, પરંતુ સ્થાપનાનું બીજ 16 વર્ષ પહેલાં રોપાયું હતું. 1956થી 1972 સુધીનાં એ 16 વર્ષોમાં એવું તે શું થયું હતું કે દલિત સમાજના કેટલાક યુવાનોએ પેન્થર જેવા સંગઠનની રચના કરવી પડી? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે ત્યાંથી પ્રારંભ કરવો પડશે, જ્યારે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અવસાન થયું હતું.

1956ની 6 ડિસેમ્બરે ડૉ. બાબાસાહેબનું અવસાન થયું હતું. ડૉ. બાબાસાહેબે સ્થાપેલા 'શિડ્યુલ કાસ્ટ ફેડરેશન'ને બાબાસાહેબના નિધનના 10 મહિના પછી એટલે કે 1957ની ત્રણ ઑક્ટોબરે નાગપુરસ્થિત દીક્ષાભૂમિ ખાતે વીખેરી નાખવામાં આવ્યું હતું અને રિપબ્લિકન પક્ષની સ્થાપના કરવામાં આવી હતી.

બી.એન. શિવરાજ નવા પક્ષના અધ્યક્ષ બન્યા હતા અને ડૉ.બાબાસાહેબ સાથે કામ કરી ચૂકેલા ભૈયાસાહેબ આંબેડકર, દાદાસાહેબ ગાયકવાડ, દાદાસાહેબ રૂપવતે અને ઍડ્વોકેટ બી.સી. કાંબલે જેવા લોકો તેમના સહકારી હતા.જોકે, એ રિપબ્લિક પક્ષમાં એક જ વર્ષમાં ભંગાણ પડ્યું હતું અને 1958ની 3 ઑક્ટોબરે પક્ષ બે જૂથમાં વહેંચાઈ ગયો હતો.

રિપબ્લિકન પક્ષમાં પહેલું ભંગાણ

રિપબ્લિકન પક્ષની નીતિ અને લક્ષ્યાંકો નક્કી ન થયા બાબતે ખેદ વ્યક્ત કરીને ઍડ્વોકેટ બી.સી. કાંબલે અને દાદાસાહેબ રૂપવતે સહિતના કેટલાક નેતાઓએ પક્ષ છોડ્યો હતો. એ પછી રિપબ્લિકન પક્ષમાં દાદાસાહેબ ગાયકવાડ અને કેટલાક અન્ય નેતાઓ બાકી રહ્યા હતા.

આમ રિપબ્લિકન પક્ષના, તેની સ્થાપનાના એક જ વર્ષમાં, કાંબલે અને ગાયકવાડ એમ બે જૂથમાં ટુકડા થયા હતા.એ પછી બેના ચાર અને ચારના પાંચ ટુકડા થયા અને રિપબ્લિકન પક્ષ વિવિધ જૂથોમાં વહેંચાતો રહ્યો હતો. રિપબ્લિકન પક્ષમાં આજે અનેક જૂથો છે. તેની શરૂઆત અહીંથી થઈ હતી એવું કહેવું અયોગ્ય નથી.

આર.ડી. ભંડારે જેવા નેતા 1965માં રિપબ્લિકન પક્ષ છોડીને કૉંગ્રેસી થયા હતા. એ પછી દાદાસાહેબ રૂપવતે પણ કૉંગ્રેસમાં ગયા હતા. આ રીતે રિપબ્લિકન પક્ષ ક્યારેક કૉંગ્રેસની સાથે તો ક્યારેક સામ્યવાદીઓના સાથે સરકતો રહ્યો હતો. આ પ્રક્રિયામાં રિપબ્લિકન પક્ષ નબળો પડવા લાગ્યો હતો.

આવી ઘટનાઓને કારણે દલિત સમાજમાં વ્યાપક હતાશા પ્રસરી હતી. એ દેશ સ્વતંત્ર થયા પછીનો પહેલો દાયકો હતો. સ્વતંત્ર ભારતનું નવું વ્યવસ્થાતંત્ર સમાજના છેવાડા સુધી પહોંચવાના પ્રયાસ કરતું હતું, પણ ગરીબો તથા દલિતો સુધી પહોંચવામાં તેને લાંબો સમય લાગતો હતો અથવા એમ કહો કે તેને ત્યાં સુધી પહોંચવા દેવાતું ન હતું.

એ સમયે દલિતો પરના અત્યાચારમાં રોજબરોજ વધારો થઈ રહ્યો હતો. તેથી બાબાસાહેબના મૃત્યુ પછી પોતે અનાથ થઈ ગયા હોવાની લાગણી દલિત સમાજમાં બળવત્તર બની રહી હતી. આવી બધી નિરાશાજનક ઘટનાઓ સાથે 70ના દાયકાનો પ્રારંભ થયો હતો. એ દાયકાએ દલિત સમાજને તાવણી પર લીધો હતો.

એ વખતે જ સંસદમાં એલિજા પેરુમલ સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

એલિજા પેરુમલ સમિતિનો વિસ્ફોટક અહેવાલ

દલિતો પરના અત્યાચારોના મામલે કેન્દ્ર સરકાર ઊંઘતી ઝડપાઈ એ પછી 1965માં આ મુદ્દે અભ્યાસ માટે દક્ષિણ ભારતીય સંસદસભ્ય એલિજા પેરુમલના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી હતી. એ સમિતિએ 1970ની 10 જાન્યુઆરીએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો હતો. એ અહેવાલ એટલો બધો સ્ફોટક હતો કે તેને સંસદમાં રજૂ કરવામાં સરકાર ખચકાતી હતી. વિરોધપક્ષ દ્વારા સમજાવટ બાદ એલિજા પેરુમલ સમિતિનો અહેવાલ સંસદમાં 1970ની 10 એપ્રિલે રજૂ કરવા સરકાર આખરે તૈયાર થઈ હતી.

જે.વી. પવાર કહે છે, "જોરદાર બૉમ્બવિસ્ફોટથી જે રીતે કાનમાં ધાક બેસી જાય, કાનના પડદા ફાટી જાય એવી જ અસર આ અહેવાલ પછી ખાસ કરીને દલિત સમાજમાં થઈ હતી." તે અહેવાલમાં એવું તે શું હતું? તેમાં દલિતો પરના અત્યાચારોની ક્રૂર પદ્ધતિ અને પગથી માથા સુધી આગ લાગી જાય તેવા આંકડાઓ બહાર આવ્યા હતા. એલિજા પેરુમલ સમિતિના અહેવાલમાં જણાવ્યા મુજબ, દલિત મહિલાઓને માર મારવામાં આવતો હતો, પાણી લેવાના મુદ્દે નિર્દય રીતે માર મારવામાં આવતી હતી, પૈસાદાર લોકો સામે સારાં કપડાં પહેરવા બદલ ચાબુક ફટકારવામાં આવતી હતી, તેમના પર બળાત્કાર કરવામાં આવતો હતો, ગુપ્તાંગ પર ડામ દેવામાં આવતા હતા અને દલિતો પર વિષ્ટા પણ ફેંકવામાં આવતી હતી.

એક તરફ આવું ચાલતું હતું અને બીજી તરફ મહારાષ્ટ્રમાં દલિત અત્યાચારની એક પછી એક નવી ઘટનાઓ બહાર આવી રહી હતી. 1970ના વર્ષની આસપાસ મહારાષ્ટ્રમાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ નામદેવ ઢસાળના પુસ્તક 'દલિત પેન્થરઃ એક સંઘર્ષ'માં કરવામાં આવ્યો છે. એ પૈકીની એક ઘટના પુણેમાં એક દલિત તરુણને જીવતો સળગાવી દેવા વિશેની છે.

પુણે જિલ્લાના ઇંદાપુર તાલુકાના બાવડા ગામે દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સરકાર પર ગુનેગારોને ટેકો આપવાનો આરોપ હતો, કારણ કે જેમણે અસ્પૃશ્યોના બહિષ્કારનું એલાન કર્યું હતું તે શાહજીરાવ પાટીલના ભાઈ શંકરરાવ બાજીરાવ પાટીલ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા. પ્રધાન શંકરરાવ પાટીલના રાજીનામાની માગણી કરવામાં આવી રહી હોવાથી મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના બ્રાહ્મણ ગામના બૌદ્ધવાડામાં 1972ની 14 મેએ બે મહિલાઓને નગ્ન કરીને તેમના ગુપ્તાંગમાં કાંટાવાળી બાવળની લાકડીથી ફટકા મારવામાં આવ્યા હતા અને એ મહિલાઓને ગામમાં એ જ અવસ્થામાં ફેરવવામાં આવી હતી. એ મહિલાઓએ સોપાન દાજીબા નામની વ્યક્તિના કૂવામાંથી પાણી પીવાનો 'ગુનો' કર્યો હતો.

બ્રાહ્મણ ગામનો આ કિસ્સો હોય કે પછી ગવઈ બંધુની આંખો ફોડી નાખવાનું કૃત્ય હોય, મહારાષ્ટ્રમાં આવી એક પછી એક ઘટનાઓ બની જ રહી હતી. આ બધી ઘટનાઓને કારણે દલિત સમાજના તરુણો દેખીતી રીતે અકળાયેલા હતા. એ અકળામણ, રોષે ભરાયેલા દલિત તરુણોના આક્રમક પ્રતિભાવ સ્વરૂપે બહાર આવી હતી અને એ પ્રતિભાવ હતો- દલિત પેન્થર.

દલિત યુવા મોરચાથી દલિત પેન્થર

મુંબઈના વડાલાસ્થિત સિદ્ધાર્થ વિહાર હૉસ્ટેલમાં દલિત યુવા મોરચાનો જન્મ 70ના દાયકામાં થયો હતો. આ હૉસ્ટેલ ડૉ. બાબાસાહેબે સ્થાપેલી પીપલ્સ ઍજ્યુકેશન સોસાયટીની હતી. અર્જુન ડાંગળેએ લખ્યું છે કે "હૉસ્ટેલો ચળવળનું કેન્દ્ર હોય છે. ખાસ કરીને બાબાસાહેબના વૈચારિક વારસાને આગળ ધપાવવાનું કામ આ હૉસ્ટેલોએ કર્યું છે."

ડાંગળેના આ વિધાનને સાચું ગણવું જોઈએ, કારણ કે દલિત પેન્થરનાં બીજ આવી હૉસ્ટેલોમાં રચાયેલા 'દલિત યુવા મોરચા'માંથી જ સાંપડ્યા છે, કારણ કે સમય જતાં દલિત પેન્થરમાં સક્રિય થયેલા તમામ કાર્યકરો પૈકીના અડધોઅડધ લોકો દલિત યુવા મોરચા સાથે સંકળાયેલા હતા.

આ દલિત યુવા મોરચાએ પુણેના બાવડા બહિષ્કાર પ્રકરણની ચર્ચા કરવા મે, 1972માં એક બેઠક યોજી હતી. દલિત નેતાઓ રાજા ઢાલે અને નામદેવ ઢસાળની સવિસ્તાર મુલાકાત થોડાં વર્ષો પહેલાં 'પ્રહાર' દૈનિકમાં પ્રકાશિત કરવામાં આવી હતી. એ વિશે મહારાષ્ટ્રમાં વ્યાપક ચર્ચા થઈ હતી. નામદેવ ઢસાળની મુલાકાત 'દલિત પેન્થરઃ એક સંઘર્ષ' પુસ્તકમાં સમાવવામાં આવી છે.

નામદેવ ઢસાળે લખ્યું છે કે "સિદ્ધાર્થ વિહારમાં રાજા ઢાલે, ભગવાન ઝરેકર, વસંત કાંબળે, લતિખ ખાટિક, કાશીનાથ તુતારી, અનંત બચ્છાવ વગેરે રહેતા હતા. એ લોકોને સાથે લઈને અમે યુવા મોરચાની સ્થાપના કરી હતી. મુખ્ય મંત્રીના બંગલે મોરચો લઈ ગયા હતા. મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપ્યા પછી તેમણે અમને જણાવ્યું હતું કે તમે બાવડા જઈને અમને ઘટનાનો અહેવાલ આપો."

જે. વિ. પવારનું કહેવું હતું કે "અમારે ત્યાં જઈને તમને અહેવાલ આપવાનો હોય તો સરકાર શેના માટે છે? સરકાર પાસે પોલીસ છે, આખું વ્યવસ્થાતંત્ર છે. તેથી સરકારે જ ઘટનાનો રિપોર્ટ મેળવવો જોઈએ." એ બેઠકમાંથી બહાર આવ્યા બાદ નામદેવ ઢસાળ અને જ. વિ. પવારે દલિત પેન્થરની સ્થાપનાનો વિચાર માંડ્યો હતો.

સિદ્ધાર્થવિહાર ખાતેની બેઠકમાંથી બહાર નીકળ્યા પછી એવો વિચાર આવ્યો હતો કે અન્યાય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ભૂગર્ભ ચળવળ કરવી જોઈએ.

નામદેવ ઢસાળ અને જ. વિ. પવાર મુંબઈના કમાઠીપુરામાં એકમેકની નજીક રહેતા હતા. જ. વિ. પવાર બૅન્કમાં નોકરી કરતા હતા. એક વખત તેઓ ઑફિસે જતા હતા અને નામદેવ ઢસાળ તેમની સાથે હતા ત્યારે રસ્તામાં જ - મુંબઈના અલંકાર સિનેમાથી ઓપેરા હાઉસ સુધીના રસ્તામાં - દલિત પેન્થરની સ્થાપનાનો વિચાર સૂઝ્યો હતો. જ. વિ. પવારે તેમના 'આંબેડકરોત્તર આંબેડકરી ચળવળ' પુસ્તકના ચોથા ખંડમાં આ માહિતી આપી છે. જોકે, અર્જુન ડોંગળેએ તે માહિતી સામે વાંધો લઈને 'દલિત પેન્થરઃ અધોરેખિત સત્ય' નામના પુસ્તકમાં પોતાની બાજુ વિગતવાર રજૂ કરી છે.

'પેન્થર' જ શા માટે?

તમે 'દલિત પેન્થર' બોલો છો ત્યારે તેમાં એક પ્રકારની આક્રમકતા અનુભવાય છે. એ સમયની પરિસ્થિતિ અને દલિત પેન્થરની વ્યૂહરચનાને ધ્યાનમાં લેતાં સંગઠનનો એવો ઘાટ પણ ઘડાયો હતો. આજે પણ દલિત સમાજમાં પેન્થર બાબતે પોતાપણાની લાગણી પ્રવર્તે છે. આપણે જેને અંગ્રેજીમાંથી 'કોઈન' કરેલો ગણીએ છીએ એ દલિત પેન્થર શબ્દ સંગઠન માટે પસંદ કોણે કર્યો હતો એ બાબતે પણ અનેક દાવા થઈ રહ્યા છે.

રાજા ઢાલે કાયમ કહેતા કે અમેરિકામાંના 'બ્લૅક પેન્થર' નામના સંગઠનના સમાચાર હોય તેવા 'ટાઈમ્સ' મૅગેઝિનના અંકો પોતે હંમેશાં લાવતા. એ વિશે ચર્ચા થતી અને તેમાંથી આ નામ બહાર આવ્યું હતું. આ દાવાનો માત્ર નામદેવ ઢસાળે અસ્વીકાર કર્યો છે. દલિત પેન્થરમાં સક્રિય રહેલા પ્રહલાદ ચેંદવણકર કંઈક અલગ મુદ્દો માંડ્યો છે. શરણકુમાર લિંબાળે લિખિત 'દલિત પેન્થર' પુસ્તકમાં ચેંદવણકરનો આ વિશેનો એક લેખ સમાવવામાં આવ્યો છે. તેમાં ચેંદવણકરે લખ્યું છે કે "1971માં મહાડમાં બૌદ્ધ સાહિત્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબુરાવ બાગૂલ તે સંમેલનના અધ્યક્ષ હતા. તેમાં એક પરિસંવાદમાં ડૉ. એમ.એન. વાનખેડેએ અમેરિકાના અશ્વેતોના સાહિત્ય વિશે માહિતી આપી હતી. એ માહિતી અનેક માટે નવીન હતી."

અમેરિકાના અશ્વેતો અને ભારતના દલિતોની સરખામણી કરીને ડૉ. વાનખેડેએ અશ્વેત લોકો કઈ રીતે જાગૃત થયા છે તેના વિશે વકતવ્ય આપ્યું હતું.

સત્તા, સંપતિ અને પ્રતિષ્ઠા મેળવવા માટે સંતપ્ત અશ્વેત તરુણોએ 'બ્લૅક પેન્થર' નામના આક્રમક સંગઠનની સ્થાપના કરી હતી. દલિત સાહિત્યકારોએ પણ એ માર્ગે જવું પડશે, એવું પણ ડૉ. વાનખેડેએ કહ્યાનું ચેંદવણકરે તેમના લેખમાં નોંધ્યું છે.

અર્જુન ડાંગળેએ એવું લખ્યું છે કે "એ સમયે દલિત પેન્થર નામની એટલી ચર્ચા થતી હતી કે તે નામ કોણે અને ક્યારે સૂચવ્યું તે સિદ્ધ કરતો એકેય પુરાવો નથી. નામદેવ ઢસાળ કે જે. વિ. પવારે દલિત પેન્થર નામ સૂચવ્યું હોય તો પણ તેના પર એ બન્નેનો માલિકી હક્ક ન હતો. તે સામુદાયિક ભાવનાની અભિવ્યક્તિ હતું. સંઘની સર્વસંમતિની ઘોષણામાં તે નિમિત્તમાત્ર હતું."

'બ્લૅક પેન્થર' શું હતું?

અમેરિકાના અશ્વેતો લોકો માટે બ્લૅક પેન્થર સંગઠન 'જેવા સાથે તેવા'ની ભૂમિકા હતું. હ્યુ. પી. ન્યૂટન, બૉબી શીલ, લિરાય જોન્સ, ઍન્જેલા ડેવિસ વગેરે ક્રાંતિકારીઓ એ સંગઠનના લડવૈયા હતા. તે ચળવળની શરૂઆત ઑકલૅન્ડથી થઈ હતી. શ્વેત સૈનિકો દ્વારા સતત સતામણી, સૈન્યનો ત્રાસ અને પોલીસના દરોડામાં અશ્વેતોના મૃત્યુનો મુકાબલો કરવા માટે 'બ્લૅક પેન્થર'ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંગઠનના સભ્યો શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા.

અલગતાવાદી હોવાનો આરોપ મૂકીને આ સંગઠનના અનેક કાર્યકરોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા, ફાંસી પર લટકાવી દેવાયા હતા. બ્લૅક પેન્થરની માફક દલિત પેન્થર પણ અલ્પાયુષી રહ્યું, પરંતુ તેણે સામાજિક ઇતિહાસનાં પાનાં પર પોતાની નોંધ સુવર્ણઅક્ષરે કરાવી તે ધ્યાનમાં લેવું જ જોઈએ.

હવે આપણે દલિત પેન્થરના સૌપ્રથમ સંમેલનની વાત કરીએ, કારણ કે તે સંમેલનને કારણે મહારાષ્ટ્ર સહિતના સમગ્ર ભારતમાં દલિત પેન્થરની નોંધ લેવામાં આવી હતી.

દલિત પેન્થર રેલી અને 'કાળો સ્વાતંત્ર્ય દિવસ'

મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં 1972ની નવ જુલાઈએ દલિત પેન્થરના સૌપ્રથમ જાહેર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે. વિ. પવાર એ જ વિસ્તારમાં રહેતા હતા.

તેમણે 'કામદાર કલ્યાણ કેન્દ્ર'નો હૉલ આ સંમેલન માટે ઉપલબ્ધ કરાવી આપ્યો હતો. એ સંમેલનમાં ઉપસ્થિત રહેલા લોકોને દલિત પેન્થરના સંસ્થાપક સભ્યો ગણવામાં આવ્યા હતા.

1972ની 15 ઑગસ્ટની સ્વાતંત્ર્યની સિલ્વર જ્યુબિલીની ઉજવણી 'કાળા સ્વાતંત્ર્યદિવસ' તરીકે કરવાનો નિર્ણય તે સંમેલનમાં લેવામાં આવ્યો હતો. એ માટે દલિતોની કૉલોનીઓમાં સભા, બેઠકો વગેરેનું આયોજન થવા લાગ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસે કાળા ઝંડા ફરકાવવાની, રિબન વગેરે બાંધવાની હાકલ કરવામાં આવી હતી.

દલિત પેન્થરો કાળા સ્વાતંત્ર્યદિવસની ઉજવણી કરવાના છે તેવી માહિતી પુણે પહોંચી અને 'સાધના' સાપ્તાહિકના પત્રકાર ડૉ. અનિલ અવચટ મુંબઈની સિદ્ધાર્થ હૉસ્ટેલમાં પહોંચ્યા હતા. આ બાબતે એક લેખની માગણી ડૉ. અવચટે કરી હતી. એ મુજબ દલિત પેન્થરના ઘણા સભ્યોએ કોઈ કાટછાંટ ન કરવાની શરતે લેખો લખી આપ્યા હતા.

એ પૈકીનો રાજા ઢાલેએ લખેલો 'કાળો સ્વાતંત્ર્યદિવસ' લેખ બહુ ગાજ્યો હતો. તેનાથી દલિતોનો ઉત્સાહ વધ્યો હતો, પણ વિરોધીઓએ લેખની ઝાટકણી કાઢી હતી.

દલિત મહિલાઓ પર અત્યાચાર કરનારાઓ પૈસા આપીને છૂટી જતા હોવા બાબતે રાજા ઢાલેએ પોતાના લેખમાં પ્રહાર કર્યા હતા. એ લેખનું દલિત સમાજે સ્વાગત કર્યું હતું, જ્યારે બીજા અનેક લોકોએ ટીકા કરી હતી. વિખ્યાત લેખિકા દુર્ગાબાઈ ભાગવતે પણ તે લેખની ટીકા કરી હોવાનું પ્રહ્લાદ ચેંદવણકરે નોંધ્યું છે.

લેખનો વ્યાપક વિરોધ થયો હતો. 'સાધના'ના તત્કાલીન તંત્રી યદુનાથ થત્તેએ, રાજા ઢાલેનો લેખ ભૂલથી છપાયો હોવાનું કહીને રાજીનામું આપવું પડ્યું હતું. એ લેખ પછી રાજા ઢાલેનું નામ લોકજીભે ચડ્યું હતું અને તેઓ પ્રખ્યાત થયા હતા. એ પછી 14 ઑગસ્ટે 'કાળા સ્વાતંત્ર્યદિવસ'ની ઉજવણી માટે દલિત પેન્થર સહિતના 10-11 પ્રગતિશીલ સંગઠનોના કાર્યકરો મુંબઈના આઝાદ મેદાનમાં એકઠા થયા હતા.

તેમાં દલિત પેન્થરની કાર્યકરોની સંખ્યા વધારે હતી, કારણ કે અગાઉની ઘટનાઓ અને રાજા ઢાલેના લેખને કારણે દલિત પેન્થર વિશે લોકોમાં કુતૂહલ વધ્યું હતું. તેમાં નામદેવ ઢસાળનું જડબાતોડ ભાષણ ઉપસ્થિતોનાં હૈયાં સુધી પહોંચી ગયું હતું.

14 ઑગસ્ટની રાતે 12 વાગ્યે આઝાદ મેદાનથી વિધાનભવનની દિશામાં મોરચો કાઢવામાં આવ્યો હતો. મોરચો કાલા ઘોડા વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાં વૈકલ્પિક વિધાનસભાની બેઠક યોજવામાં આવી હતી, જેમાં દલિતો પરના અત્યાચાર ન અટકાવી શકેલી સરકારનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.

તે વૈકલ્પિક વિધાનસભાની બેઠકમાં હુસેન દલવાઈ વિધાનસભ્ય બન્યા હતા. બાદમાં તેઓ ખરેખર વિધાનસભ્ય બન્યા હતા અને રાજ્યસભા સુધી પહોંચ્યા હતા.

એ કાર્યક્રમનો વિગતવાર અહેવાલ ભાઉ તોરસેકરે 'મરાઠા' દૈનિકના 'યુવક જગત'માં લખ્યો હોવાનું જે. વિ. પવારે જણાવ્યું હતું. એ પછીના સમયગાળામાં દલિત પેન્થરે અનેક આંદોલનો કર્યાં હતાં, અત્યાચારની ઘટના બની હોય એ સ્થળોએ સૌપ્રથમ પહોંચવાના પ્રયાસ કર્યા હતા, પીડિત પરિવારોને ટેકો આપવાના પ્રયાસ કર્યા હતા.

એટલું જ નહીં, દલિત પેન્થર ચળવળને કારણે બીજી અનેક ઘટનાઓ પણ બની હતી. તેમાં મહત્ત્વની ઘટના એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાહિત્યના પ્રકાશન માટે સરકારને તૈયાર કરવાનું કામ. બેકારી, બેરોજગારી બાબતે પણ દલિત પેન્થરે અવાજ ઉઠાવ્યો હતો. શંકરાચાર્ય પર ચંપલ ફેંકવાનું હોય કે ઈન્દિરા ગાંધીના વિરોધમાં પ્રદર્શન કરવાનું હોય, એવાં ઘણાં આંદોલન દલિત પેન્થરે કર્યાં હતાં.

દલિત પેન્થર કાર્યકરોનાં જોશીલાં ભાષણો અને આક્રમક કામોને કારણે સમાજમાં ખળભળાટનું વાતાવરણ સર્જાયું હતું. મધ્ય-મુંબઈની પેટાચૂંટણી દલિત પેન્થર આંદોલનનો એક મહત્ત્વનો તબક્કો સાબિત થઈ હતી.

'ગામડાંમાં બહિષ્કાર કરનારાઓનો મુંબઈમાં બહિષ્કાર'

આર. ડી. ભંડારે મધ્ય-મુંબઈના કૉંગ્રેસના તત્કાલીન વિધાનસભ્ય હતા. એક સમયે તેઓ રિપબ્લિક પક્ષના અધ્યક્ષ, સ્થાપક સભ્ય હતા. તેઓ 1966માં કૉંગ્રેસમાં જોડાયા હતા.

1974માં આર. ડી. ભંડારેને કૉંગ્રેસે બિહારના રાજ્યપાલ બનાવ્યા હતા. તેથી મધ્ય-મુંબઈ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી. 1974ની 13 જાન્યુઆરીએ ચૂંટણી થવાની હતી.

એ બેઠક માટે કૉંગ્રેસ તરફથી રામરાવ આદિક, ભારતીય સામ્યવાદી પક્ષ તરફથી ડૉ. અમૃતા ડાંગેનાં પુત્રી રોઝા દેશપાંડે, હિન્દુ સભા તરફથી વિક્રમ સાવરકર અને જનસંઘ તરફથી ડૉ. વસંતકુમાર પંડિત ઉમેદવાર હતા. ખરી ટક્કર રામરાવ આદિક અને રોઝા દેશપાંડે એટલે કે કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષ વચ્ચે હતી.

કૉંગ્રેસે રામરાવ આદિલને ટિકિટ આપી હતી, કારણ કે તેઓ મહાત્મા ફૂલેએ સ્થાપેલા સત્યશોધક સમાજના દસેક વર્ષ સુધી અધ્યક્ષ હતા. મધ્ય મુંબઈમાં દલિતોના મત નિર્ણાયક હતા. તેથી આદિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાની ચર્ચા હતી.

કૉંગ્રેસના રામરાવ આદિકને રિપબ્લિકન પક્ષે ટેકો આપ્યો હતો. એ ઉપરાંત શિવસેનાએ પણ ટેકો આપ્યો હતો. શિવાજી પાર્કમાં શિવસેનાની સ્થાપનાસભામાં રામરાવ આદિક મંચ પર ઉપસ્થિત હતા. તેથી શિવસેના તેમને શા માટે ટેકો આપ્યો હતો એ સમજવું આસાન છે.

દલિત સમાજમાં લોકપ્રિય બની ગયેલા દલિત પેન્થરની એ ચૂંટણીમાં કેવી ભૂમિકા હશે એ જાણવા બધા ઉત્સુક હતા, કારણ કે અગાઉ જણાવ્યું તેમ આ મતવિસ્તારમાં દલિતોના મત નિર્ણાયક હતા.

દલિત પેન્થરે 1974ની પાંચમી જાન્યુઆરીએ મુંબઈના વરલી વિસ્તારમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેદાનમાં જાહેર સભા યોજી હતી.

દલિતોને થતા અન્યાયના અને સરકારની નકારાત્મકતાના વિરોધમાં તે પેટાચૂંટણીના બહિષ્કારનો નિર્ણય દલિત પેન્થરની એ સભામાં લેવામાં આવ્યો હતો.

દલિત પેન્થરે જાહેર કર્યું હતું કે 'જે લોકો ગામડાંઓમાં અમારો બહિષ્કાર કરે છે, તેમનો અમે મુંબઈમાં બહિષ્કાર કરીશું.'

વરલીમાં પથ્થરમારો અને બે પેન્થરનાં મૃત્યુ

મધ્ય મુંબઈ બેઠકની પેટાચૂંટણીના હાકલ દલિત પેન્થરે કરી એ પછી લગભગ સ્પષ્ટ થઈ ગયું હતું કે કૉંગ્રેસને દલિતોના મત મળશે નહીં. કૉંગ્રેસને પરાજય દેખાવા લાગ્યો હતો.

તેથી, દલિત પેન્થરની એ સભામાં નામદેવ ઢસાળ ભાષણ કરતા હતા ત્યારે મેદાન પાછળની બીડીડી ચાલની અગાશી પરથી શિવસૈનિકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેમ છતાં નામદેવ ઢસાળે ભાષણ ચાલુ રાખ્યું હોવાનું, કૉમરેડ સુબોધ મોરેએ 'લોકસત્તા' દૈનિકમાં લખેલા લેખમાં જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, 'એ પછી રાજા ઢાલે ભાષણ કરવા ઊભા થયા હતા. તેમણે પથ્થરમારો કરતા ગુંડાઓને પડકારતાં ભાષણની શરૂઆતમાં જ કહ્યું હતું કે હિંમત હોય તો સામે આવીને હુમલો કરો. ઢાલેએ ફેંકેલા પડકારને કારણે વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો.'

શિવસૈનિકોએ પથ્થરમારો કરીને સભા વિખેરાવી નાખી હતી અને પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. તેમાં રાજા ઢાલે પણ ઘવાયા હતા.

એ ઘટનાનો પડઘો વરલી, નાયગાવ, ભાયખલા, દાદર, પરેલ અને ડિલાઈલ રોડ સહિતના દલિતોના બાહુલ્યવાળા વિસ્તારોમાં પડ્યો હતો. દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ચર્મકાર સમાજના રમેશ દેવરૂખકર નામના તરુણનું મોત થયું હતું.

તે ઘટનાના વિરોધમાં 1974ની 10 જાન્યુઆરીના રોજ નાયગાવ, દાદરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ સરઘસ પરેલ તરફ આગળ વધતું હતું ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમાં ભાગવત જાધવ નામના વધુ એક પેન્થરનું મૃત્યુ થયું હતું.

તોફાનીઓએ ફેંકેલો પથ્થર ભાસ્કર જાધવના માથા પર વાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પોલીસે ઢસાળ ઉપરાંત ભાઈ સંગારે, પ્રહ્લાદ, ચેંદવણકર, લતિફ ખાટિક અને જ. વિ. પવાર સહિતના લોકોની ધરપકડ કરી હતી.

એ પછી 1974ની 13 જાન્યુઆરીએ પૂર્વનિયોજિત કાર્યક્રમ અનુસાર પેટાચૂંટણી યોજવામાં આવી હતી, પણ તેમાં દલિત પેન્થરના બહિષ્કારની અસર જોવા મળી હતી. કૉંગ્રેસના રામરાવ આદિકનો પરાજય અને ભારતીય સામ્યવાદી પક્ષનાં રોઝા દેશપાંડેનો વિજય થયો હતો.

રિપબ્લિક પક્ષમાં એકતા અને દલિત પેન્થરને ધક્કો

દલિત પેન્થરમાંની ફાટફૂટના સંદર્ભમાં મધ્ય મુંબઈની પેટાચૂંટણી પછીની એક ઘટના સૂચક છે.

અર્જુન ડાંગળેએ 'દલિત પેન્થરઃ અધોરેખિત સત્ય' પુસ્તકમાં તે ઘટનાનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે.

કૉમરેડ રોઝા દેશપાંડેના વિજયનો જેવો આઘાત કૉંગ્રેસને લાગ્યો હતો, તેવો જ આઘાત રિપબ્લિકન પક્ષના જૂથોના નેતાઓને પણ લાગ્યો હતો, કારણ કે તેઓ એ ચૂંટણીમાં દલિત પેન્થરની તાકાતને સમજી શક્યા ન હતા.

તેથી કૉંગ્રેસના આગ્રહથી રિપબ્લિકન પક્ષના વિવિધ જૂથો વચ્ચે એકતા સધાઈ હતી. તે એકતાની જાહેરાત 1974ની 26 જાન્યુઆરીએ દાદરસ્થિત ચૈત્યભૂમિ ખાતે કરવામાં આવી હતી. 1974ની 20 ફેબ્રુઆરીએ સંયુક્ત રિપબ્લિકન પક્ષનું એક મોટું સરઘસ પણ મુંબઈમાં કાઢવામાં આવ્યું હતું.

રિપબ્લિકન પક્ષ આંબેડકરીઓ એટલે કે દલિતોના હૈયાંની કાયમ નજીક હોવાથી તેમણે પક્ષમાં વિવિધ જૂથો વચ્ચે એકતાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. પરિણામે દલિત પેન્થર ચળવળને મોટો ધક્કો લાગ્યો હતો, કારણ કે રિપબ્લિકન પક્ષમાંની કૉંગ્રેસપ્રેરિત એકતા દલિત પેન્થર માટે મોટી અડચણ હતી.

દલિત પેન્થરમાં ફાટફૂટ

નામદેવ ઢસાળ દ્વારા જાહેર કરવામાં આવેલા ઢંઢેરાને દલિત પેન્થરમાં ફાટફૂટનું એક મહત્ત્વનું કારણ ગણવામાં આવે છે. એ ઢંઢેરા વડે નામદેવ ઢસાળ દલિત પેન્થરને સામ્યવાદી વિચારધારા તરફ ઝુકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મુખ્ય વિવાદ નામદેવ ઢસાળ અને રાજા ઢાલે વચ્ચે સર્જાયો હતો.

અર્જુન ડાંગળેના જણાવ્યા મુજબ, 'નવાકાળ' દૈનિકમાં રાજા ઢાલેએ 'જાહીરનામા કી નામા જાહીર?' શીર્ષક હેઠળ લેખ લખીને નામદેવ ઢસાળ સામે મોરચો ખોલ્યો હતો.

એ પછી 1974માં નાગપુરમાં યોજાયેલા સંમેલનમાં રાજા ઢાલેએ જ નામદેવ ઢસાળને દલિત પેન્થરમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી હતી.

નામદેવ ઢસાળે પોતાની વાત સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે "મારો ઢંઢેરો આર્થિક, સામાજિક, રાજકીય એમ તમામ પ્રકારના દલિતો માટેના આંબેડકરના સ્વતંત્ર મજૂર પક્ષની પરિકલ્પના હતો."

"રાજા ઢાલેએ જે દિવસ એવું કહ્યું કે બુદ્ધિસ્ટો જ પેન્થર છે એ દિવસથી જ આ સંગઠન કટ્ટરતાવાદી બની ગયું હતું. આવું તો ખુદ બુદ્ધ પણ માનતા ન હતા. બુદ્ધના સમયમાં 60-70 સંપ્રદાયો હતા. તેમની વચ્ચે ચર્ચા ચાલી હતી," એમ ઢસાળે જણાવ્યું હતું.

દલિત પેન્થરમાં ફાટફૂટ વિશેનું અર્જુન ડાંગળેનું વિશ્લેષણ એવું છે કે નામદેવ ઢસાળ જે રીતે ડાબેરી સામ્યવાદીઓના પડખામાં હતા, તેવી જ રીતે રાજા ઢાલે સમાજવાદીઓને પડખે હતા. તેઓ પ્રોફેસર મે. પુ. રેગેની સલાહ અનુસાર કામ કરતા હતા. દલિત પેન્થરમાં ફાટફૂટનું કારણ આ જ છે.

એ પછી 1977માં દલિત પેન્થરના વિઘટનની જાહેરાત કરવામાં આવી હતી અને રાજા ઢાલેએ માસ મૂવમેન્ટ નામનું સંગઠન શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, નામદેવ ઢસાળ થોડા સમય સુધી દલિત પેન્થરનું બેનર ફરકાવતા રહ્યા હતા.

1977ની 10 એપ્રિલે ઔરંગાબાદમાં દલિત પેન્થરને પુનર્જીવિત કરવામાં આવ્યું હતું, 'ભારતીય દલિત પેન્થર' નામે. તેમાં પ્રોફેસર અરુણ કાંબળે, રામદાસ આઠવલે, ગંગાધર ગાડે, એસ. એમ. પ્રધાન અને દયાનંદ મ્હસ્કે વગેરે નેતાઓ સામેલ હતા.

આ ભારતીય દલિત પેન્થર દ્વારા 1977ની 12 ઑગસ્ટે નામાંતરની માગણી સાથે સરઘર કાઢવામાં આવ્યું હતું. તેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. એમાંથી નવા પેન્થર બહાર આવ્યા હતા. એ પૈકીના એક રામદાસ આઠવલે આજે કેન્દ્રીયમંત્રી છે.

મરાઠવાડા યુનિવર્સિટીના નામાંતરના મુદ્દે ભારતીય દલિત પેન્થરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મૂળ દલિત પેન્થરનું આયુષ્ય ત્રણ-સાડા ત્રણ વર્ષનું હતું. છેલ્લા કેટલાક મહિના વાદ-વિવાદ ગયા અને પછી વિઘટન થયું, પરંતુ એ ત્રણ-સાડા ત્રણ વર્ષમાં સંગઠને દલિત સમાજને આત્મસન્માન માટે લડવાની પ્રેરણા આપી હતી.

દલિત પેન્થર સંગઠન ટકી રહેવું જોઈતું હતું, એવું કહેવાવાળા ઘણા લોકો આજે પણ છે. પેન્થરમાં ફાટફૂટ શા માટે પડી તેની ચર્ચા કોઈ કરતું નથી.

બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં જે. વિ. પવારે કહ્યું હતું કે "કોઈકે કહ્યું છે ને કે સફળતાના હજાર બાપ હોય છે, પણ નિષ્ફળતા અનાથ હોય છે. પેન્થરનું આવું છે."

ભલે ગમે તેટલા મતમતાંતર હોય, પરંતુ દલિતો પરના અત્યાચારના વિરોધમાં પેન્થરે લડેલી લડાઈને ક્યારેય ભૂલી શકાય નહીં, એ પણ એટલું જ સાચું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો