આંબેડકરે સ્થાપેલું મૂકનાયક અખબાર જે 'મૂક' દલિતોનો અવાજ બન્યું

    • લેેખક, સૂરજ યેંગડે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હિંદુસ્તાનનાં કુદરતી પરિબળો અને માનવસમાજને દર્શક એક લેન્સમાંથી ફિલ્મ તરીકે જોશે તો ખ્યાલ આવશે કે તે અન્યાયના અભયારણ્ય જેવું છે અને તેમાં કોઈ શંકાને સ્થાન પણ નથી." એવા વાક્ય સાથે આંબેડકરે પોતાના પ્રકાશન 'મૂકનાયક'ની પ્રથમ આવૃત્તિના પ્રથમ લેખની શરૂઆત કરી હતી.

મૂકનાયકની શરૂઆત 31 જાન્યુઆરી, 1920ના રોજ, આજથી એક સદી પહેલાં થઈ હતી. એક સદીમાં ઘણું બદલાઈ ગયું, પણ આ સ્થિતિ બદલાઈ હોય તેમ લાગતું નથી.

આંબેડકર અને મીડિયા એક સાથે આગળ વધતા રહ્યા હતા. તેમણે ઘણાં અખબારો - પ્રકાશનો શરૂ કર્યાં, સંપાદન કર્યું, ચલાવ્યાં અને સલાહકાર તરીકે મદદ કરતા રહ્યા.

સાથે જ તેમના વિશે અખબારો લખતા રહ્યા હતા. તેમના જમાનામાં આંબેડકર કદાચ સૌથી વધુ પ્રવાસ કરનારા અને સામાજિક ચળવળ ચલાવનારા હતા અને આ કામ તેઓ એકલે હાથે ચલાવતા રહ્યા હતા.

કૉંગ્રેસથી વિપરીત સામાજિક અને આર્થિક સહયોગ વિના આંબેડકરની ચળવળ ગરીબ વર્ગની ચળવળ બની રહી હતી. તેના કારણે તેમનો ટેકેદાર વર્ગ અધિકારોથી વંચિત રહી ગયેલો વેઠ કરનારો વર્ગ જ હતો.

ભાગ્યે જ કોઈ આર્થિક સ્રોત હતા. બહારની કશી મદદ વિના પોતાના ખભા પર જ આંબેડકરે આંદોલન ચલાવવું પડ્યું હતું. આ બાબત અખબારોનું ધ્યાન ખેંચનારી હતી.

આંબેડકરનાં કાર્યોની નોંધ સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય અખબારોમાં લેવાતી રહી હતી.

પ્રાદેશિક પત્રકારત્વમાં આંબેડકરની હાજરી અને તેમનું સંપાદનકાર્ય આપણે જાણીએ છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય અખબારીજગતમાં તેમને મળેલા કવરેજ વિશે આપણે અજાણ છીએ.

લંડનનું ધ ટાઇમ્સ, ઑસ્ટ્રેલિયાનું ડેઇલી મર્ક્યુરી, ન્યૂયૉર્ક ટાઇમ્સ, ન્યૂયોર્ક ઍમસ્ટરડેમ ન્યૂઝ, બાલ્ટિમોર આફ્રો અમેરિકન, ધ નૉરફોક જર્નલ વગેરે પ્રતિષ્ઠિત અખબારોને આંબેડકરની અસ્પૃશ્યતાવિરોધી ઝુંબેશ અને ગાંધીજી સામેની તેમની લડતમાં રસ પડતો રહ્યો હતો.

બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં તેમની ભૂમિકા, સંસદમાં તેમનાં પ્રવચનો, નહેરુ સરકારમાંથી તેમનું રાજીનામું વગેરે ઘટનાઓની વિદેશી અખબારોમાં ઝીણવટપૂર્વક નોંધ લેવાઈ હતી.

મારા આગામી પુસ્તક 'આંબેડકર ઇન બ્લૅક અમેરિકા' માટે મેં સંશોધન કર્યું ત્યારે મને આંતરરાષ્ટ્રીય અખબારોમાં આંબેડકરનાં કાર્યોની વ્યાપક નોંધ મળી આવી છે.

દેશમાં પણ પોતાનાં સામાજિક આંદોલનોને આગળ વધારવા આંબેડકરે પ્રકાશનોનો સહારો લીધો હતો.

તેમણે સૌપ્રથમ મરાઠીમાં 'મૂકનાયક' નામનું પ્રકાશન પ્રાદેશિક ગૌરવની છાંટ સાથે શરૂ કર્યું હતું. બહિષ્કૃત ભારત માટે જ્ઞાનેશ્વરનાં પદો માર્ગદર્શન બન્યાં હતાં, તે રીતે તુકારામનાં પદો મૂકનાયક માટે માર્ગદર્શક બન્યાં હતાં.

પ્રકાશનના માધ્યમથી આંબેડકરે ભારતના અસ્પૃશ્યોના અધિકારની આલબેલ પોકારી હતી.

તેમણે મૂકનાયકના પ્રથમ 12 અંકોનું તંત્રી તરીકે સંપાદન કર્યું હતું અને બાદમાં તેની જવાબદારી પાંડુરંગ ભાટકર અને ત્યાર બાદ ડી. ડી. ઘોલપને સોંપી હતી.

જોકે આંબેડકર ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા રહ્યા તે પછી તેને ચલાવવું મુશ્કેલ બન્યું હતું, તેથી 1923માં જ મૂકનાયકને બંધ કરી દેવું પડ્યું હતું.

જાહેરખબર અને ગ્રાહકો મેળવવા મુશ્કેલ હતા. પ્રારંભિક વર્ષોમાં રાજશ્રી શાહુ મહારાજે સામયિકને આર્થિક સહયોગ આપ્યો હતો.

આંબેડકરના પત્રકારત્વના અભ્યાસુ ગંગાધર પંતવાણે કહે છે કે "મૂકનાયકનું પ્રકાશન અસ્પૃશ્યોની આઝાદીની લડાઈ માટે આશીર્વાદરૂપ હતું. તેના કારણે અસ્પૃશ્યોમાં એક નવી ચેતના ઊભી થઈ હતી." (ref. G Pantawane, Patrakar Dr Babasaheb આંબેડકર, p. 72).

મૂકનાયક બાદ આંબેડકરે 3 એપ્રિલ, 1927ના રોજ બીજું પ્રકાશન "બહિષ્કૃત ભારત" શરૂ કર્યું હતું. મહાડ ચળવળને સફળતાના પગલે આ પત્રિકા શરૂ થઈ હતી.

"બહિષ્કૃત ભારત"ના 43 અંકો બહાર પડ્યા હતા અને 15 નવેમ્બર 1929 સુધી ચાલતું રહ્યું હતું. આર્થિક કારણસર તે પણ બંધ પડી ગયું.

'મૂકનાયક' અને "બહિષ્કૃત ભારત"ની કિંમત બહુ ઓછી હતી - દોઢ આના.

પોસ્ટેજ સહિત વાર્ષિક લવાજમ ફક્ત ત્રણ રૂપિયા હતું. (Pantwane, p. 76). 1928થી 'સમતા' શરૂ થયું અને "બહિષ્કૃત ભારત"ને 'જનતા' એવા નવા નામે પુનર્જીવિત કરાયું.

24 નવેમ્બર, 1930ના રોજ જનતાનો પ્રથમ અંક બહાર પડ્યો અને તે 25 વર્ષ સુધી ચાલતું રહ્યું.

આ રીતે સૌથી વધુ લાંબો સમય પ્રકાશિત થતું રહેલું દલિત પ્રકાશન બની ગયું. 'જનતા'નું નામ આગળ જતા "પ્રબુદ્ધ ભારત" કરી દેવામાં આવ્યું.

આંબેડકરની 1956થી 1961 સુધીની ચળવળ તેના માધ્યમથી ચાલતી રહી. આ રીતે કહી શકાય કે "બહિષ્કૃત ભારત" કુલ 33 વર્ષ ચાલ્યું, જે સ્વતંત્ર ભારતનું કદાચ સૌથી લાંબું ચાલનારું દલિત પ્રકાશન બની રહ્યું.

આ સમયગાળામાં આંબેડકરે પોતાના મિશન માટે સવર્ણ પત્રકારો અને પ્રગતિશીલ પ્રકાશનોનો સહારો લેવાનું પણ ચાલુ રાખ્યું હતું.

તેમણે શરૂ કરેલાં ઘણાં પ્રકાશનોનાં સંપાદનનું કામ બ્રાહ્મણ તંત્રીઓને સોંપવામાં આવેલું.

તેમાં સૌથી જાણીતું નામ છે ડી. વી. નાયકનું (જેમણે સમતા અને બ્રાહ્મણ બ્રાહ્મણેત્તરનું પણ તંત્રીપદું સંભાળેલું). બી. આર. કદ્રેકર ('જનતા') અને જી. એન. સહસ્ત્રબુદ્ધે ('બહિષ્કૃત ભારત' અને 'જનતા') પણ આવા તંત્રીઓ હતા.

દલિત તંત્રીઓ બી. સી. કાંબલે અને યશવંત આંબેડકર 'જનતા'માં સંપાદનની જવાબદારીઓ સંભાળતા હતા.

જોકે "બહિષ્કૃત ભારત" માટે પૂરતા પ્રમાણે લેખકો મળતા નહોતા, તેથી 24-24 કૉલમ ભરવાનું કામ માત્ર તંત્રી પર આવતું હતું.

યશવંત આંબેડકર, મુકુંદરાવ આંબેડકર, ડી. ટી. રૂપવતે, શંકરરાવ ખારત, અને બી. આર કદ્રેકર "પ્રબુદ્ધ ભારત" ચાલતું રહ્યું, ત્યાં સુધી તેના તંત્રી રહ્યા હતા.

દલિત પત્રકારત્વ

આંબેડકરનાં આ પ્રકાશનો સિવાય અન્ય કેટલાંક પ્રકાશનોમાં પણ અસ્પૃશ્યોના મુદ્દાઓ વિશે લખવામાં આવતું હતું. ફૂલે દ્વારા શરૂ થયેલી સત્યશોધક ચળવળ હેઠળ આ પ્રકારના પત્રકારત્વને પ્રોત્સાહન મળ્યું હતું.

ભારતનું પ્રથમ બહુજન અખબાર "દીનબંધુ" કૃષ્ણરાવ ભાલેકરે 1 જાન્યુઆરી, 1877માં શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ સત્યશોધક વિચારધારાને પ્રોત્સાહનનો હતો.

દીનબંધુ અખબારમાં દલિતો અને તેમના અભિપ્રાયોને સ્થાન મળતું હતું. વચ્ચે થોડી મુશ્કેલી સાથે આ અખબાર 100 વર્ષથી વધુની કઠિન યાત્રા કરી શક્યું હતું.

મહાર અગ્રણીઓમાંના એક ગોપાલ બાબા વાલંગકરને પ્રથમ દલિત પત્રકાર ગણવામાં આવે છે.

તેમણે "દીનમિત્ર", "દીનબંધુ" અને "સુધારક"માં દલિત અને અસ્પૃશ્યતાના મુદ્દાઓ પર લખ્યું હતું. (ref. Pantawane). વાલંગકર વિદ્વાન હતા અને તેમણે હિંદુ ધર્મની આલોચનાત્મક વિવેચના કરીને "વીતાલ વિધ્વંસક" નામનું પુસ્તક (1888માં) બહાર પાડ્યું હતું.

તેમણે શંકરાચાર્ય અને બીજા હિંદુ આગેવાનો સામે 26 સવાલો મૂક્યા હતા. (E Zelliot, Dr. Babasaheb Ambedakar and the Untouchable Movement, p. 49; A Teltumbde, Dalits, Past, Present and Future, p. 48).

અન્ય જાણીતા મહાર નેતા શિવરામ જાનબા કાંબલે પત્રકારત્વના માધ્યમથી અસ્પૃશ્યોના અધિકારોની વાત ઉઠાવી હતી.

તેમને સૌપ્રથમ દલિત અખબાર "સોમવંશીય મિત્ર" (1 જુલાઈ, 1908) શરૂ કરવાનું અને તંત્રી બનવાનું બહુમાન જાય છે. [see pic].

દલિત આંદોલનના એક બીજા મોટા નેતા અને નાગપુરની એમ્પ્રેસ મિલના કામદાર આગેવાન કિસાન ફાગોજી બાનસોડે પ્રેસ નાખ્યું હતું અને તેના કારણે સ્વતંત્ર રીતે પ્રકાશનો કરી શક્યાં હતાં.

પોતાના પ્રેસમાંથી તેમણે "મઝૂર પત્રિકા" (1918-22) અને "ચોખામેલા" (1936) પ્રગટ કર્યાં હતાં.

તેમણે 1941માં પોતાના પ્રેસમાંથી ચોખામેલાની જીવનકથા પ્રગટ કરી હતી. 'સોમવંશિય મિત્ર' શરૂ કર્યું તે પહેલાં બાનસોડેએ ત્રણ પ્રકાશનો શરૂ કર્યાં હતાં.

તેમણે મરાઠા દીનબંધુ (1901), અંત્યજ વિલાપ (1906) અને મહારાંચા સુધારક (1907) શરૂ કર્યા હતા.

જોકે આ બધાં પ્રકાશનોને વ્યવસ્થિત સચવાયાં નથી, તેથી બધા અંકો મળતા નથી.

તે વખતના જુદાંજુદાં અખબારોમાં અને સંશોધનોમાં આ પ્રકાશનો માટે બાનસોડે ત્રણ પ્રકાશનો કર્યાં હતાં તેવા ઉલ્લેખો મળતા રહે છે.

આ પ્રકાશનોનો હેતુ કચડાયેલા અસ્પૃશ્યોને એક કરવાનો અને સાથે જ હિંદુ સમાજને સુધારા માટે અપીલ કરવાનો હતો.

આંબેડકરની ચળવળને સમર્થન આપનારાં અન્ય અખબારોમાં દાદાસાહેબ શીર્કેએ શરૂ કરેલું "ગરૂડ" (1926), પી. એન. રાજભોજે શરૂ કરેલું "દલિત બંધુ" (1928), પતિતપાવન દાસે શરૂ કરેલું 'પતિતપાવન' (1932), એલ. એન. હરદાસનું 'મહાર્તા' (1933) અને 'દલિત નિનાદ' (1947) વગેરેનો સમાવેશ થાય છે.

વી. એન. બર્વેએ જ્ઞાતિ વિશેના ગાંધીવિચારોના પ્રચાર માટે "દલિત સેવક" શરૂ કર્યું હતું.

આંબેડકરના પત્રકારત્વ પર સૌપ્રથમ કામ આપાસાહેબ રાણપીસે કર્યું હતું અને "દલિતાંચી વૃત્તપત્રે" એવું પુસ્તક 1962માં પ્રગટ કર્યું હતું.

આ જ વિષય પર ગંગાધર પંચવણેએ પીએચ.ડી. માટે થીસિસ તૈયાર કર્યો હતો અને તે રીતે દલિત પત્રકારત્વ વિશે પ્રથમ સંશોધનાત્મક લેખ 1987માં તૈયાર થયો હતો. તે પછીથી આંબેડકરના પત્રકારત્વ વિશે વધુ ને વધુ અભ્યાસો થતા રહ્યા છે.

આંબેડકરનું પત્રકારત્વનું લેખન કાવ્યમય હતું. તેઓ વિચારોત્તેજક રીતે હરીફોની દલીલોનો જવાબ આપતા હતા.

સાથે જ કિસ્સાઓ અને ઉદાહરણો સાથે પોતાની દલીલો મૂકતા હતા અને તે રીતે દલિતો પર તથા અત્યાચારને પ્રગટ કરતા હતા.

અસ્પૃશ્યો માટેની કલ્યાણની નીતિઓ વિશે લખતા રહેતા હતા. સામાજિક ન્યાય અને રાજકીય સુધારાની બાબતમાં જુદાજુદા રાજકીય પક્ષોની વિચારસરણી શું છે તેના પર અને સરકારની નીતિઓ વિશે આંબેડકર વિસ્તૃતપણે લખતા રહ્યા હતા.

આંબેડકરના પત્રકારત્વનાં લખાણો પરથી જુદાજુદા વિષયો પરના આંબેડકરના વિચારોને આપણે જાણી શકીએ છીએ. તેઓ ઉત્તમ નિબંધકાર હતા અને ચિંતનાત્મક વિચારક હતા.

દલિતમુક્તિ અને દલિતોના જીવનને વ્યક્ત કરતી તસવીરો કલાના નમૂના તરીકે કવર પર પ્રગટ થતી રહેતી હતી.

"બહિષ્કૃત ભારત"ના 15 જુલાઈ, 1927ના અંકમાં આંબેડકરે શિક્ષણમાં બ્રાહ્મણોના વર્ચસ્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મુંબઈના શૈક્ષણિક સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે ઉચ્ચ શિક્ષણમાં બે લાખ વિદ્યાર્થીઓમાંથી હજારો બ્રાહ્મણો હતા, જ્યારે એક પણ અસ્પૃશ્ય વિદ્યાર્થી નહોતો.

સરકારની નીતિને કારણે શૈક્ષણિક રીતે પછાત લોકોને પ્રતિનિધિત્વ જ મળતું નહોતું અને ભારે હાનિ થતી હતી. (ref. P Gaikwad (ed.), Agralekh: "Bahishkrut Bharat" va 'Mooknayak' Dr Bhimrao Ramji Ambedkar).

દલિત આંદોલનોમાં કેન્દ્રસ્થાને હંમેશાં પત્રકારત્વ રહ્યું હતું. દલિતોએ શરૂ કરેલી સામાજિક અને રાજકીય પહેલ સાથે જ પત્રકારત્વ ચાલતું રહ્યું હતું.

આંબેડકરના જમાનામાં હતું તે પ્રમાણે, આજેય અખબારીજગતમાં દલિતોનું પ્રમાણ નગણ્ય છે.

દલિતો અથવા જ્ઞાતિના મુદ્દા પર કેન્દ્રીત હોય તેવું કોઈ મુખ્યધારાનું અંગ્રેજી અખબાર નથી. વિશ્વને દલિતોની દૃષ્ટિએથી રજૂ કરી શકે તેવી કોઈ પ્રકાશન કે મીડિયા સંસ્થા નથી.

દલિતો વિશેની ચીલાચાલુ માન્યતાનો સામનો કરવા માટે દલિત સંચાલિત મીડિયા જ જોઈએ.

આંબેડકર પછી કેટલાંક પત્રકારત્વ પ્રકાશનો દ્વારા તે માટે પ્રયાસો થતા રહ્યા હતા. કાંશીરામે આ દિશામાં કરેલા બૌદ્ધિક પ્રયાસોની પણ અવગણના કરી શકાય તેમ નથી.

આંબેડકરનું પત્રકાર તરીકેનું લખાણ મરાઠીમાં હતું, તેથી તેનો અન્ય ભારતીય ભાષાઓ તથા અંગ્રેજીમાં અનુવાદ કરાવવા માટે હું પ્રયાસો કરી રહ્યો છું.

અંગ્રેજી અનુવાદ તૈયાર થઈ ગયો છે, પણ તે હાલમાં બજારમાં ઉપલબ્ધ નથી. આંબેડકરનાં લખાણો રાષ્ટ્રીય ખજાનો છે અને તેથી તેમના પત્રકારત્વનાં લખાણોનો ભંડાર બીજી ભાષાઓમાં પહોંચાડવો જરૂરી છે.

21મી સદીનું દલિત પત્રકારત્વ

વર્તમાન સમયમાં અભિવ્યક્તિનાં નવાં માધ્યમો ખૂલ્યાં છે, ત્યારે દલિતો તેનો લાભ લઈને સ્વતંત્ર કંપનીઓ ઊભી કરી શક્યા છે.

સોશિયલ મીડિયાનાં જુદાંજુદાં માધ્યમોમાં દલિતોએ પોતાનાં એકાઉન્ટ ઊભાં કરીને આંબેડકરે શરૂ કરેલી સર્જનાત્મક પરંપરાને આગળ વધારી છે.

જોકે નવી ટૅક્નૉલૉજી અને ક્લિક આધારિત પત્રકારત્વ સાથે કેટલીક મર્યાદાઓ પણ આવી છે.

ઇન્ટરનેટ પર સર્ચ કરીને થતું સંશોધન અને અછડતી માહિતીને કારણે ખોટી માહિતી ઇતિહાસ તરીકે પ્રચલિત થઈ છે.

અત્યારના સમયમાં દલિત પત્રકારત્વને સમર્થન મળે તેવો માહોલ જોવા મળતો નથી.

ઑક્ઝફામ અને ન્યૂઝલૉન્ડ્રીએ કરેલા મીડિયા વૈવિધ્ય અંગેના સર્વે આપણને વધારે નિરાશ કરે તેવા છે.

સમાચાર સંસ્થાઓના તંત્રી વિભાગના ટોચના 121 સ્થાનોમાં દલિત અને આદિવાસીઓ જોવા મળતા નથી. તેમાંથી 106 જગ્યાઓ પર "ઉચ્ચ જ્ઞાતિ"ના લોકો બેઠેલા છે, જ્યારે 5 ઓબીસી અને 6 લઘુમતી એ સ્થાન પર હતા.

અંગ્રેજી ભાષામાં આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરવું પડશે અથવા તો એકથી વધુ ભાષામાં કે જેથી બાકીની દુનિયાને દલિતોના મુદ્દાઓ વિશે જાણ કરી શકાય.

યુવા દલિતોએ પત્રકારત્વને કારકિર્દી તરીકે અપનાવવું જોઈએ. હાલની મીડિયા સંસ્થાઓએ દલિત પત્રકારો ઊભા કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ અને દલિત વસાહતોમાં સારી રીતે વાતની રજૂઆત કરી શકનારાને શોધવા જોઈએ.

તેઓએ દલિતોની સંવાદની રીતને સમજવી પડશે, કેમ કે બિનદલિતો ભાવાર્થને સમજી શકતા નથી. દલિતોના નિવાસો અને ઝૂંપડાંઓમાં માનવતા પડેલી છે.

જીવાતા જીવનનો અનુભવ લખાણો અને અભિવ્યક્તિમાં પ્રગટ થઈ શકે છે. તેથી દલિતોની ભાષા, તેમનાં ઉદાહરણો, દાખલા, કહેતીઓ વગેરે રૂઢ થયેલા બ્રાહ્મણીય સ્વરૂપના લેખનમાં બંધબેસતા આવી શકતા નથી.

ઘણી વાર એવું કહેવાય છે કે દલિતોના લખાણમાં ગુણવત્તા નથી હોતી. તેમનાં લખાણોમાં રહેલી ભૂલોને વિચારોની અસ્પષ્ટતા તરીકે જોઈ લેવામાં આવે છે.

દલીલોની નવીનતા અને અલગ પ્રકારના વિચારો બ્રાહ્મણીય મૂડીવાદી વર્ગની પરિભાષામાં બંધબેસતા આવતા નથી. આ વર્ગને પડકારી શકાય તેવી ભાષા કે બાબતો હજી તેઓ તૈયાર કરી શક્યા નથી.

વાચકોનો વિચાર કર્યા વિના ઘણી વાર લખાતું હોય છે. તેમાં બહુ વિદ્વતાપૂર્ણ વાતો હોય છે અને દુર્બોધ શબ્દાવલીઓ હોય છે. તેના કારણે ગરીબ સાથે તેનું અનુસંધાન થતું નથી.

તેથી બ્રાહ્મણ તંત્રીઓએ દલિત લેખકો અને દલિત અપેક્ષાઓ પ્રમાણેની અભિવ્યક્તિને સમજવા માટે પોતાને અને સાથી પત્રકારોને તૈયાર કરવા પડશે.

વ્યાકરણ અને ભાષાકીય ભૂલોના આધારે દલિત લખાણોની અવગણના કંઈ નવી વાત નથી.

બ્રાહ્મણ વર્ગ સામે લડત આપનારા જ્યોતિરાવ ફુલે અને તેમના સમકાલીનોએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણી વાર બ્રાહ્મણ તંત્રીઓ ફુલેના વિચારો કરતાં તેમના વ્યાકરણ પર વધારે ધ્યાન આપતા હતા. (Pantawane, p. 27).

ભાષાકીય વર્ચસ્વનો દલિત તથા સામાજિક સુધારા માટેના આગ્રહ કરનારા બીજા પછાત અને બ્રાહ્મણવિરોધી કાર્યકરો સામે હથિયાર તરીકે ઉપયોગ કરાયો હતો.

દલિત પત્રકારત્વનો પ્રારંભ આમ તો 1 જુલાઈ, 1908ના રોજ થયો હતો, પરંતુ આંબેડકરની લડત અને તેમનાં લખાણોને કારણે 'મૂકનાયક સ્થાપનાદિન'ની ઉજવણી વધારે ભવ્ય રીતે થાય છે.

દલિત દસ્તકના અશોક દાસ ઉત્તર ભારતમાં મોટો કાર્યક્રમ કરવાના છે. આ દિવસની ઉજવણી માટે હું 15 ફેબ્રુઆરી, 2020ના રોજ હાર્વર્ડની પ્રતિષ્ઠિત ઇન્ડિયા કૉન્ફરન્સમાં પેનલ ડિસક્શન ગોઠવવાનો છું.

તેમાં દલિત અને ઓબીસી પત્રકારો — દિલીપ મંડલ, ધુરા જ્યોતિ, યાશિકા દત્ત અને અશોક દાસ ભાગ લેશે. આ પત્રકારો વર્તમાન અખબારીજગતની સ્થિતિ વિશે ચર્ચા કરશે.

(સૂરજ યેંગડે હાર્વર્ડ કૅનેડી સ્કૂલના પોલિટિક્સ ઍન્ડ પબ્લિક પૉલિસીના શોરેન્સ્ટેઇન સેન્ટર ઑન મીડિયાના ફૅલો છે. તેમનું પુસ્તક 'કાસ્ટ મેટર્સ' બેસ્ટ સેલિંગ બન્યું હતું. તેઓ ઇન્ડિયન એક્સપ્રેસની કૉલમ 'દલિતાલિટી' લખે છે અને ચલાવે છે.)

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો