You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. આંબેડકર જયંતી : 'જય ભીમ'નો નારો કોણે આપ્યો અને 'જય ભીમ' કહેવાનું ચલણ ક્યારથી શરૂ થયું?
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, બીબીસી મરાઠી
14મી એપ્રિલ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે ઠેરઠેર રેલીઓ અને મહાસભાઓનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં આંબેડકર આંદોલનના લાખો કાર્યકરો અને આંબેડકર સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતા સંખ્યાબંધ લોકો એકમેકનું અભિવાદન ‘જય ભીમ’ શબ્દો વડે કરતા હોય છે.
‘જય ભીમ’ શબ્દવાળાં અનેક ગીતો ભારતમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ખૂણેખૂણામાં ગાવામાં આવે છે ત્યારે હાલ આ શબ્દ તમિલનાડુના લોકોમાં પ્રિય બની રહ્યો છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. આંબેડકર આંદોલન પ્રત્યે પ્રતિબદ્ધ લોકો, તેના સન્માનમાં ‘જય ભીમ’ બોલે છે.
જોકે, ‘જય ભીમ’ શબ્દ આજે અભિવાદન પૂરતો જ મર્યાદિત રહ્યો નથી, પરંતુ આંબેડકર આંદોલનનો નારો બની ગયો છે. આંબેડકર આંદોલનના કાર્યકર્તાઓ આ શબ્દને આંદોલનનો પ્રાણ ગણે છે.
આ શબ્દનો અભિવાદન માટેના ઉચ્ચારથી ક્રાંતિનો ઘોષ બનવા સુધીનો પ્રવાસ રસપ્રદ છે. ‘જય ભીમ’ શબ્દ કઈ રીતે લોકજીભે ચડ્યો અને મહારાષ્ટ્રમાં જન્મેલો આ શબ્દ ભારતભરમાં કઈ રીતે ફેલાઈ ગયો એ જાણવાનો પ્રયાસ આ લેખમાં કરવામાં આવ્યો છે.
‘જય ભીમ’ નારો કોણે આપ્યો?
‘જય ભીમ’ નારો આંબેડકર આંદોલનના એક કાર્યકર બાબુ હરદાસ એલ. એન. (લક્ષ્મણ નગરાલે)એ 1935માં આપ્યો હોવાની નોંધ છે.
બાબુ હરદાસ સેન્ટ્રલ પ્રોવિન્સ-બરારમાં વિધાનસભ્ય હતા અને બાબાસાહેબ આંબેડકરના વિચારોને ચુસ્ત રીતે અનુસરતા એક પ્રખર કાર્યકર્તા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાસિકના કાલારામ મંદિરની લડાઈ અને ચવદાર તળાવના સત્યાગ્રહને કારણે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ ઘરેઘરે જાણીતું થઈ ગયું હતું. એ પછી ડૉ. આંબેડકરે મહારાષ્ટ્રમાં દલિત નેતાઓનું જે જૂથ બનાવ્યું હતું તેમાં બાબુ હરદાસનો સમાવેશ થતો હતો.
‘જય ભીમ’ નારો બાબુ હરદાસે જ આપ્યો હોવાની નોંધ રામચંદ્ર ક્ષીરસાગર લિખિત ‘દલિત મૂવમેન્ટ્સ ઇન ઇન્ડિયા ઍન્ડ ઇટ્સ લીડર્સ’ નામના પુસ્તકમાં છે.
ગુંડાગીરીની વૃત્તિ ધરાવતા લોકોને અંકુશમાં લેવા અને સમતાનો વિચાર ગામેગામ ફેલાવવો તેવા હેતુ સાથે ડૉ. આંબેડકરે સમતા સૈનિક દળની સ્થાપના કરી હતી. બાબુ હરદાસ આ સમતા સૈનિક દળના સચિવ હતા.
‘જય ભીમ’ નારો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હતો, એવા સવાલના જવાબમાં દલિત પેન્થરના સહસંસ્થાપક જ. વિ. પવારે કહ્યું હતું કે “બાબુ હરદાસે કામઠી અને નાગપુર વિસ્તારના કાર્યકરોનું સંગઠન બનાવ્યું હતું. તેમણે એ સંગઠનના કાર્યકરોને સૂચના આપી હતી કે એકમેકનું અભિવાદન કરતી વખતે નમસ્કાર, રામરામ કે જોહાર માઈબાપ બોલવાને બદલે ‘જય ભીમ’ બોલવું અને તેનો પ્રત્યુત્તર પણ ‘જય ભીમ’ બોલીને જ આપવો.”
“જે રીતે મુસ્લિમો ‘સલામ વાલેકુમ’ના જવાબમાં ‘વાલેકુમ સલામ’ કહે છે તેમ ‘જય ભીમ’ના પ્રતિસાદમાં ‘જય ભીમ’ બોલવું એવું સૂચન તેમણે કર્યું હતું, પણ સમય જતાં ‘જય ભીમ’ની સામે ‘જય ભીમ’ બોલવાનું રૂઢ થઈ ગયું અને તેનું પ્રચલન ચાલુ રહ્યું,” એવું જ. વિ. પવારે કહ્યું હતું.
પવારે રાજા ઢાલે અને નામદેવ ઢસાળ સાથે કામ કર્યું છે અને તેમણે દલિત પેન્થર વિશે એક પુસ્તક પણ લખ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે “આંબેડકર આંદોલનના એક કાર્યકર ભાઉસાહેબ મોરેએ ઔરંગાબાદ જિલ્લાના કન્નડ તાલુકાના મકરણપુર ગામે એક સભાનું આયોજન 1938માં કર્યું હતું. એ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર પણ ઉપસ્થિત હતા. એ સભામાં હાજર લોકોને મોરેએ જણાવ્યું હતું કે હવે પછી આપણે એકમેકનું અભિવાદન કરતી વખતે ‘જય ભીમ’ જ કહીશું. આમ બાબુ હરદાસે આપેલા નારાને ભાઉસાહેબ મોરેએ સમર્થન આપ્યું હતું.”
‘જ્યારે બાબાસાહેબને ‘જય ભીમ’ સંબોધન કરવામાં આવ્યું’
ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડેએ કહ્યું હતું કે “અભિવાદન માટે ‘જય ભીમ’ કહેવાની શરૂઆત ડૉ. બાબાસાહેબના જીવનકાળમાં જ શરૂ થઈ હતી. આંદોલનના કાર્યકરો એકમેકને ‘જય ભીમ’ કહેતા હતા અને કેટલાક કાર્યકર તો સીધા ડૉ. આંબેડકરને જ ‘જય ભીમ’ સંબોધન કરતા હતા. એ સમયે બાબાસાહેબ આવા સંબોધનનો પ્રત્યુત્તર માત્ર સ્મિત વડે આપતા હતા.”
ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડે સેશન્સ કોર્ટના નિવૃત્ત જજ અને દલિત આંદોલનના અભ્યાસુ છે.
બાબુ હરદાસનાં કાર્યો વિશે તેમણે અત્યાર સુધીમાં અનેક લેખો લખ્યા છે અને સંખ્યાબંધ વ્યાખ્યાન આપ્યાં છે.
તેમણે કહ્યું હતું કે “ડૉ. બાબાસાહેબ આંબેડકરે દલિતાના ઉદ્ધાર માટે સમગ્ર મહારાષ્ટ્રમાં શરૂ કરેલા આંદોલનમાં અનેક યુવાનો આપમેળે જોડાયા હતા. બાબુ હરદાસ એ યુવાનો પૈકીના એક હતા.”
‘જય ભીમ’ના સર્જક બાબુ હરદાસ કોણ હતા?
માજી ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડેના જણાવ્યા મુજબ, બાબુ હરદાસને કિશોરાવસ્થાથી જ સામાજિક કાર્યોમાં રસ હતો. 1904માં તેમનો જન્મ થયો હતો અને 1920માં તેઓ સામાજિક આંદોલનોમાં જોડાઈ ગયા હતા. તેમણે નાગપુરની પટવર્ધન હાઇસ્કૂલમાં મેટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમને ‘જય ભીમ’ સૂત્રના પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે.
માજી ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડેએ ઉમેર્યું હતું કે “બાબુ હરદાસે ડૉ. આંબેડકરની પ્રેરણાથી કામઠીમાં ચોખમેળા છાત્રાવાસની સ્થાપના કરી હતી. તેમાં તેમણે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને આશરો આપ્યો હતો. તેમણે મહેનતુ વર્ગના વિદ્યાર્થીઓ માટે તેમણે એક રાત્રિ શાળા પણ શરૂ કરી હતી. બાબુ હરદાસને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હતું અને બહુજન સમાજના બાળકોને અંગ્રેજી આવડવું જોઈએ એવા ઉદ્દેશ સાથે તેમણે એ સમાજના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું.”
“તેમણે 1925માં બીડી કામદારોના સંગઠનની સ્થાપના કરી હતી. વિદર્ભના દલિત તથા આદિવાસી સમાજના લોકો ખેર-ટીમરુંના પાંદડાં એકઠા કરતા હતા, બીડીના કારખાનામાં કામ કરતા હતા અને ઘરેઘરે બીડી બનાવવાનું કામ થતું હતું. બીડીના કારખાનેદારો અને કૉન્ટ્રેક્ટરો આવા લોકોનું શોષણ કરતા હતા. બાબુ હરદાસે તેમનું સંગઠન બનાવીને એ લોકોને તેમના હકના પૈસા મેળવી આપ્યા હતા.” એમ માજી ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડેએ જણાવ્યું હતું.
બીડી કામદારોનું સંગઠન માત્ર વિદર્ભ પૂરતું મર્યાદિત રહ્યું નહીં. 1930માં તેમણે મધ્ય પ્રદેશ બીડી મજૂરસંઘની સ્થાપના કર્યાની નોંધ રામચંદ્ર ક્ષીરસાગર લિખિત ‘દલિત મૂવમેન્ટ્સ ઇન ઇન્ડિયા ઍન્ડ ઇટ્સ લીડર્સ 1857-1956’ પુસ્તકમાં છે.
માજી ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડેએ એમ પણ કહ્યું હતું કે “ડિપ્રેસ્ડ ક્લાસ મિશનનું બીજું અધિવેશન કામઠીમાં યોજવામાં આવ્યું હતું. તેમાં બાબુ હરદાસ સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા અને ડૉ. બાબાસાહેબનું સ્વાગત તેમણે કર્યું હતું. કામઠીમાં ડૉ. બાબાસાહેબ સાથેની મુલાકાત પછી આંદોલન માટેનો તેમનો ઉત્સાહ અનેકગણો વધ્યો હતો.”
વસંત મૂન લિખિત ‘વસ્તી’ પુસ્તકમાં જણાવ્યા મુજબ, 1927માં તેમણે ‘મહારઠઠ્ઠા‘ નામની પત્રિકાની શરૂઆત કરી હતી.
‘વસ્તી’ પુસ્તકનો ગેલ ઓમ્વેટે અંગ્રેજીમાં ‘ગ્રોઇંગ અપ અનટચેબલ’ નામે અનુવાદ કર્યો છે.
બાબુ હરદાસ કવિ અને લેખક હોવાનું પણ વસંત મૂને નોંધ્યું છે.
બાબુ હરદાસ ચૂંટણી લડ્યા અને કહ્યું, ‘હું આંબેડકરના પક્ષમાં છું’
1937ની વિધાનસભા ચૂંટણીમાં ડૉ. આંબેડકરના સ્વતંત્ર મજૂરપક્ષ તરફથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમના હરીફ ઉમેદવાર ધનાઢ્ય વ્યક્તિ હતા. એ વ્યક્તિનો ઉલ્લેખ વસંત મૂને ‘લાલા’ નામે કર્યો છે.
એ લાલાના એક કાર્યકર બાબુ હરદાસ પાસે આવ્યા હતા અને તેમણે બાબુ હરદાસને ઉમેદવારી પાછી ખેંચી લેવા જણાવ્યું હતું.
એ માટે તેઓ મોં માગી કિંમત ચૂકવવા તૈયાર હતા, પણ બાબુ હરદાસે તેમની ઑફર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
બાબુ હરદાસે એ વ્યક્તિને રોકડું પરખાવ્યું હતું કે “હું આંબેડકરના પક્ષનો ઉમેદવાર છું. અમે ભીખ માગવાનું ક્યારનું છોડી દીધું છે. હવે અમે અમારો હક મેળવીને જ જંપીશું.”
આ વાત અહીં પૂરી થતી નથી. એ પછી લાલાએ બબ્બુ ઉસ્તાદ નામના મહાકાય પહેલવાનને બાબુ હરદાસ પાસે મોકલ્યા હતા.
એ પહેલવાને બાબુ હરદાસને કહ્યું હતું કે “તમારી ઉમેદવારી પાછી ખેંચવા માટે શેઠજીએ 10,000 રૂપિયા મોકલ્યા છે. એ તમે નહીં સ્વીકારો તો તેઓ તમારી હત્યા કરાવશે.”
“મારી સાથે કશું ખરાબ થશે તો તેઓ બચશે નહીં એ હું જાણું છું,” એવું બાબુ હરદાસે કહ્યું ત્યારે બબ્બુ પહેલવાને જણાવ્યું હતું કે એ તો પછીની વાત છે, પણ તમારો જીવ ગયા પછી તેનાથી શો લાભ?
એ પછી પણ બાબુ હરદાસ પાછા હઠ્યા ન હતા. તેમણે કહ્યું હતું કે “આગળ શું થાય છે તે જોઈશું.” આ સાંભળીને બબ્બુ પહેલવાન ત્યાંથી ચાલ્યો ગયા હતા.
વિરોધ પક્ષ પાસે પૈસા અને તાકાત બન્ને હોવા છતાં બાબુ હરદાસ ચૂંટણી જીત્યા હતા અને સેન્ટ્રલ પ્રોવિન્સ – બેરારની કાઉન્સિલના સભ્ય બન્યા હતા.
1939માં ક્ષયરોગને કારણે તેમનું અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રામાં દલિતો અને શ્રમિકોનો જનસાગર ઊમટ્યો હતો. કામઠી તથા નાગપુર પરિસરના દલિતો ઉપરાંત ભંડારા તથા ચંદ્રપુર વિસ્તારના બીડીમજૂરો પણ તેમના અંતિમ દર્શન માટે કામઠી આવ્યા હતા.
માજી ન્યાયમૂર્તિ સુરેશ ઘોરપડેએ કહ્યું હતું કે “બાબુ હરદાસના અવસાન પછી ડૉ. બાબાસાહેબે કહ્યું હતું કે મારો જમણો હાથ ચાલ્યો ગયો.”
કામઠીમાં કન્હાણ નદીના કાંઠે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કામઠીમાં તેમનું સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું.
વસંત મૂને તેમના પુસ્તકમાં લખ્યું છે કે “એક ધૂમકેતુ ઝળહળ્યો, તેના પ્રકાશમાં બધા અંજાઈ ગયા અને ક્ષણાર્ધમાં એ તેજ અદૃશ્ય થઈ ગયું હોય એવું બાબુ હરદાસના કિસ્સામાં બન્યું હતું.”
સુબોધ નાગદિવેએ બાબુ હરદાસના જીવન પર આધારિત ‘બોલે ઇન્ડિયા જય ભીમ’ નામની ફિલ્મ પણ બનાવી છે.
‘જય ભીમ’ શા માટે બોલવામાં આવે છે?
બાબાસાહેબ આંબેડકરનું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમના નામનું લઘુ સ્વરૂપ બનાવીને તેમનો જયજયકાર કરવાની પરંપરા મહારાષ્ટ્રમાં શરૂ થઈ અને ધીમે-ધીમે સમગ્ર દેશમાં ‘જય ભીમ’ ફેલાઈ ગયું, એમ સંસદસભ્ય ડૉ. નરેન્દ્ર જાધવે જણાવ્યું હતું.
ડૉ. જાધવે ‘આંબેડકર, અવેકનિંગ ઇન્ડિયાઝ સોશિયલ કોન્શન્શ’ નામનું પુસ્તક લખ્યું છે. તે પુસ્તકને ડૉ. આંબેડકરનું ‘વૈચારિક ચરિત્ર’ ગણાવવામાં આવે છે.
ડૉ. જાધવે કહ્યું હતું કે “જય ભીમનો નારો બાબુ હરદાસે આપ્યો હતો. એ તમામ દલિતો માટે મહત્ત્વનો જયઘોષ છે. દયનીય જીવન જીવતી જ્ઞાતિઓને જે ડૉ. બાબાસાહેબે માણસની જેમ જીવતા શીખવ્યું હતું તે ડૉ. બાબાસાહેબ આંબેડકર આજે અમારા ઈશ્વર છે.”
“તેમણે અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોમાં આત્મસન્માન જગવ્યું હતું. માણસ તરીકે જીવવાનો અધિકાર અને માર્ગ દેખાડ્યો હતો. તેમના નામના પ્રથમ બે અક્ષરનું લઘુરૂપ કરીને તેનો જયઘોષ કરવો એ તેમની સ્તુતિ કરવા બરાબર છે.”
‘જય ભીમ જ વ્યાપક ઓળખ’
‘જય ભીમ’ નારો એક ઓળખ બની ગયો હોવાનો મત વરીષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર ઉત્તમ કાંબળેએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “જય ભીમ માત્ર એક અભિવાદન નથી. એ નારો સમગ્ર ઓળખ બની ગયો છે.”
“આ ઓળખના વિવિધ સ્તર છે. જય ભીમનો નારો સંઘર્ષનું પ્રતીક બન્યો છે. તે સાંસ્કૃતિક ઓળખની સાથે રાજકીય ઓળખ પણ બન્યો છે. તે આંબેડકર આંદોલન સાથેના સંબંધને દર્શાવે છે. મને લાગે છે કે તે ક્રાંતિની વ્યાપક ઓળખ બની ગયો છે,” એવું પણ ઉત્તમ કાંબળેએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે “તેની સાથે જય ભીમ નારો આંદોલનનો આઇકન બની ગયો છે. સૂર્યાની ફિલ્મ જોઈ હશે તો તેમને ખબર હશે કે ક્યાંય જય ભીમ શબ્દ સીધો વાપરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં ડૉ. આંબેડકરનો ‘ભણો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો’ સંદેશો આપવામાં આવ્યો છે. ફિલ્મમાં જય ભીમ નારાને ક્રાંતિના પ્રતીકરૂપે દર્શાવવામાં આવ્યો છે.”
વરિષ્ઠ પત્રકાર મધુ કાંબળે માને છે કે ‘જય ભીમ’ શબ્દ આંબેડકર આંદોલનની સજ્જતાનું પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે “જય ભીમ બોલવું એ માત્ર નમસ્કાર કે નમસ્તે જેવું સરળ નથી. તેનો અર્થ આંબેડકરની વિચારધારાની નજીક હોવું એવો થાય છે. તે શબ્દનો અર્થ એવો છે કે હક માટે લડવા કે સંઘર્ષ કરવા હું તૈયાર છું.”
મહારાષ્ટ્ર બહાર ‘જય ભીમ’ ક્યારથી બોલાવાનું શરૂ થયું?
ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં હિન્દીભાષી રાજ્યોમાં ‘જય ભીમ’ નારો સહજતાપૂર્વક સાંભળવા મળે છે.
આંબેડકરની વિચારધારાનો પ્રસાર પંજાબમાં પણ થયો છે. પંજાબમાં હવે કેવળ નારા સાંભળવા મળતા નથી. ગિન્ની માહી નામનાં લોકપ્રિય ગાયિકા નવ વારની સાડી પહેરીને “જય ભીમ, જય ભીમ, બોલો જય ભીમ” ગીત ગાતાં જોવા મળે છે.
દિલ્હીમાં નાગરિકત્વ કાયદામાં સુધારાના (સીએએ) વિરોધમાં આંદોલન થયું હતું ત્યારે મુસ્લિમ સમુદાયના આંદોલનકર્તાઓએ ડૉ. આંબેડકરના ફોટોગ્રાફ પ્રદર્શિત કર્યા હતા.
આ બાબત દર્શાવે છે કે ‘જય ભીમ’ નારો એક સમુદાય કે ભૌગોલિક સીમા પૂરતો મર્યાદિત રહ્યો નથી.
આ પરિવર્તન કઈ રીતે થયું હશે, એવા સવાલના જવાબમાં ડૉ. નરેન્દ્ર જાધવે કહ્યું હતું કે “બાબાસાહેબનું મહત્ત્વ અને તેમના વિચારોનો પ્રસાર વધવાની સાથે આ નારો સર્વવ્યાપી બન્યો છે.”
“મંડલ પંચ પછી દેશમાં વૈચારિક ઊથલપાથલ થઈ હતી. માત્ર દલિતો જ નહીં, અન્ય કનિષ્ઠ જ્ઞાતિઓમાં પણ ચેતનાનું નિર્માણ થયું હતું. ડૉ. આંબેડકર માનવાધિકારનું, શિક્ષણનું પ્રતીક બન્યા અને સમગ્ર દેશમાં ‘જય ભીમ’નો જયજયકાર થવા લાગ્યો,” એવું ડૉ. નરેન્દ્ર જાધવે ઉમેર્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો