ડૉ. બાબાસાહેબને 'આંબેડકર' બનાવનાર શાળાની તસવીરો

ડૉ.બાબાસાહેબ આંબેડકરે સાતારાની આ શાળામાં 7 નવેમ્બર 1900ના રોજ પ્રવેશ લીધો હતો. આજે આ શાળા પ્રતાપસિંહ હાઈસ્કૂલના નામથી ઓળખાય છે.

બાબાસાહેબ અહીં અભ્યાસ કરતા ત્યારે શાળામાં એકથી ચાર ધોરણ હતાં. તેમણે ચોથા ધોરણ સુધી અહીં જ અભ્યાસ કર્યો હતો.

સાતારા સરકારી શાળા રાજવાડા વિસ્તારમાં એક હવેલી(વાડા)માં ચાલતી હતી. આજે પણ તે ઇતિહાસની સાક્ષી છે. હવેલી 1824માં છત્રપતિ શિવાજીના વારસ પ્રતાપસિંહરાજેએ બનાવી હતી.

તે સમયે રાજ પરિવારની કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે અહીં શાળા ખોલવામાં આવી હતી. જો કે 1851માં આ હવેલી શાળામાં ફેરવવા માટે બ્રિટિશ સરકારને સોંપી દેવાઈ હતી.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના પિતા સુબેદાર રામજી આર્મીમાં હતા. નિવૃત્તિ બાદ તે સાતારામાં સ્થાયી થયા હતા.

7મી નવેમ્બર 1900ના રોજ છ વર્ષીય ભીવા (આંબેડકરનું બાળપણનું નામ)એ સાતારા સરકારી શાળામાં ઍડમિશન(પ્રવેશ) લીધું હતું.

તેમના પિતાએ પ્રવેશ વખતે બાબાસાહેબની અટક આંબડવે ગામ પરથી આંબડવેકર લખી દીધી હતી. આ જ શાળામાં કૃષ્ણાજી કેશવ આંબેડકર શિક્ષક હતા. આથી તેમની આંબેડકર અટક બાબા સાહેબને આપવામાં આવી.

શાળાના રજિસ્ટરમાં ભીવા આંબેડકર નામ નોંધાયેલું છે. તેમાં 1914ના નંબર સામે તેમના હસ્તાક્ષર પણ છે.

આ ઐતિહાસિક દસ્તાવેજને શાળામાં સંરક્ષિત કરીને રાખવામાં આવેલો છે.

આ શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં 1951માં તેનું નામ છત્રપતિ પ્રતાપસિંહ હાઈસ્કૂલ રખાયું.

તેમાં સંઘર્ષ કરીને પણ અભ્યાસ કરનારા મહેનતું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

પલ્લવી રામચન્દ્ર પવાર આ શાળામાં 10મા ધોરણમાં ભણે છે.

તે કહે છે, "ભારતરત્ન ડૉ. બાબાસાહેબ જે શાળામાં ભણ્યા તેમાં ભણવાનો મને ગર્વ છે. દર વર્ષે આંબેડકરજયંતી, શાળા પ્રવેશોત્સવ જેવા દિવસે અહીં કાર્યક્રમો થાય છે."

"જેમાં કાર્યક્રમના મહેમાનો ભાષણમાં જણાવતા હોય છે કે બાબાસાહેબે કેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અભ્યાસ કર્યો. હું પણ તે પરિસ્થિતિ સમજી શકું છું.

"મારાં માતા ઘરકામ કરે છે અને પિતા પેઇન્ટર છે. મારે મોટા થઈને કલેક્ટર (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) બનવું છે."

ધોરણ દસમાં જ ભણતા એક અન્ય વિદ્યાર્થી વિરાજ મહિપતી સોનવલેનું કહે છે, "હું સવારે અખબાર વેચીને શાળામાં ભણું છું. મારી આ પરિસ્થિતિમાં હું બાબાસાહેબનો સંઘર્ષ અનુભવી શકું છું."

"મનમાં હું મારી જાતને કહું છું કે મારી મહેનત તેમની સામે કંઈ નથી. હું બાબાસાહેબની શાળામાં ભણું છું તેની મને ઘણી ખુશી છે. બાબાસાહેબની જેમ મારે પણ સમાજ માટે કામ કરવું છે."

શાળાનાં આચાર્યા શબનમ મુજાવર જણાવે છે, "પ્રતાપસિંહ હાઈસ્કૂલમાં ગરીબ, જરૂરિયાતમંદ વર્ગમાંથી આવતાં બાળકો અભ્યાસ કરે છે. બાબાસાહેબની વિરાસતનું અમે જતન કરી રહ્યા છીએ એ વાતની અમને ખુશી છે."

"પરંતુ આ શાળાને કાયમી આચાર્યની જરૂર છે. શાળાની ઇમારત જૂની થઈ ગઈ છે. અમને નવી ઇમારતની જરૂર છે. અમે વિદ્યાર્થીઓ વધે તેની કોશીશ પણ કરી રહ્યા છે."

પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા કેટલાંક વર્ષો પહેલાં શાળાની ઇમારતને 'માળખાની દૃષ્ટિએ જોખમકારક ઇમારત' જાહેર કરવામાં આવી. તેની જગ્યા બદલવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.

આ જૂની હવેલી ઐતિહાસિક વારસા તરીકે જાણીતી છે.

આજે પ્રતાપસિંહ હાઈસ્કૂલમાં પાંચથી દસ ધોરણ છે અને માત્ર 120 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો