ગાંધીજયંતી : બેજવાબદાર યુવાનથી રાષ્ટ્રપિતા સુધી મહાત્મા ગાંધીની જીવનયાત્રા

    • લેેખક, ડેવિડ હાર્ડિમેન
    • પદ, ઈતિહાસકાર

મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા કહેવામાં આવે છે. તેઓ એક ચતુર રાજનેતા હતા. તેઓ અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની લડાઈ લડ્યા હતા અને ગરીબ ભારતીયોના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો હતો.

અહિંસક વિરોધના તેમણે શીખવેલા મંત્રને આજે સમગ્ર દુનિયામાં આદર સાથે યાદ કરવામાં આવે છે.

અહિંસા અને શાંતિના આ પૂજારી, જેમનો સંબંધ એક શ્રીમંત ખાનદાન સાથે હતો, જેઓ કિશોર અવસ્થામાં બળવાખોર સ્વભાવના હતા, તે ભારતના ગરીબોના પ્રતિનિધિ કેવી રીતે બન્યા, એ જાણીએ.

1869 - શ્રીમંત ખાનદાનમાં જન્મ

તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના રાજાના દિવાન હતા.

બાળક મોહનને તેમનાં માતાએ અહિંસાના સંસ્કાર આપ્યા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ઉતર-પશ્ચિમ ભારતના પોરબંદર રાજ્યમાં બીજી ઑક્ટોબર 1869ના દિવસે થયો હતો.

તેમનો પરિવાર શ્રીમંત હતો. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ (તસવીરમાં) પોરબંદર રજવાડાના દિવાન હતા.

તેમનાં માતા ધાર્મિક પ્રકૃતિનાં હતાં. તેઓ પૂજા-અર્ચના માટે મંદિર જતાં હતાં અને ઉપવાસ પણ રાખતાં હતાં.

માતાએ મોહનને હિંદુ પરંપરા અને મૂલ્યોનું પાક્કું જ્ઞાન આપ્યું હતું.

તેમણે ગાંધીને હંમેશાં શાકાહારી બની રહેવાની સલાહ આપી હતી. બાળક મોહનને માતા પાસેથી ધાર્મિક સહિષ્ણુતા, સાધારણ જીવનશૈલી અને અહિંસાના સંસ્કાર પણ મળ્યા હતા.

1883 - એક બળવાખોર નવયુવાન

ગાંધી એ સમયે મહાત્મા બનવાથી બહુ દૂર હતા.

રાજકોટમાં અભ્યાસ કરવા માટે તેઓ પહેલીવાર પોરબંદરની બહાર ગયા હતા.

બાળકોનો ઉછેર સારી રીતે કરવાના હેતુસર મોહનદાસના પિતા તેમના પરિવારને રહેવા માટે પોરબંદરથી રાજકોટ લાવ્યા હતા. રાજકોટમાં સારા શિક્ષણની વ્યવસ્થા હતી અને મોહનદાસને અંગ્રેજીનું શિક્ષણ આપવામાં આવ્યું હતું.

13 વર્ષની વયે મોહનદાસ ગાંધીનાં લગ્ન કસ્તૂરબા સાથે થયાં હતાં. કસ્તૂરબા રાજકોટનાં રહેવાસી હતાં અને લગ્નસમયે કસ્તૂરબા મોહનદાસથી એક વર્ષ મોટાં એટલે કે 14 વર્ષનાં હતાં. એ સમયગાળામાં મોહનદાસ ગાંધી એક બળવાખોર યુવાન હતા.

એ ઉંમરે મોહનદાસને પોતાનામાં સુધારા કરવાની ઇચ્છા હતી. પોતાની નજરમાં જે કામ પાપ હોય એ કર્યા બાદ મોહનદાસ પ્રાયશ્ચિત કરતા હતા. તેનું વિગતવાર વર્ણન તેમણે તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં કર્યું છે.

મોહનદાસ ગાંધીના પિતા મરણપથારીએ હતા ત્યારે મોહનદાસ પિતાને છોડીને પોતાની પત્ની પાસે ચાલ્યા ગયા હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. એ ઘટના પછી મોહનદાસને પોતાના વ્યવહાર બાબતે બહુ પસ્તાવો થયો હતો.

મોહનદાસનું પહેલું બાળક જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામ્યું હતું, જેને ગાંધીએ પોતાના પાપ માટે ઈશ્વરે આપેલો દંડ ગણ્યું હતું.

પોતાના પિતાના મૃત્યુ સમયે તેમની પાસે ન હોવા બાબતે ગાંધીએ કહ્યું હતું, "હું બહુ શરમ અનુભવતો હતો અને ખુદને અભાગિયો માનતો હતો. હું મારા પિતાના ઓરડા તરફ દોડ્યો હતો. જ્યારે મેં તેમને જોયા ત્યારે વિચાર્યું કે મારા પર વાસના સવાર ન થઈ હોત તો મારા પિતાએ મારા ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા હોત."

1888 - લંડનમાં કાયદાનો અભ્યાસ

વકીલાતના અભ્યાસ દરમ્યાન વેસ્ટર્ન ડાન્સ શીખવાનો પ્રયાસ.

માતાને આપેલા વચનનું સંપૂર્ણ પાલન કર્યું અને માંસાહાર ન કર્યો.

મોહનદાસ મુંબઈની ભાવનગર કૉલેજમાં અભ્યાસ કરતા હતા, પણ તેઓ ત્યાં ખુશ ન હતા. એ સમયે તેમને લંડનના વિખ્યાત ઇનર ટૅમ્પલમાં કાયદાનો અભ્યાસ કરવાનું આમંત્રણ મળ્યું હતું.

પરિવારના વડીલોએ મોહનદાસને સમજાવ્યા હતા કે વિદેશ જશો તો નાતબહાર મૂકી દેવામાં આવશે, પરંતુ બધી મુશ્કેલીઓને અવગણીને ગાંધી અભ્યાસ માટે લંડન ચાલ્યા ગયા હતા.

લંડનમાં મોહનદાસ ગાંધી સંપૂર્ણપણે પશ્ચિમી રંગમાં રંગાઈ ગયા હતા, પણ એ સમયે લંડનમાં ચાલી રહેલા શાકાહારી આંદોલનમાં તેમને ભાઈચારો દેખાયો હતો અને તેઓ તેમાં જોડાઈ ગયા હતા.

એ ઉપરાંત લંડનની થિયોસૉફિકલ સોસાયટીમાંથી પણ તેમને હિંદુ પરંપરાના પાઠ ભણવા મળ્યા અને સ્વદેશ પરત આવવાની પ્રેરણા મળી, જેના સંસ્કાર મોહનદાસને તેમનાં માતાએ આપ્યા હતા.

શાકાહારી ભોજનનો આગ્રહ, શરાબના સેવન અને યૌન સંબંધથી દૂર રહીને મોહનદાસ પોતાનાં મૂળ ભણી પાછા ફરવા લાગ્યા હતા.

થિયોસૉફિકલ સોસાયટીની પ્રેરણાથી તેમણે વિશ્વબંધુત્વને પોતાનો સિદ્ધાંત બનાવ્યો હતો, જેમાં તમામ માનવો અને ધર્મોમાં શ્રદ્ધા ધરાવનારાઓને સમાન દરજ્જો આપવાનું સપનું સમાહિત હતું.

1893 - બેરિસ્ટર સાઉથ આફ્રિકા જવા રવાના

વકીલાતમાં ભારતમાં નિષ્ફળતા મળી, એક ગુજરાતી વેપારીનો મુકદ્દમો લડવા માટે આફ્રિકા પહોંચ્યા.

કાયદાનો અભ્યાસ પૂરો કર્યા બાદ મોહનદાસ ગાંધી ભારત પરત આવ્યા હતા અને વકીલાત કરવા લાગ્યા હતા.

તેઓ તેમનો પહેલો જ કેસ હારી ગયા હતા. એ દરમ્યાન તેમને એક અંગ્રેજ અધિકારીના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

આ ઘટનાથી અત્યંત અપમાનીત થયેલા મોહનદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકામાં કામ કરવાનું આમંત્રણ મળ્યું હતું, જે તેમણે તરત જ સ્વીકારી લીધું હતું.

દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને એક અંગ્રેજે સામાન સહિત ડબ્બામાંથી બહાર ફેંકાવી દીધા હતા.

દક્ષિણ આફ્રિકામાં બિનનિવાસી ભારતીયો સાથે થતા વર્તન અને ભેદભાવના વિરોધમાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી હતી.

ભારતીયોને બાકીના સમાજથી અલગ રાખવાના વિરોધમાં ગાંધીએ દક્ષિણ આફ્રિકાના નાતાલ પ્રાંતમાં આંદોલન શરૂ કર્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના અધિકારો માટેના આ સંઘર્ષ દરમ્યાન જ ગાંધીએ સ્વ-શુદ્ધિકરણ અને સત્યાગ્રહ જેવા સિદ્ધાંતોના પ્રયોગ શરૂ કર્યા હતા. સ્વ-શુદ્ધિકરણ અને સત્યાગ્રહ ગાંધીના અહિંસાના વ્યાપક વિચારનો હિસ્સો હતા.

એ દરમ્યાન ગાંધીએ બ્રમ્હચર્યનું વ્રત લીધું હતું અને ભારતીય પરંપરામાં સાદગીનું વસ્ત્ર ગણાતી સફેદ ધોતી પહેરવાનું શરૂ કર્યું હતું.

1914 - દક્ષિણ આફ્રિકામાં સફળતા

વંશીય ભેદભાવ સામે આંદોલન છેડ્યું, ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી બહાર ફેંકી દેવાની ઘટના એક ટર્નિંગ પૉઇન્ટ હતી.

દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીયો પર લાદવામાં આવેલા ત્રણ પાઉન્ડ ટૅક્સના વિરોધમાં મોહનદાસ ગાંધીએ 1913માં આંદોલન શરૂ કર્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં કામ કરતા ભારતીય મજૂરો, ખાણિયાઓ અને ખેતમજૂરોને એ આંદોલન દરમિયાન મોહનદાસ ગાંધીએ પહેલીવાર સંગઠીત કર્યા અને તેમના અગ્રણી બન્યા.

પાછલાં અનેક વર્ષોના પોતાના સંઘર્ષની મદદથી મોહનદાસ ગાંધીએ 2,221 લોકોની સાથે નાતાલથી ટ્રાન્સવાલ સુધીની વિરોધ પદયાત્રાનો નિર્ણય કર્યો હતો, જેને તેમણે અંતિમ સવિનય અવજ્ઞા એવું નામ આપ્યું હતું.

એ પદયાત્રા દરમિયાન જ ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને નવ મહિનાના કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ તેમણે શરૂ કરેલી હડતાલનો વધુ ફેલાવો થયો હતો. એ પછી દક્ષિણ આફ્રિકાની અંગ્રેજ સરકારે ભારતીયો પર લાદવામાં આવેલો ટૅક્સ પાછો ખેંચવો પડ્યો હતો અને ગાંધીને જેલમાંથી મુક્ત કરવા પડ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ શાસન સામેની ગાંધીની આ જીતનો ઇંગ્લૅન્ડનાં અખબારોએ જોરદાર પ્રચાર કર્યો હતો. એ સફળતા પછી ગાંધી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાવા લાગ્યા હતા.

1915 - ભારત પાછા ફર્યા

દક્ષિણ આફ્રિકામાં પોતાના આંદોલનની સફળતા પછી મોહનદાસ ગાંધી એક વિજેતા સ્વરૂપે સ્વદેશ પાછા ફર્યા હતા. ભારત આવ્યા પછી મોહનદાસ ગાંધી અને કસ્તૂરબાએ રેલવેમાં થર્ડ ક્લાસના ડબ્બામાં ભારતભ્રમણનો નિર્ણય કર્યો હતો.

એ ભારતયાત્રા દરમિયાન ગાંધીએ પોતાના દેશની ગરીબી અને લોકોને જોયા તો તેનો જોરદાર આઘાત લાગ્યો હતો. એ દરમિયાન અંગ્રેજ સરકારના કાળા કાયદા રોલેટ ઍક્ટના વિરોધની જાહેરાત ગાંધીએ કરી હતી.

એ કાયદા હેઠળ સરકારને એવો અધિકાર મળ્યો હતો કે તે કોઈ પણ નાગરિકને ચરમપંથી હોવાની શંકાના આધારે પકડીને જેલમાં ગોંધી શકે.

મોહનદાસ ગાંધીના કહેવાથી સમગ્ર દેશમાંથી હજારો લોકો કાયદાના વિરોધમાં રસ્તા પર ઊતરી પડ્યા હતા. તમામ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં.

એ દરમિયાન અનેક સ્થળે હિંસા ભડકી ઊઠી હતી. અમૃતસરમાં જનરલ ડાયરે 20 હજારથી વધુ લોકોની ભીડ પર ગોળીબાર કરાવ્યો હતો. તેમાં 400થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 1,300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ હત્યાકાંડ પછી ગાંધીને ખાતરી થઈ ગઈ હતી કે તેમણે ભારતની આઝાદીનું આંદોલન શરૂ કરવું જોઈએ.

1921 - ભારતની સ્વાધિનતા માટે સંઘર્ષ

પોતાની વધતી લોકપ્રિયતાને કારણે ગાંધી હવે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મોખરાના નેતા બની ગયા હતા. તેઓ બ્રિટનથી ભારતની આઝાદીના આંદોલનના અગ્રણી પણ બની ગયા હતા.

મહાત્મા ગાંધીએ સંઘર્ષ માટે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને લોકપ્રિય પક્ષ બનાવ્યો હતો. એ પહેલાં કૉંગ્રેસ શ્રીમંત ભારતીયોનું એક જૂથ માત્ર હતી.

ગાંધીએ ધાર્મિક સહિષ્ણુતા અને તમામ ધર્મોની આઝાદીના આધારે ભારત માટે સ્વાતંત્ર્ય માગ્યું હતું. ગાંધીની અહિંસક આંદોલનની અપીલને લીધે થતાં વિરોધ પ્રદર્શનોને ભારતીય સમાજના તમામ વર્ગો તથા ધર્મોનું સમર્થન મળવા લાગ્યું હતું.

તેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ અસહકાર આંદોલનની શરૂઆત કરી. ગાંધીની અપીલ પર ભારતની જનતાએ બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર શરૂ કર્યો હતો.

તેના જવાબમાં બ્રિટિશ શાસકોએ ગાંધીની દેશદ્રોહના આરોપસર ધરપકડ કરી હતી. તેમને બે વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા.

એક અખબારે ગાંધી પર પાખંડનો આક્ષેપ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે 'હું ભારતનો દેશી પોશાક પહેરું છું, કારણ કે એ ભારતીય હોવાની સૌથી આસાન અને કુદરતી રીત છે.'

1930 - આઝાદી માટે મીઠાનો સત્યાગ્રહ

ગાંધીના આંદોલન અને તેમની માગણીઓની અવગણના કરવાનું હવે અંગ્રેજ શાસકો માટે આસાન રહ્યું ન હતું.

તેથી બ્રિટિશ સરકારે ભારતના રાજકીય ભવિષ્ય વિશે વાત કરવા માટે લંડનમાં એક ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું, પરંતુ તેમાં ચર્ચાથી અંગ્રેજોએ તમામ ભારતીયોને દૂર જ રાખ્યા હતા.

તેથી ગાંધી બહુ નારાજ થયા હતા. તેમણે અંગ્રેજોના મીઠાના કાયદા સામે આંદોલન શરૂ કર્યું. એ સમયના બ્રિટિશ કાયદા અનુસાર, ભારતીય નાગરિકો મીઠું એકઠું કરી શકતા ન હતા અને તેનું વેચાણ પણ કરી શકતા ન હતા.

એ કાયદાને કારણે ભારતીયોએ અંગ્રેજો પાસેથી ઊંચી કિંમતે મીઠું ખરીદવું પડતું હતું. ગાંધીએ હજારો લોકો સાથે દાંડીકૂચ શરૂ કરી હતી અને બ્રિટિશ સરકારના પ્રતિકાત્મક વિરોધ સ્વરૂપે મીઠાના કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી અંગ્રેજોએ તેમની ધરપકડ કરી હતી.

ગાંધીનું આંદોલન બહુ વિસ્તરી ગયું હતું. હજારો લોકોએ અંગ્રેજ સરકારને ટૅક્સ તથા મહેસૂલ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આખરે અંગ્રેજ સરકાર ઝૂકવું પડ્યું ત્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન જવા રવાના થયા હતા.

મીઠાના સત્યાગ્રહ પછી એક મુઠ્ઠી મીઠું લઈ ગાંધીએ કહ્યું હતું કે 'આ એક મુઠ્ઠી મીઠાથી હું બ્રિટિશ સામ્રાજ્યના પાયાને લૂણો લગાડી રહ્યો છું.'

1931 - લંડનની ગોળમેજી પરિષદ

ગાંધી લંડનમાં આયોજિત ગોળમેજી પરિષદમાં સામેલ થયેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ હતા.

લંડનની આ પરિષદમાં ભારતીય પરિધાનમાં પહોંચીને ગાંધીએ ભારતની એક શક્તિશાળી છબી પ્રસ્તુત કરી હતી, પરંતુ ગોળમેજી પરિષદ ગાંધી માટે નિષ્ફળ સાબિત થઈ હતી.

બ્રિટિશ સામ્રાજ્ય ભારતને આઝાદ કરવા તૈયાર ન હતું. એ ઉપરાંત મુસલમાન, શીખ અને બીજા ભારતીય પ્રતિનિધિઓ પણ ગાંધીની સાથે ન હતા, કારણ કે ગાંધી તમામ ભારતીયોના પ્રતિનિધિ છે એવું અંગ્રેજોનો લાગતું ન હતું.

જોકે, ગાંધીને બ્રિટિશ બાદશાહ જ્યોર્જ પાંચમાને મળવાની તક મળી. એ ઉપરાંત ગાંધી ત્યાં મિલના મજૂરોને પણ મળ્યા હતા.

આ મુલાકાતોથી ગાંધીને ખૂબ ખ્યાતિ મળી હતી. સાથે તેમણે ભારતની રાષ્ટ્રવાદી માગ માટે બ્રિટિશરોની સહાનુભૂતિ પણ મેળવી હતી.

ગાંધીની બ્રિટન મુલાકાત બાબતે શક્તિશાળી બ્રિટિશ નેતા વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે 'શ્રી ગાંધી, જે એક દેશદ્રોહી અને સરેરાશ દરજ્જાના વકીલ છે તેઓ ખુદને એક ફકીરના સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે એ બહુ ડરામણું અને ઘૃણાસ્પદ છે.'

1942 - ગાંધીનું 'અંગ્રેજો ભારત છોડો' આંદોલન

ગોળમેજી પરિષદમાં પોતાની નિષ્ફળતા બાદ ગાંધીએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.

નાઝીઓ વિરુદ્ધની જંગમાં બ્રિટનને ટેકો આપવા ચર્ચીલે ભારતને કહ્યું ત્યારે ગાંધીએ એ વાતે જીદ પકડી હતી કે ભારતીયો પોતાના જ ઘરમાં અંગ્રેજોના ગુલામ છે ત્યાં સુધી ભારતે બ્રિટનને તેની નાઝીઓ સામેની જંગમાં ટેકો આપવો ન જોઈએ.

હવે ગાંધીએ બ્રિટિશ શાસન વિરુદ્ધ એક નવા અહિંસક આંદોલન 'અંગ્રેજો ભારત છોડો'ની શરૂઆત કરી હતી.

ગાંધી અને તેમનાં પત્ની કસ્તૂરબાને આંદોલનની શરૂઆતમાં જ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. એ પછી ગાંધીને જેલમાંથી મુક્ત કરવાની માગણી સાથે દેશભરમાં હિંસક આંદોલન શરૂ થયું હતું, પરંતુ બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચીલ ઝૂકવા તૈયાર ન હતા.

ગાંધીનાં પત્ની કસ્તૂરબાનું નજરકેદમાં જ મૃત્યુ થયું હતું. તેના ઘણા મહિના પછી 1944માં ગાંધીને પણ નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

'અંગ્રેજો ભારત છોડો' આંદોલન પહેલાં ગાંધીએ કહ્યું હતું કે 'આપણે ભારતને આઝાદ કરાવવું જોઈએ અથવા આ પ્રયાસમાં પોતાનું બલિદાન આપવું જોઈએ.'

'પરંતુ અમે કોઈ પણ કિંમતે આજીવન ગુલામ તરીકે જીવવા રાજી નથી.'

1947 - ભારતને મળી આઝાદી

ભારતીયોમાં આઝાદીની માગણી દિન-પ્રતિદિન પ્રબળ થતી જતી હતી. આખરે મજબૂર થઈને બ્રિટિશ સરકારે ભારતની આઝાદી માટે ચર્ચા શરૂ કરી હતી.

પરંતુ ગાંધી જેના માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા તે પરિણામ આવ્યું નહીં.

માઉન્ટબેટનના પ્લાન અનુસાર, ભારતનું વિભાજન કરીને ભારત અને પાકિસ્તાન નામના બે સ્વતંત્ર દેશ બનાવવામાં આવ્યા હતા.

એ વિભાજન ધાર્મિક આધારે થયું હતું. રાજધાની દિલ્હીમાં દેશની આઝાદીના ઉત્સવની ઊજવણી ચાલતી હતી, પણ એકજૂથ દેશનું ગાંધીનું સપનું ધરાશાયી થઈ ગયું હતું.

વિભાજનને કારણે વ્યાપક પ્રમાણમાં હત્યાઓ થઈ હતી. લગભગ એક કરોડ લોકોએ પોતાનાં ઘરબાર છોડવાં પડ્યાં હતાં.

ગાંધી દુઃખી થઈને દિલ્હી શહેર છોડીને કલકતા માટે રવાના થયા હતા, જેથી હિંસાને રોકીને ત્યાં શાંતિ સ્થાપી શકાય.

1948 - એક મહાન આત્માની હત્યા

દેશના વિભાજનને કારણે જોરદાર હિંસા થઈ હતી. ગાંધી કલકત્તાથી દિલ્હી પાછા ફર્યા હતા, જેથી ત્યાં રહેતા એવા મુસલમાનોનું રક્ષણ કરી શકાય જેમણે પાકિસ્તાન જવાને બદલે ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. ગાંધીએ આવા મુસલમાનોના હક માટે ઉપવાસ આદર્યા હતા.

એ દરમિયાન એક દિવસ તેઓ દિલ્હીના બિરલા હાઉસમાં એક પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે એક કટ્ટરપંથી હિંદુએ તેમના પર હુમલો કર્યો હતો. ગાંધીની છાતીમાં ત્રણ ગોળી મારવામાં આવી હતી.

હિંદુ કટ્ટરપંથીઓના ગઢમાં ગાંધીના મોતની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ મોટા ભાગના ભારતીયો માટે મહાત્મા ગાંધીનું મૃત્યુ એક રાષ્ટ્રીય દૂર્ઘટના હતું. દિલ્હીમાં મહાત્મા ગાંધીની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમાં 10 લાખથી વધુ લોકો સામેલ થયા હતા.

તેમના અંતિમસંસ્કાર યમુનાના કિનારે કરવામાં આવ્યા હતા. અહિંસા અને શાંતિના આ પૂજારીના મોતનો શોક આખી દુનિયાના લોકોએ મનાવ્યો હતો.

ગાંધી જીવંત હતા ત્યાં સુધી અખંડ ભારતનું તેમનું સપનું સાકાર થતું જોઈ શક્યા ન હતા.

મૃત્યુ વિશે ખુદ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે 'મૃત્યુ વચ્ચે જિંદગી પોતાનો સંઘર્ષ ચાલુ રાખે છે. અસત્યની વચ્ચે સત્ય પણ અટલ અડગ રહે છે. ચારે બાજુ અંધારાની વચ્ચે રોશની ચમકતી રહે છે.'

(મૂળ લેખ 1 ઑક્ટોબર, 2019ના રોજ લખાયો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો